શું ઇલ્યૂમિનાટીના સભ્યો અરાજકતા ફેલાવવામાં માને છે? Illuminati and Freemasonry

ફ્રીમેસન પર અમેરિકામાં રાજકીય પક્ષ બન્યો, સોવિયેત સંઘ અને યુરોપમાં પ્રતિબંધો મૂકાયા, પરંતુ ભારતમાં કોઇ પ્રતિબંધ નથી. ભારતમાં તેની કોઇ ચર્ચા જ નથી.

    ૦૭-ડિસેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Illuminati and Freemasonry
 
 
ગયા લેખમાં આપણે જોયું કે દિલજીત દોસાંજ, અમેરિકી પૉપ સ્ટાર બિયૉન્સ નૉલેસ, ખેડૂત આંદોલનમાં વગર લેવાદેવા કૂદી પડનાર રિહાના ઇલ્યૂમિનાટી નામના ગુપ્ત સંગઠનનાં સભ્યો છે અને તેઓ ત્રિકોણાકાર જેવો ખાસ સંકેત બતાવે છે. આ ઇલ્યૂમિનાટી જન્મ્યું ફ્રીમેસન ( Illuminati and Freemasonry ) સંગઠનના વિચારમાંથી.
 
ફ્રીમેસન વિશે આપણે ગયા વખતે જોઇ ગયા કે તે ભવન નિર્માણ સાથે જોડાયેલા લોકોનું સંગઠન હતું. બાદમાં તેમાં બીજા લોકો પણ જોડાતા ગયા. ઇંગ્લેન્ડમાં ઈ.સ. ૧૭૧૭માં ગ્રાન્ડ લૉજ બની. ભારતમાં બ્રિટિશ ફ્રીમેસનરી લોકો ઈ.સ. ૧૭૩૦ના દાયકાથી હતા. ભારતમાં અત્યારે ૫૦૦ લૉજ છે. ફ્રીમેસનની શરૂઆત ભવનનિર્માતાઓ જેને સાદી ભાષામાં કડિયા કહે છે, તેવા લોકોથી થઈ. પરંતુ તેમાં મોટા-મોટા લોકો જોડાવા લાગ્યા. તેમાં રાષ્ટ્રપ્રમુખ, ઉદ્યોગપતિઓ, ન્યાયાધીશો, મહારાજાઓ અને ફિલ્મોદ્યોગના કલાકારોનો સમાવેશ થાય છે.
 
હવે ફ્રીમેસનરીઓ પોતાના પ્રચાર માટે એવું કહે છે કે, તેમાં એકબીજા માટે પ્રેમ રાખવો (બંધુત્વની ભાવના), રાહત અને સત્ય વગેરે શીખવાડાય છે. જોવાની વાત એ છે કે, તેમાં મહિલાઓ સભ્ય ૧૮મી સુધી નહોતી રહેતી. તેમાં આજે જેને પિતૃસત્તાક સમાજ ફેમિનિસ્ટો કહે છે તેવું હતું એટલે કે મેસનરીના સભ્યોની પત્નીએ તેને તાબે થઇને રહેવાનું. પરંતુ વિશ્વનાં કોઇ ફેમિનિસ્ટ સ્ત્રી કે પુરુષ તેની વિરુદ્ધ એક અક્ષર બોલતાં નથી. ફ્રીમેસનરી લોકો એવો પ્રચાર કરે છે કે, તેઓ એવી વ્યક્તિઓ નિર્માણ કરવા માગે છે જે પોતાના પરિવાર અને સમાજમાં કંઇ સારું આપી શકે. પરંતુ આ સંસ્થા ગુપ્ત છે. તેના સભ્યો એકબીજા સાથે ખાસ રીતથી હાથ મેળવે છે. તે સિવાય પણ તેમની સાંકેતિક ચેષ્ટાઓ હોય છે. જેમ કોઇ પણ પંથમાં કેટલાંક વિધિવિધાન હોય છે તેમ ફ્રીમેસનમાં પણ હોય છે. તેમાં કોઇને જોડાવું હોય તો એવા બે જણા જે પહેલેથી સભ્ય (ફ્રીમેસનરી) હોય તેમની ઓળખાણ આવશ્યક છે.
 
