દિલજીત દોસાંજ, ખાલિસ્તાન અને ફ્રીમેસન

એમ મનાય છે કે દિલજીત દોસાંજે પોતાના કાર્યક્રમનું નામ દિલજીતના દિલ અને ઇલ્યૂમિનાટીને જોડીને કર્યું છે. D-Illuminati.

    ૩૦-નવેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Diljit Dosanjh's Dil-Luminati tour
 

અમદાવાદમાં દિલજીત દોસાંજ નામના કલાકારનો સંગીત કાર્યક્રમ થયો. આ કાર્યક્રમને સારી સફળતા મળી. પરંતુ આ કાર્યક્રમમાં ગયેલા યુવાન શ્રોતાઓને શું ખબર હશે કે દિલજીત દોસાંજે ૨૦૨૧માં દિલ્લીની સીમાને ઘેરીને થયેલા ખેડૂત આંદોલન, જેમાં ૨૬ જાન્યુઆરીએ લાલ કિલ્લા પર ખાલિસ્તાનનો ઝંડો ફરકાવાયો હતો અને જેમાં ઈન્દિરા ગાંધીની જેમ વડા પ્રધાન મોદીની હત્યા કરવાની ધમકી નહીં, ચેતવણી અપાઈ હતી તેને સમર્થન આપ્યું હતું.

 
દિલજીત દોસાંજ સામે ખાલિસ્તાનને ટેકો આપવા બદલ પોલીસ ફરિયાદ
 
દિલજીત દોસાંજે ખેડૂત આંદોલનને સમર્થન આપ્યું તે પહેલાં તેની ફિલ્મ પંજાબ ૧૯૮૪માં, અમૃતસરના સુવર્ણ મંદિરમાં ખાલિસ્તાની ભીંડરાનવાલેને પકડવા માટે થયેલી સૈનિક કાર્યવાહીનો પ્રભાવ પંજાબના શીખોના સામાજિક જીવન પર કેવો પડ્યો હતો તેના પર આધારિત હતી. આ ફિલ્મમાં શીખોની કૉંગ્રેસી ગુંડાઓએ કરેલી હત્યા માટે બદલો લેવા ઉશ્કેરતું એક ગીત હતું. અને આ ગીત સામે વાંધો કૉંગ્રેસના જ એક સાંસદ રવનીતસિંહ બિટ્ટુએ ઉઠાવી દિલજીત સામે પોલીસમાં ફરિયાદ કરી હતી અને કડક કાર્યવાહી કરવા તે સમયે કૉંગ્રેસના નેતા અને પંજાબના મુખ્ય પ્રધાન અમરિન્દરસિંહને વિનંતી કરી હતી. હવે તો રવનીત અને અમરિન્દરસિંહ બંને ભાજપમાં છે. રવનીતસિંહ બિટ્ટુ પંજાબના પૂર્વ મુખ્ય પ્રધાન બિયંતસિંહ બિટ્ટુના પૌત્ર છે. બિયંતસિંહની હત્યા એક બૉમ્બ ધડાકામાં થઈ હતી. એટલે રવનીતસિંહ આ બાબતે સંવેદનશીલ હોય તે સ્વાભાવિક છે.
 
દિલજીત દોસાંજે બચાવ કર્યો હતો કે, પંજાબ ૧૯૮૪માં એટલું જ ખોટું હોય તો તેને સેન્સર બૉર્ડનું પ્રમાણપત્ર કેવી રીતે મળી ગયું? વાત પણ સાચી છે. સેન્સર બૉર્ડમાં તો ઇમર્જન્સી અને કન્વર્ઝન જેવી ફિલ્મો જ અટવાય છે, આવી ફિલ્મોને ક્યાં વાંધો આવે છે. વિચાર કરો કે ધ સાબરમતી રિપૉર્ટમાં ગોધરાકાંડમાં માર્યા ગયેલા ૫૯ હિન્દુઓનો બદલો લેવા શસ્ત્રો ઉઠાવવા અપીલ કરાઈ હોત તો કેટલો હોબાળો મચ્યો હોત?
 
રવનીતસિંહ બિટ્ટુએ તે સમયે એમ પણ કહ્યું હતું કે, દિલજીત દોસાંજ ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુનું સમર્થન કરે છે અને તે સમયે ચીને ગલવાનમાં ભારતીય સૈનિકોની હત્યા કરી હતી, તેવા સમયે પન્નુએ ચીનનું સમર્થન કર્યું હતું.
 
