સમર્થ ભારત સમુદ્ર પર પણ સક્ષમ | ભારતીય જહાજ પહેલીવાર ઇગ્લેન્ડ પહોંચ્યુ અને અંગ્રેજ વેપારીઓ ડરી ગયા!

વહાણવટા દિન (૫ એપ્રિલ) નિમિત્તે વિશેષ | વાસ્કો-ડી-ગામાએ વર્ણન કરીને જણાવ્યું છે કે, પોતે ભારત કેવી રીતે પહોંચ્યો હતો. તેનું જહાજ જ્યારે આફ્રિકાના ઝાંઝીબાર બંદરે આવ્યું ત્યારે તેણે લખ્યું હતું કે, ત્યાં તો તેના પોતાના જહાજ કરતાં ત્રણ ગણું મોટું જહાજ હતું.

    ૦૫-એપ્રિલ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

vahavata din
 
 
આપણા પૂર્વજોની સટિક સમજણ અને બાણસ્તંભ
 
શ્રી સોમનાથ મંદિરના પરિસરમાં એક દિશાદર્શક સ્તંભ છે, જેનું નામ છે, બાણસ્તંભ. કારણ કે તેના ઉપર એક તીર મૂકવામાં આવ્યું છે. આ સ્તંભ કેટલી શતાબ્દીઓ/સહસ્ત્રાબ્દીઓથી અહીં છે, તેનું કોઈ જ પગેરું પુરાતત્વને ય હજુ સુધી મળ્યું નથી. ત્યાં નીચે લખ્યું છે કે, ‘आसमुद्रात दक्षिण ध्रुवपर्यंत अबाधित ज्योतिर्मार्ग’ અર્થાત આ તીરવાળી દિશામાં અહીંથી લઈને દક્ષિણ ધ્રુવ સુધીની સીધી લીટીમાં ક્યાંય જમીન નથી. એટલે કે અફાટ સમુદ્ર ને સમુદ્ર જ છે. ધન્ય છે ને ભારતીય પ્રજ્ઞાને! ધન્ય છે સહસ્ત્રાબ્દીઓ પૂર્વેની દક્ષિણ ધ્રુવ - એન્ટાર્કટિકા અંગેની આપણા પૂર્વજોની સટિક સમજણને!
 
વિશ્વભૂગોળ અને દરિયાનું સંપૂર્ણ જ્ઞાન
 
સમુદ્રનું આ ઉત્તર ધ્રુવ સુધીનું જ્ઞાન ભારતે કેમ મેળવ્યું હશે? ઉત્તર સાવ સરળ છે કે, છેક ત્યારથી કે તે પહેલાંથી ભારતના નાવિકોને પોતાનાં જહાજો લઈને દરિયા પર સવાર થવાનું સતત બનતું હશે. દરિયો ખેડવો પડતો હશે.. સાગર ખેડવા માટે ૧) વિશ્વભૂગોળનું સંપૂર્ણ જ્ઞાન અને ૨) ગમે તેવી દરિયાઈ સ્થિતિમાં જહાજ હેમખેમ રહે તે માટેનું આનુષાંગિક તમામ જ્ઞાન, આ બંને ભારત પામ્યું, અનુભવોના આધારે નૌકાયનશાસ્ત્ર વિકસ્યું. પ્રશાંત મહાસાગરમાં પૂર્વના; ઓસ્ટ્રેલિયા સુધીના સેંકડો બેટો ભારતીય નાગરિકોએ શોધેલા, તેને ભારતીય નામો અપાયાં છે, જે આજે પણ પ્રચલનમાં છે.
 

