ચીનની પડતીનો આરંભ થઈ ચૂક્યો છે

16 Dec 2024 13:39:29

china slowing down economy
 
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેરિકામાં જઈને ચીનનાં વખાણ કર્યાં હતા, પરંતુ વાસ્તવમાં તે નરેન્દ્ર મોદી સરકારને નીચું દેખાડવા હતા. રાજકીય પ્રતિસ્પર્ધાવશ તેઓ મોદીના બદલે ભારતને નીચું દેખાડવાનો પ્રયત્ન કરી બેઠા. જોકે સૂરજ સામે ધૂળ ઉડાડો તેનાથી સૂરજને કંઈ પ્રભાવ પડતો નથી. તે જ રીતે રાહુલ ગાંધી માટે ચીન ખૂબ પ્રગતિ કરતું હશે, યથાર્થમાં એવું નથી.
તેનાં ઉદાહરણો ચીનમાંથી નીકળીને ભારતમાં મેન્યુફૅક્ચરિંગ માટે આવી રહેલી કંપનીઓ છે. માઈક્રૉસૉફ્ટ, ડેલ, સ્ટેન્લી બ્લેક ઍન્ડ ડેકર, બ્લિઝાર્ડ ઍન્ટરટેઈનમેન્ટ અને ઍરબીએનબી સહિત બારેક કંપનીઓ ચીનમાંથી નીકળી ગઈ છે. આઈબીએમ તાજું ઉદાહરણ છે.
 
સપ્ટેમ્બર ૨૦૨૪ના એક અહેવાલ મુજબ, અમેરિકાની યુએસ ચેમ્બર ઑફ કૉમર્સે રિપૉર્ટ આપ્યો છે કે, અમેરિકી કંપનીઓની ચીનમાંથી નીકળવાની ઈચ્છા તીવ્ર બની રહી છે. લગભગ ૫૦ કંપનીઓ આનો નિશ્ચય કરી ચૂકી છે. તેમણે ચીનમાં લગભગ ૧૨ લાખ કરોડ રૂપિયાનું મૂડીરોકાણ કર્યું છે. તેમાંથી ૧૫ કંપનીઓ પોતાનો વ્યવસાય ભારત લાવવા માગે છે. આ રિપૉર્ટમાં ૩૦૬ કંપનીઓને સમાવવામાં આવી હતી.
 
રિપૉર્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે મૂડીરોકાણકારોને હવે મેક્સિકો, અમેરિકા અને યુરોપની સરખામણીમાં ભારત વધુ પસંદ પડી રહ્યું છે. ગયા વર્ષે મૂડીરોકાણકારોની ભારત પાંચમી પસંદ હતું, આ વર્ષે ભારત બીજા ક્રમે આવી ગયું છે. પહેલા ક્રમે ઈન્ડોનેશિયા, સિંગાપોર અને મલયેશિયા સંયુક્ત રીતે એટલે કે અગ્નિ (દક્ષિણ-પૂર્વ) એશિયા છે.
 
આનું કારણ શું છે? ચીનમાંથી કંપનીઓ કેમ નીકળવા માગે છે? વાસ્તવમાં આનું કારણ છે ચીનની કોરોના નીતિ. ચીનમાં એક જ પક્ષ છે. સામ્યવાદી પક્ષ. તેમાંય શી જિનપિંગનું ૨૦૧૩થી શાસન છે. અને ૨૦૨૩માં તેમને ત્રીજી પાંચ વર્ષની અવધિ આપી દેવામાં આવી. એટલે કે તેઓ ૨૦૨૮ સુધી સત્તામાં રહેશે. ઉપરાંત ચીનમાં ખાનગી સમાચાર માધ્યમો નથી. સરકાર જે સમાચાર આપે તે સરકારી સમાચાર સંસ્થા `શિનહુઆ' જે સમાચાર આપે તે જ આપણા સુધી પહોંચે છે. આ ઉપરાંત જી-મેઈલ, ફેસબુક, યુટ્યૂબ, વૉટ્સઍપ વગેરે પર પણ ત્યાં પ્રતિબંધ છે. તેના પોતાના જ સૉશિયલ મીડિયા છે. તેના કારણે, બધા નિર્ણયો આપખુદ રીતે લેવામાં આવે.
 
