ઈશા ફાઉન્ડેશન પર પણ મનઘડંત આરોપો - લેફ્ટ લિબરલ ગેંગનો સનાતન વિરોધી ખેલ

09 Oct 2024 15:20:46

Reality of Sadhguru in gujarati

સદ્ગુરૂનું સત્ય? લેફ્ટ લિબરલ ગેંગનો સનાતન વિરોધી ખેલ

ગયા સપ્તાહે એક સનસનીખેજ સમાચાર આવ્યા. સદ્ગુરુ જગ્ગી વાસુદેવ પર આરોપ લાગ્યો કે તેઓએ અનેક યુવતીઓનું બ્રેઈન વોશ કરીને તેમને બળજબરીપૂર્વક બ્રહ્મચારિણી કે સંન્યાસિની બનાવી છે. આ સમગ્ર મામલો એક પ્રોફેસરની બે દીકરીઓ - લતા અને ગીતાને કારણે ચર્ચાનું કેન્દ્ર બન્યો. તામિલનાડુના મદ્રાસના એક રિટાયર્ડ પ્રોફેસરે થોડા દિવસો પહેલાં મદ્રાસ હાઈકોર્ટમાં એક અરજી કરી હતી અને સદ્ગુરુ અને ઈશા ફાઉન્ડેશન પર આરોપ લગાવ્યો હતો કે., એ લોકોએ તેમની બે દીકરીઓને ઘણાં વર્ષોથી બંધક બનાવીને રાખી છે. આ સમાચાર અખબારોમાં ચમકતાં જ હાહાકાર મચી ગયો કે, અરેરે.. સદ્ગુરુ આવું કરે છે?
 
નેરેટિવ કે સનાતન વિરોધી ઇકો સિસ્ટમ વગેરે વિશે ઊંડાણપૂર્વક જાણનારા લોકો તો માની પણ ગયા કે, સદ્ગુરુએ ખોટું કર્યું કહેવાય. પણ આ વાતને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. આ આખો ખેલ સનાતનને નીચું દેખાડવા ખેલાયો છે અને તેમની ઇકોસિસ્ટમને કારણે આ મુદ્દો રાતોરાત બધાં અખબારો, ટીવી ચેનલો, સોશિયલ મિડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે.
 
પહેલાં સમજીએ કે આ અરજી થતાં જ રાતોરાત સદ્ગુરુ પર કેવાં એક્શન લેવાયાં. આપણે ત્યાં ચોર, લૂંટારા, ગુનેગાર, બળાત્કારીઓની તપાસ કરતાં મહિનાઓ અને વરસો લાગી જાય છે પણ તામિલનાડુની હિન્દુવિરોધી સરકારના કારણે તાબડતોબ તપાસ થઈ અને સદ્ગુરુ પાસે જવાબો મંગાયા. આ મામલામાં મદ્રાસ હાઈકોર્ટે સદ્ગુરુ અને ઈશા ફાઉન્ડેશનને એવા સવાલ કર્યા જાણે તેઓ કોઈ ક્રિમિનલ હોય. તેમણે સદ્ગુરુને પૂછ્યું કે, `તમે તમારી દીકરીનાં લગ્ન કરાવીને ગૃહસ્થ બનાવી છે તો પછી બીજાની દીકરીઓને તમે સંન્યાસિની બનાવવા માટે મોટિવેટ કેમ કરો છો?'
 
મદ્રાસ હાઈકોર્ટ આટલેથી ના અટકી. તેણે મદ્રાસ પોલીસને આદેશ આપ્યા કે, `જલદી જાઓ અને ઈશા ફાઉન્ડેશન પર આજ સુધી જેટલા પણ આરોપો લાગ્યા છે એની તપાસ કરીને અમને તાત્કાલિક રીપોર્ટ આપો.' આ આદેશ થતાં જ બીજા દિવસે તામિલનાડુ પોલીસના બે-પાંચ નહીં પણ પૂરા ૧૫૦ જવાનો ઈશા ફાઉન્ડેશન પર પહોંચ્યા. તેઓ દ્વારા જાણે કોઈ ધર્મગુરુના આશ્રમે નહીં પણ કોઈ ડ્રગ માફિયાને ત્યાં રેડ પાડી હોય એવો માહોલ ઊભો કરાયો.
 