જેમ કરાટેમાં ડિગ્રી હોય છે, જેમ કોઇ પણ પંથમાં દીક્ષિતોની પદવીમાં ક્રમ હોય છે તેમ ફ્રીમેસનમાં એપ્રેન્ટિસ, ફેલૉ ક્રાફ્ટ અને માસ્ટર મેસન એમ ત્રણ નીચેથી ઉપર એ ક્રમમાં ડિગ્રી હોય છે.
 
ગયા લેખમાં આપણે જોયું કે અમેરિકામાં ફ્રીમેસન વિરુદ્ધ એન્ટી મેસનિક પાર્ટી બની હતી. સોવિયેત સંઘ જ્યારે સામ્યવાદી હતો (એટલે કે તેનું વિઘટન થઇ, સામ્યવાદી વિચારસરણી ભૂલી રશિયા નહોતો બન્યો) ત્યારે ઇ. સ. ૧૯૨૨માં તેના પર પ્રતિબંધ મૂકાયો હતો. તમે જુઓ કે સામ્યવાદીઓ વાત તો વાણીની અને અભિવ્યક્તિની સ્વતંત્રતાની કરતા હોય છે, પરંતુ તે સમયના સોવિયેત સંઘ કે આજના સામ્યવાદી ચીનમાં ક્યાંય આ વાત નહીં જોવા મળે. ભારતમાં આટલાં મીડિયા હાઉસ છે, પણ ચીનમાં માત્ર સરકારી એજન્સી જે સમાચાર આપે તે જ સાચા માનવાના.
 
આવું જ યુરોપનું પણ છે. યુરોપવાળા પણ દાવો મુક્તતાનો (લિબર્ટી)નો કરે અને આખી દુનિયાને આ મુદ્દે દબાવે, પરંતુ યુરોપના દેશો યુકે, ફિનલેન્ડ, ઇટાલી, હંગેરી, જર્મની, સ્પેનમાં જે-તે સમયે ફ્રીમેસન પર પ્રતિબંધ મૂકાયા હતા. ઇંગ્લેન્ડમાં પોલીસ અને ન્યાયતંત્રમાં જોડાતા લોકોએ તેઓ ફ્રીમેસનરી છે કે નહીં તે જણાવવું પડે છે. જોકે આ નીતિ ૨૦૦૯માં કૉર્ટના આદેશથી દૂર થઇ (કૉર્ટમાં આદેશ આપનાર ફ્રીમેસનરી નહીં હોય તેની શું ખાતરી?)
 
પંથોની રીતે ખ્રિસ્તી અને મુસ્લિમ આ બંને પંથો કટ્ટર રીતે ફ્રીમેસનરીના વિરોધી છે. ખ્રિસ્તીઓ માને છે કે, ફ્રીમેસનરી શેતાનની પૂજા કરે છે. મુસ્લિમો માને છે કે ફ્રીમેસનરી યહૂદીઓનું સંગઠન છે. આમેય ઇસ્લામ પંથ તો બીજા કોઇમાં માનવા દેતો જ નથી. ફ્રીમેસનરી સાથે જોડાયેલા લોકો પણ કહે છે કે, તેની અંદર પ્રવેશો એટલે તમારો પંથ તમારે ભૂલી જવાનો.
૧૯૪૦થી ૧૯૫૦ના સમયગાળા દરમિયાન અમેરિકામાં ડાબેરીઓ પર તડાપીટ બોલાવવામાં આવી જેને દ્વિતીય લાલ ભય (સેકન્ડ રેડ સ્કેર) કહે છે. આ ગાળા દરમિયાન કેનેડાના વિલિયમ ગાય કાર્રની થિયરીથી પ્રભાવિત થઇ ખ્રિસ્તીઓ માનવા લાગ્યા કે ફ્રીમેસન, ઇલ્યૂમિનાટી અને યહૂદીઓ જ આંતરરાષ્ટ્રીય સામ્યવાદી ષડયંત્ર કરી રહ્યા છે. એટલે કે ફ્રીમેસન, ઇલ્યૂમિનાટી એક પ્રકારનો સામ્યવાદ જ છે. સામ્યવાદીઓ એકેય પંથ કે દેશમાં માનતા નથી હોતા અને વિશ્વ બંધુત્વની ભાવનામાં માને છે. ફ્રીમેસનનું આવું જ મનાય છે. જેમ સામ્યવાદીઓ પોતાની વિચારસરણીથી રાજકારણીઓ, ન્યાયાધીશો, ફિલ્મ લેખકો, કલાકારો, શિક્ષણવિદો, વૈજ્ઞાનિકોને પ્રભાવિત કરીને પોતાનું ધાર્યું કરાવે છે, તેમ ફ્રીમેસન વિશે પણ માન્યતા છે. સામ્યવાદીઓની જેમ ફ્રીમેસનરીઓ (ફ્રીમેસનના સભ્યો) પણ માનવ અધિકાર, માનવો વચ્ચે સમાનતા જેવી મોટી-મોટી વાતો કરે છે.
 
