सिंहासनगता नित्यं पद्माश्रितकरद्या|
शुभदास्तु सदा देवी स्कन्दमाता यशस्विनी||
માતા દુર્ગાના પાંચમા સ્વરૃપને સ્કન્દમાતાના નામથી ઓળખવામાં આવે છે. ભગવાન સ્કંદની માતા હોવાથી તેમનું નામ સ્કન્દ માતા પડ્યું. તેમની ઉપાસના નવરાત્રિના પાંચમા દિવસે કરવામાં આવે છે. તેમના ખોળામાં ભગવાન સ્કંદ બાળસ્વરૃપે બિરાજમાન હોય છે. આ દિવસે સાધકનું મન વિશુદ્ધ ચક્રમાં સ્થિત થાય છે. આ ક્રિયામાં મન પરોવનાર સાધક તમામ બાહ્યક્રિયાઓ અને ચિત્તવૃત્તિમાંથી લોપ થાય છે. તેમનું મન તમામ લૌકિક, સાંસારિક, માયાના બંધનોમાંથી વિમુક્ત થઇ માતાના સ્વરૃપમાં પરોવાય છે અને તમામ મનોકામના પૂરી થાય છે. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને કારણે તેમનો ઉપાસક અલૌકિક તેજથી દૈદિપ્યમાન થાય છે.
સ્કન્દમાતાના સ્વરૂપમાં ભગવાન સ્કન્દજી બાળ રૂપે હોવાને લીધે દુર્ગામાતાના આ પાંચમા સ્વરૂપને સ્કન્દમાતાના નામે ઓળખવામાં આવે છે. તે ત્રિનેત્રા અને ચાર ભુજા ધરાવે છે. તેઓ જમણી બાજુની ઉપરની ભુજા દ્વારા ભગવાન સ્કન્દને પોતાના ખોળામાં રાખે છે. ડાબી બાજુની ઉપરવાળી ભુજા વરમુદ્રામાં છે. ઉપર બેઠેલ બીજી બે કમળો છે તેમનું વાહન સિંહ છે. તે સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી છે.
શાસ્ત્રમાં નવરાત્રી-પૂજનના પાંચમા દિવસનું પુષ્કળ મહત્ત્વ કહેવામાં આવ્યું છે. ‘વિશુદ્ધ ચક્ર'માં અવસ્થિત મનવાળા સાધકની સમસ્ત બાહ્ય ક્રિયાઓ અને ચિત્તવૃત્તિઓનો લોપ થઈ જાય છે. તે વિશુદ્ધ ચૈતન્યસ્વરૂપ તરફ આગળ વધતો જાય છે. તેનું મન સમસ્ત લૌકિક, સાંસારિક, માયિક બંધનોમાંથી વિમુક્ત થઈને પદ્માસના સ્કન્દમાતાના સ્વરૂપમાં પૂર્ણ તલ્લીન થઈ જાય છે. આ સમયે સાધકે પૂર્ણ સાવધાની સાથે ઉપાસના તરફ વધવું જોઈએ. સાધકે પોતાના સમસ્ત ધ્યાન-વૃત્તિઓને એકાગ્ર રાખી સાધનાપથ પર આગળ વધતા રહેવું જોઈએ.
સ્કન્દમાતાની ઉપાસનાથી બાળરૂપ ભગવાન સ્કન્દની ઉપાસના પણ આપોઆપ થઈ જાય છે. આ વિશેષતા કેવળ તેમને જ મળેલ છે, તેથી સાધકે સ્કન્દમાતાની ઉપાસના તરફ વિશેષ ધ્યાન આપવું જોઈએ. સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી હોવાને લીધે તેમનો ઉપાસક અલૌકિક તેજ અને કાંતિથી સંપન્ન થઈ જાય છે. એક અલૌકિક પ્રભામંડળ અર્દશ્યભાવે સદા તેના ચતુર્દિક પરિવ્યાપ્ત રહે છે. આ પ્રભામંડળ પ્રતિક્ષણ તેના યોગક્ષેમનું નિર્વહન કરે છે.
સ્કન્દમાતાની ઉપાસનાથી સાધકની સર્વ ઈચ્છાઓ - મનોરથો પૂર્ણ થાય છે. તો આ સંસારમાં પરમ શાંતિ અને સુખનો . અનુભવ કરે છે. એના માટે મોક્ષનું દ્વાર આપોઆપ સુલભ થઈ જાય છે.