મેગી કે બોર્નવિટાનું સેવન તમારું સ્વાસ્થ્ય બગાડી શકે છે!?

નેસ્લે તથા કેડબરી જેવી વિદેશી કંપનીઓની ખાદ્યવસ્તુઓ તમને ઘાતક રોગોનું ઘર બનાવે છે! આ ખવડાવી આપણે બાળકોનું આરોગ્ય બગાડી રહ્યા છીએ?

    ૧૧-મે-૨૦૨૪
કુલ દૃશ્યો |

Nestle Bournvita controversial case
 
 
 
 
આપણે જાણીએ છીએ કે લગભગ વર્ષ ૧૯૯૦ પૂર્વે પ્રાથમિક કે માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નાસ્તાના ડબ્બામાં ઘરે બનાવેલી શુદ્ધ સાત્વિક વસ્તુઓ આપવામાં આવતી. કાળક્રમે, આ ખાદ્યપદાર્થોનું સ્થાન બજારમાં મળતી તૈયાર વસ્તુઓએ લીધું. આજે તો શાળાઓમાં કેન્ટિન હોવી જાણે કે અનિવાર્ય બની ગઈ હોવાથી, ત્યાં મળતાં ઠંડાં પીણાં, પિઝા, બર્ગર સહિતના જંક ફૂડ ઝાપટવામાં વિદ્યાર્થીઓ ગૌરવ અનુભવતા હોય છે! આ ઉપરાંત આ બાલ-તરુણવયના વિદ્યાર્થીઓ હવે ચોગાનોમાં કે પોળ-સોસાયટીમાં રમતો રમવાના બદલે સ્ક્રીન સામે લાંબો સમય વિતાવતા હોય છે. આપણાં ભૂલકાંઓ અને યુવાધનની આવી જીવનશૈલીનાં માઠાં પરિણામો આપણે જોઈ રહ્યા છીએ ત્યારે જ સ્વીટઝર્લેન્ડની પબ્લિક આઈ નામની સંસ્થાએ કરેલો ઘટસ્ફોટ ભારતીય પરિવારોને સાવધાન થવાનું કહી જાય છે.
 
વૈજ્ઞાનિક સંશોધનોને આધારે સિદ્ધ કર્યું છે કે...
 
ગત માસમાં થયેલી બાળકોના આકસ્મિક મૃત્યુની કેટલીક ઘટનાઓ જોઈએ. ઉત્તર પ્રદેશના અમરોહાના વિદ્યાર્થી અમન તેના મોબાઈલમાં વ્યસ્ત હતો. ત્યારે જ અચાનક ઢળી પડ્યો અને હૃદયરોગના હુમલાથી મૃત્યુ પામ્યો. તો જયપુરના ૧૪ વર્ષના યોગેશસિંહનું પણ હાર્ટ એટેકેથી મૃત્યુ થયું. પંજાબના પટિયાલાની એક દસ વર્ષીય બાળકીનું પણ હૃદયવિકારને કારણે મૃત્યુ થયું. આ બાળકી કેક ખાવાની `બંધાણી' હતી! દુર્ભાગ્યે, આવી દુર્ભાગ્યપૂર્ણ ઘટનાઓની સંખ્યા દેશમાં સતત વધતી જાય છે એ સૌના માટે ચિંતાનો વિષય છે. આવા અપમૃત્યુની ઘટનાઓમાં એવું ધ્યાનમાં આવ્યું હતું કે, આ બધાં વિદ્યાર્થીઓ મેદસ્વી હતાં, તેઓ જંક ફૂડ તથા ઠંડાં પિણાઓ નિયમિતપણે લેતા હતા, મેદાની રમતો સાથે તેમનો લેશમાત્ર સંબંધ ન હતો, મોબાઈલ સામે તેઓ ઘણો મોટો સમય વિતાવતાં હતાં. આ બધી જ બાબતો માટે આજની ઊગતી પેઢી તથા પોતાને મોડર્ન ગણતાં તેમનાં માતા-પિતા ગર્વ અનુભવે છે! પરંતુ સ્વિટઝર્લેન્ડની, હા, સ્વિટઝર્લેન્ડની ભારતની નહીં, એક સંસ્થાએ, ભારત સહિત એશિયા તથા આફ્રિકાના દેશોમાં નેસ્લે કેડબરીના ઉત્પાદનોમાં ખાંડ અને અન્ય પદાર્થોની માત્રા ભયજનક રીતે વધુ હોય છે તેવો ઘટસ્ફોટ કર્યો છે. સ્વિટઝર્લેન્ડની `પબ્લિક આઈ' નામની સંશોધન કરતી સંસ્થાએ વોચ ડોગ તથા ઇન્ટરનેશનલ બેબી ફૂડ એક્શન નેટવર્ક નામની અન્ય બે સંસ્થાઓના સહયોગમાં કરેલા વૈજ્ઞાનિક સંશોધનોને આધારે સિદ્ધ કર્યું છે કે, એશિયા, દક્ષિણ અમેરિકા તથા આફ્રિકાના પછાત દેશોમાં મળતા નેસ્લે તથા કેડબરી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓનાં કુલ ૧૫૦ જેટલાં ઉત્પાદનોમાં, ખાંડ તથા કેટલાંક રસાયણોનું પ્રમાણ ભયાવહ રીતે વધુ હોય છે.
 