vahavata din 
 
આપણું નૌકાયનશાસ્ત્ર
 
સમુદ્ર ભારત માટે દેવ છે, રક્ષક છે, રત્નાકર છે. શ્રીરામના મન્યુને જોઈ સેતુબંધ બાંધવા દેવા માટે સમુદ્રદેવ સહમત થયેલા. એક અંજલિમાં સમુદ્રને પી જવાની ઋષિ અગત્સ્યની વાત રૂપક છે, જેમાંથી સમુદ્રના ગહન, રૌદ્ર સ્વરૂપ સામે નિર્ભયતા પ્રગટેલી જોવા મળે. સપ્ત સમુદ્રની વાત છેક વેદકાળથી પ્રસ્તુત થયેલી છે. હા, બસ તેટલું જ જુનું આપણું નૌકાયનશાસ્ત્ર છે.
એક ઓસ્ટ્રેલિયન એન્થ્રોપોલોજીસ્ટ રોબર્ટ બેરોન વોન હેન ગેલ્ડર્ન ૧૯૧૦માં ભારતના પ્રવાસે આવ્યો. આપણા નૌકાયનશાસ્ત્ર અંગેના ઉચ્ચતમ ગહન જ્ઞાનથી અંજાઈને તેના મનમાં અતિશય જિજ્ઞાસા જાગી. ભારતમાં રહીને અભ્યાસ શરૂ કર્યો. તેણે દક્ષિણ પૂર્વના દેશો પર વિશદ સંશોધન કર્યું. ઊંડા અભ્યાસને અંતે તેણે નિષ્કર્ષ રજૂ કર્યો કે, ભારતનાં જહાજો કોલંબસ કરતાં અનેક વર્ષ પહેલાંથી જ મેક્સિકો અને પેરુ જતાં હતાં.
 
સાચો હિરો (ભારતીય વ્યાપારી ચંદન) ઈંગ્લેન્ડના સંગ્રહાલયમાં કેદ છે.
  
પુરાતત્વવિદ્ ડૉ. હરિભાઉ વાકણકર (વિષ્ણુ શ્રીધર વાકણકર) અભ્યાસાર્થે ઇંગ્લેન્ડ ગયેલા. ત્યાં સંગ્રહાલયમાં વાસ્કો-ડી-ગામાની રોજનીશી જોઈ, ત્યારે તેમના સાનંદ આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમાં વાસ્કો-ડી-ગામાએ વર્ણન કરીને જણાવ્યું છે કે, પોતે ભારત કેવી રીતે પહોંચ્યો હતો. તેનું જહાજ જ્યારે આફ્રિકાના ઝાંઝીબાર બંદરે આવ્યું ત્યારે તેણે લખ્યું હતું કે, ત્યાં તો તેના પોતાના જહાજ કરતાં ત્રણ ગણું મોટું જહાજ હતું. એક આફ્રિકન દુભાષીયાને લઈને તેણે તે જહાજના ભારતીય માલિક ચંદન સાથે વાત કરીને ભારત આપવાની ઈચ્છા વ્યક્ત કરી, ત્યારે ચંદને કહ્યું કે, આવતીકાલે ભારત જવાનો છું, તું મારા જહાજની પાછળ પાછળ ચાલ્યો આવ. દુર્ભાગ્યે આપણે ત્યાં શાળાઓમાં ભારતની શોધ વાસ્કો-ડી-ગામાએ કરી એવું ભણાવીને વાસ્કો-ડી-ગામાને હિરો બનાવવામાં આવેલો છે. સાચો હિરો (ભારતીય વ્યાપારી ચંદન) ઈંગ્લેન્ડના સંગ્રહાલયમાં કેદ છે.
 
ઈસ્લામિક દેશ બ્રુનેઇની રાજધાનીનું નામ છે, બંદર શેરી ભગવાન. તેનું મૂળ (સંસ્કૃતમાં..) નામ છે- `બંદર શ્રી ભગવાન'. આજ દિન સુધી આ નામ પ્રચલનમાં રહેલું છે તેની પાછળનું મૂળ કારણ છે, ભારતીયોના વ્યાપક વહાણવટા થકી કરાતો વેપાર. એ વેપાર કેટલો આત્મીયતાપૂર્ણ, ન્યાયપૂર્ણ હશે, તેની કલ્પના આપણે કરી શકીએ છીએ!
 
