લ્યો.. આ રહ્યું ચૂંટણીનું પરિણામ - ચૂંટણીનું પરિણામ આપ પામી ગયા હશો !!!

ટૂંકમાં જેટલા પ્રમાણમાં ક્રોધ એટલા પ્રમાણમાં અપશબ્દો. જેટલા પ્રમાણમાં અપશબ્દો એટલા પ્રમાણમાં અધોગતિ-પરાજય Frustrated અને Failed ખોટા સિક્કાની બે બાજુઓ છે.

    ૧૧-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

loksabha eleciotn
 
 
લોકતંત્રનું પર્વ ચાલી રહ્યું છે. લોકોની સભા એટલે લોકસભા. લોકસભામાં (આ વખતે કેવા લોકોને નહીં પણ..) ક્યા પક્ષને ગુજરાતમાંથી મોકલવો છે, તે નિર્ણય મતદારોએ કરી દીધો છે. ચૂંટણી પૂરી થયા પછી સૌને પરિણામોની તાલાવેલી-તડપ હોય તે માનવીય સ્વભાવ છે. આ લેખના અંત સુધીમાં આપને પરિણામો શું હશે, કેવાં હશે, તેની જાણકારી મળી જશે!
 
કોંગ્રેસના નેતા ઇમરાન મસૂદે પ્રધાનમંત્રીના ટુકડે ટુકડા કરી દેવા જોઈએ, તેવું જાહેરમાં કહેલું, જેના પુરસ્કાર સ્વરૂપે મસૂદને જેમ ૨૦૧૪માં અને ૨૦૧૯માં કોંગ્રેસે લોકસભાની ટિકિટ આપેલી, તેમ આ વખતે ૨૦૨૪માં પણ આપી છે. ઈમરાન હોય કે અન્ય કોઈ, એ અગત્યનું નથી. ટીકિટ આપનારની માનસિકતા પર પ્રશ્નાર્થ છે. વર્તમાન ચૂંટણીનું; આ પણ એક પાસું છે.
 
વાણીની અભિવ્યક્તિના - વાણીસ્વાતંત્ર્યના અંચળા હેઠળ ચૂંટણીમાં જે સ્તરની ભાષાનો પ્રયોગ ઠેક-ઠેકાણે થયો છે, થઈ રહ્યો છે, તે સ્વસ્થ લોકતંત્ર ઇચ્છનાર સૌ કોઈને અસ્વસ્થ કરનાર છે.
 
લોકસભાની વર્તમાન ચૂંટણીની રાજકીય ગરમી અને એમાં ય પાછી ઉમેરાયેલી ઋતુ પ્રમાણેની ગરમી, જેના કારણે કંઈક ન થવાનું પણ થઈ જાય, પરંતુ આપણું ન્યાયતંત્ર ગમે તેવા અસામાન્ય વાતાવરણમાં પણ સામાન્ય રહે તેવી અપેક્ષા સૌને રહે છે.
પતંજલિની જાહેરાતોના મુદ્દે ચાલી રહેલી સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અહસાનુદ્દીન અમાનુલ્લાહે ઉત્તરાખંડ સરકાર સામે નારાજગી વ્યક્ત કરતાં, ભરી કોર્ટમાં કરેલી ટિપ્પણી કે, ``ઉભા ચીરી નાંખીશું'', ત્યારે આખો દેશ સ્તબ્ધ થઈ ગયો.
 
ન્યાય; ન્યાય છે કારણ કે તે ધર્મના પક્ષે રહે છે. અધર્મ; એટલા માટે અધર્મ છે, કારણ કે તે અન્યાયની જડ છે. તેથી ન્યાયની વાત આવી તેથી ધર્મનું સ્મરણ થયું. ધર્મ અનુસાર શું બોલવું કેવું બોલવું?
 
