સૂતેલા હનુમાન - 700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?
સંગમ કિનારે હનુમાનજીની પ્રતિમા સૂતેલી શા માટે છે? અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે? 600-700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?
વિશ્વનો સૌથી મોટો ધાર્મિક મેળો પ્રયાગરાજ ખાતે 13 જાન્યુઆરી 2025થી યોજાવવા જઇ રહ્યો છે ત્યારે મહાકુંભની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી પ્રયાગરાજ પહોંચ્યા હતા. એક તરફ, આ વખતે મહાકુંભ મેળામાં 40 કરોડથી વધુ શ્રદ્ધાળુઓ આવવાનો અંદાજ છે ત્યારે તેને સ્વચ્છ, સુરક્ષિત અને આધુનિક ટેકનોલોજીથી સજ્જ કરવા તંત્ર દ્વારા કરાયેલ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રીએ પ્રયાગરાજ ખાતે સમગ્ર આયોજનની સમીક્ષા કરી હતી. જો કે, આ પહેલાં પ્રધાનમંત્રીએ સંગમ તટે સૂતેલા હનુમાનની વિશેષ પૂજા- અર્ચના કરી હતી. દેશભરના શ્રદ્ધાળુઓમાં હનુમાનજીની આ સૂતેલી પ્રતિમાએ ઉત્કંઠા જગાડી છે.
સંગમ કિનારે હનુમાનજીની પ્રતિમા સૂતેલી શા માટે છે? અહીં દર્શન વગર કેમ ગંગા સ્નાન અધૂરું માનવામાં આવે છે? 600-700 વર્ષ જૂના આ મંદિર પાછળનું શું છે પૌરાણિક મહત્ત્વ?
ભગવાન રામની સેવા માટે સદા તત્પર રહેતા હનુમાનજીને અદ્વિતીય શક્તિ અને ઊર્જાના પ્રતીક માનવામાં આવે છે ત્યારે બહુ જૂજ મંદિરોમાં હનુમાનજીની પ્રતિમા વિશ્રામમુદ્રામાં હોવાનું જોવા મળ્યું છે. પ્રયાગરાજના સંગમ કિનારે હનુમાનજીની સૂતેલી પ્રતિમા છે. આ પ્રતિમા લગભગ 20 ફૂટ લાંબી અને જમીનમાં 6-7 ફૂટ નીચે સુધી જાય છે.
600- 700 વર્ષ જૂનું પ્રાચીન મંદિર
આ મંદિર ‘લેટે હુએ’ અથવા ‘બડે હનુમાનજી’ મંદિર તરીકે પ્રખ્યાત છે. આ મંદિર 600થી 700 વર્ષ જૂનું હોવાનું મનાય છે. સંત સમર્થ ગુરુ રામદાસજીએ આ મૂર્તિની સ્થાપના કરી હોવાની વાત પ્રચલિત છે. આ મૂર્તિની ડાબી તરફ કામદા દેવી અને જમણી તરફ અહિરાવણ દબાયેલા છે. જ્યારે જમણા હાથમાં રામ લક્ષ્મણ અને ડાબા હાથમાં ગદા છે.
પૌરાણિક ગ્રંથોનો સંદર્ભ જોઇએ તો, હનુમાનજીએ પોતાના જીવનનો મોટાભાગનો સમય ભગવાન રામની સેવામાં વિતાવ્યો છે. આથી જ હનુમાનજીના વિશ્રામનો જૂજ કિસ્સાઓમાં ઉલ્લેખ છે.
કહેવાય છે કે, લંકા પર જીત મેળવ્યા બાદ જ્યારે હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં થાક લાગ્યો. સીતામાતાજીના કહેવા પર તેમણે સંગમ કિનારે આરામ કર્યો. આમ, અહીં હનુમાનજી વિશ્રામ મુદ્રામાં હોવાનું મનાય છે.
- અહીં દર્શન વગર ગંગા સ્નાન અધૂરું હોવાની શ્રદ્ધાળુઓમાં માન્યતા છે.
