જ્યૉર્જ સૉરોસ અને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે ગંભીર આક્ષેપો થયા છે!

28 Dec 2024 16:04:27

george soros sonia gandhi
 
 
જ્યૉર્જ સૉરોસ અને ગાંધી પરિવાર - યે રિશ્તા ક્યા કહલાતા હૈ?
અદાણી વિરુદ્ધ અહેવાલો છાપનાર ઓસીસીઆરપી નામના મીડિયાને અમેરિકી સરકારે જ બનાવ્યું છે તેવા ફ્રેન્ચ મીડિયાપાર્ટના અહેવાલ પછી ભાજપે જ્યૉર્જ સૉરોસ અને સોનિયા ગાંધી-રાહુલ ગાંધી સામે ગંભીર આક્ષેપો કર્યા છે જેમાં એક આક્ષેપ એવો છે કે કાશ્મીરની સ્વતંત્રતાની તરફેણ કરનાર સંસ્થા એફડીએલ-એપીની સહઅધ્યક્ષા સોનિયા છે. જેને જ્યૉર્જ સૉરોસનું ભંડોળ મળે છે.
 
 
કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને ડીપ સ્ટેટના સૂત્રધાર જ્યૉર્જ સોરોસ વચ્ચેની સાંઠગાંઠ!
 
સંસદમાં તાજેતરમાં બે મુદ્દે વિપક્ષો અને શાસક પક્ષો સામસામે આવી ગયા. વિપક્ષો ગૌતમ અદાણીના સમૂહ પર ભારતમાં પ્રૉજેક્ટ મેળવવા અલગ-અલગ રાજ્યો (આ રાજ્યો પાછાં જે તે સમયે કૉંગ્રેસ, ડીએમકે વગેરે વિપક્ષ દ્વારા જ શાસિત હતાં)ના સરકારી અધિકારીઓને લાંચ આપવાના મુદ્દે અમેરિકામાં એક જિલ્લા કક્ષાના વકીલે કરેલા કેસના સમાચાર એક મહિના પછી બરાબર સંસદ સત્ર ચાલુ થવાનું હતું ત્યારે જ આવતાં, અદાણીની ધરપકડ કરવાની માગણી કરી રહ્યા છે. તો ભાજપના સાંસદો સંબિત પાત્રા અને કે. લક્ષ્મણે પત્રકાર પરિષદ કરી કૉંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને ડીપ સ્ટેટના સૂત્રધાર જ્યૉર્જ સોરોસ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડી.
 
આ સંશોધન ગુજરાતી વ્હિસલ બ્લૉઅર વિજય પટેલને આભારી છે
 
સંસદમાં પણ ભાજપે આ મુદ્દે કૉંગ્રેસને સણસણતા પ્રશ્નો પૂછ્યા છે. જોકે જ્યૉર્જ સૉરોસ અને ગાંધી પરિવારની સાંઠગાંઠ અંગે `સાધના'એ વખતોવખત આ કોલમ થકી આ મુદ્દાની ગંભીરતા રજૂ કરેલ છે. છેક ૨૬ માર્ચ ૨૦૨૨થી અંકમાં લખ્યું હતું કે સોનિયા ગાંધી કાશ્મીરની સ્વતંત્રતાની માગણી કરતા સંગઠન ધ ફૉરમ ઑફ ડેમોક્રેટિક લીડર્સ ઈન ધ એશિયા-પેસિફિક (એફડીએલ-એપી)નાં સહપ્રમુખ છે. આ સંગઠનને અમેરિકી ડાબેરી ઉદ્યોગપતિ જ્યૉર્જ સૉરોસની સંસ્થા ઑપન સૉસાયટી તરફથી દાન મળે છે. રાહુલ ગાંધીની વિદેશ યાત્રાઓ દરમિયાન ભારતવિરોધી અને હિન્દુવિરોધી વિદેશી લોકો સાથે તેમની મુલાકાત વિશે પણ અત્રે લખાયું છે. આ સંશોધન ગુજરાતી વ્હિસલ બ્લૉઅર વિજય પટેલને આભારી છે.
 
