વિશ્વનું સૌથી મોટું મંદિર - મંદિર વિશે 12 જાણવા જેવા તથ્ય | Sri Ranganatha Swamy Temple in Gujarati
- યુરોપના વેટિકન શહેર કરતાં પણ વિશાળ છે ભારતનું આ મંદિર
- વિશ્વના સૌથી વિશાળ મંદિરના જાણવા જેવા 12 રોચક તથ્યો
- મંદિરનો રાજાગોપુરમ ઇંડિયા ગેટ કરતા પણ 100 ફૂટ લાંબો છે
- વિશ્વનું સૌથી મોટું મંદિર, તમિલનાડુનું શ્રી રંગનાથ સ્વામી મંદિર,
- ધરતીનું વૈકુંઠ ગણાય છે આ મંદિર
- શેષનાગ શૈય્યા પર સૂતેલી મુદ્રામાં છે ભગવાન શ્રી વિષ્ણુ
- સુંદર શિલ્પો અને જટિલ કોતરણી માટે જાણીતું છે મંદિર
- વિભિષણ દ્વારા મંદિરની સ્થાપના કરાઇ હોવાની દંતકથા
વિશ્વના સૌથી વિશાળ અને ભારતમાં આવેલા આ મંદિરની વિશેષતાઓ જાણી અચંબામાં પડી જશો
આ મંદિર તમિલનાડુના તિરુચિરાપલ્લી શહેરમાં આવેલું છે. કાવેરી અને કાલીદામ નદી વચ્ચે ટાપુ પર આવેલું શ્રીરંગનાથ સ્વામી મંદિર વિશ્વનું સૌથી મોટું પૂજનીય મંદિર છે. આ અતિવિશાળ મંદિર દ્રવિડ અને તમિલ શૈલીમાં બાંધવામાં આવ્યું છે. કંબોડિયાનું અંકોરવાટ પણ વિશ્વનું સૌથી મોટું મંદિર ગણાય છે પણ શ્રીરંગનાથ સ્વામી મંદિર ચલિત એટલે કે ભક્તો દ્વારા પૂજાતું એવું સૌથી વિશાળ મંદિર છે. હિંદુસ્તાનના સાંસ્કૃતિક વારસાને સાચવીને બેઠેલા આ મંદિરને યુનેસ્કો એશિયા પ્રશાંત પુરસ્કાર મેરિટ 2017 એનાયત કરવામાં આવ્યો છે.
મંદિર વિશે 12 જાણવા જેવા તથ્ય
1. અનેક નામ છે આ મંદિરના
આ મંદિર શ્રીરંગમ મંદિર, વૈકુંઠ મંદિર, તિરુવરંગમ તિરુપતિ, પેરિયાકોઇલ જેવા વિવિધ નામોથી ઓળખાય છે.
2. રંગનાથજીની પૂજા કરવામાં આવે છે
આ મંદિર 9મી સદીમાં બાંધવામા આવ્યું છે. મંદિરમાં વિષ્ણુના અવતાર ગણાતા ભગવાન રંગનાથની પૂજા કરવામાં આવે છે.
3. તમિળ ભાષામાં લગભગ 800 જેટલા શિલાલેખો
સાઇઝ, ડિઝાઇન, સ્થાપત્ય અને ઐતિહાસિક વારસાની દ્રષ્ટિએ આ મંદિર બેનમૂન છે. મંદિરમાં સેંકડોની સંખ્યામાં વિવિધ મુદ્રામાં મૂર્તિઓ જોવા મળે છે. ઉપરાંત નેચરલ ડાઇમાંથી બનેલા ચિત્ર પણ ભારતના પ્રાચીન વારસાને જીવંત કરે છે. ઉપરાંત તમિળ ભાષામાં લગભગ 800 જેટલા શિલાલેખોમાં સાંસ્કૃતિક વિરાસત સચવાયેલી છે. આ શિલાલેખોમાં ચોલા, પાંડ્યાં, હોયસલા અને વિજયનગરી જેવા કાળમાં બનેલી ઘટનાનું વર્ણન કરવામાં આવ્યું છે.