એ પછી ઈશા ફાઉન્ડેશન પોતાનો પક્ષ રજૂ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં ગયું. ત્યાં સદ્ગુરુએ કહ્યું કે, `....આ બંને બહેનો ૨૦૦૯માં આશ્રમમાં આવી હતી. તે બંનેએ પોતાની મરજીથી સંન્યાસ ધારણ કર્યો હતો. ઊલટાનું એ બંને દીકરીઓનાં મા-બાપ છેલ્લાં આઠ વર્ષથી જુદી - જુદી રીતે તેમને હેરાન કરી રહ્યાં છે.'
 
આ ઘટના બાદ લતા અને ગીતા, જેમને બંધક બનાવવાનો સદ્ગુરુ પર આરોપ હતો એમની પ્રતિક્રિયા પણ આવી કે, `તેમને કોઈએ જબરદસ્તી બંધક નથી બનાવી. તેઓ છેલ્લાં પંદર વર્ષથી પોતાની મરજીથી અહીં રહે છે.' એટલું જ નહીં ઈશા ફાઉન્ડેશનમાં તપાસ માટે ગયેલ ૧૫૦ પોલીસોને પણ ત્યાંથી કોઈ એવા પુરાવા નહોતા મળ્યા.
 
સુપ્રીમ કોર્ટના અનુભવી ન્યાયાધીશો આખો મામલો પામી ગયા અને તેમણે તામિલનાડુ પોલીસને આદેશ આપ્યો કે, તે ઈશા ફાઉન્ડેશન સામે ચાલી રહેલી પોતાની તપાસ રોકી દે અને જે કંઈ પણ રીપોર્ટ હોય એ મદ્રાસ હાઈકોર્ટને ના આપે, બલકે સુપ્રીમ કોર્ટને આપે. સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઈકોર્ટના આદેશની ઝાટકણી કાઢતાં એમ પણ કહ્યું કે, આપ આશ્રમ જેવા સ્થાન પર સીધી પોલીસ કે આર્મી કેવી રીતે મોકલી શકો? સુપ્રીમની આ વાતથી ઈશા ફાઉન્ડેશન વિરુદ્ધ જે નેરટિવ બનાવવામાં આવ્યો હતો એનું બાળમરણ થયું.
 
સમગ્ર ખેલ સનાતન વિરોધીઓનો 
 
હકીકતે આ સમગ્ર ખેલ સનાતન વિરોધીઓનો છે. સનાતનનો સૂર્યોદય ન સાંખી શકનારી લેફ્ટ લિબરલ ગેંગનો છે. એક આખી ટૂલ કિટ અનુસારના કામને અંજામ આપવામાં આવ્યો. એટલે જ એ લેફ્ટ લિબરલ ગેંગે એક જ દિવસમાં સોશિયલ મિડિયા સહિત બધે એવો માહોલ બનાવી દીધો, જાણે સદ્ગુરુ ઠગ છે. આ સનાતનવિરોધી હવા પેદા કરવામાં તામિલનાડુની હિન્દુત્વદ્વેષી વિરોધી-ડીએમકે સરકારનો ય હાથ છે. ડાબેરી ગેંગ એ સાબિત કરવાના પેંતરા કરી રહી છે કે, સદ્ગુરુના ઈશા ફાઉન્ડેશનમાં યુવતીઓને જબરદસ્તી સંન્યાસીની બનાવવામાં આવે છે. જ્યારે હકીકત એ છે કે દર વર્ષે હજારો લોકો સંન્યાસી બનવા માટે ઈશા ફાઉન્ડેશમાં અરજી કરે છે. તેમાંથી માત્ર કેટલાક લોકોની જ પસંદગી કરવામાં આવે છે. આ વિવાદ તો હમણાં થયો પણ સદ્ગુરુ તો વરસોથી કહે છે કે, `અમે દરેકને સંન્યાસી નથી બનાવતા. દર વર્ષે આવતી હજારો અરજીમાંથી માત્ર આઠ-દસ લોકોને જ પસંદ કરીએ છીએ.'
 
સમજવા જેવી વાત એ છે કે, ઈશા ફાઉન્ડેશનમાં આજ સુધી માત્ર ૨૫૦ જેટલાં જ સંન્યાસી અને સંન્યાસીની છે, જેમણે બ્રહ્મચર્ય લીધું છે. એથી ઊલટું એ છે કે, આશ્રમમાં આવેલા લિંગ ભૈરવી મંદિરમાં દર વર્ષે આના કરતાં અનેકગણા વધારે જોડાંનાં લગ્ન કરાવી આપવામાં આવે છે.
 