પરંતુ હવે ઉપરોક્ત બાબતો સાથે નવા મુદ્દા પણ ઉમેરાયા છે. ખાસ તો અદાણી બાબતે. આજકાલ કુખ્યાતિના કેસો બહુ થાય છે. તેથી કોઈ પણ વ્યક્તિ સામે કંઈ પણ બોલતા પહેલાં લોકો વિચાર કરે છે. વિશેષ તો જ્યારે સામે ભારતમાં એક મોટી ઈકૉ સિસ્ટમ જ્યારે ગાંધી પરિવારને આ દેશના રાજા જેવા માનતી હોય ત્યારે. અને એટલે જ ભાજપના સાંસદો કે. લક્ષ્મણ અને સંબિત પાત્રાએ રાહુલ ગાંધી માટે સૌથી ઊંચા ક્રમના દેશદ્રોહી (ટ્રેઈટર ઑફ ધ હાઈએસ્ટ ઑર્ડર) જેવા ગંભીર શબ્દો વાપર્યા ત્યારે આ વિષય કેટલો ગંભીર હશે અને તેના કેટલા પુરાવા હશે તે સમજી શકાય છે. વળી, સંસદમાં પણ મુદ્દો ઉઠાવવામાં આવે ત્યારે તે બાબત ઑન રેકૉર્ડ આવી રહી છે, ઈતિહાસ તરીકે નોંધાઈ રહી છે.
 
 
સંબિત પાત્રાએ ફ્રેન્ચ સમાચારપત્ર મીડિયાપાર્ટના એક અહેવાલને ટાંકતા કહ્યું કે
આ અહેવાલનું શીર્ષક મોટી તપાસકર્તા (ખોજી) પત્રકારિતા અને અમેરિકી સરકાર વચ્ચેની ગુપ્ત કડીઓ (Hidden Links Between A Giant Of Investigative Journalism And The US Government) છે. આ અહેવાલ મુજબ, જ્યૉર્જ સૉરોસ ઑર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ઍન્ડ કરપ્શન રિપૉર્ટિંગ પ્રૉજેક્ટ (OCCRP)ને ભંડોળ પૂરું પાડે છે. આ ઓસીસીઆરપીએ ૧ સપ્ટેમ્બર, ૨૦૨૩ના દિને ભારતના અદાણી ગ્રૂપના ગુપ્ત મૂડીરોકાણકારો જાહેર થયા બાદ તપાસ થશેનો અહેવાલ આપ્યો હતો. મીડિયાપાર્ટ નામના ફ્રેન્ચ સમાચારપત્ર મુજબ, ઓસીસીઆરપી પોતાને સ્વતંત્ર ગણાવે છે, પરંતુ તેની સ્થાપના જ અમેરિકી સરકારના પૈસાથી થઈ હતી. તેનું પચાસ ટકાથી વધુ ભંડોળ અમેરિકી સંસ્થાઓ આપે છે. આ સંસ્થાઓ ઓસીસીઆરપીમાં પોતાના માણસોને રખાવે છે. ડ્રુ સુલિવાન તેમાંના એક માણસ છે.
 
 
 
અમેરિકાની સરકારની એક સંસ્થા છે- યુનાઈટેડ સ્ટેટ્સ ઍજન્સી ઑફ ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ (USAID). તેના વરિષ્ઠ સલાહકાર માઈક હેન્નિંગે સ્વીકારેલું છે કે, ઓસીસીઆરપી અમેરિકી સરકારી સંસ્થાની શ્રેષ્ઠ સિદ્ધિઓ પૈકીની એક છે.
ભાજપે આક્ષેપ કર્યો છે કે, જ્યૉર્જ સૉરોસ જવાહરલાલ નહેરુના પિતરાઈ બી. કે. નહેરુનાં પત્ની ફૉરી નહેરુને મળ્યાં હતાં. પક્ષે સૉશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લખ્યું હતું કે, સોનિયા ગાંધી તો એફડીએલ-એપીનાં સહઅધ્યક્ષા છે જ, પરંતુ જ્યૉર્જ સૉરોસ અને નહેરુ-ગાંધી પરિવારનો સંબંધ બહુ ઊંડો અને જૂનો છે. ફૉરી નહેરુ પણ જ્યૉર્જ સૉરોસની જેમ હંગેરીનાં છે. અને બી. કે. નહેરુ અમેરિકામાં ભારતના રાજદૂત હતા. આનાથી શંકા જાય છે કે નહેરુ-ગાંધી પરિવારે કેટલી સીમા સુધી ભારતનાં હિતોને જોખમાવ્યાં હશે.
 