4.મંદિરની પરિધિ છે 4,116 મીટર
વિશાળ પરિસરમાં ફેલાયેલા આ મંદિરના વિસ્તારનું ક્ષેત્રફળ છે લગભગ 6,31,000 વર્ગ મીટર એટલે કે 156 એકર. એની પરિધિ છે 4,116 મીટર. કલ્પના કરો કે, આ મંદિરમાં તમે તમારા પરિવારજનથી વિખુટા પડે તો અને સંપર્કનું કોઇ સાધન ન હોય તો શું થાય? આ મંદિર યુરોપના વેટિકન સિટી કરતા પણ વધુ વિસ્તારમાં પથરાયેલું છે.
5. મંદિરમાં 21 ગોપુરમ આવેલા છે
આ મંદિરની મુખ્ય વિશેષતા કહો કે આકર્ષણનું કેન્દ્ર એ છે તેના ગોપુરમ. મંદિરમાં 21 ગોપુરમ આવેલા છે. મંદિરના મુખ્ય ગોપુરમને રાજા ગોપુરમ તરીકે ઓળખવામાં આવે છે. તેની લંબાઇ છે, 236 ફીટ એટલે કે 72 મીટર. ઇંડિયા ગેટથી પણ 100 ફૂટ ઊંચો આ ગોપુરમ એશિયાનું સૌથી લાંબુ ગોપુરમ હોવાનું માનવામાં આવે છે. કહેવાય છે કે, આ ગોપુરમથી શ્રીલંકાનો દરિયાકિનારો પણ જોવા મળે છે.
6. એક આખું શહેર વસેલું છે
રંગનાથ સ્વામી મંદિર ચારેતરફથી 7 લેયર દિવાલોમાં ઘેરાયેલું છે. આ દિવાલોની કુલ લંબાઇ લગભગ 10 કિલોમીટર છે. જેમાં 5 લેયર દિવાલો માત્ર મંદિરો પથરાયેલા છે. મંદિર પરિસરમાં મુખ્ય મંદિર સિવાય અન્ય 50 મંદિર છે. જ્યારે અન્ય 2 લેયર દિવાલો બે સેટલમેન્ટ પથરાયેલા છે. આ બંને સેટલમેન્ટમાં જ એક આખું શહેર વસેલું છે, જેમા અંદાજે 40 હજાર વસ્તી રહે છે.
7. મંદિરમાં છે વિષ્ણુ ભગવાનની 108 મૂર્તિઓ
મંદિરમાં વિષ્ણુ ભગવાનની વિવિધ સ્વરુપે કુલ 108 મૂર્તિઓ છે, જ્યારે કુલ 49 મંડપમ અને 9 પવિત્ર સરોવર છે. મંદિરનું મુખ્ય મંડપ અયિરમ કાલ મંડપમ તરીકે ઓળખાય છે. આ મંડપ હેઠળ વિશાળ હૉલ પથરાયેલો છે. તમને જાણીને નવાઇ લાગશે કે આ વિશાળ હૉલ 953 મોટા સ્તંભ પર બનેલો છે. આ તમામ સ્તંભનું નકશીકામ ખરેખર જોવાલાયક છે. તેમાં પણ સેશ મંડપમમાં બારીક અને જટિલ રીતે કંડારાયેલી મૂર્તિઓ ભારતના પ્રાચીન વારસાને ઉજાગર કરે છે. આ સ્તંભોમાં ભગવાનની સાથે જંગલી ઘોડા, હાથ, વાઘ સહિતના પ્રાકૃત્તિક તત્વોને પણ સમાવવામાં આવ્યા છે.
8. ગર્ભગૃહમાં દેવી લક્ષ્મીની મૂર્તિ
આ આખા મંદિરને ગ્રેનાઇટથી બનાવવામાં આવ્યું છે, પણ તેની મુખ્ય મૂર્તિ સ્ટુકોથી બનાવવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં આદિશેષ પર વિરાજમાન ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત છે. જેને રંગનાથસ્વામી અથવા રંગનાથર કહેવામાં આવે છે. ઉપરાંત ગર્ભગૃહમાં દેવી લક્ષ્મીની મૂર્તિ પણ સ્થાપિત છે. તેને રંગનાયકી થાયર કહેવામાં આવે છે.
