सरवर, तरवर, संतजन, चोथा बरसे मेह
परमारथ के कारने चारोफ्ल धारी देह
અર્થાત્ સરોવર, વૃક્ષ, સંતપુરુષ અને વરસાદ. આ ચારેય પરમાર્થ માટે દેહ ધારણ કરે છે. વૃક્ષ છાંયડો આપે છે અને ફળ પણ આપે છે. સરોવર તરસ્યાની તરસ છીપાવે છે, સંતજનો સત્સંગથી જન-જનને પુણ્યશાળી બનાવે છે. અને મેઘરાજા સૃષ્ટિને ધનધાન્યથી સમૃદ્ધ કરે છે. બદલામાં તેઓ કોઈ અપેક્ષા કરતા નથી. પરોપકાર કરવામાં આ ચારેયનો કોઈ સ્વાર્થ હોતો નથી. માટે જ કહ્યું છે કે, પરમારથ કાજે ચારે દેહ ધારણ કરે છે! આ જ શ્રેણીમાં મૂકી શકાય તેવું નામ એટલે- શ્રી નારાયણરાવ ભંડારી.
અનેકોના જીવનમાં પરિવર્તન લાવ્યુ
`નાના'ના હુલામણા નામે જાણીતા ગુજરાતમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પાયાના પથ્થર એટલે શ્રી નારાયણરાવ ભંડારી. તેઓ સ્વામીનારાયણ કોલેજમાં ગણિતના પ્રાધ્યાપક હતા વૈદિક ગણિતના પ્રણેતા ગણાતા શ્રી નારાયણરાવ ભંડારીએ સમર્પિત, સરળ જીવન દ્વારા અનેકોના જીવનમાં પરિવર્તન લાવ્યુ હતું
શાખામાં જવાની શરૂઆત…
શ્રી નારાયણરાવ ભંડારીનો જન્મ માતા દુર્ગાબાઈની કૂખે દિ. ૨૫-૧૨-૧૯૨૬ના રોજ નાસિક જિલ્લાના બાગબાલ તાલુકામાંના સાવ નાના ગામ મુલ્હેરમાં થયો હતો. એમને `દગૂ' નામના ઉપનામથી નાનપણમાં બધાં સંબોધતા હતા. તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની શાખામાં ૧૯૪૦-૪૧ના વર્ષમાં મહારાષ્ટના ધૂળે શહેરમાં જવાની શરૂઆત કરી હતી. ૧૯૪૯ પ્રથમ સંઘ શિક્ષા વર્ગનું અને તૃતીય વર્ષ સુધીનું સંઘ શિક્ષણ પૂર્ણ કર્યુ. તેઓ ૧૯૪૩માં લૉ કોલેજ ખાતે યોજાયેલ સિંધ પ્રાંતના સંઘ શિક્ષાવર્ગમાં શિક્ષાર્થી હતા. તે સમયે વરિષ્ઠ સ્વયંસેવક મા. શ્રી લાલકૃષ્ણ અડવાણીજી પણ તેમની સાથે હતા.
મૌન તપસ્વી બનીને રાષ્ટ્રકાર્ય કર્યા કરતા
૧૯૪૭થી ૧૯૫૦ સુધી સૌરાષ્ટમાં જૂનાગઢ ખાતે સંઘના પ્રચારક રહ્યા. આ દરમ્યાન મોટાભાગે તેઓ પગપાળા કે સાયકલ ઉપર પ્રવાસ કરતા. તે સમયે ધોરાજી ગામમાં સંઘકાર્યની શરૂઆત થઈ હતી. મા. નારાયણરાવ ત્યારે જૂનાગઢથી ધોરાજી ૩૫ કિ.મી. સાયકલ પ્રવાસ કરી આવતા. ઘણી વાર બહુ મોડું થઈ જતું હતું. વળી ધોરાજીમાં કામ નવું હતું, તેથી સ્વયંસેવક પણ નવા-સવા હતા જેથી તેઓને ભોજનનું પૂછવાનું કોઈના મનમાં આવે નહીં. અને તેઓ પણ ભોજન બાકી છે તેવું કોઈને જણાવે નહીં. આવા સમયે એક સ્વયંસેવક શ્રી વજુભાઈ માવાણીની દાણા-ચણાની નાની સરખી દુકાનેથી નારાયણરાવજી થોડા શીંગ-ચણા ખાઈ લેતા. ઉપર પાણી પી લઈ ભોજન કર્યું તેવું મન મનાવી લેતા. સમય વીતતાં સ્વયંસેવકોને આની જાણ થતાં ભોજનની વ્યવસ્થા કરવા લાગ્યા હતા. આવા સાદા સીધા તપસ્વી કાંઈ પણ બોલ્યા ચાલ્યા વિના કોઈપણ પ્રકારની પરિસ્થિતિમાં મૌન તપસ્વી બનીને રાષ્ટ્રકાર્ય કર્યા કરતા.