सत्यं ब्रूयात्‌‍‍ प्रियं ब्रूयात्‌‍‍ , न ब्रूयात्‌‍‍ सत्यम्‌‍‍ अप्रियम्‌‍‍
प्रियं च नानृतम्‌‍‍ ब्रूयात्‌‍‍ , एष धर्मः सनातन:
 
અર્થાત આપણે સત્ય બોલવું જોઈએ અને પ્રિય બોલવું જોઇએ. ક્યારે ય પણ અપ્રિય લાગે તે રીતે સત્ય નહીં બોલવું જોઈએ. (એ પણ જરૂરી નથી કે સત્ય હોય એટલે કડવું જ હોય!) હા, અને પ્રિય લાગે તેવું અસત્ય પણ નહીં બોલવું જોઈએ. આ જ સનાતન ધર્મ છે. આ વાત તમામને એટલે કે કોઈપણ મત-સંપ્રદાય-મઝહબના લોકોને સમાનપણે લાગું પડે છે. નૈતિક મૂલ્યોને પણ ઠેકાણે કરી દેવાની સતત ફિરાકમાં રહે; તે છે- સ્યૂડો સેક્યુલરિઝમ.
 
સનાતન ધર્મ દ્વારા જેની અપેક્ષા રખાયેલી છે, તે પ્રેમ અને સત્ય, આ બંને માટેનું વાણીનું સંતુલન, એ છેવટે તો માનસિક સંતુલનને આભારી છે.
 
માનસિક સંતુલન ગમા-અણગમાની, આશા-નિરાશાની, જય-પરાજયની, સુખ-દુઃખની, ભય-અભયની અને ક્રોધ-સ્નેહની સ્થિતિ પર આધારિત છે. માનસિક અસંતુલન વાણીમાં તરત જ વ્યક્ત થાય છે. જુઓ આ રહ્યાં કેટલાંક ઉદાહરણો..
હમણાં બાબાસાહેબ આંબેડકર જયંતિ- ૧૪ એપ્રિલના દિવસે ઝારખંડના સાહિબગંજમાં ઝારખંડ મુક્તિ મોરચા (ઝામુમો) દ્વારા એક પ્રદર્શન કરવામાં આવ્યું, તે વખતે ઝામુમોના નેતા નજરુલ ઇસ્લામે પ્રધાનમંત્રી મોદી ઉપર આપત્તિજનક ટિપ્પણી કરતાં કહ્યું કે, તેમને જમીનથી નીચે ૪૦૦ ફૂટે દાટી દેવા જોઈએ.
 
વર્તમાનમાં જાણે લોકતંત્રને કોઈ સીમાડાઓ જ ન હોય તેમ અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઓઠે દેશભરમાં બેફામ વાણીવર્તન જોવા મળ્યાં, તેમાં પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર મહત્તમ કાદવ ઉછાળવાનું કામ કરવામાં આવ્યું.
 
મહારાષ્ટ્રના સોલાપુર ખાતે ૨૫ એપ્રિલ'૨૪ના રોજ ભાષણ કરતી વખતે જે ભાષાનો ઉપયોગ રાહુલ ગાંધીએ કર્યો છે, લોકતંત્ર માટે આપત્તિજનક છે. દેશના વડાપ્રધાનના હોદ્દાની એક આગવી ગરિમા છે. તેનો પણ વિચાર કર્યા વિના તું-તારી અને તોછડાઈના તોરથી તરબતર શબ્દો થકી વડાપ્રધાનનું જાહેર અપમાન રાહુલ ગાંધીએ કર્યું છે. તેમની કુંઠિત માનસિકતા, અવિનય-અવિવેક આ બધું જગજાહેર થઈ ગયું. દેશે તેમનું કદ માપી લીધું. અગાઉ લોકતંત્રના મંદિર (સંસદભવન)ની પણ મર્યાદા રાખ્યા વિના સંસદમાંથી બહાર જતી વખતે મહિલા સાંસદો તરફ ફ્લાઇંગ કિસનો ઇશારો કરીને ખુદની અશ્લિલ માનસિકતાનો પરિચય આપનાર પાસેથી બાકી તો શું આશા રાખી શકાય? એ તો ઠીક છે, પરંતુ આવી હરકતોથી વિશ્વમાં નંદવાઈ રહેલ આપણા દેશની ગરિમાનું શું? નવી પેઢી ઉપર પડેલા વિપરીત સંસ્કારોનું શું?
 
