દામુભાઈ પંચાસરા - જેમને દુઃખમાં દુઃખ નહીં ને સુખમાં આસક્તિ નહીં

05 Dec 2024 16:25:11

damubhai panchasara
 
 
दुःखेष्वनुद्विग्नमनाः सुखेषु विगतस्पृहः
જેમને દુઃખમાં દુઃખ નહીં ને સુખમાં આસક્તિ નહીં
 
 
સ્વર્ગસ્થ પ્રો. શ્રી દામોદરભાઈ નાથાભાઈ પંચાસરા જેમને આપણે `દામુકાકા'ના હુલામણા નામથી પણ ઓળખીએ છીએ, જેમણે સંઘકાર્યનું વ્રત ખરેખરા અર્થમાં જીવનભર પાળ્યું.
 
તેમના જીવનનાં અનેકમાંથી મુખ્ય ચાર પાસાંઓ જોઈએ તો ૧) પરિવાર અને સામાજિક કાર્યો, ૨) સંઘકાર્ય, ૩) પ્રાધ્યાપક અને રાષ્ટીય સેવા યોજનાસંયોજક અને ૪) ગુજરાત યુનિ.માં સિન્ડીકેટ સભ્ય તરીકેની કામગીરી.
 
પરિવાર અને સામાજિક કાર્યો
 
પિતા નાથાલાલ પંચાસરા મુંબઈમાં સાઈટ સુપરવિઝનનું કામ કરતા, માતા શાંતાબેન ઘરકામમાં વ્યસ્ત રહે. દિ. ૧૧ નવેમ્બર, ૧૯૩૩ના દિવસે વિલે પાર્લે, મુંબઈ ખાતે દામુભાઈનો જન્મ થયો. ત્યાંથી પિતાજીનું વિરમગામ ખાતે વ્યવસાયથી જવાનું થયું. વિરમગામમાં મેટ્રિક સુધીનું શિક્ષણ મેળવ્યું. અંતે લગભગ ૧૯૪૮ બાદ કર્ણાવતી ખાતે લાંબેશ્વરની પોળ ખાતે રહેવાનું થયું. પરિવારમાંથી નાના ભાઈ ડો. જગદીશભાઈ અને કાકા નરેન્દ્રભાઈ સંઘ સાથે જોડાયેલા.
 
દામુભાઈના સંઘકાર્યની સરળતા માટે નિર્મળાબેનનો સહકાર તેમને હંમેશાં મળતો રહ્યો. ક્યારેય પણ કોઈ જ ફરિયાદ નહી, પત્ની તરીકે મૌન તપસ્વિની તરીકે તેમણે પોતાનો ધર્મ નિભાવ્યો.
 
સંઘ કાર્યકર્તા તરીકે દામુભાઈ હજારો પરિવારોના સદસ્ય હતા. યુવાપેઢીના માર્ગદર્શક હતા. કાર્યકર્તાની ભાવિ અર્ધાંગિની જોવા માટે પરિવારના સ્વજન તરીકે સાથે ગયા હોય તેવા પણ અનેક પ્રસંગો મળે છે. અનેક શિક્ષણશાસ્ત્રીઓ, સામાજિક-રાજકીય આગેવાનો, ઉચ્ચ સરકારી અધિકારીઓ માટે તેઓ પ્રેરણાસ્રોત હતા.
 