ખેડૂત આંદોલન સમયે અભિનેત્રી (હવે ભાજપનાં સાંસદ પણ) કંગના રનૌતે પણ દિલજીત દોસાંજની ટીકા કરી હતી અને કહ્યું હતું કે, દિલજીત ધરપકડ માટે તૈયાર રહે. કંગનાએ તો પડકાર ફેંક્યો હતો કે દિલજીત કહી દે કે, તે ખાલિસ્તાની નથી. પરંતુ દિલજીતે તેમ કહ્યું નહોતું. તેના બદલે તે ગોળ-ગોળ એમ કહે છે કે તે પંજાબ વિશે વાત કરે છે, દેશ વિશે વાત કરે છે.
 
ટ્રુડોથી માંડીને ભારતનું સેક્યુલર મીડિયા દિલજીતને હીરો બનાવે છે
 
દિલજીત દોસાંજ ન તો એવો સારો અભિનેતા છે, ન તો એવો સારો ગાયક. પરંતુ સેક્યુલર મીડિયા તેના પર ઓવારી જાય છે. સેક્યુલર મીડિયામાં એ સારી નિપુણતા છે કે, તે શૂન્યને લાખ અને લાખને શૂન્ય બનાવવાની કળા જાણે છે. ઉર્ફી જાવેદની એક માત્ર નિપુણતા છે કે, તે ઓછાં કપડાંમાં ફરે છે, પરંતુ સેક્યુલર મીડિયાએ તેના સમાચાર એટલા છાપ્યા અને આજ તકે તો ઉર્ફી જાવેદને પોતાના સાહિત્ય તક નામના કાર્યક્રમમાં બોલાવી! એએનઆઈને સરકારી વાજિંત્ર ગણાવતા વિકિપિડિયામાં ઉર્ફી જાવેદ પર એક પૃષ્ઠ પણ બની ગયું. પરંતુ વિકિપિડિયામાં ખરેખર મહાન અને લોકપ્રિય લોકો પર પેજ નહીં મળે.
 
માત્ર સેક્યુલર મીડિયા જ નહીં, ભારત વિરોધી જેટલાં પરિબળો છે તે દિલજીત જેવાં ગાયકોનું મહિમામંડન કરી રહ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડૉ ખાલિસ્તાની સમર્થકોનો ટેકો લઈ સરકાર ચલાવે છે. તેમણે અનેક બાબતમાં ભારત વિરોધી વલણ લીધેલું છે. તેઓ પોતે દિલજીતના કાર્યક્રમમાં અચાનક જઈ ચડ્યા હતા. તેમણે દિલજીતને ભારતીય નહીં, પણ પંજાબી કહીને પંજાબ જાણે અલગ દેશ હોય તેમ કહેતાં વિવાદ થયો હતો અને ભારતીયો પણ રોષે ભરાયા હતા.
 

Diljit Dosanjh's Dil-Luminati tour 
સંઘના નેતાઓની હત્યાના આરોપમાં પકડાયેલાને દિલજીતનો ટેકો
 
અન્ય ઘણા પંજાબી ગાયકોની જેમ, દિલજીત દોસાંજનાં ગીતોમાં પણ દારૂ, જુગાર અને અર્ધનગ્ન છોકરીઓની રેલંછેલ હોય છે. તેંલગાણાની સરકારે તો દિલજીતના કાર્યક્રમ પર પ્રતિબંધ મૂક્યો હતો, કારણ કે તેનાં ગીતો દ્વારા દિલજીત ડ્રગ્સ અને દારૂને ઉત્તેજન આપે છે તેવો તેલંગાણાની કૉંગ્રેસ સરકારનો આક્ષેપ છે.
 
દિલજીત દોસાંજે પંજાબમાં આરએસએસ નેતાઓની હત્યાના આરોપમાં પકડાયેલા જગતારસિંહ જોહાલની ધરપકડ અંગે પણ દુઃખ વ્યક્ત કર્યું હતું. તેની ફિલ્મ વેલકમ ટૂ ન્યૂ યૉર્કમાં પંતમેં ગુણ ગીત દ્વારા દિલજીતે શીખોની ભાવના આહત કરી છે તેવો આરોપ થયો હતો. તેની સામે મુંબઈ અને અમૃતસરમાં બે કેસ નોંધાયા હતા.
 