દરિયો ખૂંદવામાં આપણે નિપુણ હતા
 
દક્ષિણ પૂર્વ એશિયાના ઇન્ડોનેશિયા, મલેશિયા, સિંગાપુર, થાઈલેન્ડ, કંબોડિયા, વિએટનામ જ્યાં હિન્દુ સંસ્કૃતિની અમિટ છાપ આજે પણ ઉપસેલી જોવા મળે છે, કારણ કે બે-અઢી હજાર વર્ષ પહેલાં દક્ષિણ ભારતના હિન્દુ રાજાઓ આ પ્રદેશમાં ગયેલા. ત્યાં તેઓએ કોઈ યુદ્ધ કર્યું હોય તેવા કોઈ પુરાવા મળતા નથી. ઊલટું તેઓના શાંતિપૂર્ણ વ્યવહાર તેમજ સમૃદ્ધ સંસ્કૃતિના સંસ્કારોને કારણે આ દેશોએ હિન્દુ વિચારથી પ્રભાવિત થઈ હિન્દુ સંસ્કૃતિ સ્વીકારેલી. આ દેશોમાં જવાનું શક્ય બનેલું કારણ કે, દરિયો ખૂંદવામાં આપણે નિપુણ હતા, પરિપૂર્ણ હતા. આપણું નૌકાયનશાસ્ત્ર ઉચ્ચ કક્ષાએ વિકસિત હતું. તેના કારણે તે વખતે સમુદ્રમાર્ગે ત્યાં સતત આપણી અવર-જવર સાવ સહજ હતી. આપણે નિર્ભય પણ હતા.
 
અત્યંત વૈભવશાળી ધમધમતા સમૃદ્ધ બંદર…!!
 
લોથલમાં ઉત્ખનનના કારણે ખબર પડી કે, લગભગ ૩૦૦૦ વર્ષ પહેલાં લોથલ અત્યંત વૈભવશાળી, ધમધમતું સમૃદ્ધ બંદર હતું, ત્યાં જહાજ બાંધવાનું મોટું કારખાનું હતું તથા ત્યાંથી અરબ દેશો, ઇજિપ્ત સાથે મોટા પ્રમાણમાં વ્યાપાર ચાલતો હોવાના અવશેષો પુરાવા પણ પ્રાપ્ત થયા છે. આજનું આપણું નાલાસોપારા હજાર-દોઢ હજાર વર્ષ પહેલા શુર્પારક નામનું વૈભવશાળી બંદર હતું, જે વિદેશવેપાર થકી ધમધમતું હતું.
 
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્યના સમયનાં જહાજો વિશ્વવિખ્યાત હતાં, આ જહાજો દ્વારા સંપૂર્ણ વિશ્વ સાથે ભારતનો વ્યાપાર ચાલતો હતો તે સંદર્ભના અનેક તામ્રપત્રો ને શિલાલેખો પણ મળી આવ્યા છે. ભગવાન બુદ્ધના સમયમાં ૭૦૦ યાત્રાળુઓ એક જ જહાજમાં એક સાથે શ્રીલંકા પહોંચેલા તેવો ઉલ્લેખ જોવા મળે છે.
 
એક મહત્વનો ગ્રંથ છે `યુક્તિ કલ્પતરુ'
 
૧૧મી સદીમાં માળવાના રાજા ભોજે જ્ઞાન-વિજ્ઞાનના સંદર્ભમાં અનેક ગ્રંથો લખ્યા અથવા તો લખાવી લીધા હતા. જહાજ બાંધણીના માટે પ્રમાણભૂત ગણાતો તેમનો એક મહત્વનો ગ્રંથ છે `યુક્તિ કલ્પતરુ'. જહાજો કેવી રીતે બનાવવાં જોઈએ તેનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં છે. જુદા જુદા જહાજોની બનાવટમાં કેવા પ્રકારનું લાકડું વાપરવું? ક્ષમતાયુક્ત જહાજ કેવી રીતે બનાવવું? તેના સઢના મુખ્ય લાકડાનું માપનું પ્રમાણ કેવું હોવું જોઈએ? આવી બધી જ બાબતોના ઉકેલ, ગણતરી કરવાની રીત સહિત આ ગ્રંથમાં સમાવિષ્ટ છે. પ્લાવિની, ધારિણી, મંથરા, ચપલા, પટલા, બેગિની, સ્વર્ણમુખી જેવાં વિવિધ નામો જે તે નૌકા/જહાજની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને આપવામાં આવેલાં હતાં.
 

vahavata din 
 
ભારતમાં એટલાં વિશાળ જહાજો બનાવવામાં આવતાં કે…
 
૧૩મી સદીમાં માર્કો પોલો ભારત આવેલો. તેણે પોતાના પુસ્તક- ``મારવ્હલ્સ ઓફ ધ વર્લ્ડ'' માં જણાવ્યું છે કે, ભારતમાં એટલાં વિશાળ જહાજો બનાવવામાં આવતાં કે, ૩૦૦ નાવિકો એકસાથે હલેસાં મારતા. એક એક જહાજમાં ચાર હજાર ગુણ ભરાય એટલી સાધન સામગ્રી ભરી શકાતી હતી. ઈરાનથી કોચીન સુધીનો પ્રવાસ; ભારતીય જહાજ દ્વારા માત્ર આઠ જ દિવસમાં પૂર્ણ કરી શકાતો હતો.
 