9. મંદિર પરિસરમાં પાણીના 12 કુંડ છે
મંદિર પરિસરમાં અનાજ સંગ્રહ કરવાના તોતિંગ ભંડારો આવેલા છે. એટલું જ નહીં આખા પરિસરમાં પાણીના 12 કુંડ છે. જેમાંથી 2 મુખ્ય કુંડમાં પાણીની સંગ્રહ ક્ષમતા અંદાજે 20 લાખ લિટર. ચંદ્રપુષ્કરિણી અને સૂર્યપુષ્કરિણી નામના આ કુંડનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું છે કે આખા પરિસરનું પાણી એકત્રિત થઇને બંને કુંડમાં આવે.
10. મસ્તોદોનટિઓટાઇદા (Mastodontoidea) એક પ્રાગઐતિહાસિક હાથી
મંદિરમાં લાકડામાંથી બનેલા હાથીની મૂર્તિ(યાન વાહન) ઇતિહાસવિદ્દો અને લોકો માટે કુતૂહુલતાનો વિષય છે. ભગવાન વિષ્ણુ જે હાથી પર બેઠા છે. તે હાથી મસ્તોદોનટિ ઓટાઇદા જેવો દેખાય છે. મસ્તોદોનટિઓટાઇદા (Mastodontoidea) એક પ્રાગઐતિહાસિક હાથી છે, જે આજથી 15 મિલિયન વર્ષ પહેલા વિલુપ્ત થયો હોવાનું મનાય છે.
11. આભા અદ્દભુત અને જોવાલાયક
મંદિરમાં દર વર્ષે 21 દિવસનો તહેવાર ઊજવવામાં આવે છે. આ તહેવારને વૈકુંઠ એકાદશી કહેવામાં આવે છે. તમિલ માસ મર્ગજી એટલે કે ડિસેમ્બર- જાન્યુઆરીમાં આ તહેવાર આવે છે. તે સમયે મંદિરને સુંદર રીતે શણગારવામાં આવે છે અને તેની આભા અદ્દભુત અને જોવાલાયક છે. લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ તહેવારમાં ભાગ લે છે.
12. વિભિષણ દર 12 વર્ષે શ્રીરંગમમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા આવે છે.
માન્યતા છે કે, લંકા પર વિજય મેળવ્યા બાદ શ્રીરામે વિભિષણને રંગનાથસ્વામીને લંકામાં સ્થાપવાની અનુમતિ આપી. પરંતુ વિભિષણ આ મૂર્તિને લઇને જતા હતા, ત્યારે રસ્તામાં કાવેરી નદી પાસે પોરો ખાવા ભગવાન રંગનાથ સ્વામીની મૂર્તિને નીચે ઉતારી. લંકા પાછી જતી વખતે તેમણે ફરી મૂર્તિ ઉઠાવી તો તેને ઉપાડવામાં નિષ્ફળ થયા. દુ:ખી થયેલા વિભિષણે ભગવાનને પ્રાર્થના કરી. ત્યારે ભગવાન વિષ્ણુએ કાવેરીના વરદાનની વાત જણાવી. ગંગાની જેમ કાવેરીને પણ વરદાન હતું કે, ભગવાન વિષ્ણુની સ્થાપના એવા સ્થળે હશે કે, કાવેરી તેમના ગળાના હારની જેમ ત્યાંથી વહેશે. માન્યતા છે કે, વિભિષણ દર 12 વર્ષે શ્રીરંગમમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવા આવે છે.
કેવી રીતે પહોંચશો?
શ્રીરંગમનું નજીકનું એરપોર્ટ તિરુચિરાપલ્લી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. આ એરપોર્ટથી મંદિર લગભગ 12 કિલોમીટર દૂર છે. જ્યારે રેલવે સ્ટેશન 7.5 કિલોમીટર દૂર છે. ચેન્નઇથી આ મંદિર 325 કિલોમીટરના અંતરે આવેલું છે.