અવનવી સંઘની; દાખલા અને દૃષ્ટાંતોથી ભરપૂર વાતો સાંભળવી સૌને ગમતી
નારાયણભાઈના પ્રચારક કાર્યકાળમાં તેમના જેવા અનેકોનું ઘડતર થયું છે. ૧૯૫૦માં તેઓ પ્રચારક તરીકે સિદ્ધપુર આવેલા અને ટૂંકા જ સમયમાં નગરના બધા સ્વયંસેવકોના પ્રિય બની ગયેલા. સંઘ-શાખાનો વિસ્તાર એ જ સમયમાં થયો. સંઘ કાર્યાલયમાં બેઠકો થાય, રાત્રિનિવાસ વખતે વિદ્યાર્થીઓનો અભ્યાસ તથા વહેલી સવારે ઊઠી પ્રાતઃસ્મરણ, ગીતાનો પંદરમો અધ્યાય કંઠસ્થ બોલવાનો, આવી સાતત્યપૂર્ણ દિનચર્યાના કારણે ઘણા સ્વયંસેવકોનો મહત્તમ સમય નારાયણરાવજી સાથે જ વીતતો. એમની અવનવી સંઘની; દાખલા અને દૃષ્ટાંતોથી ભરપૂર વાતો સાંભળવી સૌને ગમતી.
કામ કરવાની શૈલી અદ્ભુત હતી
જેમ પરિવારમાં અનેક સભ્યો હોય, બધાંની સાથે આત્મીયતા હોય, પ્રેમ હોય પણ નજદીકી તો મા સાથે જ હોય, એવી રીતે સ્વયંસેવકોના ઘડતરમાં અનેક લોકોના પ્રયાસોનું યોગદાન હોવા છતાં જેમની સાથે હૈયું મુક્ત રીતે હળવું કરી શકાય, જેમની સાથે અનેક બૌદ્ધિક-શારીરિક મસ્તી કરી શકાય એવી વ્યક્તિ કે પ્રચારક સદામસ્ત નારાયણરાવજી હતા. હસતાં હસતાં કાર્યકરોને કામમાં જોતરી દે, તેવી નારાયણરાવજીની કામ કરવાની શૈલી અદ્ભુત હતી.
નાનામાં નાના કાર્યકર્તા માટે સન્માન અને ગૌરવની લાગણી
નારાયણરાવજીમાં કોઈના હૃદય સુધી પહોંચી જવાની, થોડી ક્ષણોમાં કોઈને પણ આત્મીય બનાવી દેવાની ગજબની શક્તિ હતી. સામેની વ્યક્તિનાં સ્વભાવ, રુચિ વગેરે જાણીને ખૂબ અનૌપચારિક રીતે મળીને તેમણે અસંખ્ય લોકોને સંઘકાર્યમાં જોડ્યા. નારાયણરાવજીમાં મનોવૈજ્ઞાનિક સૂઝ ભરપૂર માત્રામાં હતી. કાર્યકર્તાઓના ગુણને રાષ્ટ્રકાર્યમાં રચનાત્મક રીતે કઈ રીતે લેવાય તેની મથામણ તેમના મનમાં સતત રહેતી. લોકસંગ્રહ એ તેમના વ્યક્તિત્વની વિશિષ્ટ લાક્ષણિકતા હતી. તેમને નાનામાં નાના કાર્યકર્તા માટે સન્માન અને ગૌરવની લાગણી હતી.
તેમને માટે `લાખ દુઃખોં કી એક દવા' એટલે સંઘ
સંઘનિષ્ઠા એ નારાયણરાવજીના જીવનનું ગુરુત્વબિંદુ. બાલ્યકાળથી સ્વયંસેવક હોવાથી બાળપણથી જ સંઘસંસ્કારો અને સંઘવિચાર મનમાં વસેલા. જીવનભર એ સંસ્કારો અને એ અંગિકાર કરેલા. વિચારમાં દિનપ્રતિદિન વૃદ્ધિ થતી ગઈ. તેમની કોઈપણ વાત સંઘ તત્ત્વજ્ઞાનની આસપાસ જ હોય. તેમને માટે `લાખ દુઃખોં કી એક દવા' એટલે સંઘ. તેમની દૃષ્ટિએ ભારતના ઉત્કર્ષનું ઉદ્ગમસ્થાન એટલે સંઘશાખા, સંઘવિચાર એટલે સંપૂર્ણ વિચાર. આ શ્રદ્ધા તેમની જીવનભર એક ક્ષણ માટે પણ ડગી નહીં. ડૉક્ટર સાહેબે સંઘશાખા પછી સંપર્કો કરવા કરેલ આહ્વાનને જીવનભર અંત સમય સુધી નિભાવ્યું.