આજે આ ષડયંત્રનાં ઘાતક પરિણામો આપણે જોઈ રહ્યા છીએ
 
સ્વિટઝર્લેન્ડની આ ત્રણ સંસ્થાઓએ નેસ્લે-કેડબરી જેવી કંપનીઓના ૧૫૦ જેટલા ઉત્પાદનોની વૈજ્ઞાનિક તપાસ બેલ્જિયમની એક પ્રયોગશાળામાં કરાવી હતી. (જો આ વૈજ્ઞાનિક તપાસ ભારતની કોઈ પ્રયોગશાળામાં થઈ હોત તો IMA જેવી સનાતનવિરોધી સંસ્થાએ બળાપા કાઢ્યા હોત!) બેલ્જિયમની પ્રયોગશાળાએ જે તારણો આપ્યાં તે અત્યંત આઘાતજનક ગણાય. વૈજ્ઞાનિક પરીક્ષણોને આધારે બેલ્જિયમની પ્રયોગશાળાએ ઘટસ્ફોટ કર્યો કે, નેસ્લે-કેડબરી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓના જે ઉત્પાદનો ભારત સહિત એશિયાના તેમજ લેટિન અમેરિકા તથા આફ્રિકાના દેશોમાં વેચાય છે તેમાં ખાંડનું પ્રમાણ નિયત માપદંડો કરતાં અનેક ગણું વધારે હોય છે, જ્યારે તેનાથી વિરુદ્ધ, આ જ કંપનીઓના યુરોપ-અમેરિકામાં વેચાતાં ઉત્પાદનોમાં ખાંડનું પ્રમાણ નિયત કરેલા માપદંડો અનુસાર જ અથવા તો બિલકુલ રાખવામાં આવતું નથી! વિજ્ઞાન કહે છે કે, ખાંડ (સુગર) વધુ માત્રામાં લેવાથી ડાયાબિટીસ મેદસ્વીતા સહિત અન્ય સમસ્યાઓ જન્મે છે.
 
ભારત સહિતના બિન યુરોપિય દેશોમાં નેસ્લે-કેડબરી જેવી કંપનીઓ ભયાવહ પ્રમાણમાં ખાંડવાળા ઉત્પાદનો વેચીને ભારતના લોકોમાં, વિશેષ કરીને આપણા બાળ-યુવાધનમાં ડાયાબિટીસ, મેદસ્વીતા વધે તેવું ષડયંત્ર વ્યવસ્થિત રીતે, યોજનાબદ્ધ રીતે ચલાવી રહી છે. આજે આ ષડયંત્રનાં ઘાતક પરિણામો આપણે જોઈ રહ્યા છીએ. આરંભમાં દર્શાવવામાં આવેલાં બાળકોનાં અપમૃત્યુની ઘટનાઓ તેનું સચોટ પ્રમાણ છે. એટલું જ નહીં, આપણા ધ્યાનમાં પણ એ આવ્યું જ હશે કે, જે બાળકો નિયમિત રીતે નેસ્લે-કેડબરીનાં ઉત્પાદનો તથા જંક ફૂડ ગર્વથી ઝાપટતાં હોય છે તેમનાં શરીર મેદસ્વી થતાં જાય છે.
 
 

Nestle Bournvita controversial case 
 
બાળકો તથા વડીલોએ સો વાર વિચારવું જ રહ્યું! 
 
