કુંભમેળામાં જાતિ, વંશ, મતાંતર ભૂલીને ૨૦ કરોડ લોકો મહાસ્નાન કરશે - મિલિંદ પરાંડે

07 Dec 2024 12:33:20

vhp milind parande interview gujarati
 
 
 
વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલિંદજી પરાંડે ગત સપ્તાહે ગુજરાતના પ્રવાસે હતા. શ્રી મિલિંદજી મૂળ નાગપુરના છે. તેઓશ્રીએ કેમેસ્ટ્રીમાં M.Sc.નો અભ્યાસ કર્યો છે. ૧૯૯૦થી રા.સ્વ.સંઘના પૂર્ણકાલીન પ્રચારક છે અને ૨૫મી ફેબ્રુઆરી, ૨૦૨૪થી વિશ્વ હિન્દુ પરિષદના સંગઠન મહામંત્રી તરીકેનું દાયિત્વ સંભાળે છે. અગાઉ તેઓએ વિશ્વ હિન્દુ પરિષદના મહામંત્રી, સંયુક્ત મહામંત્રી, પટના ક્ષેત્રના કેન્દ્રીય મંત્રી, દક્ષિણ ભારતના કેન્દ્રીય સહમંત્રી વગેરે જવાબદારીઓ સફળતાપૂર્વક વહન કરી છે.
 
 
સાક્ષાત્કારવર્તમાનમાં સંગઠન મહામંત્રી તરીકે તેઓશ્રીએ વિ.હિ.પ.ના કાર્યને વેગવાન બનાવ્યું છે. કર્ણાવતી પ્રવાસ દરમિયાન `સાધના'એ તેમની સાથે સાક્ષાત્કાર કર્યો. આગામી કુંભમેળાના આયોજનથી લઈને લવજેહાદ, ગૈૌરક્ષા, બાંગ્લાદેશની સ્થિતિ વગેરે અનેક વિષયોમાં તેમણે મુદ્દાસર વાત કરી. પ્રસ્તુત છે મા. શ્રી મિલિન્દજીનો સાક્ષાત્કાર.
 
 
 
વિશ્વ હિન્દુ પરિષદના મતે `હિન્દુ' એટલે કોણ?
 
 
આમ તો `હિન્દુ' શબ્દની પરિભાષા કરવી બહુ મુશ્કેલ છે. છતાં વિ.હિ.પ.ના વિચાર મુજબ પુણ્યભૂમિ ભારતમાં જીવનના કલ્યાણ અર્થે જે જે ચિંતન અને ધર્મધારાઓનો વિકાસ થયો છે એ તમામ પરંપરાઓ અને જીવનમૂલ્યોનું જે પાલન કરે છે એવો કોઈપણ સદ ચરિત્ર્ય વ્યક્તિ, પછી ભલે તે ભારત બહાર જન્મ્યો હોય કે રહેતો હોય તો તે હિન્દુ છે, એવું મારું માનવું છે.
 
 
આગામી જાન્યુઆરી-૨૫માં પ્રયાગરાજમાં કુંભમેળાનું આયોજન થઈ રહ્યું છે. તો ભારતીય સંસ્કૃતિનું કુંભમેળામાં શું યોગદાન છે? આ વખતે કુંભમેળા માટે વિ.હિ.પે. શું વિશેષ આયોજન કર્યું છે?
 