સંઘકાર્ય
 
શિશુકાળથી જ મુંબઈમાં તેઓ શાખામાં જોડાયા. ત્યારબાદ વિરમગામમાં સંઘના સ્વયંસેવક તરીકે બાલ્યકાળથી લઈ તરૂણાઈનો સમય પસાર થયો. ગાંધીહત્યા બાદ વિરમગામથી કર્ણાવતી કેટલાક સ્વયંસેવકો સંઘ પર આવેલ પ્રતિબંધનો વિરોધ કરવા આવેલા, તેમાંના એક હતા- દામુભાઈ. ધરપકડ બાદ બે મહિનાનો કારાવાસ પણ થયેલો. જેલમાં પણ સ્વયંસેવકો શાખા ચલાવતા. ધરપકડ બાદ આ વાતની પિતાજીને જાણ થતાં તેમણે દામુભાઈને સંઘકાર્ય પહેલાં ભણવા તેમજ કારકિર્દીમાં ધ્યાન આપવા સમજાવ્યું, જે સ્વાભાવિક હતું, પરંતુ શાખા એ તેઓનો પ્રાણ હતો. અભ્યાસની સાથે સાથે નિત્ય શાખાનો તેમનો આગ્રહ, જે તેમણે ચાલુ રાખ્યો. આગળ જતાં કાળુપુર ભાગના કાર્યવાહ, કર્ણાવતી મહાનગર કાર્યવાહ તરીકેની જવાબદારી બાદ પાછળના જીવનમાં એક નગરના મા. નગર સંઘચાલક તરીકે પણ દાયિત્વ નિભાવ્યું, તેઓ હંમેશા કહેતા કે, `જ્યાં સુધી હાથપગ ચાલે છે, ત્યાં સુધી સંઘકાર્ય કરતો રહીશ.' આ પ્રણ તેમણે છેક સુધી નિભાવ્યું. કર્ણાવતીમાં પણ નિવાસી પ્રવાસ, બેઠકો કે વર્ગોમાં પ્રવાસ હોય, પ્રત્યેક વખતે સમયસર હાજર રહેવું અને પૂર્ણ સમય ઉપસ્થિત રહેવું અને સાથોસાથ પ્રાધ્યાપક કાર્યને પણ અન્યાય ન થાય તે રીતે સમયપત્રક થકી પોતાની જાત પર જબરજસ્ત નિયંત્રણ રાખીને આયોજન કરવું, જે કાર્ય હાથ પર લીધું છે તે પૂર્ણ મનોયોગથી કરવું, તે તેઓનો સહજ સ્વભાવ હતો.
 
ઘરમાં નરેન્દ્રકાકા અને દામુભાઈ આખો દિવસ સંઘકાર્યમાં વ્યસ્ત રહેતા. સાથોસાથ નાનાં ભાઈ-બહેનની સંભાળ પણ લેતા. એક વાર પિતાજી આ બંનેની સંઘકાર્યમાં વ્યસ્તતા જોઈ ગુસ્સે ભરાયા. ત્યારે ઘર છોડી પાંચપટ્ટીમાં જાડાવાળા શેઠના મકાનનો બીજો માળ ભાડે રાખી ત્યાં રહેવા જતા રહ્યા, થોડા જ દિવસોમાં પિતાજીનો ગુસ્સો શાંત થયો અને પાછા બોલાવ્યા. પિતાજીને સમજાયું કે, બંને સંઘકાર્ય તો કરે છે પણ સાથોસાથ પરિવારનું ધ્યાન પણ આપે છે. તેઓ પાછા તો આવ્યા, પરંતુ પાંચપટ્ટીવાળું મકાન પણ ચાલુ રાખ્યું (વળી, કદાચ ફરી જવાનું થાય તો!). પાંચપટ્ટીનું મકાન વધુ સમય ખાલી ન રહ્યું. કારણ કે તે સમયે તેમની જ શાખામાં જોડાયેલા અમૃતભાઈ કડીવાલા, કીર્તિભાઈ પંચોલી, ડો. પ્રવિણભાઈ, રાજેશભાઈ, હસમુખભાઈ વગેરે માટે પાંચપટ્ટીનું મકાન તેમના ભણતરનું પણ કેન્દ્ર બન્યું અને સાથોસાથ સંઘકાર્યનું પણ ખરું જ.
 