અન્ય પંજાબી ગાયકો પણ ખાલિસ્તાનના ટેકામાં
 
આવા બીજા પંજાબી ગાયકો પણ છે. શુભ તરીકે જાણીતા શુભનીતસિંહે ઇન્સ્ટાગ્રામ પર પંજાબ અને કાશ્મીર સિવાયનો ભારતનો નકશો મૂક્યો હતો. આનો અર્થ સ્પષ્ટ્ર છે કે આવા ગાયકો પાકિસ્તાન, કેનેડા (અને અમેરિકાના ડીપ સ્ટેટ)ના સંકેત પર કામ કરે છે. આ નકશા સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું, પ્રે ફૉર પંજાબ. (પંજાબ માટે પ્રાર્થના કરું છું.) જેની લોરેન્સ બિશ્નોઈની ટોળીએ હત્યા કરી તેવા ગાયક સિદ્ધુ મૂસેવાલાએ તેનાં ગીત પંજાબ મધરલેન્ડમાં તો ખાલિસ્તાની જરનૈલસિંહ ભીંદરાનવાલેને ટેકો આપ્યો હતો અને તેમાં ૧૯૮૦માં ભૂપરસિંહ ખાલિસ્તાની સમર્થક બલબીરસિંહ ભૂપરે આપેલા ભાષણની ક્લિપ પણ દર્શાવાઈ હતી. આ સિદ્ધુ મૂસેવાલાનું એક દિવ્ય મીડિયાએ બેધડક મહિમામંડન કર્યું હતું. તાજેતરમાં તેની માતાએ બીજા સંતાનને જન્મ આપ્યો ત્યારે તેણે પ્રથમ પૃષ્ઠ પર સમાચાર મૂક્યા હતા કે, સિદ્ધુ મૂસેવાલાની માતાને પુત્ર જ આવશે. હિન્દુ જો પુત્રની એષણા રાખે તો મીડિયા ટીકા કરતું હોય છે કે, પુત્ર-પુત્રી સમાન હોય. એટલું જ નહીં, જ્યારે તેની માતાને પુત્ર જન્મ્યો ત્યારે પણ સમાચાર પ્રથમ પૃષ્ઠ પર ઉપર સમાચાર આપ્યા હતા. કોઈ પણ સમાચારપત્રમાં પ્રથમ પૃષ્ઠ પર મહત્ત્વના સમાચારને સ્થાન હોય છે. તેમાંય ટોચમાં તો અતિશય મહત્ત્વના સમાચાર જ હોય છે.
 
પંજાબમાં ખાલિસ્તાની સમર્થક અમૃતપાલસિંહની ધરપકડ વખતે પંજાબી ગાયક એ. પી. ધિલ્લોને સૉશિયલ મીડિયા પર પૉસ્ટ મૂકી હતી, પ્રે ફૉર પંજાબ. કેનેડા સ્થિત પંજાબી ગાયક જેઝી બી (Jazzy B)એ તેના ગીત પુત્ત સરદારા દે (સરદારના પુત્ર)માં ભીંદરાનવાલેનાં વખાણ કર્યાં હતાં અને તેણે ખાલિસ્તાની ચળવળને પણ ટેકો આપ્યો હતો. અમૃત બોવાએ લખેલા આ ગીતમાં સંદેશ હતો કે, શીખોને ખાલિસ્તાન મળવું જોઈએ. તેમાં ભીંદરાનવાલેના ભાષણની ક્લિપ પણ હતી.
 
કૌર બી નામની પંજાબી ગાયિકાએ પણ ૨૦૨૦માં ખંડિત ભારતનો નકશો મૂક્યો હતો. તેણે અગાઉ ભારતમાં ખેડૂત આંદોલન વખતે કરેલા ટ્વીટમાં ભીંદરાનવાલેને ટેકો આપ્યો હતો. પરંતુ કંગના જો એમ કહે કે ખેડૂત આંદોલનમાં ખાલિસ્તાનીઓ ભળ્યા હતા તો તેનો વિવાદ થાય છે અને કૉંગ્રેસ વગેરે ઇકો સિસ્ટમ તેને ખેડૂતો સાથે જોડી બધા ખેડૂતોને ખાલિસ્તાની ગણાવ્યાનો વિવાદ ઊભો કરે છે. પરંતુ કૉંગ્રેસ આ બધા ગાયકોનો વિરોધ કરતી નથી.
 
ખેડૂત આંદોલન સમર્થક રિહાના સહિત આ પૉપ ગાયકો શું ઇલ્યૂમિનાટીના સભ્યો છે? દિલજીત દોસાંજે અમદાવાદ સહિત દેશભરમાં જે કાર્યક્રમ કર્યો તે પ્રવાસ (ટૂર)નું નામ તેણે દિલ્યુમિનાટી) (Dil-Luminati) રાખ્યું છે. ફિલ્મ અથવા સંગીત સાથે જોડાયેલા લોકો બે નામ ભેગાં કરી એક નામ રાખતા હોય છે. રવીના ટંડનનું નામ તેના પિતા રવિ ટંડન અને માતા વીણા ટંડન પરથી પડ્યું. એમ મનાય છે કે દિલજીત દોસાંજે પોતાના કાર્યક્રમનું નામ દિલજીતના દિલ અને ઇલ્યૂમિનાટીને જોડીને કર્યું છે. D-Illuminati.
 