ફ્રીમેસન પર અમેરિકામાં રાજકીય પક્ષ બન્યો, સોવિયેત સંઘ અને યુરોપમાં પ્રતિબંધો મૂકાયા, પરંતુ ભારતમાં કોઇ પ્રતિબંધ નથી. ભારતમાં તેની કોઇ ચર્ચા જ નથી.
 
ફ્રીમેસનમાં જોડાવા માટે તગડી ફી છે. એટલે જ જર્મનીના બાવરિયામાં આદમ વૈશાઉપ્ટએ તેની સ્થાપના પહેલી મે, ૧૭૭૬ના દિને કરી હતી. જૉન આદમ વૈશાઉપ્ટ કેનન લૉ અને પ્રેક્ટિકલ ફિલૉસૉફીના પ્રાધ્યાપક હતા. આદમ વૈશાઉપ્ટ ફ્રીમેશન સૉસાયટીથી પ્રભાવિત હતા. તેની સ્થાપનાનો વૈશાઉપ્ટનો ઉદ્દેશ ચર્ચ અને રાજાશાહી સામે ક્રાંતિનો હતો. તેમાં પણ રેશનાલિઝમની વાતો થતી અને વાણી તેમજ અભિવ્યક્તિની સ્વતંત્રતાની વાત થતી. સ્થાપિત વાતોથી બધું ઊંધું કરવાનું એટલે ઘુવડ (આઉલ ઑફ એથેના)ને પ્રતીક બનાવ્યું.
 
ઇલ્યૂમિનાટીમાં પણ ફ્રીમેસનની જેમ ત્રણ ડિગ્રી (ઑર્ડર) હોય છે- નોવાઇસ, મિનર્વલ અને ઇલ્યૂમિનેટેડ મિનર્વલ. આમાં અભ્યર્થી અથવા વિદ્યાર્થીને ગુપ્ત સંકેતો અને પાસવર્ડ આપવામાં આવે છે. આ ઇલ્યૂમિનાટીના સભ્યોએ રાજાશાહીનો જાહેરમાં વિરોધ કરવા માંડ્યો અને ગુપ્ત સંગઠનના સભ્યોનાં નામ જાહેર થઇ ગયાં. તેના પર અનેક પંથ વિરોધી પ્રકાશનો છાપવાનો આરોપ લાગ્યો. લખાણોને દેશદ્રોહી માનવામાં આવ્યાં પરિણામે ઇ. સ. ૧૭૮૪માં ચાર્લ્સ થીઓડર અને તેમની સરકારે બધાં ગુપ્ત સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધા.
 
