सुरासम्पूर्णकलशं रुधिराप्लुतमेव च|
दधाना हस्तपदमाभ्यां कुष्माळ्डा शुभदास्तु मे ||
Kushmanda Mata Jivan Katha | દુર્ગામાતાના ચોથા સ્વરૂપનું નામ કુષ્માન્ડા માતા છે. નવરાત્રી-પૂજનના ચોથા દિવસે કુષ્માન્ડા દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે. કુષ્માન્ડા દેવી અષ્ટભુજાવાળાં છે. તેમની સાત ભુજામાં અનુક્રમે કમંડળ, ધનુષ, બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર અને ગદા છે. આઠમી ભુજામાં સર્વ સિદ્ધિઓ અને નિધિઓ આપનારી માળા છે. તેમનું વાહન વાઘ છે.
જયારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું, ચારેબાજુ અંધકાર જ અંધકાર વ્યાપેલ હતો, જે સમયે બ્રહ્માંડનું અસ્તિત્વ જ નહોતું, ત્યારે કુષ્માન્ડા દેવીએ પોતાના 'ઈષત્' હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. માટે આ જ દેવી આદિસ્વરૂપા કે આદિશક્તિ છે.
તેમનો નિવાસ સૂર્યમંડળના ભીતરી લોકમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ કેવળ તેમનામાં છે. તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેદીપ્યમાન અને પ્રકાશિત છે. તેમનાં તેજની તુલના તેમનાથી જ કરી શકાય છે. અન્ય કોઈપણ દેવ-દેવી તેમનાં તેજ અને પ્રભાવની સમાનતા કરી શકતાં નથી. તેમનાં તેજ અને પ્રકાશથી દશે દિશાઓ પ્રકાશિત રહે છે. બ્રહ્માંડની દરેક વસ્તુઓ અને પ્રાણીઓમાં પ્રસ્થાપિત તેજ તેમની જ છાયા છે.
તેમને આઠ ભુજાઓ છે, તેથી તેઓ અષ્ટભુજા દેવી નામે પણ પ્રખ્યાત છે. સંસ્કૃતમાં કુષ્માન્ડા કોળાને કહે છે. બલિમાં કુષ્માન્ડા - (કોળા)ની બલિ તેમને અત્યંત પ્રિય છે. આને કારણે પણ તેમને કુષ્માન્ડા કહેવામાં આવે છે.
નવરાત્રી-પૂજનના ચોથા દિવસે સાધકનું મન 'અનાહત ચક્ર'માં રહેલ હોય છે. માટે આ દિવસે સાધકે અત્યંત પવિત્ર અને એકાગ્ર મનથી કુષ્માન્ડા દેવીના સ્વરૂપને ધ્યાનમાં રાખી પૂજા-ઉપાસના- આરાધનાના કાર્યમાં જોડાવું જોઈએ. માના ભક્તિમાર્ગે થોડાંક ડગલાં આગળ માંડવાની સાથે ભક્ત સાધકને તેમની કૃપાનો સૂક્ષ્મ અનુભવ થવા માંડે છે. આ દુઃખરૂપ સંસાર તેના માટે અત્યંત સુખદ અને સુગમ બની જાય છે. માની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગ- શોકનો નાશ થાય છે. સાધક આધિ-વ્યાધિથી મુક્ત થઈ સમૃદ્ધિ અને ઉન્નતિ પ્રાપ્ત કરે છે. આયુષ્ય-યશ-બળ-આરોગ્યની વૃદ્ધિ થાય છે.
કુષ્માન્ડા દેવી અતિ અલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થઈ જાય છે. જો સાધક સાચા હૃદયથી એમના શરણાગત બની જાય તો તેને અત્યંત સરળતાથી પરમ પદની પ્રાપ્તિ થઈ શકે છે. પોતાની લૌકિક અને પારલૌકિક ઉન્નતિ ઈચ્છનારાઓએ મા કુષ્માન્ડા ની ઉપાસનામાં સદાય તત્પર રહેવું જોઈએ.