શુદ્ધ સાત્ત્વિક પ્રેમનું મૂર્તિમંત સ્વરૂપ શ્રી ચંદ્રકાંતભાઈ સોની

30 Dec 2024 16:09:16

chandrakant modi
 
 
વિક્રમ સંવત ૨૦૦૪ની કારતક સુદ દશમ; (હજારો વર્ષ પૂર્વેનો આ એ દિવસ છે, જે દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ સૃષ્ટિનું હાસ્ય હણી લેનારા દુષ્ટ કંસનો વધ કર્યો હતો.) આ દિવસે વડનગરના એક સ્વાધ્યાયી સોની પરિવારમાં યોગેશ્વર શ્રી કૃષ્ણની સેવા કરતાં માતાની કૂખે જન્મ થયો સ્મિત રેલાવતા એક પુત્રરત્નનો. એ સ્મિત આજીવન રહ્યું. એ દિનાંક ૨૩ નવેમ્બર, ૧૯૪૭ હતી. આબેબ નિર્દોષ સ્મિત સાથે જાણે બાળકે પોતાનું ભવિષ્ય જ કહી દીધું હતું અને તેથી જ ચંદ્ર જેવું મોહક મુખ ધરાવનાર પુત્રનું માતા-પિતાએ નામ રાખ્યું ચંદ્રકાંત. જે મહર્ષિ વાલ્મિકીજીએ પહેલીવાર શ્રી રામ માટે સંબોધ્યું હતું. અને એ જ રીતે ચિરપરિચિત સ્મિત સાથે કર્તૃત્વભાવથી આજીવન જીવી ગયા આપણા સૌના પ્રેરણામૂર્તિ કાર્યકર્તા, વડીલ બંધુ શ્રી ચંદ્રકાંતભાઈ સોની.
 
બાળપણનાં વર્ષો પરિવારની આર્થિક સંકડામણમાં વીત્યાં. કારણ કે, તેઓએ પોતે જ કાંટાળો માર્ગ પસંદ કર્યો હતો. એ માર્ગ હતો રાષ્ટપ્રથમ (Nation First)નો.. આગળનું જીવન પણ એવું જ કપરું રહેવાનું હતું. મૂળે અભ્યાસુવૃત્તિના. તે સમયે પી.ટી.સી. સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો. આ દરમિયાન સાથી મિત્ર શ્રી ચંદુભાઈ રામી જાણે પડછાયો બનીને સતત સાથે રહ્યા. અભ્યાસ બાદ શિક્ષક બન્યા. આ દરમિયાન ૨૩ વર્ષની ઉંમરે ૧૯૭૦માં સંઘના સંપર્કમાં આવ્યા અને શરુ થઈ ચંદ્રકાંતભાઈની; સંઘના એક નિષ્ઠાવાન સ્વયંસેવક તરીકેની ૪૨ વર્ષની જીવનયાત્રા. જયારે યાત્રીને ઈશ્વર પર શ્રદ્ધા હોય ત્યારે ઈશ્વર કોઈને તેની યાત્રા સુગમ બને તે માટે મદદ કરતો જ હોય છે તેમ શ્રી ચંદ્રકાંતભાઈને પણ મળી ગયા સંઘના પ્રચારક શ્રી કાશીનાથજી. શ્રી કાશીનાથજી જેવા સ્થિતપ્રજ્ઞ વ્યક્તિત્વએ જાણે જીવનનો ધ્યેયમંત્ર જ આત્મસાત્ કરાવી દીધો. જીવન એટલે સંઘકાર્ય અને સંઘકાર્ય એટલે જ ઈશ્વરીય કાર્ય, આ સરળ મંત્રના આધારે સંઘયજ્ઞમાં જીવનની આતિ જ આપી દીધી.
 
શ્રી ચંદ્રકાંતભાઈનું સમગ્ર જીવન સંઘાનુરૂપ અને સંઘાનુકૂલ રહ્યું. એક આદર્શ સ્વયંસેવકના ગુણ અને વ્યવહાર વિશે આપણે જે સાંભળ્યું છે તેવા તમામ ગુણ-વ્યવહારની અપેક્ષાઓને પૂર્ણ કરે તેવા તે સ્વયંસેવક. જેમના હૃદયમાં સદાસ્થિત જોવા મળે શુદ્ધ સાત્ત્વિક નિર્વ્યાજ પ્રેમ માત્ર! તે સિવાય કોઈ અન્ય દ્વેષ કે ભાવ શોધ્યો ય ન જડે તેવું તપસ્વી જીવન, રાષ્ટકાર્યની તનમય તત્પરતા છલોછલ.
 