નૌપરિવહન થકી થતો વેપાર-કારોબાર એવડો મોટો હતો કે, અકબરની કુદ્રષ્ટિ તેના પર પણ પડેલી, અને જહાજના સમારકામ માટે અને દરિયાઈ માર્ર્ગે થતા વેપાર પર કર વસૂલવા જુદો વિભાગ બનાવેલો.
 
હિંદ મહાસાગર અને અરબસાગર પર નજર નાખતી શિવાજીની નૌસેના
 
સમર્થ `સ્વરાજ'ના દૂરદૃષ્ટા છત્રપતિ શિવાજી મહારાજે હિંદ મહાસાગર અને અરબસાગર પર નજર નાખતી નૌસેનાનું અને સમુદ્રી દુર્ગોનું નિર્માણ કરેલું. છત્રપતિ સાહૂજી વખતે નૌસેનાનું નેતૃત્વ કરી રહ્યા હતા કાન્હોજી આંગ્રે. તેમને પરાસ્ત કરવા માટે પરસ્પર દુશ્મન ગણાતા અંગ્રેજો અને પોર્ટુગીઝો એક થઈને ચઢી આવ્યા તો પણ કાન્હોજી આંગ્રેએ તેમને ખૂબ ખરાબ રીતે મારી ભગાડેલા.
 
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ `દરિયા દોલત' નામનું પ્રથમ ભારતીય જહાજ ખરીદ્યુ હતું
 
તે સમયે યુરોપિયન દેશોમાં વધુમાં વધુ ૬૦૦ ટનની ક્ષમતા ધરાવતા જહાજો બનાવી શકાતાં હતાં, પરંતુ એ જ અરસામાં ભારતનું ગોધા નામનું જહાજ ૧૫૦૦ ટન કરતાં પણ વધુ ભારવાહક ક્ષમતા ધરાવતું હતું. તેના કારણે અંગ્રેજો પણ ભારતીય જહાજોનો ઉપયોગ કરવા લાગ્યા. તેમણે ભારતીય ખલાસીઓને નોકરી પર રાખ્યા. ૧૮૧૧માં બ્રિટિશ અધિકારી કર્નલ વોકરે રિપોર્ટ આપેલો કે, બ્રિટિશ જહાજનું મોટા પ્રમાણમાં સમારકામ માત્ર ૧૦-૧૨ વર્ષમાં જ કરવું પડતું, પરંતુ સાગના લાકડામાંથી બનાવેલા ભારતીય જહાજોને ૫૦ વર્ષ સુધી કોઈ જ જાતના સમારકામની જરૂર પડતી નહોતી, તેથી બ્રિટિશ સમુદ્રબેડામાં ભારતીય જહાજોનો સમાવેશ કરવો જોઈએ. ભારતીય જહાજોની આ ગુણવત્તા જોઈને ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ `દરિયા દોલત' નામનું પ્રથમ ભારતીય જહાજ ખરીદી લીધું, જેને ૮૭ વર્ષ સુધી ક્યારેય પણ સમારકામની જરૂર ન પડી. (આ બધા દસ્તાવેજી પૂરાવા-રીપોર્ટ-પત્રો બ્રિટિશ સંગ્રહાલયના અભિલેખાગારમાં સચવાયેલા જોઈ શકાય છે.) અંગ્રેજોએ મરાઠાઓ પાસેથી રાજ્ય છીનવી લીધું તેનાં થોડાં વર્ષો પહેલાં એટલે કે ૧૮૧૧માં ફ્રાન્સના એક યાત્રી વાલ્તજર સાલ્વીન્સન લખે છે કે, પ્રાચીન સમયમાં નૌપરિવહન ક્ષેત્રમાં હિન્દુઓ સૌથી આગળ હતા અને આજે પણ આ ક્ષેત્રમાં યુરોપિયનોને શીખવી શકે તેટલા સક્ષમ છે.
 
ભારતીય જહાજ પહેલીવાર ઇગ્લેન્ડ પહોંચ્યુ અને અંગ્રેજ વેપારીઓ ડરી ગયા!
 