આથી વૈશાઉપ્ટ ભાગી ગયો. તેના સ્થાનેથી ઑર્ડર (ખ્રિસ્તી અને તેના કારણે યુરોપમાં આ ફ્રીમેસન કે ઇલ્યૂમિનાટી ઊભાં થયાં તેમાં પણ ઑર્ડરનો અર્થ પદ માટે કરાય છે, આદેશના રૂપમાં નહીં)ને લગતા દસ્તાવેજો અને આંતરિક પત્રવ્યવહાર મળી આવ્યા. તેને ઇ. સ. ૧૭૮૭માં સાર્વજનિક કરવામાં આવ્યા. આનાથી ઇલ્યૂમિનાટીને મોટો ફટકો પડ્યો.
 
આજે ઘણા લોકો એવો બચાવ કરે છે કે, ઇલ્યૂમિનાટી તો એક કૉન્સિપરસી થિયરી છે. તે અસ્તિત્વ ધરાવતું નથી કારણ કે વૈશાઉપ્ટે સ્થાપેલું સંગઠન ઇલ્યૂમિનાટી તો સમાપ્ત થઇ ગયું હતું, પરંતુ ઇ. સ. ૧૭૯૭ અને ઇ. સ. ૧૭૯૮ વચ્ચે ઑગસ્ટિન બાર્યુએલના મેમોઇર્સ ઇલસ્ટ્રેટિંગ ધ હિસ્ટરી ઑફ જેકોબિનિઝમ અને જૉન રોબિસનના પ્રૂફ્સ ઑફ અ કૉન્સિપરસી મુજબ, ઇલ્યૂમિનાટી બચી ગયું હતું અને ફ્રાન્સમાં ઇ. સ. ૧૭૮૯માં થયેલી ક્રાંતિ જેને ફ્રેન્ચ રિવૉલ્યૂશન કહે છે, તેની પાછળ ઇલ્યૂમિનાટી સંગઠન હતું. હવે વૈશાઉપ્ટે સ્થાપેલા ઇલ્યૂમિનાટીને બેવેરિયન ઇલ્યૂમિનાટી કહેવામાં આવે છે.
 
આજે અનેક સંગઠનો પોતાને ઇલ્યૂમિનાટીમાંથી ઉદ્ભવેલાં ગણાવે છે. ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, ઇલ્યુમિનાટીના લોકો શેતાનને માને છે. તેઓ પૈસા અને કીર્તિ પામવા શેતાનને પોતાનો આત્મા વેચી દે છે!' અમેરિકાના પૂર્વ પ્રમુખ બરાક ઓબામા, બિલ ક્લિન્ટન, માઇક્રૉસૉફ્ટના બિલ ગેટ્સ, ઍપલ કંપનીના (હવે સ્વ.) સ્ટીવ જૉબ્સ, પૉપ ફ્રાન્સિસ, (હવે સ્વ.) રાણી એલિઝાબેથ, સેલિબ્રિટી ઇન્ટરવ્યૂકર્તા ઑપરાહ વિનફ્રે, બિયૉન્સ નૉલેસ, જય ઝી, રિહાના, કાન્યે વેસ્ટથી માંડીને દિલજીત દોસાંજ આ ગુપ્ત સંગઠનના સભ્ય હોવાની ચર્ચા થતી રહે છે.' તેનું ખાસ પ્રતીક છે તે પણ દિલજીત બતાવતો રહે છે. અનેક સૉશિયલ મીડિયા વપરાશકારોનું કહેવું છે કે વિકૃતિ ફેલાવવામાં અગ્રેસર બિગ બૉસ શૉનું પ્રતીક પણ ઇલ્યુમિનાટીનું પ્રતીક છે. દિલજીત જેવું જ ત્રિકોણાકાર પ્રતીક પૉપ સ્ટાર રિહાના અને જય-ઝી પણ તેમના કાર્યક્રમોમાં બનાવે છે.
 