આ ઘટના બનતાં એવા અનેક લોકો સામે આવ્યા છે જે એમ કહે છે કે, સદ્ગુરુ પર લાગેલા આરોપો ખોટા છે, એનો અમે અનુભવ કર્યો છે. બે યુવતીનાં માતા-પિતાનો વિડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ એમ કહે છે કે, `અમારી દીકરી સદ્ગુરુ પાસે સંન્યાસીની બનવા માટે ગઈ હતી પણ સદ્ગુરુએ એને સલાહ આપી કે દીકરી, તું લગ્ન કરી લે.'
 

એક મહિલાએ આ બાબતે ટ્વીટ કર્યું છે કે, `હું સિંગલ મધર છું. મેં મારી ૨૫ વર્ષની દીકરી, જે વકીલ છે. તેને ઈશા ફાઉન્ડેશનમાં એન્જિનિયરીંગ માટે મોકલી હતી. તે લગભગ એક મહિનો ત્યાં રહી હતી. પરંતુ કોઈએ તેનું બ્રેઈનવોશ કર્યું નથી. જ્યારે એ ઈશા ફાઉન્ડેશનમાંથી પાછી આવી ત્યારે તેની લાઇફ બદલાઈ ગઈ હતી. એ પહેલાં કરતાં ક્યાંય વધારે સારી વ્યક્તિ બની ગઈ હતી.'
 
વિચાર કરો, જો ઈશા ફાઉન્ડેશનમાં કંઈ ગરબડ હોત તો આવા વિડિયો અને ટ્વીટ આવત ખરાં?
 
આવા તો હજ્જારો મા-બાપના વિડિયો છે, જે કહે છે કે ઈશા ફાઉન્ડેશનમાં તેમની દીકરીઓ સાથે કોઈ જબરદસ્તી નથી થઈ. પણ ડાબેરીઓની ઈકોસિસ્ટમ તેમના અવાજને દબાવી દે છે અને એક મા-બાપ જે પોતાની દીકરીને બંધક બનાવ્યાની ભ્રામક વાત કરે છે એને આખા દેશમાં વાઈરલ કરી દે છે.
 
હવે સવાલ એ થાય કે આ ષડયંત્રો કોણ કરી રહ્યું છે? અને તે લોકો શા માટે સદ્ગુરુને બદનામ કરી રહ્યા છે?
 
હકીકતમાં આની પાછળ બહુ મોટી ગેંગ છે.
 
 
સદ્‌ગુરૂને કોણ બદનામ કરી રહ્યું છે? 
 
 
કોમ્યુનિસ્ટો, ચર્ચ લોબી, ખ્રિસ્તી મિશનરીઓ, ઇસ્લામિસ્ટો વગેરે બધાં જ સદ્ગુરૂને બદનામ કરવા ષડયંત્રો કરી રહ્યાં છે.
કોમ્યુનિસ્ટો એટલે સદ્ગુરૂને પછાડવા માગે છે કારણ કે, જાતિવાદ ફેલાવીને વર્ગવિગ્રહ કરાવવાનો તેમનો એજન્ડા સદ્ગુરૂને કારણે નિષ્ફળ થઈ રહ્યો છે.
 
ચર્ચ લોબી પણ સદ્ગુરૂને બદનામ કરવામાં કાર્યરત છે. કારણ કે સદ્ગુરૂએ પ્રસારિત કરેલી સનાતન ધર્મની શાશ્વત આધ્યાત્મિક ફિલસૂફીમાં અનેક લોકો જોડાઈ રહ્યાં છે અને ચર્ચો તેમનાં અનુયાયીઓ ગુમાવી રહ્યાં છે.
 
સદ્ગુરૂને કારણે અંગ્રેજી બોલનારા, સમજનારા હિન્દુ મધ્યમ વર્ગમાં એન્ટી હિન્દુ લાગણીઓ ફેલાવવાના ષડયંત્રમાં ખ્રિસ્તી મિશનરીઓ નિષ્ફળ થઈ રહ્યાં છે.
 