કોરોનાનો ઉદ્ભવ ચીનના વુહાનમાંથી થયો હતો. અમેરિકાના ડેમોક્રેટિક પાર્ટીના બરાક ઓબામાના શાસન વખતે વુહાન લેબૉરેટરીને અમેરિકા ફંડ આપતું હતું. એટલે દુનિયાને કોરોનાગ્રસ્ત કરી પોતાની રસી વેચવાના કારસામાં અને ખાસ તો ભારત જેવા વિશાળ અને મોટી વસતિ, તેમજ મહાનગરોમાં ગીચ વસતિના લીધે લોકોને મારી નાખવાના કારસામાં ચીન પોતે જ સપડાઈ ગયું. ત્યાં કેટલાનાં મૃત્યુ થયાં તેના તો કોઈ આંકડા નથી, પરંતુ લીક થયેલા સૉશિયલ મીડિયામાં ત્યાંની ખરાબ સ્થિતિ બહાર આવી હતી.
 
જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે ભારતમાં વાંકદેખુઓ ચીનનું ઉદાહરણ આપતા હતા કે, તેણે ગણતરીના દિવસોમાં આટલી પથારીઓ (બૅડ)વાળી હૉસ્પિટલ બનાવી નાખી. પરંતુ જેમ-જેમ સમય પસાર થયો અને પાછોતરી નજર કરીએ ત્યારે જણાય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે નીતિ અપનાવી હતી તે કેટલી દૂરદૃષ્ટિવાળી હતી.
 
આપણા દેશમાં પહેલાં એક દિવસ રવિવારે ઘર-વાસ (લૉકડાઉન) રખાયો અને પછી તેની ટેવ પછી પૂરો લૉકડાઉન ૨૪ માર્ચે જાહેર કરાયો જે ૨૧ દિવસ ચાલ્યો. એ આવશ્યક હતો, કારણ કે ત્યારે હૉસ્પિટલોમાં બૅડ ઊભી કરવાની હતી, કોરોના ફેલાતો બચાવવાનો હતો, લોકોને કોરોનાના નિયમોની (એકબીજાને અડવું નહીં, કોરોનાગ્રસ્તને એકાંતવાસમાં રાખવો, લાઇનમાં અંતર રાખીને ઊભા રહેવું વગેરે) ટેવ પાડવાની હતી. તેની જાગૃતિ ફેલાવાઈ. મોદીજીએ સેલિબ્રિટીઓ, હેલ્થ વર્કર, ડૉક્ટરો, નિષ્ણાતો વગેરે સાથે ઑનલાઇન વાત કરી લોકોનું મનોબળ વધાર્યું. દૂરદર્શન પર રામાયણ, મહાભારત, બુનિયાદ, દેખ ભાઈ દેખ વગેરે જૂના ધારાવાહિકો દર્શાવાયાં. માર્ચ-એપ્રિલ વેકેશનનો પણ સમય હતો. આથી લોકોને આનંદ આવી ગયો. લોકો પાસે ફેસબુક, યુટ્યૂબ પર રીલ બનાવવાનો મંચ હતો.
 
લોકોના મનમાં કોરોના અંગે જાગૃતિ આવી ગઈ પછી ધીમેધીમે આંશિક રીતે લૉકડાઉન હળવો કરવા લાગ્યા. વેપાર-ધંધાને ખુલ્લા મૂકવા માંડ્યા. ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગરીબોને અન્ન માટે પેકેજ જાહેર કર્યાં. આનાથી ધીમેધીમે ગાડી પાટા પર આવવા લાગી.
બીજી તરફ, ચીને ભારત સાથે અડપલું કર્યું. ગલવાન સરહદે ભારતીય જવાનો પર આક્રમણ કર્યું. આમાં ચીનની છબિ બગડી. ભારતીય જવાનોએ ચીનને આ સામસામે સંઘર્ષમાં જડબાતોડ ઉત્તર આપ્યો. તો સાથોસાથ કોરોનામાં ચીનની પરિસ્થિતિ બગડતી ગઈ. ૨૦૨૦માં લૉકડાઉન લાગુ કર્યું અને તેને ૨૦૨૨માં પણ લાગુ કરવું પડ્યું. ભારતમાં ૨૦૨૦ અને ૨૦૨૧માં જ લૉક ડાઉન લાગુ કરવા પડ્યાં હતાં.
 
