વિદિશાનું વિજય મંદિર - ઔરંગઝેબે તોપોથી ઉડાવ્યું મંદિર- ઔરંગઝેબને આંખમાં કણાંની માફક ખૂંચતું આ મંદિર \ મુસ્લિમ શાસકોને આંખમાં કણાંની માફક કેમ ખૂંચતું આ મંદિર? Vidisha Vijay Mandir History
- હિંદુ ધર્મના ઇતિહાસને સાચવીને બેઠેલું છે આ મંદિર
- વિદેશી આક્રાંતાઓએ અનેકવાર ધ્વસ્ત કર્યુ
- હિંદુઓએ જીવના જોખમે મંદિરની કરી રક્ષા
- ઔરંગઝેબને આંખમાં કણાંની માફક ખૂંચતું આ મંદિર
- અહીં વાવમાં છૂપાયેલા છે અનેક રહસ્યો
ભારતના પ્રાચીન ઇતિહાસ તરફ નજર કરીએ તો ભારતીય સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસાની વિજય પતાકા લહેરાવનારા અનેક સ્થાપત્યો અને મંદિરો વિદેશી આક્રમણોનો ભોગ બન્યા છે. વિદેશી આક્રાંતાઓની આક્રમણખોરી સહન કરીને બેઠેલા અનેક મંદિરો આજે ભવ્ય ઇતિહાસની સાથે સનાતન ધર્મ વિશેની ઊંડી સમજથી આપણને સંમુખ કરાવે છે. મહંમદ ગઝનવીએ સોમનાથ મંદિર પર અનેકવાર આક્રમણ કરી તેને ધ્વસ્ત કર્યુ. જો કે, આજે પણ સોમનાથ જ્યોર્તિલિંગની આભા જીવંત હોવાનું પ્રતીત થાય છે. આવું જ એક અન્ય મંદિર છે મધ્યપ્રદેશના વિદિશામાં આવેલું વિજય મંદિર.
મંદિરના નિર્માણ પાછળનો ઇતિહાસ
વિજયમંદિરનું નિર્માણ ચાલુક્ય વંશના રાજા કૃષ્ણના પ્રધાનમંત્રી વાચસ્પતિએ કરાવ્યું. કહેવાય છે કે વિદિશા પર વિજય મેળવ્યા બાદ તેમણે વિશાળ મંદિર બનાવ્યું, જેનું નામ આપવામાં આવ્યું વિજયમંદિર. રાજા સૂર્યવંશી હોવાના કારણે તેમણે સૌથી પહેલા સૂર્યમંદિરની સ્થાપના કરાવી. આમ, સૂર્યમંદિર હોવાને કારણે ભેલ્લિસ્વામીન, ભેલસાની અને કાળક્રમે ભેલસા નામે ઓળખાયું.
વિદિશા નગરી આપણી પ્રાચીન ધરોહર :
આપણો ઇતિહાસ દર્શાવે છે કે, અંદાજે 2600 વર્ષ પહેલા આ સ્થળ વેપારનું પ્રમુખ કેન્દ્ર હતું. જ્યારે 1000 વર્ષ પહેલા સમ્રાટ અશોકનું શાસન હતું. ભારતના પ્રાચીન નગરોમાં શિરમોર ગણાતું આ સ્થળ હિંદુ તથા જૈન ધર્મના સમુદ્ધિ કેન્દ્રના રૃપે જોવામાં આવતું, આજે પણ આ નગરમાં બિસ્માર હાલતમાં જોવા મળતી ઇમારતો ઐતિહાસિક અને પુરાતાત્વિક દ્રષ્ટિકોણને ઉજાગર કરે છે. અહીં અનેક પ્રતિમાઓ, શિલાલેખ અને પ્રાચીન મહત્વ ધરાવતા સ્થળો ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મની ઊંડી સમજ આપે છે.