ઢળતી સાંજે મંડળની રચનામાં (વર્તુળ આકારમાં) બેસીને ખારી સિંગના સાત્ત્વિક નાસ્તા સાથે સ્ટીલની પવાલીમાં ચાની ચુસકીઓ ભરતા પ્રો. દામુભાઈ, પ્રો. કીર્તિભાઇ પંચોલી, શ્રી રતિભાઈ સોની બેઠા હોય ત્યાં જ થોડીવારમાં શ્રી રાજેશભાઈ કંસારા આવે. ચા દ્વિ-વારમ થાય ત્યાં દામુભાઇ કહેતા, એક મોળી મંગાવી રાખજો, માન. અમૃતભાઈ કડીવાલા કદાચ આવી શકે છે. આ કદાચ તો નક્કી જ હોય! ૨-૩ કલાક ચાલતી વાતોમાં લાંબેશ્વરની પોળ, કાલુપુર પાંચપટ્ટીના મકાનની જૂની યાદો તાજી થાય, રાયપુર મિલ કમ્પાઉન્ડની શાખાની વાતો, એક પ્રવાસી અધિકારી તરીકે કોઈ સ્વયંસેવકને ક્યાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેની વાતો, સંઘકાર્યમાં આગામી કાર્યક્રમોની આગોતરી તૈયારીઓની વાત, અ.ભા. બેઠકની જાણવાલાયક વાતો અને ભવિષ્યની પેઢીમાં સંઘ કેવો હશે તેની કલ્પનાઓ હોય. આવી અનેક સાંજ જોવાનું સૌભાગ્ય મને મળ્યું, તેને મારા જીવનની ધન્ય ઘડી ગણું છું.
 
સંઘ શિક્ષા વર્ગમાં પણ જવાનું થાય ત્યારે દામુભાઈની વાત કરવાની રજૂઆત જ એવી રહેતી કે, શિક્ષાર્થી તરીકે જવા માટે કોઈપણ સ્વયંસેવક તેમને `ના' કહી શકે નહીં અને પરિવાર પણ પ્રેમથી મંજૂરી આપી દે. ૧૯૭૫માં સંઘ શિક્ષા વર્ગ બાદ દેશમાં કટોકટી લાદવામાં આવી. સંઘ પર પણ પ્રતિબંધ લદાયો. ક્રિકેટ રમવાના બહાને સૌને તે વખતે તેઓ ભેગા કરીને રાત્રે પોસ્ટર ચોંટાડવાથી લઈ ભીંતસૂત્રો લખી જનજાગૃતિના કાર્ય માટે બારીકાઈથી યોજના બનાવતા. કાળી-ચૌદસના કાર્યક્રમો દ્વારા સ્વયંસેવકોમાં અંધશ્રદ્ધા તૂટે, હિંમત ખૂલે તેવા આશ્ચર્યજનક કાર્યક્રમોથી સાહસ વધારવું, એ ક્રમ તેઓએ વર્ષો સુધી જાળવી રાખેલો.
 
સંઘસ્થાન પર કેટલાક ટીખળી છોકરાઓ કાંકરી-ચાળો કરે કે પ્રાર્થના સમયે હેરાન કરે ત્યારે દામુભાઈ જરા પણ અનુશાસન તોડ્યા વગર તેને સહન કરવાનું શીખવતા, કારણ કે આવા અનેક છોકરાઓમાં તેઓને ભાવિ સ્વયંસેવક દેખાતો. આવા છોકરાઓ સારા કાર્યકર્તાઓ બન્યાનાં ઉદાહરણો છે. ઉપેક્ષા - ઉપહાસ અને અપમાનને નીલકંઠની માફક ધારણ કરી એક કુશળ સંગઠનશાસ્ત્રના પાઠ તેમના સંપર્કમાં આવનાર સૌને ભણવા મળ્યા. “समः शत्रौ च मित्रे च...' તેમના જીવનમાં; ગીતાનો આ શ્લોક ચરિતાર્થ થતો જોવા મળે!
 