ચીનમાં સામ્યવાદીઓના લોખંડી શાસનના કારણે લોકો વિરોધ કરવા નીકળતા નથી. ઈ. સ. ૧૯૮૯માં તિયાનમેન ચોકડી પર વિદ્યાર્થીઓએ પ્રદર્શનો કર્યાં હતાં ત્યારે સામ્યવાદી સરકારે શત્રુઓ સામે વપરાતી ટૅન્કો વિદ્યાર્થીઓ પર ચલાવી દીધી હતી. પરંતુ ૨૦૨૨માં લૉક ડાઉનનાં કડક પગલાં સામે લોકો વિરોધમાં ઊતરી આવ્યા હતા. વિચાર કરો, લોકોની સહનશક્તિનો અંત આવી ગયો હશે ને?
 
આ બધામાં મેન્યૂફૅક્ચરિંગ કરતી વિદેશી કંપનીઓને ચીન કરતાં ભારત વધુ પસંદ પડવા લાગ્યું. ચીનમાં ૧૬થી ૨૪ વર્ષના યુવાનોમાં આજીવિકાહીનતાનો દર ૨૧.૩ ટકા સુધી પહોંચી ગયો છે. તે ત્રણ દાયકામાં સૌથી વધુ છે. સાથે જ દેશમાં વૃદ્ધોની સંખ્યા એક સમસ્યા બની ગઈ છે.
 
આપણે ત્યાં આ સ્થિતિ નથી. ભારત યુવાન દેશ છે. જોકે તેની સ્થિતિ ભવિષ્યમાં ચીન જેવી થવાની સંભાવના છે. રા.સ્વ.સંઘના સર્વોચ્ચ નેતૃત્ત્વએ હિન્દુ દંપતીને ત્રણથી ચાર બાળકો કરવા સલાહ આપી છે.
 
ચીનનું અર્થતંત્ર ૨૦૦૮ની વૈશ્વિક મંદી પછી સૌથી મોટી મંદીનો સામનો કરી રહ્યું છે. ત્યાંના સંપત્તિ બજારમાં કટોકટી અને આર્થિક બજારમાં તોફાનના કારણે ખરાબ પરિસ્થિતિ છે. તેથી ચીનમાં અબજોપતિઓની સંખ્યા ગયા વર્ષે ૫૨૦ હતી, તેના બદલે આ વર્ષે ઘટીને ૪૨૭ થઈ ગઈ છે. આ અબજોપતિઓની કુલ સંપત્તિ ૧.૪ ટ્રિલિયન અમેરિકી ડૉલર એટલે કે ૨૦ ટકા જેટલી મોટી સંખ્યામાં ઘટી છે.
 
એમાં ચીનના શી જિનપિંગ દ્વારા ઉદ્યોગપતિઓ અને બૅન્કરો સામે લેવામાં આવી રહેલાં કડક પગલાં પણ એટલાં જ ઉત્તરદાયી છે. ચીનમાં સામ્યવાદી સરકાર ભલે હોય, પરંતુ તેણે છેલ્લા અનેક દાયકાઓથી આંશિક મૂડીવાદી અર્થતંત્ર અપનાવ્યું છે. વિદેશી કંપનીઓને છૂટ આપી છે, પરંતુ તેમાં સરકારી મૂડીરોકાણ હોય છે. આ ઉપરાંત મેન્યૂફૅક્ચરિંગ માટે શ્રમિકોના માનવ અધિકારોને પણ નેવે મૂકી દેવાયા છે.
 
હવે તેમને લાગ્યું છે કે આના કારણે લોકોમાં અસંતોષ ફેલાયો છે. એટલે હવે ભ્રષ્ટાચાર ડામવા ઉદ્યોગપતિઓ અને બૅન્કરોની સામે કડક પગલાં લેવા માંડ્યાં છે. ૨૦૦૭થી ૨૦૨૦ દરમિયાન ૪૩ લાખ યુઆનની લાંચ લેવા માટે ચીન ડેવલપમેન્ટ બૅન્કના પૂર્વ વરિષ્ઠ અધિકારી ફુ શિયાઓડૉન્ગને ૧૦ વર્ષની કારાવાસની સજા અપાઈ છે.
 