મંદિર વિશે માહિતી
ભારતની પ્રાચીન ઇમારતોમાં વાસ્તુ અને ઇજનેરી કળા અદ્દભુત સમન્વય જોવા મળે છે. તે પછી કોર્ણાકનું સૂર્યમંદિર હોય, પાટણની રાણકી વાવ હોય કે પછી વિદિશાનું આ વિજય મંદિર હોય. નિર્માણ સમયે આ મંદિર અષ્ટકોણમાં પથરાયેલું હતું. મંદિર એટલું વિશાળ હતું કે, 150 ગજના અંતરે અહીં દ્વાર બનાવવામાં આવ્યા હતા. મંદિરની સામે વિશાળ યજ્ઞશાળા હતી. ડાબીબાજુ વિશાળ વાવ હતી. જ્યારે પાછળના ભાગમાં સરોવર હતું. અહીં આવેલા શિલાલેખ પ્રમાણે, અહીં દેવી ચર્ચિકામાતાનું મંદિર હતું.
મંદિરની આ વિશાળતા, ભવ્યતા અને સાંસ્કૃતિક વારસો દર્શાવે છે કે તે સમયમાં અહીં યજ્ઞ સહિતના ધાર્મિક કાર્યો મોટાપાયે થતા હશે. કૃષ્ણલીલાથી લઇ વિષ્ણુ અવતાર, માતાજીના વિવિધ રુપોના શિલ્પો હિંદુ ધર્મના વારસાને દ્રશ્ય રુપે જીવંત કરે છે.
મુસ્લિમ શાસકોને આંખમાં કણાંની માફક કેમ ખૂંચતું આ મંદિર?
આ મંદિર 105 ગજ ઊંચું એટલે કે 315 ફૂટ જેટલી ઊંચાઇ ધરાવતું. ખજુરાહોના પ્રસિદ્ધ મંદિરો કરતાં પણ અનેક ગણું વધુ વિશાળ અને સમૃદ્ધ હતું. તે સમયે, આ મંદિર તેના નકશીકામને કારણે પ્રખ્યાત બન્યું. તેમાં પણ મંદિરનો કીર્તિમુખ બેનમૂન માનવામાં આવે છે. માનવ અને સિંહને કંડારીને બનાવવામાં આવેલા આ કીર્તિમુખને મંદિરનુ સૌથી શ્રેષ્ઠ સ્થાપત્ય માનવામાં આવતું. મંદિરના કોતરણી કામમાં વિષ્ણુભગવાનના દસ અવતારોની ગાથા વર્ણવતા શિલ્પો છે. તો કૃષ્ણલીલાને પણ અદ્દભુત રીતે કંડારવામાં આવી છે. ભારતીય સંસ્કૃતિની આ જાહોજલાલી મુસ્લિમ શાસકોને ખૂંચતી. તેમણે અનેકવાર આ મંદિર પર આક્રમણ કરી ધ્વસ્ત કરવાના પ્રયાસ કર્યા.
ઇસ્લામી આક્રમણનો ઇતિહાસ
વિદિશાના આ વિશાળ વિજય મંદિરને એકવાર નહી પરંતુ અનેક વાર ઇસ્લામી આક્રમણનો સામનો કરવો પડ્યો તેમ છતાં મુસ્લિમ કટ્ટરવાદીઓ આ મંદિરની ઓળખને ભૂંસી શક્યા નહીં. ઇતિહાસકારોના મતે, સન 1223-24માં દિલ્હીના શાહ મોહમ્મદગોરીના ગુલામ અલ્તમશે આ મંદિર તેમજ અહીં સ્થાપિત પ્રતિમાઓને ધ્વસ્ત કરી. પરંતુ સન 1250 દરમિયાન ફરી તેનું નિર્માણ કરવામાં આવ્યું. 1290માં અલાઉદ્દીન ખિલજી અને સન 1459- 60ના સમયે મહમંદ ખિલજીએ કટ્ટરવાદના ઝેર હેઠળ મંદિરને નિશાન બનાવ્યું.
સન 1532માં બહાદુરશાહે વિજય મંદિરને નુકસાન પહોંચાડ્યું. મુસ્લિમ શાસકોના આ આક્રમણો સામે હિંદુ ધર્મના રક્ષકોએ સતત બાથ ઝીલી અને મંદિરને સુરક્ષિત રાખવાના પ્રયાસો થતા રહ્યાં.
