પ્રકરણ – ૧ | શૂરવીર સૂબેદાર મલ્હારરાવ હોળકરનો દીકરો તોફાની અને અસંસ્કારી પાક્યો

મલ્હારરાવની આંખો છલકાઈ ઊઠી. ગૌતમાબાઈ ગંભીરતાથી બોલ્યાં, `તમે ખોટા છો સ્વામી. હોળકર પરિવારનું નામ જરૂર રોશન થશે. ઇતિહાસમાં અમર થઈ જશે આ વંશ. મને ખાતરી છે."

    ૧૮-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ahilyabai holkar 1
 
 
 
સાંજનો સૂરજ કેસરિયાળું અજવાળું લઈને આથમી રહ્યો હતો. સન ૧૭૩૨ના વર્ષની આથમતી સાંજના એ સમયે શૂરવીર અને અગ્રણી સૂબેદાર મલ્હારરાવ એક દુશ્મનને માત આપીને મહેલ તરફ આગળ વધી રહ્યા હતા. માળવાના આ શૂરવીરની આણ છેક ઉત્તર ભારતથી દક્ષિણ ભારતના છેડા સુધી પ્રવર્તતી હતી. ઘોડા પર સવાર મલ્હારરાવની છાતી ગજ ગજ ફૂલી રહી હતી. તેમની કમરે તલવાર ખોસેલી હતી અને હાથમાં કદમબાંડીનો ધ્વજ ફરકી રહ્યો હતો. તેમણે કેસરી સુરવાર, લીલું બારાબંદી અને શૈલા ધારણ કર્યાં હતાં. માથે મરાઠી - માલવી હોળકરશાહી કેસરી પાઘડી શોભી રહી હતી. આસપાસ સૈનિકો અને લોકોની ભીડ જામેલી હતી. હવામાં તેમના નામનો જય જયકાર ગુંજી રહ્યો હતો. તેમની શૂરવીરતાની દુહાઈઓ અપાઈ રહી હતી.
 
મલ્હારરાવ મરાઠા શ્રીમંત માધવરાવ પેશવાના દરબારમાં પ્રવેશ્યા. ઉચ્ચ સિંહાસન પર બેઠેલા શ્રીમંત માધવરાવ પેશવા તેમને જોઈને હરખાઈ ઊઠ્યા. મલ્હારરાવ હોળકર સિંહની જેમ ચાલતા ચાલતા શ્રીમંત તરફ ચાલ્યા ત્યારે બધા દરબારીઓએ ઊભા થઈ અદબભેર તેમને માન આપ્યું.
 
`પધારો સૂબેદાર પધારો.....!' શ્રીમંતે મલ્હારરાવને આવકાર આપ્યો. મલ્હારરાવે અદબભેર સલામી આપી.
`સૂબેદાર, તમે તો કમાલ કરી નાંખી. તમારી વીરતામાં આજે વધારે એક છોગું ઉમેરાઈ ગયું. તમારા જેવો પ્રામાણિક, ખાનદાન, વફાદાર અને વીર સૂબેદાર પામીને હું ધન્ય થઈ ગયો છું.' શ્રીમંત વખાણ કરતાં થાકતા નહોતા. તેમણે કહ્યુ, `મંત્રીજી, વીર સૂબેદારને સો સોનાની લગડીઓ હાલ ને હાલ ઇનામમાં આપો.'
 
મલ્હારરાવ બોલ્યા, `શ્રીમંત, એની જરાય આવશ્યકતા નથી. તમે મને ખૂબ આપ્યું છે. માન પણ આપ્યું છે અને ઇનામ પણ આપ્યું છે.'
 
`અરે, આ તો કંઈ જ નથી. મલ્હારરાવ. તમે પેશવાઓની આન, બાન અને શાનના રક્ષક છો. તમારા લીધે જ આજે કોઈ દુશ્મન માધવરાવ પેશવા સામે આંખ ઊંચી કરીને જોવાની હિંમત નથી કરતો અને જે માથું ઊંચકવાની હિંમત કરે છે એનું માથું તમારા ભાલાની અણીએ શોભતું હોય છે. કમાલ છો તમે. તમારા લીધે જ અમે સુરક્ષિત છીએ. ગમે તેવા દુશ્મનને તમે ભોંય ભેગા કરી દો છો.'
 