 
મને લાગે છે કે, કુંભમેળો હિન્દુઓનો એક બહુ મોટો પ્રાચીન-ધાર્મિક કાર્યક્રમ છે. માનવતાની દૃષ્ટિએ જોઈએ તો આ માનવોનું વિશ્વમાં સૌથી મોટું એકત્રીકરણ છે. આનાથી મોટું માનવીઓનું એકત્રીકરણ કોઈપણ દેશમાં, કોઈપણ કાળમાં નથી થયું. આ વખતના કુંભમેળાની એક વિશેષતા એ છે કે, ૨૦ કરોડથી વધુ લોકો આ વખતે કુંભમેળામાં આવશે. કુંભના પવિત્ર સ્નાનનો સમયગાળો ૧૩મી જાન્યુઆરી પોષ પૂર્ણિમાથી પ્રારંભ કરીને ૨૬મી ફેબ્રુઆરી મહાશિવરાત્રિ સુધી ચાલશે. આ બંને મહાસ્નાનો વખતે દિવસનાં ૨ થી ૩ કરોડ લોકો આવશે. અમૃતકળશમાંથી જ્યાં જ્યાં અમૃત છલક્યું એવાં ચાર સ્થાનો છે, એક ઉજ્જૈન, બીજું નાસિક, ત્રીજું હરિદ્વાર અને ચોથું પ્રયાગ છે. પ્રયાગરાજમાં જ સૌથી મોટો કુંભમેળો યોજાય છે. કારણ કે અહીં જગ્યા વિશાળ છે. ગંગાજી અહીં છે. હાલમાં સરકારી સ્તરે કામગીરીનો પ્રારંભ થઈ ગયો છે. વિશ્વ હિન્દુ પરિષદ પણ અહીં દાયકાઓથી કેમ્પ લગાવે છે અને કાર્યક્રમનું આયોજન કરે છે.
 
કુંભમાં વિશ્વ હિન્દુ પરિષદની અખિલ ભારતીય બેઠકનું અહીં આયોજન થશે, જેમાં દેશભરના બધા જ પ્રાંતોમાંથી પ્રમુખ કાર્યકર્તાઓ આવશે. સાથે સાથે વિશ્વના ૩૦ દેશોમાં વિશ્વ હિન્દુ પરિષદનું કામ ચાલે છે, તેમાંથી પણ કેટલાક દેશોના પ્રમુખ કાર્યકર્તાઓ આ કુંભમેળામાં આવશે અને બેઠકમાં ઉપસ્થિત રહેશે. કેન્દ્રીય માર્ગદર્શક મંડળના આ કાર્યક્રમ(બેઠક)માં ભારતના તમામ પંથ-સંપ્રદાયોનાં આચાર્યો એકત્રિત થશે. ભારતમાં હિન્દુ સમાજમાં ૧૫૦થી વધુ પંથ-સંપ્રદાયો છે. એના પ્રમુખ સાધુ સંતો પણ એકત્રિત થશે. આ કાર્યક્રમ ૨૪ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી સુધી ૪ દિવસ ચાલશે. હિન્દુ સમાજ સામે જે પડકારો છે તે બાબત અંગે આ બેઠકમાં ચર્ચા-વિમર્શ થશે.
 

milindi parande 
 
સમાજ સામેના આ પડકારોમાં લવ-જેહાદ, તૂટતા પરિવારો, હિન્દુ સંસ્કારોનું ક્ષીણ થવું, ડ્રગ્સ એડિક્શન, ગૌ-હત્યા, હિન્દુઓનું ક્રિશ્ચિયન મિશનરીઓ દ્વારા મતાંતરણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે. આ બધું બંધ થાય તે અંગેની ચર્ચા-વિમર્શ આ કાર્યક્રમમાં થશે અને હિન્દુ સમાજના અગ્રણી સંતો તેનું માર્ગદર્શન કરશે.
 
આવી જ રીતે દેશભરમાંથી ત્યાં આવેલા સાધ્વીઓ અને યુવાઓના એકત્રીકરણનો કાર્યક્રમ પણ થશે.
 
ભારતમાં લગભગ ૭૧૨ જનજાતિઓ છે અને સમગ્ર ભારતમાં લગભગ ૧૧ કરોડ જનજાતિના લોકો વસે છે. જનજાતીય સમુદાય સતત ધર્મરક્ષા માટે શેષ હિન્દુ સમાજ સાથે ખભેખભો મિલાવીને અનાદિકાળથી કામ કરતો રહ્યો છે. આ વખતે જનજાતીય સમુદાયનાં લાખો લોકોનું કુંભમાં સ્નાન થાય એ માટેની તૈયારીઓ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા થઈ રહી છે. આમ દેશભરમાંથી જનજાતીય સમુદાયના જે લોકો આવશે તેમનું કુંભસ્નાન અને સાથોસાથ બીજો મોટો કાર્યક્રમ બૌદ્ધ, તિબેટિયન સહિત અન્ય પરંપરાના સાધુઓ મોટી સંખ્યામાં કુંભસ્નાન કરશે. પ્રારંભમાં એવું હતું કે દક્ષિણ ભારત અને પૂર્વભારતના સાધુઓ કુંભમેળામાં બહુ ઓછા આવતા હતા, પરંતુ પાછલા કેટલાક સમયથી એ પરંપરાઓને પણ પ્રોત્સાહન આપીને સૌ ભાગ લે તેવું આયોજન કર્યું છે. આમ હવે સંપૂર્ણ ભારતનાં, તમામ પરંપરાઓ- પંથસંપ્રદાયોના સાધુ-સંતો અહીં કુંભસ્નાન કરશે.
 