નોકરી કરતાં કરતાં સોમવારથી શુક્રવાર સુધીના બધા દિવસોએ શાળાએથી છૂટીને નિત્ય શાખામાં દરરોજ પહોંચી જવાનું. શાખા બાદ સંપર્ક કરવાનો ચુસ્ત આગ્રહ. શ્રી કાશીનાથજીએ જાણે સંઘ ગળથૂથીમાં જ પાયો હતો, જેના કારણે તેઓ રાત્રે ઘરે પહોંચવાનો કોઈ જ સમય ક્યારેય પાળી શક્યા નહીં. રહી વાત શનિવાર અને રવિવારની; તો શનિવારે સવારની શાળા પૂરી કરીને નીકળી જવાનું અને તાલુકાના ગામોમાં પ્રવાસ કર્યા બાદ ઘણી વાર તો સોમવારે સીધા શાળાએ જ પહોંચી જવાનું, ક્યારેક જ્યારે વહેલા આવી ગયા હોય તો ભોજન કરીને સીધા શાળાએ, આવો ક્રમ જીંદગીભર જાળવવો તે કેવડી મોટી તપશ્ચર્યા છે! વર્તમાન ખેરાલુ, વડનગર અને સતલાસણા તાલુકાનું કોઈ પણ ગામ તેમના પ્રવાસથી વંચિત રહ્યું ન હતું. મોટા ભાગે પ્રવાસ સરકારી બસમાં કરતા અને સાઈકલ તો સહજ હતી જ.
 
એક વાર શ્રી કાશીનાથજી સમક્ષ વાહનની વ્યવસ્થા માટે વાત નીકળેલી ત્યારે શ્રી કાશીનાથજીએ જાણે અરણ્યના કોઈ ગુરુકૂળના એક અનુભવી આચાર્યએ પોતાના શિષ્યને `ના' તો ના કહી, પરંતુ `હા' પણ ન કહીં. સાધના યથાવત્ રાખવાનો માત્ર ગર્ભિત સંકેત કરતા હોય તેમ કહેલું કે, `હું જેટલું ચાલતાં ફર્યો છું, તેટલું બસમાં ફરી લો પછી વિચારીએ.' ત્યાર બાદ પ્રવાસચક્ર સતત ફર્યું, પણ મન સદૈવ સ્થિર જ રહ્યું. જે તેમના જીવનની અનેક ઘટનાઓ પરથી પણ ધ્યાને આવે છે. વડનગરથી શોભાસણ પ્રવાસ હોય ત્યારે ધગધગતા બપોરે બસમાંથી ઉતરી ૬ કિમી સુધી ઘૂંટણ સમી ધૂળમાં ચાલીને શાખાસ્થાન પર પહોંચવાનું અને શાખાના કાર્યક્રમો પતે તે દરમિયાન જ છેલ્લી બસ સામેથી પસાર થતી હોય તેમ છતાં પણ પ્રવાસની બધી અપેક્ષાઓ પૂર્ણ કર્યા પછી જ શોભાસણથી ઉઢાઈ સુધી મોડી સાંજે ૩ કિમીની વળતી ખેપ ચાલતાં શરૂ થાય. જે કાર્યકર્તા સાથે ગયા હોય તેમને તેઓ સમજાવે પણ ખરા કે, આ તો ઈશ્વરીય કાર્ય છે એટલે ઈશ્વર મદદ કરશે જ અને ઘણી વાર ઈશ્વરે દૂધ-ડેરીનું વાહન કે અન્ય કોઈ વાહન મોકલીને જાણે મદદ પણ કરી જ હોય! આવા જ પ્રવાસને કારણે ચોમાસામાં જયારે વરસાદના લીધે પરત આવવામાં ખૂબ મોડું થાય ત્યારે પરિવારને ઝાઝો સમય રાહ જોવી ન પડે તે માટે તેઓ ચાતુર્માસનો ઉપવાસ કરતા. આમ સંઘકાર્ય પ્રત્યે કોઈને પણ કોઈ જ જાતનો અણગમો ઊભો ન થાય અને પોતાના પ્રવાસની કોઈ બાબતે તેની યોજનામાં બાંધછોડ ન કરવી પડે તેવો તેમનો સતત પ્રયાસ રહેતો.
 
