રંગીલા રાજકોટની શાન વધારતા સ્થળો । Places to Visit in Rajkot (2024)
- રાજકોટ શહેર રાષ્ટ્રપિતા મહાત્માગાંધીને મોહનથી મહાત્મા બનાવવાની સફરનું પણ સાક્ષી રહ્યું છે
- રાજકોટમાં હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્યએ પ્રકૃત્તિ પ્રેમીઓને પ્રકૃત્તિ શિક્ષણની તાલીમ આપે છે
- ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો હોવાની માન્યતા છે.
રાજકોટને એક શબ્દમાં વર્ણવું હોય, તેના માટે કોઇ એક શબ્દ વાપરવાનો હોય તો એ શબ્દ કયો? ‘ રંગીલું’ – એક એવું શહેર જ્યાંના લોકો ઉત્સવ પ્રિય અને મોજીલા હોય. જે શહેરમાં દરેક જાતના રંગ જોવા મળે. રંગીલું રાજકોટ ખાણી-પીણી અને તેની પરોણાગતને કારણે તો પ્રસિદ્ધ છે, પરંતુ પર્યટનની દ્રષ્ટિએ રાજકોટ શહેર અને તેની આસપાસ જોવાલાયક ક્યા સ્થળો છે તે જાણીએ.
1.. રામકૃષ્ણ આશ્રમ
શહેરના ટ્રાફિક, ભીડ-ભાડ અને કોલાહલથી દૂર આ સ્થળ મનને અનેરી શાંતિ આપનારું છે. પુસ્તક પ્રેમીઓ માટે અહીંની લાઇબ્રેરીમાં પુસ્તકોનો અદ્ભુત સંગ્રહ છે.
2.. હિંગોળગઢ વન્યજીવ અભ્યારણ્ય
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાથી ફક્ત 10 કિલોમીટરના અંતરે આ વન્યજીવ અભ્યારણ્ય આવેલું છે. પ્રકૃત્તિપ્રેમીઓ માટે આ સ્થળ સાહસ, રોમાંચ અને આનંદના ત્રિવેણી વિશ્વમાં મહાલવાની મજા કરાવે છે.
3.. ઘેલા સોમનાથ
આ સ્થળ સૌરાષ્ટ્રનું બીજું સોમનાથ મનાય છે. લોકવાયકા પ્રમાણે સોમનાથ મંદિરથી શિવલિંગ લાવીને અહીં તેની સ્થાપના કરવામાં આવી. આ મંદિર આગવો ઇતિહાસ ધરાવે છે તેમજ તેની પાછળની દંતકથા પણ રોચક છે. આ મંદિરની સામેની ટેકરી પર મીનળદેવીની નાની દેરી આવેલી છે. આ બંને સ્થળ શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. રાજકોટથી 77 કિલોમીટરના અંતરે જસદણ અને વીંછીયાની વચ્ચે ઠાંગા અને મદાવાની પાસે આ સ્થળ આવેલું છે.
4.. કબા ગાંધીનો ડેલો
રાજકોટમાં આવેલું આ સ્થળ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની બાળપણની સ્મૃતિને સાચવીને બેઠેલું છે. મહાત્મા ગાંધીના પિતા કરમચંદ ગાંધીનું હુલામણું નામ કબા હતું. કરમચંદ ગાંધી દિવાન હતા ત્યારે આ ડેલો ઇ.સ. 1880- 81 દરમિયાન બાંધવામાં આવ્યો. અહીં મહાત્મા ગાંધીના બાળપણ, ભણતર અને તેમના લગ્નજીવનની શરૃઆત થઇ.
આ સ્થળે મહાત્મા ગાંધીએ સત્ય અને અહિંસા સહિતની પ્રતિજ્ઞા લીધી હતી. સંગ્રહાલય તરીકે આ સ્થળની કાયાપલટ કરવામાં આવી છે. આ પ્રદર્શનને ‘ગાંધી સ્મૃતિ’ નામ આપવામાં આવ્યું છે. અહીં તેમના દ્વારા વપરાતી વસ્તુઓ તેમજ ભીંતચિત્રોને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.
5.. ઓસમ ડુંગર
રાજકોટ જિલ્લાથી 109 કિલોમીટરના અંતરે આવેલ ઓસમ ડુંગરએ પ્રાકૃત્તિક સૌંદર્ય ધરાવે છે સાથે અહીં ધાર્મિક દ્રષ્ટિએ માહાત્મય ધરાવતા સ્થળો આવેલા છે. ઓસમ ડુંગરનો ઇતિહાસ મહાભારત કાળ સાથે જોડાયેલો હોવાની માન્યતા છે. અહીં હિંડમ્બા મંદિર, ટપકેશ્વર મહાદેવ મંદિર, ભીમથાળી, માત્રી માતા મંદિર, ગૌમુખી ગંગા, શ્રી કંઠાય મહાદેવ જેવા જોવાલાયક સ્થળો આવેલા છે.
6... રણજીત વિલાસ પેલેસ
રાજકોટથી 60 કિલોમીટર દૂર વાંકાનેર ટેકરી પર આ મહેલ આવેલો છે. આ મહેલ ઇ.1907માં વાંકાનેરના રજવાડાના રાજ અમરસિંહ દ્વારા બંધાવવામાં આવ્યો હતો. સ્થાપત્ય અને કળાની દ્રષ્ટિએ આ મહેલ બેનમૂન ગણાય છે. મહેલમાં મુગલ શૈલીનો ઘુમ્મટ, વિક્ટોરિયન પ્રકારની બારીઓ, ઇટાલિયન શૈલીનો ફુવારો, બેલ્જિયમના કાચ વાપરવામાં આવ્યા છે. અહીં આવેલા બગીચા, વાડી અને ઊંડી વાવએ મહેલની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. હાલના સમયમાં આ મહેલની સાર- સંભાળ રાજાના વારસદારો દ્વારા રાખવામાં આવે છે. ભારતના પ્રાચીન સ્મારકોમાં આ મહેલ આગવું મહત્ત્વ ધરાવે છે આથી સહેલાણીઓમાં આ સ્થળ વિશેષ આકર્ષણ જન્માવે છે.
7.. હનુમાન ધારા
આ હનુમાન ડેલી રાજકોટ શહેરથી 9 કિલોમીટરના અંતરે ન્યારી ડેમના કાંઠે આવેલું છે. સ્થાનિક લોકવાયકા પ્રમાણે, રાવણની લંકામાં આગ લગાવી હનુમાનજી પરત ફરી રહ્યા હતા ત્યારે પૂંછડીમાં લાગેલી આગને બુઝાવવા અહીં આવ્યા હતા. ન્યારી ડેમના કાંઠે પ્રકૃત્તિના સાનિધ્યમાં આવેલી આ ડેલીએ શીશ નમાવવા શ્રદ્ધાળુઓ શનિવાર અને મંગળવારે ખાસ શીશ નમાવવા આવે છે.