નવેમ્બર ૨૦૨૦માં ચીનના સાતમા સૌથી મોટા ઉદ્યોગપતિ જેક મા (અલીબાબા ગ્રૂપવાળા) અચાનક અદૃશ્ય થઈ ગયા હતા, કારણ કે તેમણે તે પહેલાં ચીનની આર્થિક પ્રણાલીની ટીકા કરી હતી. જોકે ૨૦૨૪માં તે ફરી દેખાયા પરંતુ હવે તેમનું ભવિષ્ય ડામાડોળ જ છે.
 
ચીને ભારતને ઘેરવા અને તાઈવાનને હડપવા માટે છેલ્લાં કેટલાંક વર્ષોથી ઉધામા શરૂ કર્યાં છે, તે તેની વિરુદ્ધ પડી રહ્યા છે. શ્રીલંકામાં બંદર પ્રાપ્ત કરવા માટે તેણે પ્રયત્નો શરૂ કર્યા, ત્યાં અમેરિકી ડેમોક્રેટિક પક્ષની (બાઈડેન)ની સરકારની મદદથી ભારત મિત્ર સરકારને ઉથલાવી પરંતુ શ્રીલંકાને બચાવવા કોઈ આગળ ન આવ્યું ત્યારે ભારત જ આગળ આવ્યું. બંદર અદાણી સમૂહને મળ્યું. બાંગ્લાદેશને પોતાની તરફ લેવા માટે તેણે પ્રયાસ કર્યા, પરંતુ શૈખ હસીનાએ તેને ઘાસ ન નાખ્યું. પરિણામે શૈખ હસીના જ્યારે ચીન ગયા હતાં ત્યારે ચીને બાંગ્લાદેશને પોતાની તરફ કરવા માટે દબાણ કર્યું, પરંતુ શૈખ હસીના તેમની દીકરીના સ્વાસ્થ્યના કારણે વહેલા પરત આવી ગયાં તે ઘણું કહી જાય છે. ચીનને તીસ્તા નદી પ્રૉજેક્ટ મેળવવો હતો પરંતુ શૈખ હસીનાએ કહી દીધું કે, તે તો ભારતને જ મળશે.
 
ભારતમાં આતંક મચાવનાર પાકિસ્તાનના ત્રાસવાદી મસૂદ અઝહરને સંયુક્ત રાષ્ટ્રો દ્વારા વૈશ્વિક ત્રાસવાદી ઘોષિત કરવાના ભારતના પ્રયાસોને સંયુક્ત રાષ્ટ્રોમાં ચીને ઘણા પ્રયાસો કર્યા, પરંતુ ચીનને પોતાને પાકિસ્તાનમાં આતંકવાદીઓ કનડી રહ્યા છે તે તે જોતું નથી. પાકિસ્તાનમાં ચીને સીપીઈસી (ચીન પાકિસ્તાન ઈકૉનૉમિક કૉરિડૉર) પ્રૉજેક્ટ શરૂ કર્યો છે. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓમાં પાકિસ્તાનની દૃષ્ટિએ આતંકવાદીઓ ત્યાં કામ કરતા ચીનના એન્જિનિયરો, શ્રમિકો વગેરેને નિશાન બનાવી રહ્યા છે. માર્ચ ૨૦૨૪થી નવેમ્બર ૨૦૨૪ દરમિયાન આત્મઘાતી આક્રમણોમાં સાત ચીની નાગરિકો માર્યા ગયા છે.
૨૦૧૩માં સીપીઈસી પ્રૉજેક્ટ શરૂ કરાયો હતો, પરંતુ ચીનના જ ચાઈનાડેઈલી સમાચાર પૉર્ટલ મુજબ, નવ વિશેષ આર્થિક ક્ષેત્રો (એસઈઝેડ)માં વિલંબ થઈ ગયો છે. નવ પૈકી માત્ર ચારમાં જ બાંધકામ થઈ રહ્યું છે. દેવું વધી રહ્યું છે. પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા અને વધી રહેલો ઇસ્લામિક કટ્ટરવાદ ચીન માટે ચિંતાનું કારણ છે. ચીનમાં ઉઈગર મુસ્લિમોનું નસબંધી વગેરે દ્વારા દમન સામ્યવાદી સરકાર કરે છે તે બાબતે પાકિસ્તાન ઇસ્લામિક દેશ હોવા છતાં સીધું કંઈ બોલી શકતું નથી, કારણ કે ચીને સીપીઈસી દ્વારા અને પાકિસ્તાનને ઋણ આપીને એક રીતે ખંડિયું રાજ્ય બનાવી લીધું છે, પરંતુ પાકિસ્તાનમાં રહેલા કટ્ટર મુલ્લા-મૌલાનાઓને આ વાત પસંદ પડી રહી નથી. વળી, પાકિસ્તાન અત્યાર સુધી અમેરિકાનું પણ ખંડિયા રાજ્ય જેવું રહેલું છે. એટલે અમેરિકા પણ પાકિસ્તાનમાં ચીન વિરોધી ઊથલપાથલ કરાવતું રહે છે.
 