દેશભરમાં ગૌરક્ષાનું કામ કરનારા હજારો કાર્યકર્તાઓ છે, એમનું પણ એકત્રીકરણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા અહીં થવાનું છે. એવી જ રીતે મતાંતરણ રોકવા માટે અને જે મુસલમાન કે ઈસાઈ બની ગયેલ લોકો હિન્દુ ધર્મમાં પાછા આવવા માંગે છે એમને પાછા લાવવા માટે કામ કરનારાં અનેક સંગઠનોના લોકોનું પણ એકત્રીકરણ થશે.
 
આમ વિશ્વ હિન્દુ પરિષદના માધ્યમથી અહીં વિવિધ પ્રકારના કાર્યક્રમો થવાના છે. રોજ હજારો લોકો વિશ્વ હિન્દુ પરિષદના કેમ્પમાં ભોજન-પ્રસાદ લેવા પધારશે. જોકે કુંભમેળામાં તો દરરોજ કરોડો લોકોનું ભોજન થાય છે. આ એક ચમત્કાર છે કે, કોણ આ સૌને ભોજન કરાવે છે.
 

vhp milind parande interview gujarati 
 
 
પાછલા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે, હિન્દુ ધાર્મિક ઉત્સવો, કાર્યક્રમો, તહેવારો વગેરેમાં મુસ્લિમ વેપારીઓ પણ જોડાઈ રહ્યા છે. શું હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં મુસ્લિમ વેપારીઓને જોડાવાની વેપાર કરવાની અનુમતિ હોવી જોઈએ ખરી? આપનું શું માનવું છે?
 
 
આપણે સૌ જાણીએ છીએ, સૌએ જોયું છે કે છેલ્લા કેટલાક સમયથી મુસલમાન વેપારીઓ કે કારીગરો દ્વારા ભોજનની અંદર ગંદકી ફેલાવવામાં આવી રહી છે. આ અંગેના અનેક વિડિયો વાયરલ થયા છે. કેટલાક લોકોએ તો જીવનમાં પ્રત્યક્ષ અનુભવ પણ કર્યો છે કે, તે લોકોએ તેમના ભોજનમાં ગંદકી કરી હોય.
 

milindi parande 
 
આ બધું હદ વટાવી રહ્યું છે. મુસલમાન વેપારીઓ દ્વારા ભોજનમાં થૂંકવામાં આવે છે, અરે એમાં પેશાબ સુધ્ધાં કરવામાં આવે છે. આવું આખા દેશમાં બની રહ્યું છે. આ કારણે સમગ્ર હિન્દુ સમાજમાં સંદેહનું વાતાવરણ ઊભું થયું છે.
 
હિન્દુ સમાજના લોકો આવા ધાર્મિક દિવસોમાં ઉપવાસ રાખે છે, અને ભોજન વખતે શુદ્ધતાનો આગ્રહ રાખે છે. જો મુસલમાનોના માધ્યમથી આવાં (ગંદકી ફેલાવવાનાં) કૃત્યો થાય તો તે યોગ્ય નથી. હમણાં કાવડયાત્રા વખતે પણ આ જ પ્રશ્ન આવ્યો હતો. ત્યારે દુકાનો પર બોર્ડ મારવાની વાત થઈ હતી, પરંતુ તેમાં પણ ઘણા મુસલમાનોએ દુકાનો પર હિન્દુઓના નામનાં બોર્ડ મારી દીધાં હતાં. એના કારણે હિન્દુઓના ઉપવાસ તૂટી ગયા હોય એવું પણ થયું હતું.
 
આથી સૌનો આગ્રહ એ છે કે, હિન્દુ ધાર્મિક કાર્યક્રમોમાં મુસલમાન વેપારીઓને વેપાર કરવાની અનુમતિ ના આપવી જોઈએ.
 
