હવે સેક્યુલર પક્ષો મુસ્લિમોને `વૉટ જિહાદ કરાવવા' આવી ગયા

મારિયા આલમ ઉમર જેવાં નેતા-નેત્રીઓ મુસ્લિમોને ભડકાવી રહ્યાં છે. એક થઈને ચૂપચાપ વૉટ જિહાદ કરવા ઉશ્કેરે છે. આ તો જાહેરમાં ઉશ્કેરણી થઈ. અંદરખાને તો શું કહેવાતું હશે!

    ૧૧-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

vote jihad
 
 
 
હિન્દુત્વની આઈએસઆઈએસ અને બોકોહરામ જેવા ત્રાસવાદી સંગઠન સાથે સરખામણી કરનારા કૉંગ્રેસ નેતા સલમાન ખુર્શીદનાં ભત્રીજી મારિયા આલમ ઉમરે ઉત્તર પ્રદેશમાં મુસ્લિમોને વૉટ જિહાદની અપીલ કરી ધ્રુવીકરણનો પ્રયાસ કર્યો છે.
સામાન્ય રીતે ચૂંટણી આવે છે ત્યારે શરૂઆતમાં ભાજપ દ્વારા તેણે કરેલાં વિકાસકાર્યો પર મત મગાતા હોય છે. પરંતુ સેક્યુલર માધ્યમો દ્વારા આક્ષેપ થાય છે કે, ચૂંટણીમાં ભાજપ મુસ્લિમ-હિન્દુ કરવા લાગે છે. પરંતુ ઇતિહાસ જોવામાં આવે તો જરા જુદું જણાશે. શરૂઆત ઈમામના ફતવાથી કે સેક્યુલર પક્ષોના નેતાનાં નિવેદનોથી થાય છે. તેનો ઉત્તર ભાજપ આપે છે અને પછી સેક્યુલર મીડિયા અગાઉની વાત જોતું નથી અને માત્ર ભાજપે આપેલો ઉત્તર જ જુએ છે.
 
આ ચૂંટણીમાંય એવું થયું. વડા પ્રધાન મોદીએ ચૂંટણી અગાઉ દેશભરમાં એકેય રાજ્ય ખૂંદવામાં બાકી ન રાખ્યું અને દરેક રાજ્યમાં વિકાસનાં કાર્યોનાં લોકાર્પણ કર્યાં, જેમાં ઝારખંડમાં સિંદરીમાં ફર્ટિલાઇઝર પ્લાન્ટ હોય કે ગુજરાતમાં સુરત ડાયમંડ બુર્સનું લોકાર્પણ હોય. ચૂંટણી પછી પણ તેમણે પોતાનાં વિકાસ કાર્યો જ ગણાવ્યાં. પરંતુ કૉંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો બહાર પડ્યો, જેમાં સરકારી કરારમાં પણ મુસ્લિમોને પ્રાથમિકતા આપવાની વાત કરવામાં આવી. સંપત્તિ સર્વે કરીને વહેંચણી કરવાની વાત કરાઈ. કર્ણાટકમાં કૉંગ્રેસ સરકારે મુસ્લિમોને મઝહબના આધાર પર ઓબીસીમાં ગણાવી અનામત આપી દીધી.
 
આટલું ઓછું હોય તેમ ઉત્તર પ્રદેશમાં સપા નેત્રી અને ફર્રુખાબાદ લોકસભા બેઠકનાં ઉમેદવાર મારિયા આલમ ઉમરે મુસ્લિમોને `વૉટ જિહાદ'ની અપીલ કરી. તેમણે કહ્યું, જો આપણે હજુ પણ એક ન થયા તો સમજી લેજો કે અહીંથી આપણું અસ્તિત્વ મિટાવવા માટે સરકાર જે પ્રયાસ કરી રહી છે તે સફળ થશે. આથી બુદ્ધિપૂર્વક, ખૂબ લાગણીશીલ ન થઈને, ખૂબ શાંતિથી એક સાથે મળીને વૉટોની જિહાદ કરો કારણ કે આપણે માત્ર વૉટોની જિહાદ કરી શકીએ છીએ.
 
મારિયા આલમ ઉમરે કહ્યું કે તેમને એ વાત પર લજ્જા આવે છે કે કેટલાક મુસલમાન ભાજપ ઉમેદવાર મૂકેશ રાજપૂતનું સમર્થન કરી રહ્યા છે.
 