 
જંક ફૂડ તથા વધુ શુગરવાળાં ઉત્પાદનો ખાઈને મેદસ્વી થનારા બાળકો શારીરિક રીતે મંદ તથા આળસુ પ્રકૃતિનાં થવા માંડે છે, તેથી તેઓ આંગણામાંની રમતો રમવાનું ટાળીને મોબાઈલના રવાડે ચઢે છે અને આ પ્રવૃત્તિ જ તેમના માટે ઘાતક નીવડે છે. વિવિધ દેશોમાં થયેલાં સર્વેક્ષણોને આધારે સિદ્ધ થયું છે કે જંકફૂડ, ઠંડા પીણાંનું નિયમિત સેવન અને વધુ પડતા `સ્ક્રીન-ટાઈમ'ને કારણે બાળકોમાં મેદસ્વીતા તથા ડાયાબિટીસનું પ્રમાણ ભયજનક રીતે વધી રહ્યું છે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝીઝ નામની સંસ્થાએ કરેલાં સંશોધનોથી જાણવા મળ્યું છે કે, ગત વર્ષના અંત સુધી વિશ્વના ૨.૨૭ લાખ બાળકોમાં ડાયાબિટીસ જોવા મળ્યું હતું, જે પૈકી સૌથી વધુ ૪૪ હજાર બાળકો ભારતનાં હતાં! વિશ્વમાં ડાયાબિટીસને કારણે થયેલાં બાળમૃત્યુમાં ૧૨ ટકા બાળકો ભારતનાં હતાં! વર્ષ ૧૯૯૦ની તુલનામાં, ભારતમાં ૧થી ૪ વર્ષના બાળકોમાં ડાયાબિટીસના પ્રમાણમાં ૩૦ ટકા જેટલું તો ૧૦થી ૧૪ વર્ષના બાળકોમાં આ પ્રમાણ ૫૨ ટકા જેટલું વધ્યું હોવાનો આ સંસ્થાએ ઘટસ્ફોટ કર્યો હતો. હવે કુછ મીઠા હો જાયે એ વાક્યનો અમલ કરતાં પહેલાં બાળકો તથા વડીલોએ સો વાર વિચારવું જ રહ્યું! આવું જ એક બ્રાંડ વિશેષના `બેબી પાવડર'ના ઉપયોગ વિશે કહી શકાય.
 
 
ભારતમાં ડાયાબિટીસને કારણે ૪ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે.
 
 
હવે પ્રશ્ન એ થાય છે કે વર્ષ ૧૯૮૦ પૂર્વે ભારતમાં ડાયાબિટીસનાં ર્દદીઓ ગણ્યાં-ગાંઠ્યાં જ જોવા મળતાં હતાં. તેથી તેને શાહી-રાજવી રોગ ગણવામાં આવતો. એ પછીનાં વર્ષોમાં નેસ્લે-કેડબરીના ચોકલેટ-સેરેલેક જેવાં ઉત્પાદનો વાપરવાની તથા ઠંડા પીણાં પીવાની જાણે કે ફેશન થવા માંડી હતી, તે પછી તેમાં જંકફૂડ તથા મોબાઈલ આવી ગયાં. પરિણામે આજે ભારત વિશ્વનું ડાયાબિટીસ કેપિટલ બની રહ્યું છે. ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશનના એક વૃતાંત પ્રમાણે ભારતમાં ૭.૪ કરોડથી વધુ લોકો ડાયાબિટીસથી પીડિત છે તથા પ્રત્યેક વર્ષે ભારતમાં ડાયાબિટીસને કારણે ૪ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે. ભારત ડાયાબિટીસના રુગ્ણોની સંખ્યાની દૃષ્ટિએ આજે વિશ્વમાં દ્વિતીય સ્થાને છે, પરંતુ આ સંસ્થાના જણાવ્યા પ્રમાણે ભારતમાં જે ગતિથી ડાયાબિટીસના દર્દીઓની સંખ્યા વધી રહી છે તે જોતાં વર્ષ ૨૦૨૯ સુધીમાં ભારત પ્રથમ સ્થાને આવી જશે. કોઈ પણ રીતે આ સ્થાન સુધી ભારત હેોંચે તેવું કંઈક કરવું પડે.
 
ભારત સહિતના બિનયુરોપીય દેશોમાં વધુ માત્રામાં શુગર ધરાવતાં ચોકલેટ, બોર્નવિટા, સેરેલેક જેવાં ઉત્પાદનો વેચીને નેસ્લે-કેડબરી જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ વિદેશી ફાર્મા કંપનીઓનો વેપલો વધારવામાં અપ્રત્યક્ષ રીતે સહયોગ આપી રહી છે. આપણા બાળકો તથા યુવાધન મેદસ્વી તથા ડાયાબિટીસનાં દર્દી ન બને તે માટે ઠંડાં પીણાં, જંકફૂડ, ચોકલેટ, સેરેલેક, બોર્નવિટા જેવાં ઉત્પાદનોને તિલાંજલિ આપવી જ રહી. આપણી ઊગતી પેઢી ઘર બનાવટનાં નાસ્તા, જ્યુસ, છાશ ઇત્યાદિ લેતી થાય તેમ જ મોબાઈલ છોડીને મેદાની રમતો કે શાખામાં સક્રિય થાય તો જ આપણે બહુરાષ્ટ્રીય કંપનીઓના ભારતને ડાયાબિટિસમાં નંબર વન બનાવવાના ષડયંત્રને નિષ્ફળ બનાવી શકીશું.
 
***
 
લેખક - દીપક ઉપાધ્યાય ( પાંચજન્ય સામયિકમાંથી સાભાર ) 

(અનુવાદ : જગદીશ આણેરાવ)