અને ઇસ્લામિક લોબી એટલે તેમને બદનામ કરવા માગે છે કારણ કે કટ્ટર મુસ્લિમો દ્વારા જે હિન્દુ મંદિરો તોડી પાડવામાં આવ્યા છે, હિન્દુઓ પર તેમના દ્વારા જે અત્યાચાર થયો છે અને હિન્દુઓનો જે નરસંહાર થયો તે સદ્ગુરૂ બહાર લાવી રહ્યા છે.
ઉપરાંત પાછલાં કેટલાંક વર્ષોમાં સદ્ગુરુએ સનાતનનો ખૂબ પ્રચાર-પ્રસાર કર્યો છે. તેઓ યુવાનોમાં વધારે પોપ્યુલર થયા છે. પાછલાં થોડાંક જ વર્ષોમાં સદ્ગુરુનું કદ એટલું બધું વધ્યું છે કે, હિન્દુત્વ વિરોધીઓને ડર લાગવા માંડ્યો છે કે, આ માણસ જો વધારે ચાલી જશે તો સર્વત્ર સનાતનનો જય-જયકાર થઈ જશે. એટલે લેફ્ટ લિબરલ ગેંગ, તામિલનાડુ સરકારના કેટલાક નેતાઓ જે સનાતન ધર્મને ડેંગ્યુ અને મેલેરિયા માને છે તેમનાથી આ સહન ના થયું કે, તેમના જ રાજ્યનો એક વ્યક્તિ દુનિયાભરમાં સનાતનનો સૌથી મોટો અવાજ બનીને ઊભરી રહ્યો છે. એ વ્યક્તિ પોતાના આશ્રમ અને વિચારો દ્વારા દુનિયાભરમાં યોગ અને સનાતનને મજબૂત કરી રહ્યો છે.
 
સનાતનવિરોધી સરકાર ? 
 
તામિલનાડુની રાજ્ય સરકાર એ વાતથી પણ ડરી રહી છે કે, સદ્ગુરુ ઘણા સમયથી કહી રહ્યા છે કે, `મંદિરોને રાજ્યના કંટ્રોલમાંથી બહાર કાઢો. મંદિરોનો વહિવટ સરકારોના બદલે હિન્દુઓને જ આપો.'
 
ઉલ્લેખનીય છે કે તામિલનાડુમાં ડીએમકે સરકાર છે અને તે સનાતનવિરોધી છે. પોતાને હળાહળ નાસ્તિક ગણાવનારા ડીએમકે પરિવારની હિન્દુત્વવિરોધી ભાવના સમયાંતરે બહાર પણ આવતી રહે છે. આ એ જ ડીએમકે છે જેણે સનાતન ધર્મને સમાપ્ત કરવાની ઘોષણા કરનારા સ્ટાલિનને નાયબ મુખ્યમંત્રી બનાવ્યા છે અને તમિલનાડુના ભાવિ મુખ્યમંત્રી પણ એમને જ ઘોષિત કર્યા છે. આ એ જ ડીએમકે છે જેના એક જ પરિવારની ત્રણ-ત્રણ પેઢીએ મુખ્યમંત્રી પદ ભોગવ્યું છે અને એ તમામની એક જ નીતિ રહી છે - સનાતનનો વિરોધ. પરિસ્થિતિ એ છે કે આ પક્ષ જ્યારે જ્યારે સત્તામાં આવ્યો છે ત્યારે ત્યારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પથ સંચલનને પણ પ્રતિબંધિત કરી દીધું છે અને હિન્દુત્વવાદીઓને પ્રતાડિત કરવામાં આવ્યા છે. આમ સદ્ગુરુ ઉપર જે આરોપો લાગ્યા છે એમાં ડીએમકેનો મોટો રોલ છે.
 
સનાતનને ડેંગ્યુ અને મેલેરિયા માનનારા આ લોકોના તાબામાં તામિલનાડુના ૩૬ હજારથી વધારે મંદીરો, ૫૬ મઠો અને ૧૮૯ ધાર્મિક ટ્રસ્ટો છે. તમિલનાડુની સરકાર આ હિન્દુ મંદિર સાથે જોડાયેલી ૪ લાખ ૭૮ હજાર એકર જમીનને પણ કંટ્રોલ કરે છે. હવે વામપંથીઓનું આનાથી વધારે ડબલ સ્ટાન્ડર્ડ શું હોય કે એક તરફ સનાતન ધર્મને ડેંગ્યુ કહીને ગાળો પણ દેવી છે અને બીજી તરફ સનાતન ધર્મનાં મંદિરો અને જમીનોમાંથી થતી આવક પણ ખાવી છે. અને એમાં જ્યારે સદ્ગુરુ જેવા લોકો કહે કે, `મંદિર હિન્દુઓને આપી દો!' ત્યારે આ ડેંગ્યુ ગેંગના પેટમાં તેલ રેડાય છે.
 