વર્ષ 1682 દરમિયાન મંદિરનો વૈભવ ઔરંગઝેબને આંખમાં ખૂંચવા લાગ્યો. તેણે તોપો દ્વારા દારુગોળા તાકી મંદિરનો મોટોભાગ નષ્ટ કર્યો. એટલું જ નહીં, આ આક્રમણખોરે તે જ સામગ્રીમાંથી તે જમીન પર મસ્જિદનું નિર્માણ કરાવ્યું. 300 કરતાં વધુ વર્ષો સુધી અહીં મસ્જિદનું અસ્તિત્વ હતું. પરંતુ કહેવાય છે ને કે ગાઢ અંધકારમાં સૂર્યની ઝળહળતી આછેરી કિરણ પણ પોતાનો રસ્તો કરી લે છે. બસ, તેવું જ કંઇક આ સ્થળે થયું.વર્ષો સુધી મંદિરના ઇતિહાસને સાચવી અને રહસ્યોને ધરબાઇને બેઠેલી ધરતીએ પોકાર આપ્યો અને તથ્યો સામે આવ્યા
વાત જાણે એમ છે કે, 1992ના પૂરમાં મસ્જિદનો એક ભાગ પાણીમાં વહી ગયો. આમ, મસ્જિદની નીચે મંદિર હોવાના તથ્યો સામે આવ્યા. ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા આ જમીનનું ખોદકામ કરવામાં આવ્યું ત્યારે તેની નીચે મંદિરનો ભાગ જોવા મળ્યો. પુરાતત્વ વિભાગે આ ઐતિહાસિક વારસાને જાળવી રાખવા આ મંદિરને પોતાના સંરક્ષણ હેઠળ લીધું. જ્યારે સરકારે મુસ્લિમો માટે નવી ઇદગાહ બનાવી આપી.
રહસ્યોને ધરબીને બેઠેલી છે મંદિરમાં આવેલી વાવ
વિશાળ વિસ્તારમાં અને સમૃદ્ધ વારસોને સંઘરીને બેઠેલા આ મંદિરના અનેક રહસ્યો પરથી હજી પડદો ઊંચકાયો નથી. તેમાંની એક છે, અહીં આવેલી વાવ. સ્થાનિકોના મત પ્રમાણે, આ વાવનું પાણી ક્યારેય સુકાતું નથી. વાવનું બાંધકામ એવી રીતે કરવામાં આવ્યું છે કે તેમાં બારેમાસ પાણી જોવા મળે છે. આ વાવની બંને બાજુ દ્વાર આવેલા છે. આ બંને દ્વારના સ્તંભો પર કોતરવામાં આવેલા આ શિલ્પો પર કૃષ્ણની વિવિધ લીલાઓ જોવા મળે છે. તો વાવના બંને દ્વારમાંથી અંદર જતા ગર્ભિત સુરંગ નીકળતી. જેના દ્વારા શહેરના બંને છેડે નીકળાતું.
પ્રજાથી લઇ સૈનિકો આ વાવના પાણીનો ઉપયોગ કરી શકે તે માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. જેમાં મુખ્ય વાવમાં પાણી રહેતુ. તો બીજે છેડે ઘોડેસવાર ઘોડાને પાણી પીવડાવી શકે તે માટે છીછરી વાવનું પણ નિર્માણ કરવામાં આવ્યું.
દેશના નવા સંસદ ભવન અને મંદિર વચ્ચે શું છે સામ્યતા?
- વાસ્તુકળાનો શ્રેષ્ઠ નમૂના ગણાતા મંદિર વિશે જાણીને નવાઇલાગશે કે દેશના નવા સંસદ ભવન સાથે તે સામ્યતા ધરાવે છે, કેવી રીતે? આ વિજય મંદિરની પ્રતિકૃતિના આધારે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત નવા સંસદભવનનું નિર્માણ કરવામાં આવ્યું હોવાનું મનાય છે.
આ મંદિરના પાયા એટલે કે તેના બેઝની ડિઝાઇનને ધ્યાનથી જોતા માલૂમ પડશે કે, નવા સંસદ ભવનન અને મંદિરની ડિઝાઇન વચ્ચે ઘણીખરી સામ્યતા છે. એટલું જ નહીં, અયોધ્યાના નવા રામમંદિર તેમજ આ મંદિરની ડિઝાઇન પણ ઘણે અંશે સરખી હોવાનું જોવા મળે છે.