સીરિયામાં ૫૦ વર્ષના પારિવારિક શાસનનો અંત | આવાં સપનાં ભારતમાં કોણ જોઇ રહ્યું છે?

ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ભારતમાં પણ સુદાન, યમન, સીરિયા કે બાંગ્લાદેશવાળી થશે તેવાં શેખચલ્લીનાં દિવાસ્વપ્નો જોઈ રહ્યા છે, તે ક્યારેકય સફળ થવાનાં નથી.

    ૩૦-ડિસેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

syria crisis 

સીરિયામાં ૫૦ વર્ષના પારિવારિક શાસનનો અંત | સીરિયા - અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ પછી વધુ એક ઇસ્લામિક દેશ કટ્ટરપંથીઓના સકંજામાં

 
સત્તાપ્રાપ્તિ માટે સ્વજનોની ક્રૂર હત્યા કરવાની પરંપરાનો ઇતિહાસ તો આતંકી શાસક ઔરંગઝેબથી પણ વધુ જૂનો છે. એ પરંપરાની પુનરાવૃત્તિ ઈરાન, ઇરાક, ઇજિપ્ત, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સહિતના મોટાભાગના મુસ્લિમ દેશોમાં થતી જોવા મળે છે. આ પરંપરામાં હવે વધુ એક દેશનું નામ જોડાયું છે અને એ છે સીરિયા. જ્યાં અલ અસદ પરિવારના લગભગ ૫૦ વર્ષના એકહથ્થુ શાસનનો ૧૪ વર્ષના હિંસક ગૃહયુદ્ધ પછી અંત આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સીરિયાના ગૃહયુદ્ધમાં રશિયા, અમેરિકા તથા તુર્કીયે જેવા દેશોનો સીધો દોરીસંચાર હતો. દુઃખની વાત એ છે કે, ગત ઑગસ્ટમાં બાંગ્લાદેશમાં તથા ડિસેમ્બરના આરંભમાં સીરિયામાં કટ્ટરપંથીઓ દ્વારા થયેલા હિંસક સત્તાપરિવર્તનને કારણે પાકિસ્તાન તથા સોરોસને તાલે નાચતા ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ગેલમાં આવી ગયા છે, કેમ કે બાંગ્લાદેશ તથા સીરિયા પછી ભારતમાં પણ આવી હિંસક ઘટનાઓ દ્વારા મોદી સરકારનું પતન થાય તેવાં દિવાસ્વપ્નો તેમને આવવા લાગ્યાં છે.
 
ગત ઓગસ્ટમાં કટ્ટરપંથીઓએ માત્ર ૧૦ દિવસના હિંસક તોફાનો કરીને લોકતાંત્રિક રીતે ચૂંટાયેલી સરકારને ઉથલાવી પાડી હતી. કટ્ટરપંથીઓનો વિરોધ પ્રધાનમંત્રી ખાલીદા ઝીયા સામે હતો, પરંતુ તેઓ ૫ ઓગસ્ટે દેશ છોડીને ભાગી ગયા તે પછી કટ્ટરપંથીઓએ આજ પર્યંત હિન્દુઓ ઉપર ક્રૂર અત્યાચારો ચાલુ રાખ્યા છે. હજ્જારો હિન્દુ મા-બહેનો ઉપર ઇસ્લામિક કટ્ટરપંથીઓએ પાશવી અત્યાચારો કર્યા છે. મુસ્લિમ દેશ બાંગ્લાદેશના કટ્ટરપંથીઓ હિન્દુઓને જીવવા દેવા ઇચ્છતા નથી. તેથી હિન્દુઓની મોટા પાયે હત્યા થઈ રહી છે, એટલું જ નહીં, કટ્ટરપંથી મુસ્લિમો દ્વારા હિન્દુઓને બળજબરીપૂર્વક વટલાવવામાં પણ આવી રહ્યા છે. ગત ઓગસ્ટમાં બાંગ્લાદેશમાં થયેલા હિંસક સત્તા પરિવર્તન પછી કોંગ્રેસના કથિત નેતૃત્વવાળા ઇન્ડિ ગઠબંધનના નેતાઓ તો એટલા હરખપદૂડા થઈ ગયા હતા કે તેમને એવું જ લાગતું હતું કે, કટ્ટરપંથી મુસ્લિમોએ બાંગ્લાદેશમાં કરેલી હિંસાની જેમ જ ભારતના કટ્ટરપંથીઓને ઉશ્કેરવામાં આવે તો લોકતાંત્રિક રીતે સતત ત્રીજીવાર ચૂંટાયેલી મોદી સરકારને ધ્વસ્ત કરી શકાય!
 