પ્રાધ્યાપક અને રાષ્ટીય સેવા યોજના સંયોજક
 
અભ્યાસ પછી તરત જ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ નોકરીની શરૂઆત કરી. કર્મચારી યુનિયનમાં પણ જોડાયા. કવિ શ્રી ઉમાશંકર જોશી તે સમયના વાઇસ ચાન્સેલર હતા. તે સમયે કર્મચારીઓના પ્રશ્નો માટે દામુભાઈએ આંદોલનનું નેતૃત્વ કર્યું. પરંતુ એક શિક્ષણવિદ્, સાહિત્યકાર, ચિંતકનું માન અને વાઈસ ચાન્સેલરની ગરિમા જળવાઈ રહે તેવું આંદોલન શી રીતે કરવું, ઉગ્ર વિરોધ વગર આંદોલન કેવી રીતે થાય, તેનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું. `ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે..' તેવી ઉમાશંકરની કવિતાની પંક્તિનું બેનર બનાવી ઉમાશંકરની સામે મૌન ધારણ કરીને સૌ ઉભા રહ્યા. ઉમાશંકરભાઈએ તેમને સમાધાન માટે બોલાવી સાંભળ્યા. કેટલાક પ્રશ્નોનું નિરાકરણ ત્વરિત કરી આપતાં આંદોલન તો સમેટાયું. ત્યારે એક કવિ અને વાઇસ ચાન્સેલર તરીકેની ગરિમા જાળવતાં ઉમાશંકરે તેમણે હળવા અંદાજમાં કહેલું, `દામુભાઈ આપે દૂધી કાપવા તલવાર ઉગામી છે!' તેમની પેલી કવિતા એ જ તલવાર! આમ કર્મચારીઓના પ્રશ્નોનું સુખદ સમાધાન આવ્યું. નિષ્ઠાપૂર્વકની પોતાની પ્રામાણિકતા, ફરજ પ્રત્યે જવાબદારી અને સમયપાલનના આગ્રહના કારણે પરીક્ષા વિભાગની મહત્વપૂર્ણ જવાબદારી તેમને સોંપવામાં આવી હતી. તેઓએ ગૂજરાત વિદ્યાપીઠમાંથી સાઈકોલોજી અને સોશિયલ એન્થ્રોપોલોજી વિષયોમાં MAની ડીગ્રી પણ પ્રાપ્ત કરી.
 
સેતુબંધ પુસ્તકમાં ઉલ્લેખ છે તે પ્રમાણે સ્વ. વકીલ સાહેબના માર્ગદર્શનથી ગૂજરાત વિદ્યાપીઠની નોકરી કરવાને બદલે નવગુજરાત કૉલેેજમાં મનોવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે તેઓ જોડાયા. આ દરમ્યાન કોમર્સના વિદ્યાર્થીઓ પણ તેમના ક્લાસરૂમમાં તેમને સાંભળવા આવે તેવા પણ પ્રસંગો બનેલા. તે સમયે રાષ્ટીય સેવા યોજના (NSS)ના પણ તેઓ સંયોજક બન્યા. ગ્રામ્ય વિસ્તારોમાં કેમ્પ, સફાઈ તેમજ વ્યસનમુક્તિ માટે સમજણ તેમજ મોરબીમાં પૂર જેવી કુદરતી આફતોમાં સંઘની સાથે રહી અન્ય વિદ્યાર્થીઓને પણ જોડવા, આવાં કામો તેઓ એવી તો આત્મીયતાથી કરતા કે, તેમાં જોડાનાર વિદ્યાર્થીઓ પૂર્ણ મનોયોગથી તે કાર્યો પાર પાડતા. પ્રો. ઘનાનંદજી શર્મા સહજાનંદ કૉલેજના સંયોજક હતા, તે તેમને યાદ કરતાં કહે છે કે, એક વાર દક્ષિણ ભારતના પ્રવાસે વિદ્યાર્થીઓને લઈ જવાના હતા. ટ્રેન ઉપડવાની ૧૦ મિનિટ પહેલાં પ્લેટફોર્મ પરની લોખંડની સામાનની લારી અથડાતાં દામુભાઈના પગના અંગૂઠામાંથી લોહી વહેવા લાગ્યું ત્યારે પ્રવાસ ટાળી ઘરે પાછા જવાના બદલે ૧૫ દિવસ સુધી વિદ્યાર્થીઓની સાથે રહ્યા, કોઈને ય ખ્યાલ પણ ન આવવા દીધો કે તેમને શું પીડા છે? સમગ્ર પ્રવાસમાં તે હસતા અને હસાવતા જ રહ્યા. કૉલેજમાંથી નિવૃત્ત થયા બાદ અન્ય પ્રાધ્યાપક સંયોજક બન્યા, પરંતુ દર વર્ષે કેમ્પના આયોજન માટે અને કેમ્પમાં હાજર માટે તેઓ દામુભાઈને સદૈવ આગ્રહ કરતા.
 