પોતે શિક્ષક હતા અને તેથી વાંચન અને સાહિત્ય માટે પણ ઘણી રુચિ રહી, જે તેમને દોરી ગઈ `સાધના' સાપ્તાહિક પ્રત્યેના લગાવ તરફ! `સાધના' સાપ્તાહિકના તેઓ એક સંનિષ્ઠ કાર્યકર્તા બન્યા. `સાધના' સાપ્તાહિકના માધ્યમથી પણ સંઘવિચાર ઘર-ઘર પહોંચે તે માટે હંમેશાં પ્રયત્નશીલ રહ્યા અને શ્રદ્ધાવાન રહ્યા. `સાધના'ની બેઠકોમાં જવું, `સાધના' સાપ્તાહિકના ગ્રાહક બનાવવાનું કામ પણ કરતા રહેવું, એવો એક નવો ઉપક્રમ તેમના જીવનમાં ઉમેરાયો હતો. એક વાર વડોદરા ખાતે `સાધના'ની બેઠક હતી તે સમયે જ સંઘની વિભાગ બેઠક પણ હતી. પરંતુ, `સાધના'ની બેઠક તેમને છેક વડોદરા દોરી ગઈ. પોતાની જાતને રોકી ના શક્યા. તે સમયના વિભાગ પ્રચારક શ્રી પંકજભાઈ વડવાળા જાણે જાંબુવંતના સ્વરૂપમાં હનુમાનને પોતાનું કર્ર્તૃત્વ યાદ કરાવવા પહોંચ્યા અને પૂછ્યું કે, કેમ વિભાગ બેઠકમાં ઉપસ્થિત ન હતા? ચંદ્રકાંતભાઈએ પોતાના મનમાં રમતું સત્ય, વિચારોના પ્રચારનું - વિમર્શના મહત્ત્વનું સત્ય પણ ખૂબ જ વિવેકપૂર્ણ રજૂ કરી દીધેલું. વાત `સાધના'ના પ્રચાર-પ્રસારનો વિચાર કરવાની હતી, જેના કારણે સંઘના વિચારો અને રાષ્ટના વિચારોને પોષણ મળી રહ્યું છે, તેની અગત્યતા એટલે કે `વિમર્શ'ની વિરાટતા, તેની રાષ્ટજીવન માટેની અનિવાર્યતા તેઓને વડોદરા દોરી ગયેલી. બેઠક, વર્ગ, કાર્યક્રમમાં ક્યાંય અપેક્ષિત હોય ને કોઈ નાના-મોટા કારણને આગળ કરીને ત્યાં ન ગયા હોય તેવું તેઓના જીવનમાં ક્યારેય બન્યું નહીં. અપેક્ષિત ત્યાં ઉપસ્થિત, આ વ્રત જીવનના અંત સમય સુધી પાળ્યું. વર્ષ ૧૯૭૫ સમયની કટોકટી (આપાતકાળ)ના સમયે પોતાની શિક્ષક તરીકેની સરકારી નોકરી હતી છતાં, પોતાની આજીવિકાની - નોકરીની લેશમાત્ર પણ ચિંતા કર્યા વિના સરકારના, પોલીસના દમનનો વિચાર સુધ્ધાં કર્યા વિના એકધારું સંઘનું કામ પૂરા મનોયોગથી કરતા જ રહ્યા.
 