દંતકથા શું કહે છે
કન્નોજના રાજાને કોઇ સંતાન ન હતું. તેમના ગુરુએ તેનો ઉપાય આપતા કહ્યું કે, રામ લક્ષ્મણને નાગપાશમાંથી છોડાવવા પાતાળ જતા હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવે. આ પ્રતિમા વિંધ્યાચળ પર્વતમાંથી બનાવેલી હોવી જોઇએ. કન્નોજના આદેશનું પાલન કર્યુ. વિંધ્યાચળથી હનુમાનજીની પ્રતિમા બનાવડાવી હોડીમાં જ્યારે તેને લાવવામાં આવી રહી હતી ત્યારે અચાનક હોડી તૂટી ગઇ અને પ્રતિમા જળમગ્ન થઇ. રાજા અત્યંત દુ:ખી થયા. તે પોતાના રાજ્યમાં પરત ફર્યા. આ ઘટનાના અનેક વર્ષો બાદ ગંગાનું જળસ્તર વધ્યું ત્યારે રામ ભક્ત બાબા બાલગિરી મહારાજને આ પ્રતિમા મળી. તે સમયના રાજા દ્વારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું.
શું છે મંદિરની ખાસિયત
આ મંદિરની એક વિશેષ વાત એ છે કે, દર વર્ષે ઓગસ્ટ મહિનામાં ગંગાજી આ મંદિરમાં પ્રવેશ કરે છે. હનુમાનજીની આ પ્રતિમા ગંગાજળથી તરબોળ થઇ જાય છે. મા ગંગા સ્નાન આ પ્રતિમાને સ્નાન કરાવતી હોવાથી શ્રદ્ધાળુમાં આ મંદિરનો વિશેષ મહિમા છે. આ હનુમાનજીનું સિદ્ધ મંદિર હોવાનું મનાય છે. મનોકામના પૂર્તિ માટે અહીં મંગળવાર અને શનિવારે શ્રદ્ધાળુઓની વિશેષ ભીડ જોવા મળે છે.
અકબરે માની હાર
1582માં અકબર પોતાના સામ્રાજ્યને વિસ્તારવા અહીં સુધી આવ્યો હતો. મગધ, અવધ, બંગાળ સહિત પૂર્વ ભારતમાં ફેલાયેલા વિદ્રોહને શાંત કરવા માટે અકબરે અહીં એક કિલ્લાનું નિર્માણ કરાવ્યું. તેણે આ સ્થળેથી હનુમાનજીની મૂર્તિને ખસેડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ પ્રતિમા તેના સ્થાનથી વિચલિત થઇ નહીં. કહેવાય છે કે, અકબરને સપનામાં હનુમાનજી આવ્યા અને તેણે મૂર્તિને ખસેડવાનું કામ અટકાવી દીધું.
ભારતના આ મંદિરોમાં છે સૂતેલા હનુમાનજી
# મધ્યપ્રદેશના છીંદવાડા જિલ્લાના જામસાંવલી ખાતે હનુમાનજી સૂતેલી મુદ્રામાં બિરાજમાન છે. અહીં હનુમાનજી સ્વયંભૂ પ્રગટ્યા હોવાની દંતકથા પ્રચલિત છે.
# બરેલીમાં રામગંગાના કિનારે 200 વર્ષ જૂના મંદિરમાં ભગવાન હનુમાનજીની સૂતેલી અવસ્થામાં પ્રતિમા છે.
# મહારાષ્ટ્રના અલહાબાદ શહેરથી 26 કિલોમીટરના અંતરે ખુલ્દાબાદમાં ભદ્ર મારુતિ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ શયન મુદ્રામાં છે. કિવંદતી પ્રમાણે, રાજા ભદ્રસેને ભગવાન રામ પ્રત્યેની ભક્તિના રૂપે આ પ્રતિમા સ્થાપિત કરી હતી.
ભગવાન હનુમાનના આ સ્વરૂપોની કરાય છે પૂજા
# લક્ષ્મણજી માટે સંજીવની લઇ જવા પર્વત ઉઠાવેલી મુદ્રામાં
# પંચમુખી હનુમાનમાં હનુમાનજીના પાંચ સ્વરૂપોનું દર્શન