તંત્રીસ્થાનેથી । મૃત્યુઘંટ વાગે તે પહેલાં ખતરાની ઘંટડી સાંભળીએ... વિમર્શ

આપણા દેશે ૨૦૦૦માં લાગુ કરેલી જનસંખ્યા અંગેની નીતિ અનુસાર ૨.૧ના પ્રજનન દરથી નીચે જવું જોઈએ નહિ અને તેને ૨૦૪૫ સુધી સ્થિર રાખવો જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં વિવિધ ઋણની વાત કરેલી છે.

    ૦૭-ડિસેમ્બર-૨૦૨૪   
કુલ દૃશ્યો |

self swa
 
૧૨ ડિસેમ્બર, ૧૯૩૦ની વાત છે. મારી ઉપસ્થિતિમાં વિદેશી કપડાંની ટ્રક હવે આગળ નહીં વધી શકે, તેવા દૃઢ સંકલ્પ સાથે વીર બાબુ ગેનુ નામનો ૨૨ વર્ષનો નવ યુવાન ટ્રકની આગળ ઊભો થઈ ગયો. તેનું પ્રતિબદ્ધ સ્વરૂપ જોઈને ટ્રક ડ્રાઈવર બલબીરસિંહ નીચે ઉતરી ગયો. છેવટે એક અંગ્રેજ સ્ટીયરીંગ પર ચડી બેઠો. વીર બાબુ ગેનુ પર ટ્રક ફેરવી દીધી. `સ્વદેશી' યજ્ઞમાં આ હતી પ્રથમ આતિ. હુતાત્માને અનંત નમન.
 
જેમ `સ્વદેશી'માં રાષ્ટ્રના `સ્વ'નું એક રૂપ પ્રતિષ્ઠિત છે, તેમ `સ્વરાજ' અને `સ્વધર્મ'માં રાષ્ટ્રના `સ્વ'નાં સ્વરૂપ પ્રતિષ્ઠિત છે. આ બધી વાતોના કેન્દ્રમાં રાષ્ટ્રનો `સ્વ' છે. `સ્વ'અંગેની વિદ્વતાપૂર્ણ વાતો સમજાય કે ન સમજાય, પરંતુ એક વાત જે હમણાં રા.સ્વ.સંઘના પ.પૂ. સરસંઘચાલકજી મા. મોહનજી ભાગવતે કરી છે, તે સમજાઈ જાય તેવી છે.
 
તેઓએ `સ્વ'ના અસ્તિત્વની પાયાગત વાત કરી છે. જેમ આત્માને શરીર જોઈએ તેમ રાષ્ટ્રના `સ્વ'ને પણ શરીર જોઈએ. એટલે કે રાષ્ટીય મનુષ્યો જોઈએ, પર્યાપ્ત સંખ્યામાં જોઈએ, એક વિરાટ સમાજના રૂપમાં જોઈએ, સર્વોચ્ચ ન્યાયાલયની પીઠિકા પર અંકિત ધ્યેયવાક્ય ‘यतो धर्मस्ततो जय’ને સાકાર કરનાર ધર્મપ્રવણ વિરાટ સમાજના રૂપમાં જોઈએ. મહાભારતના આ મહાબોધમાં શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતો હોય તેવો વિરાટ સમાજ કૃષ્ણનું વિરાટ સ્વરૂપ છે.
 
ઉપરોક્ત પરિપ્રેક્ષ્યમાં મા. મોહનજી ભાગવતે જે વાત કરી છે તેનું માહાત્મ્ય કોઈપણ રાષ્ટ્રચિંતકના ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી. હજારો હજારો વર્ષના `સ્વ'નો વાહક આપણો સમાજ સંકોચાય તો શું થાય? રાષ્ટ્ર સંકોચાઈ જાય. ૧૯૪૭ના ભારતવિભાજનનો આ સબક છે.
 
