Siddhidatri Mata ni jivan katha | દુર્ગામાતાનું નવમું સ્વરૂપ સિદ્ધિદાત્રીનું છે. નવરાત્રી-પૂજનમાં નવમા દિવસે એટલે કે છેલ્લે મા સિદ્ધિદાત્રીની પૂજા - ઉપાસના - આરાધના કરવામાં આવે છે.
સિદ્ધિદાત્રી માતા ચાર ભુજાઓવાળાં છે. તેમની ચાર ભુજામાં કમળ, શંખ, ચક્ર, ગદા ધારણ કરેલ છે. તેઓ કમળના આસન ઉપર બિરાજમાન છે. તેઓ સિદ્ધો, ગંધર્વો, યક્ષો, અસુરો અને દેવતાઓ દ્વારા સદા ભજવા યોગ્ય છે.
सिद्धगन्धर्वयक्षाघैरसुरैरमरैरपि।
सेव्यमाना सदा भूयात् सिद्धिदा सिद्धिदायिनी॥
સિદ્ધિદાત્રીમાની જીવનગાથા | Siddhidatri Mata ni jivan katha
'દેવી પુરાણ'માં જણાવ્યા મુજબ ભગવાન શિવજીએ તેમની કૃપા વડે જ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી; જેથી તેમને સિદ્ધિદાત્રી - સિદ્ધિ આપનાર કહેવામાં આવે છે. 'માર્કંડેય પુરાણ'માં તેમની આઠ સિદ્ધિઓ-અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ-વશિત્વ બતાવવામાં આવી છે. જયારે 'બ્રહ્મવૈવત પુરાણ'માં તેમની અઢાર સિદ્ધિઓ - અણિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, મહિમા, ઈશિત્વ-વશિત્વ, સર્વકામાવસાયિતા, સર્વજ્ઞત્વ, દૂરશ્રવણ, પરકાયપ્રવેશન, વાકસિદ્ધિ, કલ્પવૃક્ષત્વ, સૃષ્ટિ, સંહારકરણસામર્થ્ય, અમરસ્ત્વ, સર્વન્યાયકત્વ, ભાવના, સિદ્ધિ બતાવવામાં આવી છે.
માતાજીની કૃપાથી ભગવાન શિવજીએ અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેથી શિવજીની અનુકંપાથી જ શિવજીનું અડધું શરીર દેવીનું બન્યું હતું. આ જ કારણે તેઓ લોકમાં 'અર્ધનારીશ્વર' તરીકે પણ પ્રસિદ્ધિ પામ્યાં હતાં.
નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી છેલ્લાં છે. અન્ય આઠ દુર્ગાઓની પૂજા-ઉપાસના-આરાધના શાસ્ત્રીય વિધિ અનુસાર કરતાં કરતાં સાધક- ભક્ત નવરાત્રી-પૂજનના નવમા દિવસે એમની ઉપાસના કરવા લાગે છે. દરેક માનવીનું એ કર્તવ્ય છે કે તે મા સિદ્ધિદાત્રીની કૃપા પ્રાપ્ત કરવા હંમેશાં પ્રયત્ન કરે.
માતાજીની ઉપાસના પૂર્ણ કરી લીધા પછી ભક્તો-સાધકોની લૌકિક-પારલૌકિક સર્વ પ્રકારની કામનાઓ સફળ થાય છે. સાધકની બધી સાંસારિક ઇચ્છાઓ, આવશ્યક્તાઓ અને મનોરથોથી ઉપર ઊઠીને માનસિક રીતે માતાજીનું સાંનિધ્ય જ તેના માટે સર્વસ્વ બની જાય છે.