રાહુલ ગાંધીએ કથિત ભારતજોડો ન્યાયયાત્રા વખતે મુંબઈના શિવાજી પાર્કમાં રેલીને સંબોધતાં કહેલું કે, हिंदू धर्म में शक्ति शब्द होता है, हम शक्ति से लड़ रहे हैं।
 
૨૦૧૧ના મે મહિનામાં ગ્રેટર નોઈડામાં દિલ્હી-આગ્રા રેલવે રૂટ માટેની જમીનસંપાદનની કાર્યવાહી સામે હિંસક આંદોલન શરૂ થયેલું, તે વખતે રાહુલ ગાંધીએ કહેલું કે, ‘‌‘ यहां की हालात देखकर मैं खुद को भारतीय कहने पर शर्मिंदा हूं।‌’‌’
 
કોંગ્રેસના નાના-મોટા ઘણા કાર્યકર્તાઓએ, પોતાના નેતા દ્વારા નિર્મિત; બેફામ વાણીવર્તનના વારસાને વહાલો કર્યો. કોંગ્રેસનાં એક નેતા તો પોતે સ્ત્રી હોવા છતાં એક સ્ત્રી માટે જે બોલ્યાં તે જાણીને તો લાગ્યું કે, હવે તો હદ વટાવી દેવામાં આવી. તે નેતા એટલે સુપ્રિયા શ્રીનેત. તેઓએ મંડી લોકસભાની સીટ ઉપરનાં ઉમેદવાર કંગના રનૌતને લઈને ઈંસ્ટાગ્રામ એકાઉન્ટ પર કંગનાની તસવીર સાથે એક આપત્તિજનક પોસ્ટ શેર કરેલી, જેને અહી શબ્દશઃ લખી શકાય તેમ પણ નથી. સમગ્ર નારી જાતિનું આવું અપમાન એક નારી પણ કરી શકે કે?!
 
કોંગ્રેસના પશ્ચિમ બંગાળના સાંસદ અધિર રંજન ચૌધરીએ દ્રૌપદી મૂર્મુને રાષ્ટ્રપતિ નહીં રાષ્ટ્રપત્ની ગણાવ્યાં હતાં, તેમણે તે પછી જે છેલ્લી કક્ષાના શબ્દો વાપર્યા છે, તે પણ અહીં લખી શકાય તેમ નથી!
 
લોકસભાનાં ઉમેદવાર હેમામાલિની વિશે એલફેલ બોલનાર કોંગ્રેસ નેતા રણદીપસિંહ સુરજેવાલા અને તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી અને BRS પક્ષના અધ્યક્ષ કે. ચંદ્રશેખર રાવે કોંગ્રેસ માટે જે બફાટ કર્યો, આ બંનેનાં અશોભનીય વિવાદિત વિધાનોના કારણે તેઓ બંને ૪૮ કલાક ચુંટણીપ્રચાર નહીં કરી શકે, તે મુજબનો કડક પ્રતિબંધ ચૂંટણી પંચે લગાવી દેવો પડ્યો. લોકતંત્રમાં પણ અભિવ્યક્તિના નામે અમર્યાદ વાણીવર્તનની છૂટ નથી. આવા અમર્યાદ અભદ્ર કુવ્યવહારના આ કિસ્સાઓમાં ચૂંટણીપંચે જે ત્વરિત પગલાં લીધાં તે આવકાર્ય છે. લીધેલ પગલાં પર્યાપ્ત છે કે કેમ, એ તો પછીની વાત છે, પરંતુ આ નિર્લજ્જતા આચરનારાઓને ગુનેગાર ઠેરવવામાં આવ્યા, તે કંઈ નાની બાબત નથી. જે સત્તાકેન્દ્ર નિષ્પક્ષપણે પગલાં ભરી શકે તેમ છે - ભરે છે, તેને; પોતે નિષ્પક્ષ છે તેવું કહેવાની જરૂરિયાત રહેતી નથી.
 
`સાધના'ના અગાઉના અંકોમાં અગાઉ વર્ણવાયેલાં આવાં અતિ નિમ્ન કક્ષાનાં વિધાનોએ દેશભરમાં જે કડવાહટ ફેલાવેલી તેની વિગતો સમયે-સમયે મૂકવામાં આવેલી છે, તેના પર એક ઉડતી નજર નાખીએ તો..
 
- તામિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિને કહ્યું હતું કે, મચ્છરથી થતા ડેન્ગ્યુ ફીવર, મેલેરીયા અને કોરોના એવી બીમારીઓ છે, જેનો વિરોધ કરવાને બદલે તેને ખતમ કરવી જરૂરી છે. સનાતન ધર્મ પણ એવો જ છે. તેને ખતમ કરવો આપણું પહેલું કામ હોવું જોઈએ.
 