રાષ્ટીય સ્વયંસેવક સંઘ એવા સમાજનું નિર્માણ કરવા માગે છે, જે સમાજ સ્વાભિમાન સાથે કહે કે, આ રાષ્ટ્ર મારું છે, હજારો વર્ષોથી અમારા પૂર્વજોએ પોતાનાં ત્યાગ-બલિદાનોથી વિકસાવેલું આ રાષ્ટ્ર છે, આ રાષ્ટ્ર વિશ્વના આતંકવાદને મ્હાત કરી શકે છે, આ રાષ્ટ્ર વિશ્વને તેની સમસ્યાઓમાંથી માર્ગ સૂઝાડી શકે છે, વિશ્વના નકશા પર ૧૦૦૦ વર્ષનાં આતંકી આક્રમણો પછી પણ પોતાના `સ્વ' સાથે ટકી ગયેલું આ એક માત્ર આપણું રાષ્ટ્ર છે, આમ આ રાષ્ટ્ર સનાતન છે. આવું માનનાર સમાજ રાષ્ટ્રનો પુત્રરૂપ સમાજ છે, સાચો વારસદાર છે. આ સમાજ સંકોચાય તો રાષ્ટ્ર સંકોચાય છે, તેવું હજારો વર્ષથી રાષ્ટ્રએ જોયું છે, જેનાં તાજાં ઉદાહરણો છે- બાંગ્લાદેશ અને પાકિસ્તાન. હવે આ રાષ્ટ્ર વધુ સંકોચાય નહિ તે માટે રાષ્ટીય સમાજ પણ ન સંકોચાય તે જોવું જરૂરી છે. રાષ્ટીય સમાજની જનસંખ્યામાં ઘટાડો થવો ન જોઈએ. જો રાષ્ટીય સમાજનો જનસંખ્યા (પ્રજનન) દર ૨.૧થી નીચે જશે તો સમાજને ધરતી પરથી લુપ્ત થઈ જતાં કોઈ બચાવી નહિ શકે. પ્રત્યેક પરિવારમાં ૨-૩ બાળકો હોય તો રાષ્ટીય સમાજ જીવંત રહી શકે છે, પરંતુ જે દરે પ્રજનન દર ઘટી રહ્યો છે, તે ભયજનક છે. આપણી આજુબાજુ નજર નાંખીશું તો એવાં ઢગલો દંપતિ ધ્યાનમાં આવશે કે, જેમનાં સઘળાં સ્વપ્નો માત્ર એક બાળકમાં જ સંકોચાઈ ગયાં છે.
 
તો બીજી બાજુ દેશને તોડનારી શક્તિઓ પ્રજનનદરનું મહત્ત્વ જાણે છે. તેમનો કાબૂ બહારનો પ્રજનનદર વિશ્વભરમાં પડકારરૂપ બની રહ્યો છે. જાતજાતની જેહાદ, ઘૂસપેઠ, મતાંતરણથી વિશ્વના દેશોનો રાષ્ટીય સમાજ આતંકિત છે. રશિયા, ચીન જેવા અનેક દેશો પોતાનો પ્રજનન દર વધારવા પ્રયત્નશીલ છે.
 
આપણા દેશે ૨૦૦૦માં લાગુ કરેલી જનસંખ્યા અંગેની નીતિ અનુસાર ૨.૧ના પ્રજનન દરથી નીચે જવું જોઈએ નહિ અને તેને ૨૦૪૫ સુધી સ્થિર રાખવો જોઈએ. આપણે ત્યાં શાસ્ત્રોમાં વિવિધ ઋણની વાત કરેલી છે. પિતૃઓએ આગળ ધપાવેલો વંશવેલો સશક્તરૂપે આગળ ધપાવવાથી પિતૃઋણમાંથી મુક્તિ મળે છે. હા, તે માટેની જે કંઈ આર્થિક સિધ્ધતા જરૂરી હોય, તે માટેનો પરિશ્રમ કરવામાંથી નાસીપાસ ન થઈએ. કોઈ નાસીપાસ થતું હોય તો તેને કહીએ- `દાયિત્વ' એ કસોટી નથી, તક છે.

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.