સમય જતાં શાખામાં શાળાના આચાર્ય બન્યા. તેમની શાળામાં મરમ્મતનું કામ ચાલી રહ્યું હતું, ત્યારે તે ઠીક ચાલે છે કે નહીં તે જોવું જોઈએ, એવી તેમની ચીવટના ભાગરૂપે જેવા ઉપર ચઢ્યા કે, સિમેન્ટના છાપરા પર પગ આવતાં સિમેન્ટનું પતરું તૂટ્યું. તેઓ નીચે પટકાયા. કરોડરજ્જુના નીચેના મણકા તૂટી ગયા. શરીરના નીચેના ભાગોએ સંવેદના જ ગુમાવી દીધી અને ત્યાર બાદનું જીવન વોકર પર આધારિત થઈ ગયું. ત્યાર બાદની બાકીની પાંચ વર્ષની નોકરી પણ વોકર અને રિક્ષાના સહારે શાળાએ પહોંચી પોતાની ફરજને ન્યાય આપીને યોગ્ય રીતે પૂર્ણ કરી. તેમની પ્રેરણાથી સંઘને શાખા સ્તરથી પ્રાંત સ્તર સુધીના કાર્યકર્તા પ્રાપ્ત થતા રહ્યા. પોતાની અસહ્ય શારીરિક અસ્વસ્થ અવસ્થામાં પણ નિયમિત સ્વયંસેવકોને ફોનથી અને પત્રથી યાદ કરતા. જન્મદિન, લગ્નતિથિ કે કોઈ અન્ય સારા-માઠા પ્રસંગે પણ કાર્યકર્તાઓને અચૂકપણે તેમનો ફોન જતો કે પત્ર મળતો જ.
શ્રી ચંદ્રકાંતભાઈ પરમ પવિત્ર ભગવા ધ્વજ પ્રત્યેના પોતાના શિષ્યધર્મને નિષ્ઠાપૂર્વક નિભાવવા માટે અકસ્માત પછી પણ ૨૦૦૦ થી ૨૦૧૨ સુધી બધા જ શ્રી ગુરૂપૂર્ણિમા ઉત્સવમાં શરીરની વેદનાઓ પર કઠોર નિયંત્રણ રાખીને પૂર્ણ સ્વસ્થ ભાવથી ઉપસ્થિત રહ્યા. ક્યારેક ઉત્સવના સ્થાને પહોંચવા સીડીઓ પણ ચઢવી પડે તેમ હોય તો તે સીડીઓ પણ ચડ્યા. અહીં એક યોગાનુયોગ યાદ કરવું ઘટે કે, તેઓના જીવનમાં ૨૩ના અંકનો અનોખો યોગ રહ્યો. જન્મ, લગ્ન, નોકરી અને અકસ્માત થવાની તારીખ ૨૩ જ હતી. એનાથી આગળ સંઘ સ્થાપનાના ૨૩મા વર્ષે જન્મ થયો અને બીજા ૨૩ વર્ષ પછી એટલે કે જીવનના ૨૩મા વર્ષે સંઘ સાથે જોડાયા હતા.
 
જયારે વેન્ટીલેટર પર હતા ત્યારે પોતાનાં અર્ધાંગિનીને કહેતા કે, બીજી બાધા આખડીઓ કરવાનું છોડી દઈને માત્ર જગતજનની ભારતમાતાની ભક્તિ કર. આ વિરલ સ્વયંસેવકે વર્ષ ૨૦૧૨ના અખંડ ભારત સંકલ્પદિને એટલે કે ૧૪ ઓગષ્ટે અંતિમ શ્વાસ લીધા. ઉત્તર ગુજરાતના અનેકો કાર્યકર્તાઓના તેઓ પ્રેરણામૂર્તિ રહ્યા. ક્યારેય કોઈની સાથે કટુ વ્યવહાર નહીં, ઠપકાની ભાષા નહીં, સૌની સાથે એક માત્ર શુદ્ધ સાત્ત્વિક પ્રેમમય વ્યવહાર! જેમ સંસ્કૃતમાં કહેવાયું છે ‘बंधुःस्नेहेन मनो बघ्नाति यः’ એટલે કે જે મનને સ્નેહના બંધનથી બાંધે તે ભાઈ. આ જ કારણ રહ્યું કે, સાથી કાર્યકર્તાઓ તેમને ભાઈ કહીને સંબોધતા રહ્યા.
 
પૂજન કા મૈં પુષ્પ માત્ર : સેવા હી અધિકાર મેરા...
 
 
-  ભરત મોદી
Powered By Sangraha 9.0