અંગ્રેજોના કહેવા અનુસાર ૧૭૩૩થી ૧૮૬૩ દરમિયાન મુંબઈના જહાજવાડામાં બનેલાં મોટાભાગનાં જહાજોનો સમાવેશ બ્રિટનની રાણીના શાહી નૌદળમાં કરવામાં આવ્યો હતો. એ પૈકીનું એક `એશિયા' નામનું જહાજ ૨૨૮૯ ટનનું હતું. તેના પર ૮૪ તોપ ગોઠવવામાં આવી હતી. આ ઊંચી ગુણવત્તા ધરાવતાં જહાજો જોઈને ઇંગ્લેન્ડનાં લોકો આવાં જહાજો નહીં ખરીદવા માટે ઈસ્ટ ઈન્ડિયા કંપની પર દબાણ લાવવા લાગ્યાં. ઇંગ્લેન્ડના ડૉ. ટેલર લખે છે કે, સામાનથી લદાયેલું ભારતીય જહાજ જ્યારે ઇંગ્લેન્ડના કિનારે પ્રથમ વાર લાંગરેલું ત્યારે અંગ્રેજ વેપારીઓમાં એવી તો હલચલ મચી ગઈ કે, જાણે શત્રુએ આક્રમણ કર્યું હોય! જહાજ બનાવવાના કામ સાથે જોડાયેલા લંડનના ગોદી કામદારોએ ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સને લખ્યું કે, જો તમે ભારતીય જહાજો વપરાશ માટે લેશો તો અમારે ભૂખે મરવાનો વારો આવશે.
 
ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ કામદારોની વાત મન પર ન લીધી, કારણ કે ભારતીય જહાજ વાપરવામાં એમને વ્યાપારિક દ્રષ્ટિએ મોટો ફાયદો મળી રહ્યો હતો. ૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામ પછી ભારતનું શાસન સીધું જ બ્રિટનની રાણીના હાથમાં આવ્યું. રાણીએ વિશેષ અધ્યાદેશ કાઢીને ભારતીય જહાજોના નિર્માણ ઉપર ૧૮૬૩થી લાગુ થતો પ્રતિબંધ લાદી દીધો. એક વૈભવશાળી, સમૃદ્ધ અને તંત્રજ્ઞાનમાં ઉચ્ચતમ એવા ભારતીય નૌકા ઉદ્યોગનો અંત આવ્યો. સર વિલિયમ ડિગ્વીને આ સંદર્ભમાં લખ્યું છે કે, ``પશ્ચિમી જગતની સામર્થ્યશાળી રાણીએ સમુદ્રની પ્રાચીન વૈભવશાળી રાણીની હત્યા કરી.''
 
વહાણવટા દિન…
 
જગતે નાવ ઉપરથી નેવિગેશન શબ્દપ્રયોગ શરૂ કર્યો. ત્યારથી લઈને પ્રગત સમુદ્રપરિવહન વિશ્વને શીખવવા સુધીના ભારતીયોના ઉદ્યમનો કરુણ અને દુઃખદ અંત આવવો એટલો સરળ નહોતો. ગુજરાતી સાહસિકો નરોત્તમ મોરારજી અને વાલચંદ હીરાચંદનું સ્મરણ થઈ આવે છે. તેઓની સાહસિકતાથી; ઠીક ૧૦૫ વર્ષ પહેલાં (૧૯૧૯ની પાંચમી એપ્રિલે) સિંધિયાઝ સ્ટીમ નેવિગેશનના પ્રથમ જહાજે મુંબઈથી લંડન જવા પ્રયાણ કર્યું હતું. આ નિમિત્તે પાંચમી એપ્રિલનો દિવસ `વહાણવટા દિન' તરીકે ઉજવાતો થયો. ગયા સપ્તાહે ૧૭ માર્ચે છેક સોમાલિયાના ચાંચીયાઓની ચુંગાલમાંથી બલ્ગેરિયાના જહાજને અને ૧૭ નાગરિકોને બચાવવા બદલ બલ્ગેરિયાના રાષ્ટ્રપ્રમુખે ભારતનો આભાર માન્યો. ગઈકાલ, આજ કે આવતી કાલ હોય, ભવસાગર હોય કે મહાસાગર, શ્રીરામનું ભારત જ બેડો પાર કરાવી શકે છે.
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.