માતાજીનો મંત્ર
श्वेते वृषे समरूढा श्वेताम्बराधरा शुचिः।
महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा।।
મહાગૌરીની જીવનગાથા | Mahagauri mata Jivan Katha
Mahagauri mata Jivan Katha | મહાગૌરીનો વર્ણ સંપૂર્ણ ગૌર છે. તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવે છે. તેમની મુદ્રા અત્યંત શાંત છે. તેમનાં બધાં આભૂષણો ને વસ્ત્રો સફેદ છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનો ઉપરનો જમણો હાથ અભયમુદ્રામાં છે. નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે. તેમનું વાહન વૃષભ છે.
પોતાના પાર્વતી રૂપમાં ભગવાન શિવજીને પ્રાપ્ત કરવા માટે તેમણે ઘણું કઠોર તપ કર્યું હતું. આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું હતું. તેમના તપથી પ્રસન્ન અને સંતુષ્ટ થયેલ ભગવાન શિવજીએ તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી ધોયું, ત્યારે તેઓ વિદ્યુત્પ્રભા જેવા અતિ કાંતિમાન - ગૌર થઈ ગયાં હતાં. ત્યારથી તેઓ 'મહાગૌરી'ના નામથી ઓળખાવાં લાગ્યાં.
પુરાણમાં એમના મહિમાનાં ઘણાં આખ્યાન અપાયાં છે. મહાગૌરીના ધ્યાન-સ્મરણ, પૂજન-ઉપાસના-આરાધના ભક્તો માટે કલ્યાણકારી છે. તેમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. ભક્તોનાં કષ્ટો દૂર થાય છે. પૂર્વસંચિત પાપો નાશ પામે છે. ભવિષ્યમાં પાપ-સંતાપ-દુઃખ તેની પાસે ક્યારે ય આવતા નથી. તેમની ઉપાસનાથી આર્તજનોનાં અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે. આથી એમનાં ચરણોમાં શરણ પામવા માટે સાધકે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જરૂરી છે.