दधाना करपद्माभ्यामक्षमालाकमल्डलू|
देवी प्रसीदतु मयि ब्रह्मचारिळ्यनुत्तमा||
Brahmacharini Mata Jivan Katha | દુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણીનું છે. તેમનું પૂજન નવરાત્રીના બીજા દિવસે થાય છે. બ્રહ્મચારિણી માતાનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય, અત્યંત ભવ્ય અનેઆનંદથી પરિપૂર્ણ છે. તેઓ ત્રિભુજા ધરાવે છે. તેમણે જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલ છે.
બ્રહ્મચારિણી માતાની જીવનગાથા | Brahmacharini Mata Jivan Katha
તેમના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયને ત્યાં પુત્રી રૂપે અવતર્યા, ત્યારે નારદજીના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા ઉગ્ર, કઠિન તપ આરંભ્યું હતું. આ દુષ્કર તપને લીધે તે તપશ્ચારિણી કે બ્રહ્મચારિણી નામથી ઓળખાયાં. બ્રહ્મચારિણી એટલે કે તપના ચારિણી - તપનું આચરણ કરનારાં. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-મૂળ ખાઈને પસાર કર્યાં. સો વર્ષ કેવળ શાક ખાઈને પસાર કર્યાં. કેટલાય સમય સુધી કઠિન ઉપવાસ કરતાં કરતાં ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાનાં ભયાનક કષ્ટો ભોગવ્યાં. આ કઠિન તપસ્યા બાદ ત્રણ હજાર વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલાં બીલીપત્રો આરોગી નિત્ય ભગવાન શિવજીની આરાધના કરતાં રહ્યાં. ત્યારપછી તેમણે સૂકાં બીલીપત્રો ખાવાનું છોડી દીધું. હજારો વર્ષ સુધી તેઓ નિર્જળ અને નિરાહાર તપ કરતાં રહ્યાં.
હજારો વર્ષના આ કઠિન તપને કારણે બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મનું એ શરીર એકદમ નબળું પડી ગયું. તેમની આ દશા જોઈને તેમનાં માતા મેના અત્યંત દુઃખી થઈ ગયાં. તેમણે તેમને આ કઠિન તપથી દૂર રહેવા માટે જણાવ્યું. તપસ્યા દરમિયાન તેઓએ પાંદડા - પર્ણ ખાવાનું પણ છોડી દૈતાં તેમનું નામ 'અર્પણા' પણ પડયું.
તેમના તપના કારણે ત્રણેય લોકમાં હાહાકાર મચી ગયો. બધાં દેવો - ઋષિઓ - મુનિઓ - સિદ્ધિજનો આદિ બ્રહ્મચારિણી દેવીના આ તપને અપૂર્વ પુણ્ય સમાન ગણીને તેમની પ્રશંસા કરવા લાગ્યા. છેવટે બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા જણાવ્યું : “હે દેવી ! આજ સુધી કોઈએ આવું કઠોર તપ કર્યું નથી. તમારા આ અલૌકિક કાર્યની પ્રશંસા સર્વત્ર થઈ રહી છે. તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. તમે ભગવાન શિવજીને અવશ્ય પતિ રૂપે પ્રાપ્ત કરી શકશો. માટે હવે તપ કરવાનું બંધ કરી પોતાને ઘેર – હિમાલયને ત્યાં પાછાં ફરો. તમારા પિતા તમને લઈ જશે.” આમ ઉમાજીએ પોતાની ઉગ્ર તપશ્ચર્યા વડે ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે પ્રાપ્ત કર્યાં.
દુર્ગાપૂજાના બીજા દિવસે એટલે નવરાત્રીના બીજા દિવસે એમના આ સ્વરૂપની ઉપાસના - આરાધના કરવામાં આવે છે. આ દિવસે ઉપાસના કરનાર સાધકનું મન 'સ્વાધિષ્ઠાન ચક્ર'માં સ્થિત થાય છે. આ ચક્રમાં અવસ્થિત મનવાળા સાધક-યોગી તેમની ભક્તિ અને કૃપા પ્રાપ્ત કરે છે.
દુર્ગામાતાનું આ બીજું સ્વરૂપ ભક્તો-સાધકો-સિદ્ધોને અનંત ફળ આપનારું છે. તેમની ઉપાસનાથી માનવીમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર અને સંયમની વૃદ્ધિ થાય છે. જીવનના કઠિન સંઘર્ષમાં ય તેમનું મન કર્તવ્યથી કદી વિચલિત થતું નથી.
નવદુર્ગાની જીવનકથા...