લોકમાતા અહલ્યાબાઈનું જીવનકવન નવલકથારૂપે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે...

કોણ હતાં લોકમાતા અહલ્યાબાઈ હોળકર? વર્તમાન સમયમાં આ જીવનકથાનું તાત્પર્ય શું ?

    ૧૪-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai holkar
 
 
લોકમાતા અહલ્યાબાઈ હોળકર માળવા - ઇન્દોરની ધરતી પર જન્મેલાં અને સમગ્ર ભારતમાં પોતાની સેવા, ભક્તિ અને અભૂતપૂર્વ શાસન દ્વારા અમીટ છાપ છોડી જનારાં મહાન સન્નારી હતાં. ભારતવર્ષ તેમને પુણ્યશ્લોક દેવી તરીકે પૂજે છે. ૩૧મી મે ૧૭૨૫ના રોજ તેમનો જન્મ થયો હતો. ૩૧ મે, ૨૦૨૪થી દેવી અહલ્યાબાઈ હોળકરના ૩૦૦મા જન્મજયંતી વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે. ૧૫-૧૬-૧૭ માર્ચના રોજ નાગપુર ખાતે યોજાયેલ અખિલ ભારતીય પ્રતિનિધિ સભામાં રા. સ્વ. સંઘના મા. સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેજીએ અહલ્યાબાઈ હોળકર પર વક્તવ્ય આપ્યું હતું અને સમગ્ર ભારતવર્ષના ખંડિત મંદિરોના અહલ્યાબાઈએ કરેલા પુનરોદ્ધારનું પુણ્ય સ્મરણ કર્યું હતું. ખાસ કરીને બદ્રિનાથ, કેદારનાથ, સોમનાથ જેવાં શિવમંદોરોના પુનઃનિર્માણને બિરદાવ્યું હતું અને ૨૦૨૪નાં સમગ્ર વર્ષને અહલ્યાબાઈ હોળકરના સન્માનમાં વિશેષ રીતે ઊજવવાનું આહ્વાન કર્યું હતું. તે નિમિત્તે `સાધના' સાપ્તાહિક પુણ્યશ્લોક અહલ્યાબાઈની જીવનકથા પ્રસ્તુત કરવા જઈ રહ્યું છે. `સાધના'ના તા.૧૮મી મે, ૨૦૨૪ના અંકથી `સાધના' સાપ્તાહિકના સહતંત્રી શ્રી રાજ ભાસ્કરની કલમે આ જીવનકથા પ્રકાશિત થશે. આવો, એ કથા પ્રકાશિત થાય એ પહેલાં અહલ્યાબાઈ હોળકરના અભૂતપૂર્વ જીવન વિશે સંક્ષિપ્તમાં જાણીએ...
 
 
 
શિંદુ કુલ કી વંશજ્યોતિથી, હુઈ પ્રજ્વલિત ચોંડી મેં તુમ !
અપના તેજોમય પ્રકાશ લે બની, હોળકર વંશકીર્તિ તુમ !
 
આ કહાની એક એવી શક્તિસ્વરૂપાની છે, જે એક નાનકડા ગામની નાનકડી ઝૂંપડીમાં જન્મી અને રાષ્ટ્રભક્ત રાજરાણી બનીને વિદાય થઈ. મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં આવેલાં ચોંડી ગામમાં જેઠ સુદ - સાતમ અને શક ૧૬૪૭ના રોજ, એટલે કે ૩૧મી મે-૧૭૨૫ના રોજ એક બાળકી જન્મી. પિતાનું નામ માણકોજી અને માતાનું નામ સુશીલા શિંદે. દીકરીનું નામ પાડ્યું અહલ્યા. તેઓ મૂળ ધનગર એટલે કે ભરવાડ. તેમની પાસે થોડાંક ઘેટાં-બકરાં હતાં. એક નાનકડું ખેતર. એના આધારે અને નાનું મોટું ખેતીકામ કરીને પોતાનો જીવનનિર્વાહ ચલાવે. પરંતુ સમયે એવી કરવટ બદલી કે ચોંડી ગામનાં ખેતરોમાં ઘેટાં - બકરા ચરાવતી આ અહલ્યા એ વખતના માળવાના શ્રેષ્ઠ અને શક્તિસંપન્ન સૂબેદારના મલ્હારરાવ હોળકરના ઘરની પુત્રવધૂ બની અને રાજ્યની સૂત્રધાર બની. ચોંડી ગામની આ કન્યા અહલ્યામાંથી લોકમાતા અહલ્યાબાઈ બની અને રણમેદાનથી લઈને રાજમેદાન સુધી અભૂતપૂર્વ કાર્ય કર્યું. હોળકર વંશને તેમણે દીપાવ્યો.
 