ભારતમાં મોદી સરકારને ઉથલાવવા માટે પાકિસ્તાન જેવા ભિખારી દેશ તથા વિશ્વના ઘણા દેશોની લોકતાંત્રિક સરકારોને ઉથલાવવા માટે કુખ્યાત થયેલા જ્યોર્જ સોરોસના તાલે નાચતી કોંગ્રેસ તથા તેના સહયોગી પક્ષોને જ્યારે ભાન થયું કે, ભારતમાં તો `બાંગ્લાદેશવાળી' શક્ય જ નથી ત્યારે જ તેમના હાથમાં સીરિયાનું ગતકડું આવી ગયું. અને મહારાષ્ટમાં જેમને `સવારના સવા દસનું સુરસૂરિયું' કહેવામાં આવે છે તેવા વિદૂષક નેતા સંજય રાઉતે ઉત્સાહમાં ઘોષણા કરી કે, `જે સીરિયામાં થયું તે ભારતમાં પણ થઈ શકે છે!' કહેવાની જરૂર નથી કે આવાં હાસ્યાસ્પદ વિધાનોને ગંભીરતાથી લેનારા `પપ્પુઓ'ની તો ઇન્ડિ ગઠબંધનમાં ભરમાર છે!
 
છેલ્લા ૬ માસમાં બે મુસ્લિમ દેશોમાં થયેલા હિંસક સત્તા પરિવર્તનને કારણે એક સત્ય તો ઉજાગર થાય છે કે સત્તાલોલુપ આ પ્રજા એટલી અસહિષ્ણુ હોય છે કે, સત્તા માટે તેઓ હિન્દુ કે મુસ્લિમ જ નહીં, પોતાના વડીલો કે ભાઈઓને પણ ક્રૂરતાપૂર્વક મારી નાંખતાં પણ ખચકાતા નથી. ભારતમાં ઔરંગઝેબ સહિત અનેક કટ્ટરપંથીઓ આ સત્યનાં પ્રમાણ પૂરાં પાડે છે. ૪૦ વર્ષ પૂર્વે ઇરાક-ઈરાન વચ્ચે ક્ષુલ્લક કારણોથી થયેલા યુદ્ધમાં મુસ્લિમોએ જ ૭ લાખથી વધુ મુસ્લિમોની હત્યા કરી હતી. કોંગ્રેસના સમર્થનથી થયેલા ભારતના વિભાજનને કારણે અસ્તિત્વમાં આવેલા મુસ્લિમ દેશ પાકિસ્તાને આજના બાંગ્લાદેશના હજ્જારો મુસ્લિમોની ક્રૂર હત્યા કરી હતી. અફઘાનિસ્તાનમાં લગભગ ત્રણ દાયકા સુધી ચાલેલા ગૃહયુદ્ધમાં લાખો લોકો માર્યા ગયા હતા. આવી જ સ્થિતિ યમન, સુદાન, ઇજિપ્ત, નાઈજીરિયા, નાઈજર, ઇરાક, લેબનોન અને ઇરાનમાં પ્રવર્તે છે. આ બધા જ દેશો `શાંતિનો ધર્મ' પાળે છે. આ સૂચિમાં વધુ એક નામ ઉમેરાયું છે અને તે દેશ છે સીરિયા, જ્યાંના સરમુખત્યાર બશર અલ અસદનો કટ્ટરપંથીઓ સામે પરાજય થતાં દેશ છોડીને રશિયા ભણી જવું પડ્યું છે.
 