ભાજપના સાંસદ ડૉ. સુધાંશુ ત્રિવેદીએ એક પત્રકાર પરિષદ કરીને આક્ષેપો કર્યા હતા કે, સોનિયા ગાંધી જેમાં સહઅધ્યક્ષા છે તે એફડીએલ-એપીને જ્યૉર્જ સૉરોસનું ભંડોળ મળે છે અને આ એફડીએલ-એપી કાશ્મીરની સ્વતંત્રતાની પક્ષધર છે. આ સંગઠન કહે છે કે, ભારતમાં લોકતંત્ર બચ્યું જ નથી. આ વેબસાઈટ ખોલતાં તેમાં એક લેખ છે Kashmir Independence Key To Defusing Indo- Pakistan Nuclear Standoff. અર્થાત્ એક રીતે ધમકી છે કે, જો ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ ટાળવું હોય તો કાશ્મીરને સ્વતંત્ર કરી દેવું એ જ ઉપાય છે. આ વેબસાઈટ પર એફડીએલ-એપી કહે છે કે, અમે એશિયા-પ્રશાંત ક્ષેત્રમાં લોકતંત્રને ઉત્તેજન આપવા કટિબદ્ધ છીએ.
 
કૉંગ્રેસે આ આક્ષેપોને નકારી કાઢ્યા છે. તેના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું હતું કે ભાજપે મીડિયાપાર્ટ અહેવાલને ટાંક્યો છે. તેઓ (સરકાર) અમેરિકાના વિદેશ વિભાગ સામે આક્ષેપ કરે છે. તેનાથી આપણા દેશો વચ્ચેના સંબંધો બગડી શકે છે.
પરંતુ ભારત-અમેરિકા સંબંધો એમ બગડે તેમ નથી, કારણ કે ઉપરોક્ત જે બાબતો અમેરિકી સરકારના નામે મીડિયાપાર્ટએ લખી છે તે વાસ્તવમાં જોઈએ તો ડાબેરી-ઉદારવાદી ડેમોક્રેટિક પક્ષનું કામ છે. ૨૦ જાન્યુઆરીએ શપથ લેનારા ડૉનાલ્ડ ટ્રમ્પ પણ ડીપસ્ટેટના શિકાર છે. તેમની હત્યાના પ્રયાસને સીએનએનથી લઈને મોટા-મોટા અમેરિકન મીડિયાએ શરૂઆતમાં સાવ મામૂલી ફટાકડા જેવા અવાજથી ટ્રમ્પ ડરી ગયા હોય તેવા સૂર સાથે સમાચાર આપ્યા હતા. બાદમાં ગૂગલે તો આ સમાચાર જ બ્લેકઆઉટ (એટલે કે સર્ચ કરો તો બતાવે જ નહીં) કરી દીધા હતા તેવો આક્ષેપ ટ્રમ્પે કર્યો હતો. ડૉનાલ્ડ ટ્રમ્પે ચૂંટણીમાં ડીપ સ્ટેટને નાબૂદ કરવા વચન આપ્યું છે. તેમના ચૂંટાવાનું એક કારણ આ વચન પણ છે. તેમણે એક્સ (અગાઉ `ટ્વિટર નામ હતું)ના સ્વામી એલન મસ્ક અને રિપબ્લિકન નેતા વિવેક રામસ્વામીને બ્યુરોક્રસીમાં સાફસૂફી માટે એટલે જ નિયુક્ત કર્યા છે.
 