આ ગેંગ પાછી આજકાલની સક્રિય નથી. એ પાછલાં ઘણાં વરસોથી સદ્ગુરુની પાછળ પડી છે અને મનઘડંત આરોપો લગાવી રહી છે. એ લોકોએ એવી પણ અફવા ફેલાવેલી કે સદ્ગુરુએ જંગલની જમીન પર કબજો કરી લીધો છે. પણ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે તપાસ કરી તો એ આરોપો ખોટા નીકળ્યા હતા.
 
સમગ્ર દેશની જનતા જાણે છે કે સદ્ગુરુએ થોડાં વરસો પહેલાં `રેલી ફોર રિવર્સ'ના નામે એક અભિયાન શરૂ કર્યું હતું, જેમાં તેઓશ્રીએ એક મહિના સુધી દેશભરમાં ફરીને નદીઓના કિનારે વૃક્ષો ઉગાડવાની વાત કરી હતી. પણ વામપંથી ગેંગને જેવી આ વાતની ખબર પડી કે, સદ્ગુરુની વાતને નરેન્દ્ર મોદીનું સમર્થન મળ્યું છે અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી સદ્ગુરુને આવકારી રહ્યા છે, તો એ લોકોએ તરત જ આ અભિયાનમાંથી વીણી વીણીને ભૂલો કાઢવાનું શરૂ કરી દીધું હતું.
 
આપણા દેશમાં કાર્યરત લેફ્ટ લિબરલ ગેંગ માત્ર સદ્ગુરુ માટે જ નહીં, બધા જ દેશભક્તો કે સારા કામ કરનારાઓને બદનામ કરવાની રમત વરસોથી રમી રહી છે. આ ગેંગે નેરેટિવ સેટ કરી દીધો છે કે અહીં જે કોઈ પણ દેશહિતની વાત કરે એને હિન્દુત્વવાદી અંધભક્ત અને કટ્ટર જાહેર કરી દો. પછી એની કોઈ નાની-મોટી ભૂલ શોધીને કે ઊભી કરીને એને બદનામ કરી દો. આ સિલસિલો લગાતાર ચાલી રહ્યો છે અને એ જ ખેલ તેમણે સદ્ગુરુ સાથે ખેલ્યો છે.
 
આપણું કર્તવ્ય... 
 
સદ્ગુરુ જગ્ગી વાસુદેવે જે રીતે `રેલી ફોર રિવર' અભિયાન ચલાવ્યું તે જ રીતે જમીન બચાવવા માટે `સેવ સોઈલ' જેવાં અન્ય અભિયાનો ચલાવી રાષ્ટ અને પર્યાવરણ માટે ખૂબ સારું કામ કર્યું છે. ૩૫ વર્ષોમાં તેમણે યોગના માધ્યમથી ૨૦ કરોડથી વધુ લોકોની જિંદગી બદલી નાંખી છે, નદી બચાવવા માટે દુનિયાનું સૌથી મોટું અભિયાન ચલાવ્યું છે, એક દિવસમાં ૮૫ લાખ વૃક્ષો ઉગાડીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, હજારો બાળકોને પ્રાથમિક શિક્ષણ ફ્રી આપ્યું છે. સદ્ગુરુ દેશહિતની વાત કરે છે, પર્યાવરણની વાત કરે છે અને સૌથી આનંદની વાત એ છે કે, લાખો-કરોડો યુવાનો એમની સાથે જોડાય છે. અમેરિકામાં પણ એમનો કાર્યક્રમ હોય તો એટલી ભીડ લાગી જાય છે જેટલી ત્યાંના સુપર પોપ સિંગરમાં નથી લાગતી. સદ્ગુરુ સનાતનની ધજાને લહેરાવી રહ્યા છે. તેમણે મંદિરો માટે, પર્યાવરણ માટે, દેશહિત માટે કરેલાં આ કાર્યો વામપંથીઓના મનમાં ખૂંચી રહ્યાં છે અને એટલે જ તેમને બદનામ કરવાના તેઓ પેંતરા રચી રહ્યાં છે. આપણે સૌ એ ભ્રામક વાતોમાં ના આવીએ, સનાતનનો વિરોધ કરનારી ગેંગને ફાવવા ના દઈએ એ જ આપણું કર્તવ્ય. ભારત માતા કી જય.
 
Powered By Sangraha 9.0