ગુજરાત યુનિ.માં સિન્ડિકેટ સભ્ય
 
સંઘ અંતર્ગત મહાનગરનું દાયિત્વ અને સાથોસાથ યુનિવર્સિટીમાં સિન્ડિકેટ સભ્ય, આવી બેવડી જવાબદારી વખતે પણ તેઓએ સતત સંતુલન જાળવીને બંને જવાબદારીઓને ન્યાય આપ્યો. તે સમયે પ્રો. રાજગુરુ, પ્રો. અરૂણભાઈ યાર્દી અને શ્રી અમિતભાઈ ઠાકરની પણ નિમણૂક થયેલી. વર્તમાનમાં ધારાસભ્ય એવા શ્રી અમિતભાઈને દામુભાઈ વિષે પૂછતાં એકદમ સાહજિકતાથી તેમણે દામુભાઈની સંકલનની કુશળતા, વિપરીત વિચારધારાના લોકોને પણ સાથે લાવવાની કળા અને ક્યાંય પણ વિરોધી કે શત્રુભાવ લાવ્યા વગર સૌને `પોતાના કરવા' એ ગુણ સંપદા દામુભાઈ પાસેથી મળેલી, તેનો રાજીપો આભારવશ બનીને વ્યક્ત કર્યો.
 
આ જ રીતે ડો. નરેશભાઈ વેદ, પ્રો. એ. યુ. પટેલ જેવા વાઈસ ચાન્સેલરો સાથે તેમને કાર્ય કરવાનું થયું. પ્રામાણિકતા, શિક્ષણ અને વિદ્યાર્થીઓના હિતમાં ગુજરાત યુનિવર્સિટીમાં પણ તેમની કામગીરી આજે પણ અનેક લોકો માટે સંભારણું બની રહી છે.
 
અંતે.....
 
આજે પણ જૂના કર્ણાવતી કોટ વિસ્તારમાં કે વિસ્તરણ પામેલ કર્ણાવતીમાં અનેક એવા વરિષ્ઠ કાર્યકર્તાઓનાં પરિવાર મળી શકે, જેમાં જીવનઘડતરના અને સંઘ સમજણ કેળવવાના વિવિધ પ્રસંગોની વાત નીકળે ત્યારે દામુભાઈ અચૂક યાદ આવે.
આડંબર-અહંકારથી મુક્તતા, સાદગી, સરળતા, જેઓના જીવન-વ્યવહારમાં સતત જોવા મળતી એવા કુશળ સંગઠક દામુભાઈની છત્રછાયામાં વિચારો ઉછર્યા અને સંભાવનાઓ પાંગરી. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં કેવી રીતે રહી શકાય તે તેમના જીવનમાં જોવા મળતું.
 
૧૫ જાન્યુઆરી, મકર સંક્રાંતિ (૨૦૨૨)ના પવિત્ર દિવસે પિતાતુલ્ય શ્રી દામુકાકાએ સાંજે અનંતની યાત્રા શરૂ કરી. તેઓ હોસ્પિટલમાં હતા ત્યારે પણ મારા પિતાજીની સતત ચિંતા કરતાં કરતાં પોતાનું કષ્ટ ભૂલીને મને આશ્વાસન આપતા. આ આછેરી ઝલક છે એક આદર્શ સ્વયંસેવકની, જેઓએ એક સ્વયંસેવક તરીકેની ભૂમિકા અંતિમ શ્વાસ સુધી જાળવી જાણી.
 
 
-  મિલન રાવલ
Powered By Sangraha 9.0