`પેશવાઓની આન,બાન અને શાનની રક્ષા કરવી એ મારી ફરજ છે શ્રીમંત.'
 
`અને તમને પુરસ્કૃત કરવા એ મારી ફરજ છે. સંકોચ ના કરો. લઈ લો.'
 
આખરે મલ્હારરાવે ઇનામનો નતમસ્તકે સ્વીકાર કર્યો. આખાયે દરબારમાં માધવરાવ અને મલ્હારરાવનો જય જયકાર થઈ ઊઠ્યો.
 
***
 
મલ્હારરાવ યવન સાથેનું યુદ્ધ જીતીને આવ્યા હતા એ સમાચાર સ્વાભાવિક જ આખા માળવા પંથકમાં પહોંચી ગયા હતા. દુશ્મનને માત આપીને, શ્રીમંત માધવરાવના આશીર્વાદ અને ઇનામ લઈને મલ્હારરાવ પછી ઇન્દોર આવ્યા. હારતોરા, જયજયકાર વચ્ચે સન્માનોથી ઘેરાયેલા મલ્હારરાવ ગૌરવથી ફાટ ફાટ થતી છાતીએ તેમના નિવાસે પહોંચ્યા.
 
મલ્હારરાવનાં ધર્મપત્ની ગૌતમાબાઈ હતાં અને બીજાં એક ખાંડારાણી હતાં. તેમનું નામ હરકુંવરબાઈ હતું. બંને રાણીઓ મહેલના વિરાટ દરવાજા પર વિશાળ છાતીવાળા વીર પુરુષ, પોતાના સ્વામી મલ્હારરાવનું સામૈયું કરવા ઊભી હતી. એકના માથે સામૈયું હતું અને બીજીના હાથમાં પૂજાની થાળી. મહેલના નોકર-ચાકરથી માંડીને આસપાસના તમામ લોકો ત્યાં ઉપસ્થિત હતા. મલ્હારરાવ આંગણે પ્રવેશતાં જ એમના જયજયકારથી મહેલની દીવાલો ગુંજી ઊઠી.
 
રાણી ગૌતમાબાઈએ વિજયી બનીને પધારેલા પતિના ભાલે કુમકુમ તિલક કરી આરતી ઉતારી અને રાણી હરકુંવરબાઈએ માથે રહેલા સામૈયાથી તેમનું સ્વાગત કર્યું. તેમને સાતેક વર્ષની એક પુત્રી હતી. એનું નામ ઉદા હતું. એણે પણ પિતાજીના સ્વાગતમાં એમના પર પુષ્પોની વર્ષા કરી. ફરીવાર જયજયકાર ગુંજી ઊઠ્યો. મલ્હારરાવ આસપાસ બધે જોઈ રહ્યા હતા, બધા જ દેખાઈ રહ્યા હતા, પણ એક માત્ર પુત્ર ખંડેરાવ ક્યાંય નહોતા દેખાઈ રહ્યા. પુત્રને ન જોતાં જ મલ્હારરાવનો બધો જ આનંદ ઓસરી ગયો. એમના ચહેરા પરથી વિજયનો ઉન્માદ સરીને ચિંતાનો પરસેવો વળી ગયો.
 
***
 
સૂબેદાર મલ્હારરાવને ગૌતમાબાઈથી બે સંતાનો હતા. સન ૧૭૨૩માં પુત્ર જન્મ્યો અને સન ૧૭૨૫માં પુત્રી. પુત્રનું નામ રાખ્યું ખંડેરાવ અને પુત્રીનું નામ ઉદાબાઈ.
 