- કેરલ મુસ્લિમ લીગના સદસ્યો દ્વારા જાહેરમાં હિન્દુવિરોધી નારા લગાવવામાં આવ્યા હતા કે, તમને તમારા મંદિરોની સામે જ ફાંસીએ લટકાવી દઈશું અને સળગાવી મુકીશું.
 
- કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પુત્ર અને કર્ણાટક સરકારના મંત્રી પ્રિયાંગ ખડગેએ સનાતન ધર્મને એક બીમારી ગણાવ્યો હતો.
 
- ડીએમકેના પ્રવક્તાએ જાહેરમાં કહ્યું હતું કે, માત્ર અજાણ અને મૂર્ખ લોકો જ સનાતન ધર્મનું પાલન કરે છે, માટે જ મોટાભાગના સનાતનીઓ યુપી, બિહારના હોય છે.
 
- ડીએમકેના એ. રાજાએ કહ્યું હતું કે, સનાતન ધર્મ એક સામાજિક બીમારી છે, જે કૃષ્ઠરોગ અને એચઆઇવીથી પણ વધારે ઘાતક છે.
 
વ્યક્ત થાય તે વ્યક્તિ. અભિવ્યક્ત થાય તે અભિવ્યક્તિ. અભિવ્યક્ત થવાનું એક માધ્યમ છે વાણી એટલે કે બોલાયેલો શબ્દ. સાત્વિક સંદર્ભમાં બોલાયેલો શબ્દ નાદ બ્રહ્મ છે. રાજસિક સંદર્ભમાં બોલાયેલો શબ્દ સ્વાર્થવશ હોય છે. તામસિક સંદર્ભમાં બોલાયેલો શબ્દ અપમાનજનક (બીજા શબ્દોમાં કહીએ તો પોતાના હાથે પોતાનો વિનાશ કરનારો) છે.
 
જગતગુરુ શંકરાચાર્ય અને મંડનમિશ્ર વચ્ચે થયેલા શાસ્ત્રાર્થ વખતે હાર-જીતનો નિર્ણય કરનાર નિર્ણાયક તરીકેની ભૂમિકામાં મંડનમિશ્રનાં પત્ની દેવી ભારતી હતાં. શાસ્ત્રાર્થ વખતે દેવી ભારતીએ બંનેના ગળામાં ફૂલોની તાજી માળા પહેરાવી હતી અને તેમણે કહ્યું હતું કે, જ્યારે શાસ્ત્રાર્થ તેના અંતિમ ચરણમાં હશે ત્યારે હારનાર વ્યક્તિ જીતવા માટે કુતર્ક કરશે, તેનું માનસિક સંતુલન ખોરવાશે. તેના પરિણામે ક્રોધ જનમશે અને શરીરમાંથી નકારાત્મકતા (જેને આજકાલ કહેવામાં આવે છે- નેગેટિવ ઓરા) ઉત્સર્જિત થશે. આના કારણે ફૂલોની માળા કરમાવા લાગશે. જેની માળા કરમાશે તેની હાર થઈ ગણાશે.
 
ક્રોધ પછીના તબક્કોઓનું વર્ણન ભગવદ્ ગીતામાં કરેલું છે.
 
क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद्‌‍‍ बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति।।
 
અર્થાત ક્રોધથી અત્યંત મૂઢભાવ ઉત્પન્ન થાય છે. મૂઢભાવથી સ્મૃતિ ભ્રમિત થાય છે. સ્મૃતિ ભ્રમિત થવાથી બુદ્ધિ (એટલે કે જ્ઞાનશક્તિ)નો નાશ થઈ જાય છે. અને બુદ્ધિનો નાશ થવાથી વ્યક્તિ અધોગતિને પામે છે. ટૂંકમાં જેટલા પ્રમાણમાં ક્રોધ એટલા પ્રમાણમાં અપશબ્દો. જેટલા પ્રમાણમાં અપશબ્દો એટલા પ્રમાણમાં અધોગતિ-પરાજય Frustrated અને Failed ખોટા સિક્કાની બે બાજુઓ છે.
 
ચૂંટણીનું પરિણામ આપ પામી ગયા હશો !!!
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.