વેકેશનમાં ગુજરાતમાં ફરવા જેવા ૮ અદ્ભુત સ્થળ
પર્યટનની દ્રષ્ટિએ સમૃદ્ધ એવા ગુજરાતમાં અનેક ફરવાલાયક સ્થળો છે. ક્યાંક અફાટ દરિયો, તો ક્યાંક પર્વત તો ક્યાંક ઇતિહાસને સંઘરીને બેઠેલા આ સ્થળો તન અને મન બંનેને તરોતાજા કરી દેશે. બાળકોને ગમ્મત પડે, મોટેરાંઓને મજા પડે અને યુવાઓ મસ્તીમાં મહાલી શકે તેવા સ્થળોની યાદી તમારા માટે અહીં પ્રસ્તુત છે.
1. ગીર અભ્યારણ્ય
સિંહને અલમસ્ત રીતે, પોતાની મસ્તીમાં મહાલતા જોવા હોય તો તેના માટે ગીર અભ્યારણ્ય શ્રેષ્ઠ સ્થળ છે. ગીરમાં ખુલ્લી જીપમાં સફારી દર્શનમાં સિંહ, ચિત્તા, રીંછ, જંગલી બિલાડી, શિયાળ,ચિંકારા સહિતના પ્રાણીઓ અને પક્ષીઓને જોવાનો લહાવો માણી શકાય છે. જો કે, અહીં અગાઉથી મંજૂરી લેવી જરુરી છે.
નજીકમાં જોવાલાયક સ્થળ– કનકાઇ માતા મંદિર, સત્તાધાર તીર્થસ્થાન, તુલસીશ્યામ મંદિર, ગરમ પાણીના ઝરણાં, દેવળિયા સફારી પાર્ક, પનિયા વન્યજીવ અભ્યારણ્ય, મિતિયાલા વન્યજીવ અભ્યારણ્ય
2 જૂનાગઢ – ગિરનાર | Girnar
ગીર જતા હોઇએ ને ગિરનારથી અલિપ્ત રહીએ કેમ ચાલે! સૌરાષ્ટ્રમાં સ્થિત ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો અને પૂજનીય પર્વત માનવામાં આવે છે. અહીં જૈન મંદિર સાથે, અંબા માતાની ટૂક અને દત્તાત્રેય ભગવાનનું ગુરુ શિખરએ શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે. અહીં ગિરનારની તળેટીમાં શાંતિ અને અધ્યાત્મનો અહેસાસ કરાવતા અનેક આશ્રમ આવેલા છે.
જૂનાગઢ
જૂનાગઢમાં ઉપરકોટ કિલ્લા સહિત અનેક ઐતિહાસિક સ્થાપત્યો આવેલા છે. પ્રાચીન સમયમાં સુરક્ષાની દ્રષ્ટિએ કેવા બારીક આયોજન કરવામાં આવતા, આ કિલ્લો તેનું જીવંત ઉદાહરણ છે.
અડી – કડી વાવને નવઘણ કૂવો :
અડી – કડી વાવને નવઘણ કૂવો જે ન જોવે તે જીવતો મૂઓ. કહેવત મુજબ, જૂનાગઢના આ સ્થાપત્યો સમૃદ્ધ ઇતિહાસની ગાથાને રજૂ કરે છે.
અશોકનો શિલાલેખ
પ્રાકૃત અને બ્રાહ્મી લિપિમાં કોતરવામાં આવેલ આ શિલાલેખમાં સમ્રાટ અશોકે 14 આજ્ઞાઓ કોતરાવી છે, પુરાતત્વ વિભાગ દ્વારા તેનું ગુજરાતી ભાષાંતર પણ મૂકવામાં આવ્યું છે.
અન્ય જોવાલાયક સ્થળો- બૌદ્ધ ગુફાઓ, વિલિંગ્ડન ડેમ, સક્કરબાગ ઝૂ, જૂનાગઢ મ્યુઝિયમ
3. દ્વારકા
દ્વારકાએ આધ્યાત્મિક નગરી છે પરંતુ ગુજરાત સરકારના પ્રયાસોથી શિવરાજપુર બીચ તેમજ બેટ દ્વારકા સહિતના સ્થળો પર્યટનની દ્રષ્ટિએ પણ તેનો સુંદર વિકાસ કરાયો છે. દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનું મંદિર, રુકમણી મંદિર, ગોમતીઘાટ સહિતના યાત્રાધામો આવેલા છે. તો દ્વારકાથી ફેરીબોટમાં જળમાર્ગે બેટ દ્વારકા જઇ સિગ્નેચર બ્રિજ, સ્કુબા ડાઇવિંગ સહિતના સ્થળો રોમાંચક રાઇડની પણ સફર કરાવશે. અહીં નાગેશ્વર જ્યોર્તિલિંગ મંદિર,શિવરાજપુરનો દરિયો, ભડકેશ્વર મહાદેવ મંદિર, હનુમાન મંદિર પણ જોવાલાયક છે.