બીજું કે વિદેશયાત્રાઓમાં રાહુલ ગાંધીની મુલાકાત કાશ્મીરમાં જનમત કરાવવા માગતા જેરેમી કૉર્બિન કે મણિપુર મુદ્દે હસ્તક્ષેપ કરાવવા જેવું કહી શકાય તેવો ઠરાવ કરાવતા પિએર્રે લારૌતોરૌ કે હિન્દુ વિરોધી સુનિતા વિશ્વનાથન-ક્રિસ્ટોફ જેફરલૉટ સાથે થઈ હતી તેને કૉંગ્રેસ નકારી શકશે? ચીનના સામ્યવાદી પક્ષ સાથે કૉંગ્રેસના સત્તાવાર એમઓયૂને કૉંગ્રેસ નકારી શકશે? કૉંગ્રેસે પોતે સ્વીકાર્યું છે કે, જ્યારે ડૉકલામ પર ચીનના અતિક્રમણના પ્રયાસો સામે ભારતીય સૈન્ય ૭૨ દિવસ અડીખમ ઊભું હતું ત્યારે રાહુલ ગાંધી ચોરીછૂપીથી ચીનના ભારતમાંના રાજદૂતને મળવા ગયા હતા. વિદેશોમાં રાહુલ ગાંધીએ ચીનની પ્રશંસા કરી ભારતની પ્રગતિને ઉણી સાબિત કરવા પ્રયાસ કર્યો જ છે.
 
સંયુક્ત રાષ્ટોના પૂર્વ અંડર સેક્રેટરી જનરલ રહી ચૂકેલા (આવાં પદ પર અમેરિકાની ઇચ્છા વગર પહોંચી ન શકાય), તેમજ કૉંગ્રેસ પ્રમુખ પદ માટે મલ્લિકાર્જુન ખડગે સામે ચૂંટણીમાં ઊભા રહેલા શશિ થરૂર યુપીએ-૧ સરકારમાં માનવ સંસાધન વિભાગના રાજ્ય પ્રધાન હતા. તે પછી તેઓ યુપીએ-૨માં વિદેશ ખાતાના રાજ્ય પ્રધાન હતા. તેમણે તે વખતે મંદી હતી તો કરકસરના ભાગરૂપે વિમાનમાં ઈકૉનૉમી ક્લાસમાં મુસાફરી કરવાનો વિરોધ કર્યો હતો. તેમના પર તેમનાં પત્ની સુનંદા પુષ્કરના અકુદરતી મૃત્યુના કેસમાં આરોપો પણ છે. આ શશિ થરૂરે ઈ. સ ૨૦૦૯માં ઍક્સ પર જ્યૉર્જ સૉરોસને બહુ જૂના અમેરિકી મિત્ર ગણાવ્યા હતા. એટલે કે જ્યૉર્જ સૉરોસ સાથે તેમને ૨૦૦૯થી ઘણાં વર્ષો પહેલાંની મૈત્રી હતી. જોકે શશિ થરૂરે સ્પષ્ટતા કરી છે કે મેં મારા માટે, કોઈ સંસ્થા માટે કે કોઈ ઉદ્દાત હેતુ માટે ક્યારેય સૉરોસ તરફથી એક પૈસો પણ મેળવ્યો નથી.
 
આ તો બધી તપાસ થશે ત્યારે ખબર પડશે, પરંતુ આ વખતે સંસદમાં વિપક્ષના નેતા બનેલા રાહુલ ગાંધી, જે હવે સંસદમાં ધક્કામુક્કી પર અને નાગાલેન્ડનાં ભાજપનાં મહિલા આદિવાસી સાંસદ એસ. ફાંગનોન કૉન્યાક સામે અણછાજતું વર્તન કરવા પર ઉતરી આવ્યા છે (આ ધક્કામુક્કીમાં ભાજપના સાંસદો પ્રતાપ સારંગી અને મૂકેશ રાજપૂત ઘાયલ થયા હતા) અને પાછો તેનો બચાવ પણ કરે છે કે ધક્કામુક્કી તો થાય, તેમની સામેના આ પ્રકારના આક્ષેપો ખૂબ ગંભીર તો છે જ.
Powered By Sangraha 9.0