અહીં જ આખી વાત સમજમાં આવી જાય છે. આ વખતે બધા મુસ્લિમો ભાજપ વિરોધી આ સેક્યુલર પક્ષોની વાતોમાં આવી રહ્યા નથી. સૉશિયલ મીડિયા પર પણ અનેક એવા વિડિયો ફરી રહ્યા છે જેમાં પત્રકાર મુસ્લિમ મહિલાઓને અને પુરુષોને પૂછે છે કે, કોને મત આપવાનું પસંદ કરશો. તો તેઓ ભાજપને મત આપવાની વાત કરે છે. આનાં ઘણાં કારણો છે. એક તરફ, સેક્યુલર પક્ષો મુસ્લિમોની કટ્ટરતાને પોષે છે અને તેમને ગરીબ, નિરક્ષર રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે ભાજપ દાવો કરે છે કે, તેઓ મુસ્લિમોને શિષ્યવૃત્તિ આપે છે. તેઓ મુસ્લિમોને એક હાથમાં કુરાન અને એક હાથમાં કમ્પ્યૂટર આપે છે. ભાજપનો દાવો છે કે, તેની ગરીબલક્ષી યોજનાઓ કોઈ પણ ભેદભાવ વગર મુસ્લિમોને પણ લાભ અપાવે છે. બીજું કે ભાજપ શાસનમાં રમખાણો અને બૉમ્બ ધડાકા બંધ થયાં છે. આનાથી મુસ્લિમો પણ પ્રસન્ન છે. ભાજપ કટ્ટર મુસ્લિમો સામે કડક કાર્યવાહી કરે છે, તેથી શાંત મુસ્લિમો તેનાથી પ્રસન્ન છે કારણ કે આ કટ્ટર મુસ્લિમો વેપારી મુસ્લિમોની દુકાનો-રેસ્ટૉરન્ટમાં આવીને ચીજવસ્તુઓ લઈ કે ખાણીપીણી કર્યા પછી પૈસા ચૂકવતા નથી હોતા. બહેન-દીકરીઓની છેડતી કરનારા પણ કેટલાક લુખ્ખાઓ હોય છે. આ બધાને અગાઉ કૉંગ્રેસ કે સપા જેવા પક્ષો દ્વારા પોષવામાં આવતા હતા જેથી આ લુખ્ખાઓ દાદાગીરી કરી તેમની તરફેણમાં મતદાન કરાવી શકે. એક-એક રાજ્યમાં મુસ્લિમ ગુંડાઓ હતા. મહારાષ્ટ્રમાં હાજી મસ્તાન, દાઉદ ઇબ્રાહિમ અને છોટા શકીલ જેવા ગુંડાઓ હતા જે પછી ત્રાસવાદી પણ થયા. ગુજરાતમાં લતીફ જેવા ગુંડાઓ થયા. ઉત્તરપ્રદેશમાં મુખ્તાર અન્સારી અને અતીક અહમદ જેવા ગુંડાઓ થયા. તે કોની કૃપાથી? કૉંગ્રેસ અને સપ જેવા રાજકીય પક્ષોની કૃપાથી જ.
 
આ ઉપરાંત મુસ્લિમ બહેનો ત્રિ-તલાકવિરોધી કાયદો બનવાથી પણ પ્રસન્ન છે. તાજેતરમાં જ કેરળમાં એક મુસ્લિમ પરિવારની દીકરીએ સર્વોચ્ચ ન્યાયાલયમાં યાચિકા કરી છે કે તે જન્મી છે મુસ્લિમ પરિવારમાં, પરંતુ તે ઇસ્લામમાં માનતી નથી તેના પિતા પણ ઇસ્લામમાં માનતા નથી. અને તેને હિન્દુ કાયદા મુજબ પૈતૃક સંપત્તિમાં ભાગ જોઈએ છે. સર્વોચ્ચ આ વિષયમાં સુનાવણી કરશે. આવા કિસ્સા સમાન નાગરિક સંહિતા માટેનું મજબૂત કારણ છે.
 
અને એટલે જ મારિયા આલમ ઉમર જેવાં નેતા-નેત્રીઓ મુસ્લિમોને ભડકાવી રહ્યાં છે. એક થઈને ચૂપચાપ વૉટ જિહાદ કરવા ઉશ્કેરે છે. આ તો જાહેરમાં ઉશ્કેરણી થઈ. અંદરખાને તો શું કહેવાતું હશે!
 