૧૭૩૨નું વર્ષ ચાલી રહ્યું હતું. પુત્ર નવ વર્ષનો હતો અને પુત્રી સાત વર્ષની. મલ્હારરાવની ઉંમર એ વખતે ત્રીસ વર્ષની. માત્ર ત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે એટલી બધી યશસ્વી કારકિર્દી બનાવી લીધી હતી કે, સમગ્ર વીર મરાઠાઓમાં તેમનું નામ શિખરે આંબતું હતું. તેમના નામથી ભલભલા દુશ્મનો કંપી ઊઠતા અને વીરોનાં મસ્તક આદરથી ઝૂકી જતાં. તેમના સંસ્કાર અને વફાદારીની દુહાઈઓ અપાતી હતી, તેમની વીરતાનો જોટો જડવો મુશ્કેલ હતો. પરંતુ ખાટલે મોટી ખોટ હતી કે આમાનું એક પણ લક્ષણ તેમના પુત્ર ખંડેરાવમાં જોવા ન મળતું. માતા ગૌતમાબાઈનાં લાડ - પ્યારે એને નાની ઉંમરમાં જ બગાડી મૂક્યો હતો. નવ વર્ષની ઉંમરે જ એ અસંસ્કારી બની ગયો હતો. એનામાં સંસ્કારનો એક પણ છાંટો નહોતો અને હરઘડી - હરપળ એ ગુસ્સામાં જ રહેતો. મોજ - મજા કરવી, અભ્યાસ ન કરવો અને દુર્ગુણી મિત્રો સાથે પડ્યાપાથર્યા રહેવું એનો સ્વભાવ બની ગયો હતો. નાની ઉંમરમાં એનું વર્તન તોછડું બની ગયું હતું. વડીલોનું સન્માન કે પગ્ો લાગવાની વાત તો દૂર રહી પરંતુ કદી ભગવાનનાં પૂજાપાઠ પણ નહોતો કરતો. એના માટે જાણે કોઈની કંઈ વિસાત જ નહોતી. ચરણસ્પર્શ કરવાનું તો ઠીક પણ કોઈને માનથી બોલાવતો પણ નહીં. એના માતા-પિતા સાથે પણ એ હંમેશા જીભાજોડી કરતો અને બેદરકારીભર્યું વર્તન કરતો હતો.
 
યુદ્ધ જીતીને આવેલા મલ્હારરાવ હોળકરને પુત્રની યાદ આવતાં જ એમનો આનંદ ઓસરી ગયો. તેઓ દીવાનખંડમાં આવીને બેઠા. પત્ની ગૌતમાબાઈ સમજી ગયાં કે, પતિને જ્યારે જ્યારે દીકરાની ચિંતા થાય ત્યારે ત્યારે તેઓ ઉદાસ થઈ જાય છે અને તેમનો ચહેરો વિલાઈ જાય છે.
 
તેમણે દાસીને કહીને કેસરવાળું દૂધ મંગાવ્યું અને પતિ સામે ધર્યું, `લો, સ્વામી! દૂધ પીઓ. થાકી ગયા હશો!'
 
`મારે નથી પીવું. મારું મન નથી.' મલ્હારરાવે પાઘડી કાઢીને બાજુમાં મૂકતાં કહ્યું.
 
`કેમ શું થયું?' ગૌતમાબાઈ અજાણ બન્યાં.
 
`ખબર છે તોયે પૂછે છે!'
 
`તો તમને ય ખબર છે તોયે ઉદાસ શા માટે થઈ જાવ છો?'
 
`મને ખબર છે કે દીકરો હાથમાં નથી એટલે ચિંતા તો થાય જ ને !'
 
`મેં હજાર વખત કહ્યું છે કે એ નાનો છે. બાળક તોફાન ના કરે તો બીજું કોણ કરે?'
 
`આ તોફાન બાળકનાં તોફાન નથી. આ તોફાન એનાં જીવનમાં એક દિવસ ભારે તોફાન લાવશે, જોજે ગૌતમા!'
`શુભ શુભ બોલો. એવો નથી મારો દીકરો. તમે તો બસ એની પાછળ જ પડી જાવ છો. એ મોટો થશે એટલે સુધરી જશે.'
વાત ચાલતી હતી ત્યાં જ મલ્હારરાવનાં બીજાં પત્ની હરકુંવરબાઈ અંદર પ્રવેશ્યાં. એ વાત પામી ગયાં હતાં. તેમણે કહ્યુ, `સ્વામી, ગૌતમાબહેન સાચું કહે છે. નાહકની ચિંતા ના કરો. ખંડેરાવ હજુ બાળક છે!'
 