 
કુંભમેળામાં મુસ્લિમ વેપારીઓ ના જોડાય કે પછી દુકાનો પર સાચા માલિકોનાં નામ લખાય એવી કોઈ માંગ વિશ્વ હિન્દુ પરિષદે કરી છે?
 
 
સંપૂર્ણ હિન્દુ સમાજ જ એ માંગ કરી રહ્યો છે. આથી સૌના મનમાં આગ્રહ છે કે, મુસલમાનોને અનુમતિ ના મળે. બીજું મને લાગે છે કે ફક્ત હિન્દુઓનું બોર્ડ લગાવવું પર્યાપ્ત નથી, કારણ કે, આપણને લવ-જેહાદની ઘટનાઓનો અનુભવ છે. આજે લવજેહાદની ઘટનાઓમાં મુસલમાન યુવાનો હિન્દુ બનીને છેતરે છે. લવ-જેહાદ કરનારાઓનાં તમે ફેસબૂક જુઓ, ટ્વીટર જુઓ તો એમાં બધે તેમનાં હિન્દુ નામ જ હશે. તેમને પ્રત્યક્ષ જોશો તો પણ તે હિન્દુ જ દેખાશે. તેમણે નાડાછડી બાંધી હશે, માથે તિલક કર્યું હશે, હિન્દુઓ પહેરે તેવો પહેરવેશ પણ પહેર્યો હશે. નામ પણ હિન્દુ જ હશે દા.ત, રાજુ, રમેશ, મહેશ વગેરે. આમ એ લોકો જૂઠું જ બોલનારા છે. દુકાનો પર એ લોકો તો કોઈપણ નામ લખી દેશે! માટે માત્ર નામ લખવું પર્યાપ્ત નથી. એના માટે વધુ સતર્કતા જરૂરી છે.
 
 
વિ.હિ.પ. મંદિરોને સરકારી નિયંત્રણોથી મુક્ત કરાવવાની માંગ કરી રહી છે. એ કેટલું જરૂરી છે-શા માટે?
 
 
ખૂબ જ આવશ્યક છે, કારણ કે આ દેશમાં ૮૦% વસ્તી હિન્દુઓની છે. અનાદિકાળમાં મંદિરો આપણી આસ્થાનાં કેન્દ્રો રહ્યાં છે. બ્રિટિશકાળમાં જ્યારે બ્રિટિશરોએ જોયું કે, મંદિરો, હિન્દુ સમાજનાં શક્તિનાં કેન્દ્રો છે, સંપત્તિનાં કેન્દ્રો છે, ધર્મપ્રચારનાં કેન્દ્રો છે, વિદ્યાનાં કેન્દ્રો છે, સામાજિક સેવાનાં કેન્દ્રો છે, બ્રિટિશરોએ કાનૂન બનાવીને મંદિરો પર કબજો કરી દીધો ત્યારે અહીંની શિક્ષણ-વ્યવસ્થા બંધ કરી દેવામાં આવી. એ પછી તેમણે મંદિરોને લૂંટવાનું તંત્ર જ ગોઠવી દીધું. આવું તેમણે મુસ્લિમોની મસ્જિદો કે ઈસાઈઓના ચર્ચ સાથે ન કર્યું. સિલેક્ટિવલી માત્ર હિન્દુઓ સાથે જ આ કરવામાં આવ્યું. દુર્ભાગ્યની વાત એ છે કે, ભારત સ્વતંત્ર થયું પછી પણ આ પરંપરા ચાલુ રહી અને અનેક રાજ્યોમાં મંદિરો પર સરકારી નિયંત્રણો લાગુ રહ્યાં. આજે પણ એ પરંપરા ચાલુ છે. અને અનેક રાજ્યોના મંદિરો પર સરકારી નિયંત્રણ છે.
 