અહલ્યાબાઈના ધાર્મિક સંસ્કાર ખૂબ ઉચ્ચ કોટીના હતા. ઘરમાં મા-બાપના ધાર્મિક આચરણથી તેમજ ખેતરમાં કુદરતના ખોળે ખેલવાથી અહલ્યાબાઈમાં બાળપણથી જ તંદુરસ્ત તન અને મનનું પોષણ થયું. પિયરમાં મળેલા ઉમદા ધાર્મિક સંસ્કારોમાં ધાર્મિક વૃત્તિની સાસુ ગૌતમાબાઈ તેમજ સસરા મલ્હારરાવે વૃદ્ધિ કરી. સાસરીમાં તેમની ધાર્મિક વૃત્તિ એક વટવૃક્ષની જેમ પૂર્ણપણે વિકાસ પામી.
 
અહલ્યાબાઈ સામાન્ય ગામડાની કન્યામાંથી રાજમાતા બન્યાં હતાં એ સત્ય ભલે સાંભળવામાં સરળ હોય, પરંતુ તેમનું સમગ્ર જીવન સંઘર્ષમય જ રહ્યું. છતાં આ એકલી સ્ત્રીએ રાજકાજ એવી રીતે સંભાળ્યું કે, આજેય ભારતવર્ષ તેમને યાદ કરીને વંદન કરે છે. લોકમાતા અહલ્યાબાઈની ખાસિયત એ હતી કે, વિરહનાં વાદળો છવાયેલાં હોવા છતાં ધર્મપરાયણતા, વિવેક અને દયા-મમતા તેઓ કદી ચૂક્યાં નહોતાં. તેમણે દુઃખથી કે મુશ્કેલીઓથી છટકવા કદી ભાગેડુ વૃત્તિનો આશરો લીધો નહીં. સંકટોનો હંમેશાં હિંમતપૂર્વક મુકાબલો કર્યો. સતર્ક રહીને ધૈર્ય અને ક્ષમતાથી પ્રત્યેક પરિસ્થિતિનો સામનો કરી વિજય મેળવ્યો. સંકટો સામે ક્યારેય ઝૂક્યાં કે ગભરાયાં નહી. અપયશ મળવાના ડરથી ક્યારેય અચકાયાં નહીં કે યશ કે વિજય મળવાથી ક્યારેય હરખઘેલાં થયાં નહિ. અહલ્યાબાઈએ પત્ની, માતા, પુત્રીના આદર્શો લોકો સામે મૂક્યા. પોતે આજીવન લોકમાતા બની રહ્યાં. જ્યારે સ્ત્રીઓનું જીવન ધરની ચાર દીવાલોમાં જ સીમિત હતું ત્યારે તેમણે એક કાર્યક્ષમ અને બાહોશ સ્ત્રી રાજકર્તાનો આદર્શ પૂરો પાડ્યો. અહલ્યાબાઈનું નામ ભારતના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાયું છે. એક સ્ત્રી શાસક તરીકે શું શું કરી શકે છે? એ પ્રશ્નના બધા જ ઉત્તર અહલ્યાબાઈના કર્તૃત્વશાળી, પ્રેરણાદાયી જીવનમાંથી આપણને મળે છે. સમુદ્રમાં જેમ શંખ અને છીપલાં તો અનેક હોય છે. પરંતુ મોતી ભાગ્યે જ જોવા મળે છે. અહલ્યાબાઈ મરાઠાશક્તિરૂપી સમુદ્રનું એક મૂલ્યવાન મોતી હતાં.
 
આજની મહિલાઓની સમક્ષ કેવી ભારતીય નારીનો આદર્શ મૂકવો તે પ્રશ્નનો ઉત્તર પણ અહલ્યાબાઈના અદ્ભુત જીવનમાંથી મળી રહે છે. એક સ્ત્રી કે જે લગ્ન બાદ સુખની એકાદ લહેરખીનો અનુભવ કરવા જેટલી પણ સદ્ભાગી બની નથી. સુખનો એકાદ પ્રસંગ શોધવા માટે પણ ફાંફાં મારવાં પડે એવા કપરા જીવનમાં આ સ્ત્રીએ સુખની એષણાઓને ખૂબ જ દૃઢતાપૂર્વક બાજુમાં મૂકીને કેટલી અદ્ભુત કાર્યનિષ્ઠાથી પોતાના દેશ માટે, રાજ્ય માટે અને પ્રજાની સુખાકારી માટે તથા ધર્મ માટે પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દીધું તેનું અહલ્યાબાઈ ઉત્તમ ઉદાહરણ છે.
 