`અને હમણાંથી તો એનાં તોફાનેય સાવ ઓછાં થઈ ગયાં છે. કોઈ ફરિયાદ નથી આવતી...' ગૌતમાબાઈ બોલ્યાં ત્યાં જ એક દાસી દોડતી દોડતી અંદર પ્રવેશી અને હાંફતાં હાંફતા બોલી, `મહારાણી... મહારાણી.. કુંવર સાહેબને ઝઘડો થયો છે.... જલદી ચાલો, એક છોકરાની આંખ ફૂટી ગઈ છે, છતાં કુંવર સાહેબ એને છોડતા નથી. તમારી બીકે કોઈ એ છોકરાને છોડાવતું પણ નથી.'
 
મલ્હારરાવ અને બંને રાણીઓનાં હૈયાં પર જાણે ડામ દેવાયો. એમાંય ગૌતમાબાઈનું તો મોં જ પડી ગયું. મલ્હારરાવ અને રાણીઓ દોડતાં નદી કિનારે પહોંચ્યાં. ત્યાં નવ વર્ષનો ખંડેરાવ એક બાળકને મારી રહ્યો હતો. એ ગરીબ બાળકની આંખમાંથી લોહી નીકળી રહ્યું હતું. આસપાસ ભીડ જમા થયેલી હતી, પણ કોઈની હિંમત નહોતી કે એ બાળકને છોડાવી શકે. મલ્હારરાવે ત્રાડ પાડી, `મૂર્ખ માણસો! તમાશો શું જોઈ રહ્યા છો? આ બાળકને છોડાવતા કેમ નથી?'
 
ભીડમાંથી એક જણ બોલ્યો, `મહારાજ, તમારા પુત્રના હાથમાંથી કોઈને છોડાવવો જીવ આપવા જેવું છે.'
 
`પાગલ જેવી વાતો ના કરો.' બોલતાં બોલતાં મલ્હારરાવે કુંવર ખંડેરાવને જોરથી ખેંચીને પેલા છોકરાથી દૂર કર્યો અને ગાલ પર બે તમાચા જડી દીધા, `નાલાયક, આ શું કરી રહ્યો છે તું!'
 
`આને હું જીવતો નહીં છોડું. એણે મને રોક્યો છે, મને! કુંવર ખંડેરાવને! એને તો હું એની હેસિયત બતાવીને જ રહીશ.'
 
`પણ થયું શું એ તો કહે?'
 
`આ પાપીએ મને શિકાર કરતાં રોક્યો.... મને! સૂબેદાર મલ્હારરાવના પુત્રને. એ મરવાનો થયો લાગે છે.'
 
લોહી નીંગળતી આંખ પર પોતાના ફાટેલા સદરાનો ડૂચો મારતાં પેલો ગરીબ છોકરો થથરતાં બોલ્યો, `મહારાજ સાહેબ! મારો કંઈ વાંક નથી. આપના પુત્ર નિર્દોષ કબૂતરોને મારતા હતા એટલે મેં એમને રોક્યા. જુઓ, ત્યાં પાંચ કબૂતરોને એમણે વગર વાંકે તીરથી વીંધી નાંખ્યાં છે.'
 
મલ્હારરાવે મરેલાં કબૂતરોને જોયા અને તેમનું હૃદય ભરાઈ આવ્યું. ખંડેરાવ બોલ્યો, `હું કબૂતરા મારું કે માણસ. તારા બાપનું શું જાય છે પાપિયા? હવે આ કબૂતર જેમ તને ય વીંધી ના નાખું તો હું મારા બાપનું સંતાન નહીં.'
 
મલ્હારરાવે ફરીવાર પુત્રના ગાલ પર બે તમાચા જડી દેતાં કહ્યું, `દુર્ગુણી, પાપી એ નહીં પાપી તો તું છે. જા અહીંથી, નહીંતર મારી નાંખીશ આજે તો. એમ સમજીશ કે મારે કોઈ પુત્ર જ નહોતો.'
 