થોડા સમય પહેલાં જ તિરુપતિ મંદિરના લાડુનો વિષય આવ્યો હતો. શ્રીશૈલમમાં મંદિરોની જે સંપત્તિ છે એનો પણ વિવાદ આવ્યો. અહીં દુકાન ખોલવાની હતી પણ એ બધી દુકાનોની ફાળવણી મુસલમાનોને થઈ. અરે એનાથી પણ ખરાબ થયું તિરુપતિના પહાડો બાબતે. અહીંના પહાડોમાંથી માત્ર બે પહાડો રાખીને બાકીના પહાડો વેચવા સુધીનો વિષય આવ્યો. આપણા માટે બહુ દુઃખદ વાત એ પણ છે કે, ધર્મનું જે જરાય આચરણ કરતા નથી એવા અન્ય મજહબના લોકોને આજે આપણા ધાર્મિક સ્થાનો-મંદિરો વગેરે ભાડે અપાઈ રહ્યાં છે. પછી એ બિનહિન્દુ લોકો ત્યાં પોતાનાં મજહબનો પ્રચાર કરીને આપણા હિન્દુ પરિવારોનું મતાંતરણ કરે છે.
 

milindi parande 
 
આ ઉપરાંત મંદિરો સરકારી નિયંત્રણોમાં છે ત્યાં સરકારી કામો માટે કે સરકારી અધિકારીઓના પગાર માટે પણ મંદિરોના ધનનો ઉપયોગ કરવામાં આવે છે. માટે વિશ્વ હિન્દુ પરિષદનો એ મત છે કે, મંદિરોને સરકારી નિયંત્રણથી મુક્ત કરવાં જોઈએ, જેથી કરીને હિન્દુઓ વિરુદ્ધ થઈ રહેલો પક્ષપાતપૂર્ણ વ્યવહાર બંધ થશે.
 
 
શું આ માટે વિશ્વ હિન્દુ પરિષદે કોઈ યોજના બનાવી છે ખરી?
 
 
વિશ્વ હિન્દુ પરિષદે આ માટે એક થિંક ટેંક બનાવી છે, જેમાં હાઈકોર્ટના રિટાયર્ડ ચીફ જસ્ટિસ, સુપ્રીમ કોર્ટના યશપ્રાપ્ત વકીલ ઉપરાંત એવા સંતો જે આ વિષયને સારી રીતે સમજે છે, તેમનો પણ સમાવેશ થાય છે. આ થિંક ટેંકમાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ પણ છે, મંદિરો સરકારી નિયંત્રણમાંથી કેવી રીતે પાછાં મેળવવાં એ અંગે આ થિંક ટેંક એક મૉડેલ બનાવી રહી છે.
લગભગ ત્રીસ હજારથી વધારે મંદિરો એકલા કર્ણાટક રાજ્ય સરકારના નિયંત્રણમાં છે. બે વર્ષ પહેલાં કર્ણાટકે એવું ઘોષિત કર્યું હતું કે, આ બધાં જ મંદિરો તેઓ સમાજને સોંપી દેશે. ત્યારે એવું લાગ્યું હતું કે, આવો પ્રયોગ ત્યાં સફળ થશે અને બીજાં રાજ્યોમાં પણ લાગુ કરી શકાશે, પરંતુ દુર્ભાગ્યવશ એ સરકાર ચૂંટણીઓ ના જીતી શકી અને એ કામ અધૂરું રહી ગયું.
 
ઉત્તરાખંડ રાજ્ય સરકારે લગભગ બાવન પ્રાચીન મંદિરો અધિગ્રહિત કરી લીધાં હતાં. બે વર્ષ પહેલાં અમે એમની પાસે ગયા ને કહ્યું કે, આપે આ મંદિરો મુક્ત કરવાં જોઈએ. આથી સરકારે એ મંદિરો મુક્ત કરી દીધાં. હવે આ વિષય આખા દેશ સમક્ષ લઈ જવા માટે આગામી પાંચમી જાન્યુઆરીએ આંધ્રપ્રદેશની ૧૩ હજાર પંચાયતોમાંથી લાખો લોકો આવશે તેમાં આ બાબત અમે મૂકીશું. એ પછી રાજકીય દળો સાથે ચર્ચા કરીને યોગ્ય કાનૂન બનાવીને મંદિરોની મુક્તિ માટે પ્રયત્નો કરીશું. આમ, મંદિરોની મુક્તિ માટે વિ.હિ.પ. દ્વારા દેશભરમાં મોટાં અભિયાનો થવાનાં છે અને તેનું પહેલું પગલું આંધ્રપ્રદેશથી ભરાઈ ચૂક્યું છે.
 
