દિવસ અને રાત્રી પણ એકાકાર થઈ જાય છે તે દિવ્ય દિવસો એટલે- શક્તિઆરાધનાના નવલાં નોરતાંના નવ દિવસ. ગણત્રીમાં છેલ્લે આવતો નવ(૯) પૂર્ણ અંક છે. તે પછી આગળ વધવા શૂન્યનો સમન્વય સાધવો અનિવાર્ય થઈ પડે છે.
શિવ-શક્તિની, પૂર્ણની પૂર્ણ આરાધના કરતાં કરતાં દિવસ અને રાત્રીના ભેદ મટી જાય ત્યારે ફેમીનીઝમ, વોકેઈઝમ જેવાં સંકુચિત ખ્યાલોમાં, ટૂકડામાં રાચતાં ઈઝમોનું સાવ નિરર્થક હોવું સિદ્ધ થાય છે. `ટૂકડે-ટૂકડે' માનસિકતા (કમ્પાર્ટમેન્ટલ થિન્કગ)ની બિમારીનો એક માત્ર ઉપાય- એકાત્મ દર્શનની પરમ ચેતનાનું પ્રાગટ્ય. નવરાત્રીએ રચાતા રાસમાં રાસની સિવાયની ઓળખો શૂન્ય સ્તરે હોય છે. આવા સ્તરે ન પહોંચાય ત્યાર સુધી એ નૃત્ય છે. આવા સ્તરે નહીં જ પહોંચવાની નેમ હોય ત્યારે એ નર્યો ડાન્સ છે.
ઐક્યની, ઐક્યમાં રહેલી અખંડિતતાની, અખિલ બ્રહ્માંડની અનુભૂતિ માટેની શક્તિઆરાધના એ અખિલાઈની સાધના છે. આ સાધના પરિપૂર્ણ ત્યારે બને છે જ્યારે નવ ખંડથી આગળ વધીને નવ ગ્રહો સાથે, અને નવ નિધિથી આગળ વધીને નવધા ભક્તિ સાથે અનુસંધાન કેળવવાની અનન્ય સંકલ્પશક્તિ જાગે છે. ૯ (નવ) રાત્રીએ શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, કૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રી, મહાગૌરી, સિદ્ધિદાત્રી એમ ૯ દુર્ગાનાં ગુણસમુચ્ચય-મૂલ્યોના પથ પર પ્રશસ્ત થવું એટલે પૂર્ણતા તરફની વ્યષ્ટિથી (વાયા સમષ્ટિ-સૃષ્ટિ) પરમેષ્ટિની યાત્રાએ ચાલી નીકળવું.
માત્ર આજે નહીં, યુગો-યુગોથી સત્કાર્યની યાત્રામાં રાક્ષસોનો ઉપદ્રવ થતો આવ્યો છે. લવજેહાદ એ રાક્ષસોનું મારિચી સ્વરૂપ છે. કાયરોએ જ રૂપ બદલવું પડે છે. રાક્ષસોનું સૌથી પ્રિય કાર્ય છે- યજ્ઞને અપવિત્ર કરવો. નવરાત્રી એ અનુષ્ઠાન છે, યજ્ઞકાર્ય છે. રાક્ષસો યજ્ઞથી દૂર ભાગે એ શ્રીરામનો પ્રભાવ છે. શ્રીરામકાજ માથે લેનાર બજરંગીશક્તિ લવજેહાદીઓને પડકારે એ સહજકર્મ છે.
નવરાત્રીના અનુષ્ઠાન પછી મહિષાસુરમર્દિની દુર્ગાના આશીર્વાદ ઉતરે ત્યારે વિજયાદશમીએ શ્રીરામના હાથે રાવણનો વધ અટલ છે. વીરોનું સીમોલ્લંઘન અટલ છે. પૂજિત અસ્ત્ર-શસ્ત્રો થકી વિજયના સંકલ્પનું સાકાર થવું અટલ છે.
નવરાત્રીમાં માની આરતી પછી આદ્યશક્તિની સ્તુતિ અચૂક થતી હોય છે. તેમાં છેલ્લે છેલ્લે ગાઈએ છીએ.. અંતર થકી અતિ ઉર્મિ થતાં ભવાની, ગાઉં સ્તુતિ તવ બળે નમીને મૃણાનિ..
માં અંબા-ભવાનીનાં અનેક રૂપો પૈકીનું દુર્ગાનું આ મૃણાનિ સ્વરૂપ એટલે જ માતૃભૂમિ, જગતમાતા ભારતી! જેને વંદન કરતાં ‘वंदे मातरम्’ગાનની રચના ૧૮૭૦માં થયેલી. તેના ઉદઘોષ સાથે અગણિત ક્રાંતિવીરોએ ફાંસીના ફંદાને હસતાં હસતાં ચૂમી લીધેલો. પોતાના સર્વસ્વનું બલિદાન આપેલું.
શ્રીરામને સ્વર્ગથી ય પ્રિય જનની અને જન્મભૂમિ છે. તેઓ શ્રી લક્ષ્મણજીને કહે છે કે,
अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ॥
રા. સ્વ. સંઘે પ્રારંભેલા જન્મભૂમિના - `મા ભારતી'ના અવિરત અનુષ્ઠાનના શતાબ્દીવર્ષનો શુભારંભ પણ આ વિજયાદશમીએ થવા જઈ રહ્યો છે. `સાધના સાપ્તાહિક'નો; રાષ્ટ્રના સમવેત સ્વરોને શબ્દબદ્ધ કરી સંચારિત કરવાના નારદીય યજ્ઞનો પણ વિજયાદશમીએ શુભારંભ થયેલો.
જનની અને જન્મભૂમિને ગૌરવ મળે એવાં કાર્ય કરવાં , એ જ રામકાજ! રામકાજ એ જ રાષ્ટ્રકાર્ય. આવાં સર્વ કાર્યોથી મનની અયોધ્યામાં અને તેને પગલે રાષ્ટ્રમાં શ્રીરામરાજ્યની પુનઃ પ્રસ્થાપના થવી સાવ સહજ છે. રાષ્ટ્રકાર્યના સૌના સર્વ સંકલ્પો સાકાર થાય તેવી શુભકામનાઓ!