આ મારિયા આલમ ઉમર છે તો સપામાં પણ તેમનું કૉંગ્રેસ સાથે બે રીતે જોડાણ છે. એક તો, સપ કૉંગ્રેસનો સાથી પક્ષ છે. ઉત્તર પ્રદેશમાં બંને પક્ષો સાથે રહીને ચૂંટણી લડી રહ્યા છે. બીજું, મારિયા આલમ ઉમર કૉંગ્રેસના મોટા નેતા અને પૂર્વ વિદેશ પ્રધાન સલમાન ખુર્શીદનાં ભત્રીજી થાય છે. જ્યારે મારિયા આલમ ઉમર ચૂંટણી સભામાં `વૉટ જિહાદ'ની અપીલ કરી રહ્યા હતા ત્યારે મંચ પર ખુર્શીદ ઉપસ્થિત હતા. તેઓ ચૂપચાપ સાંભળી રહ્યા હતા.
 
અને કેમ ન સાંભળે?
 
સલમાન ખુર્શીદ પોતે પણ હિન્દુઓ પ્રત્યે ઓછી ઘૃણા નથી ધરાવતા. તેમણે પોતાના પુસ્તક `સનરાઇઝ ઑવર અયોધ્યા' (અયોધ્યામાં સૂર્યોદય)માં હિન્દુત્વને બે ભાગમાં વહેંચ્યું છે- સારું હિન્દુત્વ અને ખરાબ હિન્દુત્વ. તેમણે હિન્દુત્વની તુલના ત્રાસવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (આઈએસઆઈએસ) અને નાઇજીરિયાના બોકો હરામ સાથે કરી છે, બોલો! નાઇજીરિયામાં બોકો હરામ ૨૦૦૯થી ૨૦૨૧ સુધીમાં સાડા ત્રણ લાખ નિર્દોષોની હત્યા કરી ચૂક્યું છે. તેના ડરથી ૩૦ લાખ લોકો વિસ્થાપિત થઈ ચૂક્યા છે. લાખો લોકોને બીજા દેશોમાં શરણ લેવું પડ્યું છે. શું હિન્દુત્વના કારણે એવું થયું છે? ઉલટું ભારતમાં તો રોહિંગ્યા મુસ્લિમો અને બાંગ્લાદેશી મુસ્લિમો હિન્દુ વિરોધી હિંસા કરે છે.
 
ભારતમાં કટ્ટર મુસ્લિમો `લેન્ડ જિહાદ' અને `લવ જિહાદ' કરે છે. હિન્દુ તહેવારો પર નીકળતી શોભાયાત્રા પર મસ્જિદમાંથી પથ્થરમારો થાય છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાંથી મુસ્લિમો દ્વારા પંથના કારણે ત્રાસ આપી ભગાડવામાં આવતા હિન્દુ, ખ્રિસ્તી, બૌદ્ધ, જૈન, પારસી વગેરેને અહીં નાગરિકત્વ ન મળે તેના વિરોધમાં દિલ્લીમાં રમખાણો થાય છે અને બીજે બધે હિંસક દેખાવો થાય છે. શાહીનબાગમાં ધરણાં થાય છે જેમાં ભારતને સિલિગુડીના ચિકન નેકથી ભાગલા પાડી દેવાની વાતો થાય છે. ભારતમાં અનેક વિસ્તારો મિની પાકિસ્તાન બની ગયા છે. ત્યાંથી હિન્દુઓને ભગાડવામાં આવ્યા છે. છેતરપિંડીથી લગ્ન કરી અનેક હિન્દુ છોકરીને કાં તો છૂટાછેડા દઈ છોડી દેવાય છે કાં તો શ્રદ્ધા વોલકરની જેમ ટુકડે-ટુકડા કરી મારી નખાય છે.
 
આમ છતાં, સલમાન ખુર્શીદને હિન્દુત્વ આઈએસઆઈએસ અને બોકો હરામ જેવું લાગે છે. આ એ જ સલમાન ખુર્શીદ છે જેમણે કહ્યું હતું કે, જ્યારે બાટલા હાઉસ ઍન્કાઉન્ટર થયું હતું તો તેમાં મરી ગયેલા ત્રાસવાદીઓની છબિ જોઈને કૉંગ્રેસ (તત્કાલીન) અધ્યક્ષા સોનિયા ગાંધી રોઈ પડ્યાં હતાં. તેમણે તે સમયે એમ પણ કહ્યું હતું કે, કૉંગ્રેસ ભરપૂર પ્રયાસો છતાં બાટલા હાઉસમાં માર્યા ગયેલા આઝમગઢના છોકરાઓને (અહીં બદમાશી જુઓ, તેઓ ત્રાસવાદી શબ્દ નથી વાપરતા) ન્યાય ન અપાવી શકી. અર્થાત્ સલમાન ખુર્શીદ કે સોનિયા ગાંધીને આ અથડામણમાં વીરગતિ પામેલા પોલીસ ઇન્સ્પેક્ટર મોહનચંદ શર્મા માટે રોવું નથી આવતું. તેમનાં વિધવા પત્ની માટે તેમને ન્યાય માગવાનું સ્મરણ નથી થતું. પરંતુ તેમને ત્રાસવાદીઓ નિર્દોષ લાગે છે. તેમને તેઓ ન્યાય અપાવવા માગે છે.
 