બશર અલ અસદના પિતા હાફિઝ હિંસક ક્રાંતિ કરીને ૧૯૭૧માં સીરિયાના સરમુખત્યાર બન્યા હતા. વર્ષ ૨૦૦૦માં હાફિઝ અલ અસદના મૃત્યુ પછી તેમના પુત્ર બશર અલ અસદ સીરિયાના સરમુખત્યાર બન્યા હતા. વર્ષ ૨૦૧૦ પછી અરબ દેશમાં થયેલી લોહિયાળ ક્રાંતિમાં અનેક દેશોના સરમુખત્યારોને મારી નાંખવામાં આવ્યા હતા કે પછી તેમને ભાગી જવું પડ્યું હતું. સીરિયામાં પણ ૨૦૧૧થી બશરને ખદેડી મૂકવા અનેક કટ્ટરપંથી જૂથો સક્રિય હતાં. ઉલ્લેખનીય છે કે આ વિવિધ વિદ્રોહી જૂથોને અમેરિકા, ઈરાન તથા તુર્કીયે જેવા દેશોનું પ્રત્યક્ષ સમર્થન મળતું હતું. તો સામે પક્ષે, રશિયા બશર અલ અસદને સમર્થન આપતું હતું. વધુમાં, સીરિયા ઇઝરાયેલને પોતાનો જન્મજાત શત્રુ ગણતું હોવાથી ઈઝરાયેલ સાથે તેણે કરેલાં અડપલાંનાં માઠાં પરિણામો પણ સીરિયાએ ભોગવવાં પડતાં. તેથી જ ગત ૮ ડિસેમ્બરેથી હયાત તહરીર અલ શામ (HTS) તથા તુર્કિયે, સમર્થિત સીરિયન નેશનલ આર્મી (SNA) જેવાં આતંકી સંગઠનોએ બશર શાસનનો અંત આણ્યો તેના ગણતરીના કલાકોમાં જ ઇઝરાયેલે સીરિયાના પ્રાંત ઉપર આક્રમણ કરીને આતંકીઓના શસ્ત્રાગારને ધ્વસ્ત કર્યું. એટલું જ નહીં, સીરિયાના એક પ્રાંત ઉપર પણ પોતાનું શાસન સ્થાપી દીધું. તો બીજી બાજુ અમેરિકા તથા તુર્કીયેએ પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા. અખાતી-અરબ દેશોમાં છેલ્લા બે દાયકાઓથી ચાલી રહેલી હિંસક ઘટનાઓની અસર હવે જોર્ડનના રાજા અબ્દુલ્લા પયગંબર સાહેબના ૪૧મા વારસ ગણાય છે તેથી અન્ય મુસ્લિમ દેશોની જેમ જોર્ડનમાં પણ રક્તરંજિત સત્તાપરિવર્તન ન થાય તેવું અરબ દેશો ઇચ્છે તે સ્વાભાવિક છે. પરંતુ અસહિષ્ણુ કટ્ટરપંથી મુસ્લિમ વિદ્રોહી સંગઠનો સત્તાપ્રાપ્તિ માટે કોઈ પણ હદે હિંસા કરી શકે છે.
 
અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ તથા સીરિયામાં થયેલા રક્તરંજિત સત્તાપરિવર્તનથી સત્તાલોલુપ અને અસહિષ્ણુ ઇન્ડિગઠબંધનના નેતાઓ ગેલમાં આવી જાય તે સ્વાભાવિક છે. કેવળ લઘુમતી (મુસ્લિમ) તુષ્ટિકરણની ગળાકાપ સ્પર્ધામાં રમમાણ આ નેતાઓ સત્તાપ્રાપ્તિ માટે `દેશને ભડકે બાળવાની' `નેતાઓને દંડા લઈને મારવાની' `નેતાઓના ટુકડે ટુકડા કરવાની' હાકલો કર્યે જાય છે. હજી બે દિવસ પૂર્વે જ કોંગ્રેસના `કહ્યાગરા અધ્યક્ષે આખા ભારતમાં આગ લાગશે' તેવું વક્તવ્ય આપ્યું હતું!
 