કાર્યકર્તાઓની એક પેઢી તૈયાર કરી
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વર્તમાન વિશ્વને આકાર આપવામાં પાયાના કાર્યકર્તાઓમાં દત્તાજી ડીડોલકર, મા. યશવંતરાવ કેળકર, મા. બાળાસાહેબ દેવરસ, મા. કિસન ભટ્ટજી, મા. મદનલાલ દેવી જેવા વરિષ્ઠ કાર્યકર્તાઓની હરોળમાં નારાયણરાવજી પણ ખરા. ગુજરાતમાં અ.ભા.વિ.પ.ના કામના શ્રી ગણેશ તેમણે કર્યા. પ્રતિકૂળ કાળમાં, પ્રતિકૂળ સંજોગોમાં, ભૌતિક સંસાધનોના અભાવમાં પણ આનંદપૂર્વક કામ કરતા ગયા. `નિષ્ફળતા' નામનો શબ્દ તેમની ડીક્ષનરીમાં જ નહોતો. નિષ્ઠા, સંવેદના, શ્રદ્ધા, પરિશ્રમ, ઉત્સાહ આ પંચામૃત સાથે તેમણે કાર્યકર્તાઓની એક પેઢી તૈયાર કરી.
આર્થિક સંકડામણ અને તમનું ગૃહસ્થજીવન
તેઓનાં લગ્ન ૧૯૫૭માં કર્ણાવતીમાં અ.સૌ. શશીકલાબેન સાથે થયેલાં. આદરણીય શશીકલાબેન પણ ગજેન્દ્રગડકર જેવા સંસ્કારી, સમાજસેવી પરિવારમાંથી આવતાં હોઈ તેઓને નારાયણરાવજી સંઘસહિતની તમામ સામાજિક પ્રવૃત્તિઓમાં તેઓ પણ એકાકાર બની ગયાં. અનેક મુશ્કેલીઓ અને આર્થિક સંકડામણ વચ્ચે પણ તેમણે ગૃહસ્થજીવન અતિ આનંદભેર નિભાવી જાણ્યું.
…અને કટોકરી દરમિયાન જેલમાં ગયા
વિદ્યાર્થી પરિષદના શરૂઆતના દિવસોમાં તેમનું એક રૂમનું ઘર જ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું કાર્યાલય રહ્યું. શશીકલાબેન અને બાળકો સાથેના એ ઘરમાં પ્રવાસી અને સ્થાનિક કાર્યકરો રહે. જમે.. બાકી બધું જ, જાણે કે એ સૌ પરિવારજનો જ ન હોય! આ બધું જ એક મહિનાના મર્યાદિત વેતનમાં ચલાવવાનું. પરાકાષ્ઠા તો ત્યારે આવી કે જ્યારે નારાયણરાવજી કટોકટી વખતે જેલમાં ગયા. આદરણીય શશીકલાબહેને અસંખ્ય હાડમારીઓ વચ્ચે કૌટુંબિક જવાબદારીઓ સુપેરે નિભાવી. નારાયણરાવજી જેલમાંથી સૌથી છેલ્લે છૂટેલા. દર શનિ-રવિ નારાયણરાવજી થેલો લઈને પ્રવાસે જતા રહે. ચણા-ચવાણું ખાઈને દિવસો કાઢે, સાયકલ પર ફરવાનું, પરંતુ ક્યારેય એ ત્યાગ કે સમર્પણનો ભાવ તેમના મનમાં લગીરે નહોતો. તેમને મનમાં રાષ્ટ્રકાર્ય કરવાનો વિશુદ્ધ નિજાનંદ જ હતો.
અમેરિકા ગયા પણ પેન્ટ-શર્ટ ન પહેર્યા
૧૯૬૩માં International Understandyના કન્સેપ્ટ હેઠળ તેમને અમેરિકા જવાનું થયું. ત્યાં પણ તેઓએ પોતાનો રૂઢિગત ઝભ્ભો અને ધોતિયું પહેરવાનું છોડ્યું નહીં. સુરેન્દ્રભાઈ પટેલ પાસેથી પેન્ટ-શર્ટ માગીને સાથે લીધેલાં, પણ તેઓ તો નિઃસંકોચપણે પોતાના સ્વદેશી પહેરવેશને વળગી રહ્યા. તેઓ ધોતિયાને `બટનમુક્ત પેન્ટ' તરીકે ઓળખાવીને અમેરિકન યુવકોને આનંદમાં તરબોળ કરી દેતા.