અગ્નિ જેવા જીવનમાં પણ તેમણે ધર્મકાર્ય છોડ્યું નહોતું. તેઓએ લગભગ આખા ભારતમાં ખૂબ ધર્મકાર્યો કર્યાં. કાશી વિશ્વનાથ, નાસિક, બદ્રિનાથ-કેદારનાથ, મથુરા, અવંતિકા, સોમનાથ વગેરે અનેક સ્થાનો પર તેમણે મંદિરો, ઘાટો, ધર્મશાળાઓ, ઉદ્યાનો, અન્નક્ષેત્રો સ્થાપ્યાં હતાં. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૨૨માં કાશી વિશ્વનાથનો જીર્ણોદ્ધાર કરીને તેને ભવ્ય અને દિવ્ય બનાવ્યું ત્યારે પણ સંપૂર્ણ સન્માનથી અહલ્યાબાઈ હોળકરને યાદ કરીને કાશી વિશ્વનાથના પુનઃનિર્માણમાં તેમના પ્રદાનને ગૌરવભેર યાદ કરેલું.
 
અહલ્યાબાઈના કર્તૃત્વનો જોટો જડે તેમ નથી. ૭૦ વર્ષના જીવનકાળમાં ૪૧ વર્ષનું અહલ્યાબાઈનું રાજકીય શાસન રહ્યું. અને આ સમગ્ર જીવન એટલે અગ્નિપરીક્ષા. પોતે સતત આગમાં શેકાતાં રહીને પણ અન્યને હંમેશાં પ્રેમ અને સુરક્ષાનું છત્ર ધર્યું. સ્ત્રી શાસકોમાં અહલ્યાબાઈ કોહિનૂર હીરા જેવાં હતાં. તપસ્યાની આગમાં બળીને તે વધુને વધુ નીખરતાં ગયાં. અહલ્યાબાઈ ૩૧મી મે, ૧૭૨૫ના રોજ અવતરિત થયાં અને ૧૩મી ઓગસ્ટ, ૧૭૯૫ના રોજ તેમનો દેહવિલય થયો. જન્મનાં ૩૦૦ વર્ષ બાદ પણ આજે તેમનું નામ હિમાલયથી માંડીને રામેશ્વર સુધી અને ગુજરાતથી બંગાળ સુધી સર્વત્ર પૂજ્યભાવે લેવાય છે. એમનાં ધર્મકાર્યોથી તેઓ અમર થઈ ગયાં.
 
અહલ્યાબાઈના કાળમાં નાનાં-મોટાં સૌ તેમને `માતોશ્રી'ના નામે જ સંબોધતાં. આ સંબોધનને તેમણે સાર્થક કર્યું હતું. લોકોનાં માતા બનીને તેઓ રહ્યાં. લોકમાતા તરીકે પૂજાયાં. નાની વયથી જ નાનાં-મોટાં સૌના માતા બનીને તેઓએ સૌને ંફ, પ્રેમ અને છાંયો આપ્યાં હતાં. તેથી જ આગામી અંકથી સાધનામાં પ્રકાશિત થનારી અહલ્યાબાઈની જીવનકથા ડોક્યુ નોવેલનું નામ `લોકમાતા' રાખીને પરમ આદરણીય અહલ્યાબાઈને આદર આપ્યો છે. આવી ઉત્તમ સન્નારી - નારીનું જીવન `સાધના'ના પૃષ્ઠો પર નવલકથા રૂપે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે આશા છે કે, આ જીવનકથા માત્ર નારીઓના જીવનમાં શક્તિનો સંચાર કરશે એટલું જ નહીં જે કોઈ આ જીવનચરિત્ર વાંચશે તેઓ પણ ગૌરવ અનુભવશે.
 
તે અહલ્યાબાઈના ચરણોમાં કાવ્યપંક્તિના પુષ્પો ચડાવીએ.
 
શિંદુ કુલ કી વંશજ્યોતિથી, હુઈ પ્રજ્વલિત ચોંડી મેં તુમ !
અપના તેજોમય પ્રકાશ લે બની, હોળકર વંશકીર્તિ તુમ !
કુલવ્રત પાલન કર, પૂરી કી મલ્હારરાવ કી મનોકામના,
શત-શત વંદન, દેવી અહલ્યે, હમ સબ કી કર્તવ્યપ્રેરણા !
 
આવા લોકમાતા અહલ્યાબાઈનું જીવનકવન નવલકથારૂપે પ્રકાશિત થઈ રહ્યું છે ત્યારે `સાધના'ના સૌ વાચક મિત્રોને આગ્રહભરી વિનંતી કે આ કથા વાંચી-વંચાવીને ધન્ય થાય તથા આવા પ્રેરક વ્યક્તિત્વને જન-જન સુધી પહોંચાડે.
 
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.