૨૦૨૨માં ઈમરાન ખાનને ઉથલાવવાનો પ્રયાસ સફળ થયો ત્યારે ઈમરાન ખાને અમેરિકા પર આક્ષેપો કર્યા હતા કે, અમેરિકા તેમને ઉથલાવવા પ્રયાસ કરે છે. આમ, પાકિસ્તાન અમેરિકા અને ચીન વચ્ચે કુશ્તીનું મેદાન બની ગયું છે. અને ચીનના સામ્યવાદી પક્ષની સરકારે પોતાની વિસ્તારવાદી નીતિના લીધે, ઘડીકમાં મૂડીવાદ, ઘડીકમાં સામ્યવાદ વગેરે નીતિના કારણે ચીનને મોટા સંકટમાં મૂકી દીધું છે. ૨૦૨૨માં લોકોએ સાર્વજનિક રીતે કરેલા વિરોધને જો માપદંડ ગણીએ તો ટૂંક સમયમાં ચીનમાં વિદ્રોહ ફાટી નીકળે અને બીજા દેશોને ગળી જવા માગતું ચીન પોતે જ ખંડ-ખંડ થઈ જાય તો નવાઈ નહીં લાગે.
આનું એક કારણ એ પણ છે કે, ૨૦ જાન્યુઆરીથી અમેરિકામાં ચીનના ઘોર વિરોધી ડૉનાલ્ડ ટ્રમ્પ સત્તાગ્રહણ કરશે. ચીન પ્રેમી ડેમોક્રેટિક પક્ષના પ્રમુખો બરાક ઓબામા તેમજ જૉ બાઈડેને ચીનને ફાયદો કરાવ્યો છે, પરંતુ ટ્રમ્પના અગાઉના શાસનમાં પણ ચીન વિરોધી ક્વાડને મજબૂત કરાયું હતું. ચીની કંપનીઓ સામે પગલાં લેવાયાં હતાં. આયાત પર ડ્યૂટી નાખી હતી. હવે ફરી ટ્રમ્પ એ જ નીતિ અપનાવશે. ચીનના વધુ માઠા દિવસો આવી રહ્યા છે.
 
વિશ્વનું બીજું સૌથી મોટું અર્થતંત્ર ધરાવતા દેશ ચીનમાં બધુ ઠીક નથી. દેશમાં ૨૦૦૮ જેવી મંદીના લક્ષણ જોવા મળી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં ચીને અર્થતંત્રને ગતિ આપવા માટે વર્ષ ૨૦૨૦ના લૉકડાઉનની માફક સ્ટીમ્યૂલસની જાહેરાત કરી છે. દેશનું રિયલ એસ્ટેટ ઇન્ડેક્સ બે વર્ષમાં ૮૨% ઘટ્યું છે. દેશમાં ૧૯૯૯ બાદ સૌથી મોટું ડિફ્લેશન ચાલી રહ્યું છે. બેરોજગારીનો દર અનેક દાયકાના ઉચ્ચત્તમ સ્તરે પહોંચ્યો છે. અમેરિકાની સાથે તણાવ ચરમસીમાએ છે અને શેરમાર્કેટની સ્થિતિ દિવસે દિવસે બગડી રહી છે.
Powered By Sangraha 9.0