૧૯૭૬માં કટોકટીકાળ દરમ્યાન પિતા નારાયણરાવજી જેલમાં હતા અને દીકરી સુનિતાબેને ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપેલી. અમદાવાદ કેન્દ્રમાં ક્રમાંક દશમા સાથે ઉત્તીર્ણ થયેલાં. આગળ ઉપર ૧૯૮૮માં એમ.ડી. ગાયનેક પાસ કરી ડૉક્ટર બન્યાં. સુનિતાબેનથી મોટાં બે બહેનો- સુનંદાબહેન અને સ્મિતાબહેને બેંકમાં નોકરી મેળવી.
પુત્ર ઉત્કંઠભાઈ પણ વિદ્યાનગર ખાતેની બિરલા વિશ્વકર્મા એન્જી. કોલેજમાંથી ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયર બન્યા. ગાંધીનગર ખાતે પોતાના ઇન્ડસ્ટ્રિયલ યુનિટની સ્થાપના કરી તથા પિતાજીના પગલે તેઓ આજે પણ સંઘકાર્યમાં સક્રિય છે. આમ સમાજના કાર્ય સાથે પોતાનાં બધાં સંતાનો પણ સ્વનિર્ભર બને તે રીતે ઘડતરનું કામ કર્યું.
અનાસક્તિનું પ્રતીક
એકવાર અરુણભાઈ યાર્દીએ એક કાર્યક્રમનો નાનકડો અહેવાલ ઇન્ડિયન એક્સપ્રેસમાં વાંચ્યો. બપોરે તે છાપું હોંશે હોંશે લઈ નારાયણરાવ પાસે વંચાવવા ગયા. તેમણે તે વાંચ્યું અને સ્મિત સાથે તે બાજુ પર મૂકી દીધું. જાણે કે કાંઈ થયું જ નથી. કોઈ બીજી જ વ્યક્તિની સ્તુતિ વાંચી હોય એવી અદાથી તે છાપું બાજુએ મુકીને ફરીથી સંઘની વાતો શરૂ કરી દીધી. પોતાનું વખાણભર્યું વર્ણન વાંચીને કોઈ પણ ખુશ થઈ જાય, તે સ્વાભાવિક છે પણ નારાયણરાવજી તો અનાસક્તિનું પ્રતીક હતા.
એવોર્ડ લેવા માટે કામ થોડું બંધ રખાય?
એકવાર અ.મ્યુનિ. કોર્પોરેશને નાનાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ આપવાનું નક્કી કર્યું. પણ નાનાનો પ્રવાસ એ તારીખોમાં ગોઠવાઈ ગયેલો. તેથી એમણે એવોર્ડ લેવા માટેના કાર્યક્રમમાં જવાની ના પાડી. ત્યારે ગુજરાત રાજ્યનાં શિક્ષણમંત્રી આનંદીબહેન પટેલે નાનાને ફોન કર્યો તો નાના કહે, `મેં જે કામ કર્યું છે તેના માટે મને એવોર્ડ મળવાનો છે. પણ એવોર્ડ લેવા માટે કામ થોડું બંધ રખાય?' પોતાનો સંગઠન માટેનો પૂર્વ-આયોજિત પ્રવાસ યથાવત્ રાખ્યો અને નાના એ એવોર્ડ લેવા ન ગયા. નાનાનાં પુત્રવધૂ જ્યોતિબહેને નાના વતી એવોર્ડ સ્વીકાર્યો.
સદૈવ પ્રેરક રહેશે
એક વાર ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી નાનાને મળવા એમને ઘેર આવ્યા. સાથે એમનો પોલીસ બંદોબસ્ત પણ ખરો. પણ નાના જ પોતાના ઘરે પહોંચ્યા નહીં. થોડી વાર રાહ જોઈને પરિવારજનોએ એમની સાથે રહેલા પ્રવીણભાઈ મિસ્ત્રીને ફોન કર્યો. એ કહેવા લાગ્યા કે, `અમે ઘર પાસે જ ઊભા છીએ. પણ આ ટ્રાફિક પોલીસવાળા અમને અંદર આવવા દેતા નથી' પછી પેલા પોલીસવાળા લેવા ગયા અને નાના ઘરે આવ્યા. રમૂજી સ્વભાવના નાના જે રીતે સંઘને જીવી ગયા, તેમણે વર્તમાન પેઢીને પોતાના ઉદાહરણથી એક અભિનવ રાહ ચિંધ્યો છે. તે સદૈવ પ્રેરક રહેશે.
***
- અમિત પરીખ
(લેખક શ્રી રા.સ્વ.સંઘમાં અંતર્ગત પશ્ચિમ કર્ણાવતીના વિભાગ કાર્યવાહ છે.)