અનેક પૉડકાસ્ટમાં ચર્ચા છે કે દિલજીત ઉપરાંત અમેરિકી પૉપ ગાયિકા બિયૉન્સ નૉલેસ, તેનો પતિ જય ઝી, અમેરિકી ગાયિકા કેટી પેરી, ખેડૂત આંદોલનને કોઈ લેવા-દેવા વગર ટેકો આપનાર પૉપ ગાયિકા રિહાના આ બધાં ઇલ્યૂમિનાટીનાં સભ્યો છે. અને આ ઇલ્યૂમિનાટી એક ગુપ્ત સંગઠન છે !
 
ગુપ્ત સંગઠનો ઇલ્યૂમિનાટી અને ફ્રીમેસન શું છે?
 
ઇલ્યૂમિનાટીની વાત કરતા પહેલાં ફ્રીમેસનની વાત કરવી પડે કારણ કે તેનો જન્મ ફ્રીમેસનના વિચારમાંથી થયો છે. ફ્રીમેસન સૉસાયટી ભવન નિર્માણ સાથે જોડાયેલા લોકોનું સંગઠન હતું. કેથેડ્રલનું કામ ઘટતાં, તે લોકોએ બીજા વ્યવસાયના લોકોને પણ જોડવાનું શરૂ કર્યું. આ સંગઠન ગુપ્ત રીતે ચાલે છે અને તેમાં ગુપ્ત સંકેતથી કામ થાય છે. તેમાં મોટા-મોટા રાજકારણીઓ, એન્જિનિયિરો, વૈજ્ઞાનિકો, લેખકો, દાર્શનિકો, ઉદ્યોગપતિઓ, ન્યાયાધીશો, અભિનેતા-અભિનેત્રીઓ વગેરે મોટી તોપો સભ્યો છે. એમ કહેવાય છે કે વિશ્વમાં ઘણા મોટા પ્રસંગો- વિદ્રોહ, યુદ્ધ અને બૌદ્ધિક ચળવળોમાં તેની મોટી ભૂમિકા છે.
 
ભારતે તો આવા કોઈ સંગઠન પર પ્રતિબંધ નથી મૂક્યો, પણ અમેરિકામાં તો ફ્રીમેસન વિરોધી રાજકીય પક્ષ બની ગયો હતો જેનું નામ હતું એન્ટી મેસનિક પાર્ટી. ઈ. સ. ૧૮૨૬માં અમેરિકાના બટાવિયામાંથી વિલિયમ મૉર્ગન અદૃશ્ય થઈ ગયો. વિલિયમ મૉર્ગનનું અપહરણ અને હત્યા ફ્રીમેશન સમાજવાળાઓએ કરી હતી તેમ કહેવાય છે, કારણ કે તેણે તેની વિધિઓ પ્રકાશિત કરીને ફ્રીમેશન સૉસાયટીનાં રહસ્યો બહાર પાડવા ધમકી આપી હતી. મૉર્ગનના અદૃશ્ય થવા પછી ફ્રીમેશન સામે મોટા પાયે ચળવળ શરૂ થઈ હતી. પછી એન્ટી મેસનિક પાર્ટીની સ્થાપના થઈ હતી. આ પક્ષ ઈ. સ. ૧૮૩૮માં સમાપ્ત થઈ ગયો.
 
સામ્યવાદી સોવિયેત સંઘે ઈ. સ. ૧૯૨૨માં ફ્રીમેસન પર પ્રતિબંધ મૂક્યો હતો. બીજા કયા દેશોએ ફ્રીમેસન પર પ્રતિબંધ મૂક્યો કે તેને અટકાવ્યું? તેની વિચારસરણી શું છે? ઇલ્યૂમિનાટીનો જન્મ ફ્રીમેસનના વિચારમાંથી કેવી રીતે થયો? દિલજીત સહિતના પૉપ ગાયકો ઇલ્યૂમિનાટી સાથે જોડાયેલો કયો સંકેત તેમનાં ગીતોમાં કરે છે તેની વાત બીજા લેખમાં…
 
(ક્રમશઃ)

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…