મહારાજ ખૂબ ગુસ્સે ભરાયા હતા. મહારાણી ગૌતમાબાઈએ ખંડેરાવને પોતાના પડખામાં ખેંચી લીધો અને રથમાં બેસીને મહેલે પાછાં ચાલ્યાં ગયાં. મલ્હારરાવ અને રાણી હરકુંવરબા પેલા ગરીબ છોકરાને વૈદ્ય પાસે લઈ ગયાં, સારવાર કરાવી જાતે એના ઘરે મૂકવા ગયાં અને આટલી મોટી પદવી પર હોવા છતાં એ છોકરાનાં માતા-પિતાની ક્ષમાયાચના કરી.
 
મલ્હારરાવની આ જ ભાવનાને કારણે લોકો એમના પુત્રનાં તોફાનો અને કરતૂતોને નજરતળે કરી નાંખતા હતા. એમને ખબર હતી કે મલ્હારરાવ જેવો રાજા દીવો લઈને ગોતવા જાવ તો પણ ના મળે.
 
એ ગરીબ મા-બાપ માત્ર એટલું જ બોલ્યાં, `અરે, મહારાજ, આપે ક્ષમા ના માંગવાની હોય. અમારો આ જ નપાવટ છે. કુંવરો શિકાર નહીં કરે તો કોણ કરશે! આપ ચિંતા ના કરો. માફી અમે માંગીએ છીએ. કુંવર તો હજુ બાળક છે. ભૂલ થઈ જાય. તમારા માટે આંખ તો શું અમારો જીવ આપવાય અમે તૈયાર છીએ...!'
 
***
 
રાતના બાર વાગી રહ્યા હતા. મહેલના શયનખંડમાં મલ્હારરાવ બેઠા હતા અને ગૌતમાબાઈ તેમને વિનંતી કરી રહ્યાં હતાં, `કહું છું, હવે ઊંઘી જાવ!'
 
`ઊંઘવું તો છે પણ આ પુત્ર ખંડેરાવનાં કરતૂતો પથારીમાં શૂળ બનીને ભોંકાય છે.'
 
`શૂળ બહુ જ જલદી ગુલાબ થઈ જશે. મોટો થવા દો થોડો દીકરાને.'
 
`એ શક્ય નથી લાગતું ગૌતમા. મને ભવિષ્ય બહુ ધૂંધળું દેખાય છે.'
 
`દુનિયામાં આવાં અનેક મા-બાપ અને બાળકો હોય છે, જેમના છોકરા પહેલાં તોફાની, અસંસ્કારી હોય અને પછી તેમનું નામ રોશન કરી દે. આપણી સાથે પણ એવું જ થશે.'
 
`તારી વાત સાચી છે. પણ એના માટે કોઈ નિમિત્ત જોઈએ. એક એવી વ્યક્તિ, સાથી જે માણસને બદલી શકે. દીકરો આપણું તો માનતો નથી એટલે આપણે એને બદલી શકવાના નથી. અને મને નથી લાગતું કે, આ પૃથ્વી પર બીજું કોઈ એવું પેદા થયું હોય જે એને બદલી શકે.'
 
`બધું સમયના હાથમાં છે. અત્યારે એની ચિંતા ના કરો.' ગૌતમાબાઈએ વાત સમયની કાંધે નાંખી દીધી. પણ મલ્હારરાવના હૈયા પરથી દુઃખનું પોટલું કેમેય કરીને ઊતરતું નહોતું. એ પોટલું ઊતરે તો એ સમયની કાંધે મૂકેને! ઊલટાના એ પોટલા પર ચિંતાના પથરા એક પછી એક ઉમેરાયા જ કરતા હતા. રોજ ખંડેરાવ નવાં તોફાનો મચાવતો અને રોજ મલ્હારરાવના હૈયાનો ભાર વધતો જતો.
 
મલ્હારરાવની આંખોમાં આંસુ આવી ગયાં. ગૌતમાબાઈએ એમનું મસ્તક છાતીસરસું ચાંપી લીધું, `શું તમે પણ સાવ ઢીલા થઈ જાવ છો.'
 