4. પોળો ફોરેસ્ટ
પ્રકૃતિ પ્રેમીઓ માટે આ ફરવાલાયક ઉત્તમ સ્થળ છે. સાબરકાંઠા જિલ્લામાં હરણાવ નદીના કિનારે આવેલા આ જંગલમાં દુર્લભ પ્રજાતિની વન્યજીવસૃષ્ટિને જોવાનો લહાવો માણી શકશો. આ સાથે અહીં ચૌદમી અને પંદરમી સદીના પ્રાચીન જૈન અને શિવમંદિરોમાં સોલંકી વંશનું સ્થાપત્ય જોવા મળશે.
5. સ્ટેચ્યુ ઓફ યુનિટી
રજવાડાંઓને એકમાળામાં પરોવીને અખંડ ભારતનું નિર્માણ કરનારા શિલ્પી સરદાર પટેલની 182 મીટર ઊંચી પ્રતિમા ધરાવવાનું ગૌરવ ગુજરાતના ફાળે છે. નર્મદા જિલ્લામાં કેવડિયા કોલોની ખાતે આ આવેલા આ સ્થળેથી વિંધ્ય પર્વતની હારમાળા પણ જોઇ શકાય છે. લિફ્ટના માધ્યમથી સરદારની પ્રતિમાના હ્રદયથી સમગ્ર નર્મદા જિલ્લાને જોવાનો લહાવો અચૂક માણવા જેવો છે.
અન્ય ફરવાલાયક સ્થળો – કેકટસ ગાર્ડન,બટરફ્લાય ગાર્ડન, એકતા નર્સરી, જંગલ સફારી, એકતા મોલ, નૌકા વિહાર. ફ્લાવર વેલી, ભારતવન, લાઇટ એન્ડ સાઉન્ડ શો.
6. સાપુતારા
ગુજરાતનું એકમાત્ર હિલસ્ટેશન એટલે સાપુતારા. ડાંગના આહવા તાલુકામાં સહ્યાદ્રીની પર્વતમાળાઓમાં સાપુતારા આવેલું છે. સમુદ્રથી અંદાજિત 1083 કિલોમીટરની ઊંચાઇ પર આવેલા આ હિલ સ્ટેશનમાં ગરમીમાં મહત્તમ તાપમાન સામાન્ય રીતે 30 ડિગ્રીની આસપાસ રહે છે.
અન્ય ફરવાલાયક સ્થળો – સર્પગંગા સરોવર, શિવઘાટ, પૂર્ણા નદી, ગવર્નર હિલ, ટેબલ વ્યૂ પોઇન્ટ, આદિવાસી મ્યુઝિયમ, સનરાઇઝ- સનસેટ પોઇન્ટ, શબરીધામ સહિતના સ્થળો ફરવાલાયક છે.
7. મોઢેરા સૂર્યમંદિર
ભારતમાં સ્થાપત્યની દ્રષ્ટિએ બે સૂર્યમંદિરો જોવા જેવા છે. એક છે ઓડિશામાં આવેલું કોર્ણાકમાં સૂર્યમંદિર તો બીજું ગુજરાતના મોઢેરામાં સ્થિત સૂર્યમંદિર. આ મંદિરનું નિર્માણ ઇ.સ. 1026-27માં પાટણના રાજા ભીમદેવ સોલંકી પહેલાના શાસન દરમિયાન થયું હતું. અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમણ દરમિયાન આ મંદિરને ઘણું નુકસાન પહોંચાડાયું હતું. સ્થાપત્ય અને કળાપ્રેમીઓ માટે આ મંદિરની કોતરણી આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. મંદિરના સભામંડપમાં રહેલા 52 સ્તંભો પર વિવિધ દેવી – દેવતાઓને કોતરીને હિંદુ સંસ્કૃતિને ઉજાગર કરાઇ છે.
નજીકમાં જોવાલાયક સ્થળ – બહુચરાજી માતાનું મંદિર, શંખલપુર મંદિર, તારંગા હીલ, મોઢેશ્વરી મંદિર, રાણકી વાવ
8. અડાલજની વાવ
અમદાવાદથી 18 કિલોમીટરના અંતરે આવેલી આ વાવનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઇટમાં થાય છે. આ વાવ અડાલજના વાઘેલા રાવ વીરસિંહની ધર્મપત્ની રાણી રુડાબાઇ સંવત. 1555માં તેમના પતિની સ્મૃતિમાં પાંચ લાખ રૃપિયાના ખર્ચે બંધાવવામાં આવી. આ વાવની વિશેષતા છે કે તેના પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ત્રણે દિશાઓમાં પ્રવેશદ્વાર છે. આ પગથિયાઓ પહેલા માળે ભેગા થાય છે. વાવમાં 56 જેટલા શિલ્પકામથી ભરપૂર ગોખલા આવેલા છે. નવગ્રહ, દુર્ગામાતા, ચામુંડામાતા વિગેરે શિલ્પો આવેલા છે.