Katyayani devi jivan katha | દુર્ગામાતાના છઠ્ઠા સ્વરૂપને કાત્યાયની કહેવામાં આવે છે. નવરાત્રી-પૂજનના છઠ્ઠા દિવસે કાત્યાયની દેવીના સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે.
चंन्द्रासोज्जवलकरा शार्दूलवरवाहना|
कात्यायनी शुभं दध्यादेवी दानवघातिनी||
કાત્યાયની દેવીની જીવનગાથા | Katyayani devi jivan katha
કાત્યાયની દેવીનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. તેમનો વર્ણ સ્વર્ણ સમાન ચમકદાર અને તેજોયમાન છે. તેમને ચાર ભુજાઓ છે. માતાજીનો જમણી બાજુનો ઉપરવાળો હાથ અભયમુદ્રામાં છે, નીચેનો હાથ વરમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ સુશોભિત છે. તેમનું વાહન સિંહ છે.
કત નામના એક પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમના પુત્રનું નામ કાત્ય ઋષિ હતું. આ જ કાત્યના ગોત્રમાં વિશ્વપ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયન થયા. તેમણે ભગવતી પરામ્બાની ઉપાસના કરતા કરતા ઘણાં વર્ષો સુધી કઠિન તપ કર્યું હતું. તેમની એવી ઇચ્છા હતી કે મા ભગવતી તેમને ત્યાં પુત્રી રૂપે અવતરે. તેમની ભક્તિથી ખુશ થઈ મા ભગવતીએ તેમની પ્રાર્થનાનો સ્વીકાર કર્યો હતો.
થોડા સમય પછી જ્યારે મહિષાસુરનો અત્યાચાર જગત ઉપર ઘણો વધી ગયો ત્યારે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ ત્રણેય દેવોએ પોતપોતાના તેજનો અંશ આપીને મહિષાસુરના વિનાશ માટે એક દેવીને ઉત્પન્ન કર્યાં. મહર્ષિ કાત્યાયને સર્વ પ્રથમ તેમની પૂજા કરી. આ કારણે તેઓ કાત્યાયની તરીકે પ્રખ્યાત થયાં.
એવી પણ એક કથા છે કે તેઓ મહર્ષિ કાત્યાયનને ત્યાં પુત્રી રૂપે ઉત્પન્ન થયાં હતાં. આસો વદ ચૌદશે જન્મ લઈ સુદ સાતમ- આઠમ-નોમ ત્રણ દિવસ સુધી તેમણે કાત્યાયન ઋષિની પૂજા ગ્રહણ કરી દશમીએ મહિષાસુરનો વધ કર્યો હતો.
ભગવાન શ્રીકૃષ્ણને પતિ રૂપે પામવા માટે વ્રજની ગોપીઓએ કાત્યાયની દેવીની પૂજા કાલિંદી-યમુના તટે કરી હતી. તેઓ વ્રજમંડળના અધિષ્ઠાત્રી દેવી રૂપે પણ પ્રતિષ્ઠિત છે.
નવરાત્રી-પૂજનના છઠ્ઠા દિવસે સાધકનું મન 'આજ્ઞા-ચક્ર'માં સ્થિર થયેલ હોય છે. યોગસાધનામાં આ ચક્રનું અતિ મહત્ત્વપૂર્ણ સ્થાન છે. આ ચક્રમાં સ્થિત મનવાળો સાધક મા કાત્યાયનીનાં ચરણોમાં પોતાનું સર્વસ્વ અર્પણ કરી દે છે. સંપૂર્ણ આત્મદાન કરનારા આવા ભક્તને સહજભાવે કાત્યાયની દેવીનું દર્શન પ્રાપ્ત થઈ જાય છે. દેવીની ભક્તિ અને ઉપાસના દ્વારા સાધકને ઘણી સરળતાથી અર્થ - ધર્મ - કામ - મોક્ષ આદિની પ્રાપ્તિ થઈ જાય છે. તે આ લોકમાં રહીને અલૌકિક તેજ અને પ્રભાવયુક્ત થઈ જાય છે. તેના રોગ-શોક-સંતાપ-ભય આદિનો નાશ થાય છે. તેમનો ઉપાસક નિત્ય તેમના સાંનિધ્યમાં રહીને પરમપદનો અધિકારી બની જાય છે.