`ગૌતમા, હું ઘેટાં-બકરાં ચરાવનારો સામાન્ય છોકરો હતો. મહેનતથી સૂબેદાર સુધી પહોંચ્યો. આજે ઉત્તરથી દક્ષિણ સુધી બધે મારી ધાક વાગ્ો છે. બધે મારું નામ ગુંજે છે. મારો આદર અને સત્કાર થાય છે. પણ મારો જ દીકરો આવો પાક્યો. હવે મારા ખાનદાનનું નામ કોણ રોશન કરશે? વંશવેલો સાવ ખતમ થઈ જશે. ડૂબી જશે મારો રૂતબો અને માન. મારો હોળકર વંશ બરબાદ થઈ જશે. ઇતિહાસમાં કોઈ એને પૂછનાર નહીં હોય. આ નપાવટ પુત્રના લીધે હોળકર વંશ ઇતિહાસ બનીને રહી જશે. વાત થશે તોય એવી થશે કે હતો એક નાલાયક માણસ.... મારો વંશ કોઈ નહીં ઉજાળી શકે...!'
 
મલ્હારરાવની આંખો છલકાઈ ઊઠી. ગૌતમાબાઈ ગંભીરતાથી બોલ્યાં, `તમે ખોટા છો સ્વામી. હોળકર પરિવારનું નામ જરૂર રોશન થશે. ઇતિહાસમાં અમર થઈ જશે આ વંશ. મને ખાતરી છે.'
 
એ વખતે તો મલ્હારરાવના કાને એ શબ્દો ના પ્રવેશ્યા કે તેઓ માનવા પણ તૈયાર નહોતા. પણ ગૌતમાબાઈના શબ્દો સાચા પડવાના હતા એ નક્કી હતું. હોળકર વંશને ઉજાળનાર, એનું નામ રોશન કરનાર એક છોકરી તો આજથી સાત વર્ષ પહેલાં જન્મી ચૂકી હતી. એનું નામ હતું અહલ્યા. અત્યારે એ સાત વર્ષની દીકરી ઓરંગાબાદના એક ભરવાડની ઝૂંપડીમાં ઘેટાં-બકરાંઓની સાથે આરામથી સૂતી હતી. આ ગરીબ છોકરી એક દિવસ હોળકર વંશની રાજમાતા બનવાની હતી અને એનું નામ ઇતિહાસમાં અમર કરી દેવાની હતી. પણ એ બધું ભાવીના ગર્ભમાં કેદ હતું. અત્યારે
 
તો અજવાસ પહેલાંનો અંધકાર હતો. પણ બહુ જ જલદી વિધાતા એવી સ્થિતિ નિર્માણ કરવાનાં હતાં કે, આ ભરવાડની શામળી દીકરી હોળકર વંશનું નામ ઊજળું કરવા મહેલમાં પગલાં પાડવાની હતી.
 
(ક્રમશઃ)
 

રાજ ભાસ્કર

રાજ ભાસ્કર સાધનાના સહ સંપાદક છે. છેલ્લા એક દાયકાથી તેઓ સાધનાના વિચારોને ધાર આપવાનું કામ કરી રહ્યા છે. તેમના સંપાદન હેઠળ અનેક યાદગાર અને સંગ્રીહ રાખવા જેવા અંકો પ્રકાશિત થયા છે. તેઓ એક સારા સંપાદક અને લેખક છે. લવ્યુ મમ્મી, લવ્યુ પપ્પા, લવ્યુ દોસ્ત જેવા સુપ્રસિધ્ધ પુસ્તકોનું તેમણે અદભુત સંપાદન કર્યું છે જેમાં ગુજરાતનાં લગભગ તમામ ખ્યાતનામ લેખકોએ લેખો લખ્યા છે. પરમવીર ચક્ર અને ભારત રત્ન જેવી પુસ્તક પણ તેમણે લખી છે. લાગણી, દોસ્ત, લગ્ન, સફળતા, ભાઈ બહેન જેવા ૧૦૦ જેટલા વિષયો પર તેમણે પુસ્તિકાઓ લખી છે. ગુજરાત સમાચારમાં તેઓ કોલમ લખે છે. “ડાર્ક સિક્રેટ” કોલમ હેઠળ છપાતી ડિટેક્ટીવ સ્ટોરીના બે પાત્રો નાથુ-ઘેલાણીની જોડી વાચકોના મનમાં રાજ કરે છે.