યુપીએ શાસન હતું ત્યારે જાન્યુઆરી ૨૦૧૩માં પાકિસ્તાની સૈનિકો છેક જમ્મુ સુધી આવી બે ભારતીય જવાનોની હત્યા કરી તેમના શબોને ક્ષત-વિક્ષત કરી, બગીચામાં ટહેલવા આવ્યા હોય તેમ સરળતાથી પાછા ચાલ્યા ગયા હતા. આના કારણે દેશ આખો આંસુએ રડી રહ્યો હતો. પરંતુ તેના બે જ મહિના પછી પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન રાજા પરવેઝ મુશરફ ભારતની ખાનગી મુલાકાતે અજમેર શરીફના દર્શન કરવા આવ્યા હતા. તેઓ સત્તાવાર મુલાકાતે આવ્યા હોય તો તો સમજાય, પરંતુ એ ખાનગી મુલાકાત હતી એટલે ભારત પર કોઈ આદર-સત્કાર કરવાની અપેક્ષા ન હોય અને વિશેષ તો, જ્યારે પાકિસ્તાનના સૈનિકો પિતાજીનો બગીચો હોય તેમ આવી બે ભારતીય સૈનિકોનાં માથાં વાઢી ચાલ્યા જાય ત્યારે તો નહીં જ, પરંતુ સલમાન ખુર્શીદનો પાકિસ્તાન પ્રેમ જુઓ. તેમણે પાકિસ્તાનના તત્કાલીન વડા પ્રધાન રાજા પરવેઝ મુશરફને અને તેમની સાથે આવેલા ૫૦ લોકોની ભરપૂર આગતાસ્વાગતા કરી, તેમને બિરયાની સહિતનું ભવ્ય ભોજન કરાવ્યું.
 
આ સલમાન ખુર્શીદે ૨૦૧૫માં પાકિસ્તાન જઈને ભારતની ટીકા કરી હતી, માનશો? તેમણે પાકિસ્તાન જઈને કહ્યું હતું કે, દક્ષિણ એશિયામાં શાંતિ માટે પાકિસ્તાને પ્રસ્તાવ કર્યો છે તેનો ભારતે અનુકૂળ ઉત્તર નથી આપ્યો. તેમને ભારત કરતાં પાકિસ્તાનની ચિંતા વધુ હોય તેમ લાગ્યું. તેમણે કહ્યું કે, ભારતે પાકિસ્તાનની લોકતાંત્રિક સરકારને અસ્થિર કરવાના બદલે તેનું ધ્યાન રાખવું જોઈએ. આવી સલાહ તેમણે યથાર્થમાં તો પાકિસ્તાનને દેવી જોઈતી હતી કે, ભારતમાં ત્રાસવાદ બંધ કરી ભારતને અસ્થિર બનાવવાના પ્રયાસો બંધ કરવા જોઈએ.
 
હાફીઝ સઈદ, મસૂદ અઝહર, સૈયદ સલાહુદ્દીન જેવા ૨૦૦૮ના મુંબઈ આક્રમણના દોષિતો અને ત્રાસવાદીઓ તેમજ ૧૯૯૩ના મુંબઈ બૉમ્બ ધડાકાના દોષિત દાઉદ ઇબ્રાહિમને ભારતને સોંપી દેવો જોઈએ. પરંતુ સલમાન ખુર્શીદને તો પાકિસ્તાન પ્રત્યે વધુ પ્રેમ જણાયો. ખુર્શીદમિયાંને કોઈએ સમજાવવું જોઈએ કે, પાકિસ્તાન સાથે વાતચીત ન કરવાના કારણે અને ત્રાસવાદીઓ વિરુદ્ધ નૉટબંધી, ઍર સ્ટ્રાઇક સહિતની કઠોર કાર્યવાહી કરવાના કારણે ભારતમાં અને દક્ષિણ એશિયામાં શાંતિ જળવાઈ છે અત્યાર સુધી તમારી સરકાર વાતચીતો કરતી રહી અને તેમ છતાંય ભારતમાં બૉમ્બ ધડાકાઓ પાકિસ્તાન કરાવતું રહ્યું.
 
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…