एकवेळी जपाकर्णपूरा नग्ना खरास्थिता|
लम्बोष्ठी कर्ळिकाकर्ळी तैलाभ्यक्तशरीरिळी||
वामपादोल्लसल्लोहलताकळ्टकभूषळा|
वर्धनमूर्धध्वजा कृष्णा कालरात्रिभयंकरी||
Kalratri Mata Jivan Katha | દુર્ગામાતાનું સાતમું સ્વરૂપ કાળરાત્રિનું છે. નવરાત્રી-પૂજનના સાતમા દિવસે કાળરાત્રિ માતાની પૂજન - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.
કાલરાત્રિની જીવનગાથા | Kalratri Mata Jivan Katha
કાળરાત્રિ માતાના દેહનો રંગ ગાઢ અંધકારની જેમ એકદમ કાળો છે. તેમના માથાના વાળ વિખરાયેલા છે. ગળામાં વિદ્યુતની જેમ ચમકનારી માળા છે. તેમને ત્રણ નેત્રો છે. એ ત્રણે નૈત્રો બ્રહ્માંડની જેમ ગોળ છે. તેમાંથી વીજળી જેવા ચમકારો થતા રહે છે.
તેમની નાસિકા શ્વાસોચ્છ્વાસથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ છે. તેમને ચાર ભુજાઓ છે. ઉપર ઊઠેલા જમણા હાથની વરમુદ્રાથી સર્વને વર પ્રદાન કરે છે. જમણી બાજુનો નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરવાળા હાથમાં લોખંડનો કાંટો તથા નીચેવાળા હાથમાં ખડ્ગ છે.
કાળરાત્રિ માતાનું સ્વરૂપ દેખાવમાં અત્યંત ભયંકર - ભયાનક લાગે છે, પણ તે કાયમ શુભ ફળ આપનાર હોવાથી એમનું એક નામ 'શુભંકરી' પણ છે. તેમનાથી કોઈપણ ભક્તે ભયભીત થવાની અથવા આશંકા લાવવાની જરૂરત નથી. તેમની ઉપાસનાથી થનારાં શુભોની ગણતરી થઈ શકતી નથી.
નવરાત્રી-પૂજનના સાતમા દિવસે સાધકનું મન 'સહસ્ત્રાર ચક્ર'માં સ્થિત થયેલ હોય છે. તેમના માટે બ્રહ્માંડની સમસ્ત સિદ્ધિઓનાં દ્વાર ઊઘડવાં માંડે છે. આ ચક્રમાં સ્થિત સાધકનું મન સંપૂર્ણપણે કાલરાત્રિ માતાના સ્વરૂપમાં અવસ્થિત રહે છે. તેમનાં સાક્ષાત્કારથી મળનારા પુણ્યનો તે ભાગીદાર બની જાય છે. તેના સમસ્ત પાપો- વિઘ્નોનો નાશ થઈ જાય છે.
કાળરાત્રિ માતાના સ્વરૂપ-વિગ્રહને પોતાના હૃદયમાં સ્થાન આપીને સાધકે નિષ્ઠાપૂર્વક તેમની ઉપાસના કરવી જોઈએ. યમ- નિયમ-સંયમનું પૂર્ણ પાલન કરવું જોઈએ. મન-વચન-કાયાની પવિત્રતા રાખવી જરૂરી છે.
કાળરાત્રિ માતા દુષ્ટોનો વિનાશ કરનારાં છે. તેમના સ્મરણ- માત્રથી રાક્ષસ-ભૂત-પ્રેત આદિ ભયભીત થઈ નાસી જાય છે. તેઓ ગ્રહ-બાધાઓને પણ દૂર કરનારાં છે. તેમના ઉપાસકને અગ્નિભય- જળભય-જંતુભય-શત્રુભય-રાત્રીભય આદિ ક્યારે ય લાગતા નથી. તેમની કૃપાથી સાધક સર્વ રીતે ભયમુક્ત રહી શકે છે.