 
વર્તમાનમાં કેનેડામાં કેટલાંક ખાલિસ્તાનીઓ દ્વારા હિન્દુ મંદિરો પર હિન્દુઓ પર હુમલાઓની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે. શું આ સંદર્ભે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કોઈ એકશન લેવામાં આવ્યાં છે ખરાં?
 
 
વિ.હિ.પ.નું ત્યાંનું એકમ કાર્ય કરી રહ્યું છે. ત્યાં વિ.હિ.પ.ના લોકો હિન્દુ સમાજને આશ્વાસન આપી રહ્યા છે અને સુરક્ષા પણ કરી રહ્યા છે. કેનેડામાં ભારતના ખાલિસ્તાનીઓને મદદ કરનારાઓનું એક બહુ મોટું તંત્ર ઊભું થયું છે. એક ઈકો સિસ્ટમ ત્યાં કામ કરી રહી છે. ત્યાં ખાલિસ્તાનની માંગ કરનારા જે લોકો છે એ તો ડ્રગ્સ ટ્રેફિકગ કરનારા લોકો છે, તે લોકો ઉગ્રવાદીઓ છે અને ત્યાં બેઠાં બેઠાં અહીં ભારતમાં ક્રિમિનલ એક્ટિવિટીઓ કરાવે છે, અહીં હત્યાઓ કરાવે છે. દુર્ભાગ્યથી ત્યાંની જે સરકાર છે એ તુષ્ટીકરણ માટે ખાલિસ્તાની વિચારધારાવાળા લોકો સાથે મળીને હિન્દુઓ વિરુદ્ધ કામ કરી રહી છે. આના કારણે હિન્દુ સમાજને ખૂબ કષ્ટ પડી રહ્યું છે. જોકે ત્યાંના શીખ સમુદાયના લોકો પણ આ પ્રકારના વ્યવહારનો વિરોધ કરી રહ્યા છે. કારણ કે હિન્દુ અને શીખ એક જ સંસ્કૃતિ છે. સમાન સંસ્કૃતિ છે. શીખોનાં જે દસ ગુરુઓ છે તેમના બલિદાન માટે આજે હિન્દુ-શીખ સૌના હૃદયમાં પ્રચંડ આદર છે, પરંતુ ખાલિસ્તાની વિચારધારાવાળા કેટલાક લોકો સંપૂર્ણ સમુદાયને બદનામ કરી રહ્યા છે. આ લોકોનો વ્યવહાર Representative વ્યવહાર છે. આ તો માત્ર કેટલાક મુઠ્ઠીભર લોકો કરી રહ્યા છે. માટે જ હિન્દુ અને શીખ સમુદાયે સાથે મળીને આ સમસ્યાનો ઉકેલ શોધવો જોઈએ. વિશ્વ હિન્દુ પરિષદ પણ આ કાર્યમાં સક્રિય રહેશે.
 

vhp milind parande interview gujarati 
 
 
વર્તમાન રાજનીતિમાં ભાજપ દ્વારા `બટેંગે તો કટેંગે'નું સૂત્ર ચલાવવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્રની ચૂંટણીનાં પરિણામો અને અગાઉ હરિયાણા ચૂંટણીનાં પરિણામો આવ્યાં. તે માટે એવું કહેવાઈ રહ્યું છે કે ભાજપને ભવ્ય વિજય આ સૂત્રના કારણે મળ્યો છે.' આપ શું માનો છો. ચૂંટણીમાં આવાં સૂત્રોનો ઉપયોગ યોગ્ય છે કે નહીં?
 