યુટ્યૂબ પર અનેક પૉડકાસ્ટમાં ભારતીય સહિતના લોકોનો દાવો છે કે ઇલ્યૂમિનાટીના સભ્યો શેતાનને પૂજે છે. ૧૯૬૩માં પ્રિન્સિપિયા ડિસ્કૉર્ડિયા નામના એક પુસ્તકે હલચલ મચાવી દીધી હતી. બીબીસીના એક અહેવાલ પ્રમાણે, લેખક રૉબર્ટ એન્ટન વિલ્સન અને કેર્રી થૉર્નલીએ વિચાર્યું કે, વિશ્વમાં આપખુદશાહી બહુ વધી ગઇ છે. વિશ્વ એકદમ બંધિયાર અને ખૂબ જ નિયંત્રિત થઇ ગયું છે. આ લેખકો અરાજકતા લાવવા માગતા હતા અને આના માટેનો માર્ગ હતો (જે સામ્યવાદને પણ બહુ માફક આવે છે) ખોટી માહિતી ફેલાવવી. સંસ્કૃતિ વિરોધી બાબતો દ્વારા (એટલે કે બિગ બૉસ જેવા કથિત મનોરંજક કાર્યક્રમો દ્વારા), મેઇનસ્ટ્રીમ મીડિયા દ્વારા અને બીજા જે કોઇ પણ માર્ગો મળે તે દ્વારા.
 
તમે જુઓ કે, મેઇનસ્ટ્રીમ મીડિયા અને મનોરંજક બાબતો દ્વારા આપણે ત્યાં કેટલાં જૂઠાણાં ફેલાવાયાં છે!  તે સમયે વિલ્સન એક અશ્લીલ સામયિક પ્લેબૉય માટે કામ કરતો હતો. તેણે અને થૉર્ન્લીએ પોતે જ વાચકોના નામે પત્રો લખી ઇલ્યૂમિનાટી વિશે લખ્યું. એટલે આ સંગઠન ગુપ્ત હોવાનું મનાય છે, તે જ રીતે તે અત્યારે છે કે નહીં તેના વિશે રહસ્ય જ છે. પણ બિયૉન્સ નૉલેસ, રિહાના, ભારતમાં દિલજીત દોસાંજ વગેરે તેના સિમ્બોલ પોતાના સંગીતના કાર્યક્રમોમાં કરે છે તેનાથી એક રહસ્ય તો ઘેરાયું જ છે. દિલજીતે તો ગયા અઠવાડિયે જણાવ્યું તેમ પોતાના કાર્યક્રમનું નામ Dilluminati રાખ્યું હતું. આ નામ દિલજીતના દિ અને ઇલ્યૂમિનાટીના મિશ્રણથી બન્યું હોવાની ચર્ચા છે.
 
સત્ય આપણને ખબર નથી, પરંતુ સત્ય જાણવું તો જોઇએ જ, કારણ કે અરાજકતા ફેલાવનારાઓનો આજકાલ ભારતમાં તોટો નથી. નૈતિકતા, સંસ્કૃતિ અને સંસ્કારનો સૌથી વધુ વિરોધ આ મનોરંજક જગત અને મેઇનસ્ટ્રીમ મીડિયામાં બેઠેલા કૉન્વેન્ટિયા અને તેના ગુજરાતી-હિન્દી-મરાઠી-તમિલ વગેરે ભારતીય ભાષી માનસપુત્રો કરે છે. ઇલ્યૂમિનાટીના સભ્યો પૈસા અને કીર્તિ માટે શેતાનની પૂજા કરે છે કે નહીં તે પણ આપણે જાણતા નથી, કારણ કે એ ગુપ્ત સંગઠન છે, પરંતુ એ વાત તો સાચી છે કે, આજે ખાન કલાકારોથી માંડીને એકતા કપૂર, કરણ જોહર, ઉર્ફી જાવેદ, ડોલી ચાયવાલા જેવા લોકોને પૈસા અને કીર્તિ મળી જાય છે, જ્યારે વિદ્વાન, મહેનતુ અને નૈતિકતાને વરેલા લોકો ગુમનામ રહે છે, આર્થિક ભીંસમાં સપડાયેલા હોય છે અને ઘણી વાર તો સાચા માર્ગે ચાલવા જતા પોલીસ કે કૉર્ટ કાર્યવાહીમાં ફસાય છે.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…