ટુકડે ટુકડે ગેંગના આ સમર્થકો આતંકી અફઝલને બચાવવા આકાશપાતાળ એક કરે છે. કથિત કિસાનો તથા કટ્ટરપંથીઓ દ્વારા વર્ષો સુધી દિલ્હીને બાનમાં લેતા આ જ્યોર્જ સોરોસના તાલે સંસદને ખોરવી નાંખતા નેતાઓ એ સત્યને ભૂલી જાય છે કે, ભારત એ સીરિયા, ઇરાક, ઈરાન, બાંગ્લાદેશ કે પાકિસ્તાન નથી કે ત્યાં સ્વજનોની હત્યા કરીને સત્તા-પરિવર્તન થાય. આ તો સનાતની આધ્યાત્મિક પરંપરાનું સહિષ્ણુ રાષ્ટ્રભારત છે. તેથી અહીંયાં સ્વજનોની હત્યાથી નહીં, શત્રુના હૈયાને પણ હિન્દુ હૈયું હેતથી જીતી લે છે. તેથી ઇન્ડિ ગઠબંધનના નેતાઓ ભારતમાં પણ સુદાન, યમન, સીરિયા કે બાંગ્લાદેશવાળી થશે તેવાં શેખચલ્લીનાં દિવાસ્વપ્નો જોઈ રહ્યા છે, તે ક્યારેકય સફળ થવાનાં નથી. રાવણો કે દુર્યોધનો કેવળ ભૂતકાળમાં જ થતા એવું નથી. વર્તમાનના દુર્યોધનો કે શકુનિઓએ આદરેલાં યુધ્ધોને નિષ્ફળ બનાવવા દરેક યુગમાં `અર્જુન' પણ જન્મ લેતા હોય છે.

જગદીશ આણેરાવ

‘સાધના’ સાપ્તાહિકના નિયમિત લેખક છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી એમ. એ. ની અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરીને, વર્ષ ૧૯૮૬થી કૉલેજમાં અંગ્રેજી વિષયના પ્રાધ્યાપક તરીકે કાર્યરત છે. વર્ષ ૧૯૯૬થી અનુસ્નાતક કક્ષાએ અધ્યાપન કાર્ય કરી રહ્યા છે. જીટીયુ અને મિડિયા કૉલેજમાં વિઝીટીંગ ફેકલ્ટી તરીકે સેવા આપી છે. ૧૯૯૨-૯૫ના વર્ષોમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. વર્ષ ૨૦૧૯થી ગુજરાત યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષયની અભ્યાસ સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી રહ્યા છે. ગુજરાત યુનિવર્સિટીમાં એન.એસ.એસ. સલાહકાર સમિતિના સભ્ય તરીકે સેવાઓ આપી છે. બાયસેગ કાર્યક્રમ અંતર્ગત અંગ્રેજી વિષયના ૨૦ થી વધુ જીવંત વ્યાખ્યાનો પ્રસારિત થયા છે. ટીવી ડિબેટ્સમાં રાજકીય વિશ્લેષક અને શિક્ષણવિદ્ તરીકે જોડાય છે. અંગ્રેજી દૈનિક ડિએનએ તથા ગુજરાતી દૈનિક સંદેશના તંત્રી વિભાગમાં ખંડ સમય માટે કાર્ય કર્યું છે. ગુજરાતી હિન્દી અંગ્રેજી અને મરાઠી ભાષાઓમાં અનુવાદ કાર્ય કર્યું છે. ૨૦ થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિસંવાદોમાં શોધપત્ર પ્રસ્તુતકર્તા, રિસોર્સ પર્સન અને અધ્યક્ષ તરીકે સહભાગી થયા છે. વર્ષ ૨૦૦૭ થી ૨૦૨૪ સુધી કૉલેજના નૅક કો-ઓર્ડીનેટર તરીકે પ્રદીર્ઘ સેવા આપી છે.