 
ખરેખર બે સૂત્રો છે. `બટેંગે તો કટેંગે' અને `એક હૈ તો સૈફ હૈ' કેટલાકને પ્રથમ સૂત્ર સમજાય છે તો કેટલાકને બીજું. બંનેનો અર્થ એક જ છે. પરંતુ સૂત્રો મૂકવાની રીત જુદી છે. આપનો પ્રશ્ન કે, આવાં સૂત્રો યોગ્ય છે કે નહીં? તો મારું માનવું છે કે આવાં સૂત્રો ચોક્કસ આવવાં જોઈએ, યોગ્ય જ છે, કારણ કે હિન્દુ સમાજમાં ભાગલા પાડવા માટે (સૂત્ર મુજબ બાંટને કે લિયે) ઘણી બધી શક્તિઓ કામ કરી રહી છે. હિન્દુઓને પરસ્પર ઝઘડાવનારી શક્તિઓ ભારતમાં પણ છે અને ભારતની બહાર પણ છે.
હકીકતમાં જેમ જેમ હિન્દુત્વનો વિચાર ભારતમાં પુનઃ કેન્દ્રમાં આવી રહ્યો છે તેમ તેમ ભાગલા પડાવનારા વિરોધીઓ વધુ સક્રિય થઈ રહ્યા છે. એ લોકો હિન્દુત્વના વિચાર માટે કહે છે કે, આ Rightist Thinking છે પણ ખરેખર આ Rightist Thinking નહીં Central Point છે અને ભારતનો Central Point હિન્દુત્વ છે.
 
બધું જ ભારતના હિન્દુત્વના રેફરન્સમાં ચાલવું જોઈએ. આ હિન્દુઓનો દેશ છે, હિન્દુ હિત જ દેશહિત છે. હિન્દુ ઇતિહાસ જ ભારતનો ઇતિહાસ છે, હિન્દુ જ આ દેશની સંસ્કૃતિ છે. અને માટે સત્તામાં એવા જ લોકો બેસવા જોઈએ જે નિરંતર હિન્દુહિતનો જ વિચાર કરતા હોય. હિન્દુહિત કોઈનું અહિત ન કરે. માટે ચૂંટણીના સમયમાં આવાં સૂત્રો આવવાં જ જોઈએ. આવી વાતો થવી જ જોઈએ, જેથી હિન્દુ વિરોધી શક્તિઓ પાછી હટે.
 
હિન્દુત્વની રાજનીતિની અનુકૂળતા વધ્યા બાદ હિન્દુવિરોધી શક્તિઓ પાસે હવે માત્ર બે જ માર્ગ બચ્યા છે. એક છે જેહાદી હિંસા ફેલાવવાનો. એ લોકો ઇચ્છે છે કે હિંસાથી જ લોકો ગભરાઈ જાય છે અને મતદાન જ ના કરે.
 
બીજો માર્ગ એ છે કે, તેઓ હિન્દુઓને ભટકાવી રહ્યા છે. હિન્દુઓને કહી રહ્યા છે કે તમે હિન્દુ છો જ નહીં. સાથે સાથે તેઓ એક જાતિને બીજી જાતિ વિરુદ્ધ, એક ભાષાને બીજી ભાષા વિરુદ્ધ, એક પ્રાંતને બીજા પ્રાંત વિરુદ્ધ ભડકાવવાનો પ્રયત્ન કરે છે. તે લોકો ઇચ્છે છે કે, હિન્દુઓ-હિન્દુઓ વચ્ચે સંઘર્ષ થાય અને તેઓ વહેંચાઈ જાય. તેઓ વહેંચાઈ જશે તો મરી જશે એટલે કે `બટેંગે તો કટેંગે.' માટે હિન્દુ સમાજને સમજાવવો ખૂબ જ જરૂરી છે. અને ચૂંટણીનો સમય જ આવી વાતો સમજાવવાનો યોગ્ય સમય હોય છે. ઉપરાંત એ સમય સિવાય પણ આવી વાતો સમાજને નિરંતર સમજાવતાં રહેવી જોઈએ.
 
 
અંતમા હું એટલું જાણવા ઇચ્છીશ કે, વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના દાયકાઓ પહેલાં થઈ છે, તો આપના મતે વિશ્વ હિન્દુ પરિષદની આજ સુધીની ફળશ્રુતિ શું છે ?
 
 
પૂજનીય સંતો અને રાષ્ટીય સ્વયંસેવક સંઘના દ્વિતીય સરસંઘચાલક પ.પૂ. શ્રી ગુરુજી સાથે મળીને, સૌએ એકઠા થઈને વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપના કરી. આજે આપણી મંદિર અને પૂજારી વ્યવસ્થાઓ વધુ સમાજાભિમુખ બની છે. આપણાં મંદિરો ધર્મપ્રચારનાં કેન્દ્રો બને અને આપણા પૂજારીઓ સામાજિક વિષયો લઈને કામ કરે. દરેક જાતિ-બિરાદરીના લોકો પૂજારી બની શકે, તેમના પ્રશિક્ષણની વ્યવસ્થા થાય એવી એક મોટી આવશ્યકતા આપણા સમાજની હતી. આજે એ વ્યવસ્થા ઊભી થઈ છે અને એમાં વિશ્વ હિન્દુ પરિષદની ખૂબ મોટી ભૂમિકા રહી છે.
 
સમાજમાં વ્યાપ્ત કુરિવાજો સામે વિશ્વ હિન્દુ પરિષદે ખૂબ મોટા પ્રમાણમાં સમાજનું પ્રબોધન કર્યું. એનું પરિણામ એ આવ્યું કે, આ બધાં દૂષણો દૂર કરવા માટે અનેક જાતિ-બિરાદરીના લાખો લોકો આગળ આવ્યા, એમાં વિ.હિ.પ.ની મહત્ત્વની ભૂમિકા રહી.
 
અન્ય કાર્યોમાં શ્રીરામજન્મભૂમિ નિર્માણના આંદોલનનું નેતૃત્વ વિશ્વ હિન્દુ પરિષદે કર્યું. આ આંદોલને કારણે દેશમાં રાજકીય પરિવર્તન થયું. આજે હિન્દુત્વ કેન્દ્રમાં આવી ગયું છે. `ગર્વ સે કહો હમ હિન્દુ હૈ'નો ભાવ સમાજના હૃદયમાં પ્રજ્વલિત થઈ ગયો છે.
 
આ ઉપરાંત બાહ્ય આક્રમણો માટે કાર્ય થયું છે. તેમાં એક છે લવ-જેહાદનો સામનો. મુસ્લિમો દ્વારા હિન્દુ કન્યાઓને લવ-જેહાદમાં ફસાવીને ભગાડી જઈ તેમના પર અત્યાચારો થાય છે. એવી અનેક કન્યાઓને પાછી લાવવાનું કામ કરનારું વિશ્વનું સૌથી મોટું સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ છે. વિશ્વ હિન્દુ પરિષદ દર વરસે ૯ થી ૧૦ હજાર હિન્દુ કન્યાઓને મુસ્લિમોની ચુંગાલમાંથી પાછી લાવે છે. આજે અનેક મુસ્લિમો અને ઈસાઈઓ દ્વારા હિન્દુઓનું મતાંતરણ થઈ રહ્યું છે, એને રોકવા અંગે વિશ્વ હિન્દુ પરિષદે અનેક રાજ્યોમાં કાયદા બનાવવામાં અગ્રિમ ભૂમિકા ભજવી છે. ઉપરાંત મતાંતરિત થઈ ગયેલા હિન્દુઓની ઘરવાપસી માટે પણ ખૂબ કામ થયું છે.
 
આજે અનેક સંતો, અન્ય સંગઠનો અને વિશ્વ હિન્દુ પરિષદનાં માધ્યમથી દોઢથી બે લાખ ઈસાઈ અને મુસ્લિમોનું હિન્દુ ધર્મમાં સ્વાગત કરવામાં આવ્યું છે. ઉપરાંત ગૌરક્ષા માટે પણ મોટું કામ થયું છે. આજે કસાઈઓના હાથોમાંથી ગાયોને બચાવનારું ભારતનું સૌથી મોટું સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ છે. અમે દર વર્ષે ઓછામાં ઓછા બે લાખ ગૌવંશને કતલખાને જતું અટકાવીએ છીએ અને ૩૫થી ૪૦ હજાર ખેડૂતોને ગૌ આધારિત કૃષિનું પ્રશિક્ષણ આપીએ છીએ.
 
તો આવા અનેક વિષયો છે. હિન્દુ સમાજ વધુ બળવાન બને, વધુ તેજસ્વી બને, વધુ સંગઠિત બને, વધુ જાગૃત બને અને હિન્દુ જીવનમૂલ્યોની ભારતની અંદર અને ભારતની બહાર પણ રક્ષા થાય એમાં વિશ્વ હિન્દુ પરિષદે એક મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. અને હંમેશા નિભાવતું રહેશે.
 
 
Powered By Sangraha 9.0