શાહબાનોને પગલે સાફિયા, જેઓને હાર સ્વીકાર નથી, કારણ કે તેઓ બની ગયાં છે Ex મુસ્લિમ

સમય આવ્યે સમાજ પોતે જ પોતાનો ન્યાય કરી લેતો હોય છે. `એક્સ મુસ્લિમ મુવમેન્ટ" સાચા અર્થમાં સામાજિક જાગૃતિની મૂવમેન્ટ બની શકશે?

    ૨૫-મે-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Ex-Muslim
 
 

શું છે આ એક્સ મુસ્લિમ? | Ex-Muslim

 
 
કોર્ટે ગયાં મુસ્લિમ મહિલા
 
 
તાજેતરમાં આપણી ના. સુપ્રીમ કોર્ટમાં એક તથાકથિત મુસ્લિમ મહિલા; મુસ્લિમ તરીકે નહીં, પણ એક ભારતીય તરીકે ન્યાય માંગવા પહોંચ્યાં છે. પ્રાથમિક દ્રષ્ટિએ ગુણવત્તા જોઈને સુપ્રીમ કોર્ટે અરજી ગ્રાહ્ય પણ રાખી લીધી છે. કોર્ટે કેરલ સરકાર અને ભારત સરકારને નોટિસ મોકલીને આ મુદ્દે અભિપ્રાય મંગાવ્યો છે. આગામી દિવસોમાં કોર્ટ દ્વારા કેસ ચલાવાશે. `સંવિધાન કે શરિયા' આ બાબતે નિર્ણય થશે. મહત્વનું શું- સેક્યુલરીઝમ કે શરિયા? તે નિર્ણયનો આધાર બનશે.
 
`તીન તલાક'ની નાબૂદી પછી મુસ્લિમ મહિલાઓમાં પ્રગટેલા સ્વાભિમાનના માહોલમાં આ મહિલા પોતાનો મુસ્લિમ તરીકેનો નહીં, પરંતુ એક ભારતીય તરીકેનો હક્ક મેળવવા મેદાને પડ્યાં છે, જેમનું નામ છે- સાફિયા પીએમ. મુસ્લિમ પરિવારમાં જન્મેલાં આ મહિલાના પિતા ઇસ્લામનું પાલન નહોતા કરતા અને તેઓ પોતે પણ કરતાં નથી. પોતે પાંચેક વર્ષ પહેલાં ગઠિત થયેલા `એક્સ મુસ્લિમ ઓફ કેરલ' નામના સંગઠનનાં મહાસચિવ છે. પોતે `એક્સ મુસ્લિમ' છે (એટલે કે તેઓ મુસ્લિમ નથી રહ્યાં), તેથી મુસ્લિમો માટેનો શરિયા કાનૂન તેમને લાગુ ન પડવો જોઈએ, તેવી તેઓએ કોર્ટ સમક્ષ દાદ માગી છે.
આ કેસની વધુ વિગતો જોઈએ તે પહેલાં નીચેના પ્રશ્ને સ્પષ્ટ થવું જરૂરી છે
 
સાફિયાના સંગઠનનું નામ જોઈને સૌને સ્વાભાવિક પ્રશ્ન ઉઠે કે, જેના માનમાં વિશ્વ; ૯ જાન્યુઆરી `એક્સ મુસ્લિમ દિન' તરીકે ઉજવી રહ્યું છે; તે `એક્સ મુસ્લિમ' છે શું...??? | Ex-Muslim
 
ભલે જન્મથી મુસ્લિમ હોય પણ ઈસ્લામની કેટલીક વાતો પર વિશ્વાસ ન હોવાને લીધે પોતાની મૂળ મુસ્લિમ ઓળખ ત્યજી દેનાર એટલે- `એક્સ મુસ્લિમ'. એક્સ મુસ્લિમ એટલે- જે લોકો હવે મુસ્લિમ નથી રહ્યાં. તો તે બધાં હવે શું બની ગયાં છે? તેનો ઉત્તર તેમની પાસે નથી અથવા તેઓ આપવા માંગતાં નથી. ચૂંટણીની ભાષામાં તેઓને `NOTA'વાળાં કહી શકીએ!
 
ઈસ્લામિક કટ્ટરતાના કારણે ભયવશ ડરીને આ ઈસ્લામ છોડનારાં પોતે ઈસ્લામ છોડી રહ્યાં છે, તેવું જાહેર કરી રહ્યાં નથી. તેઓ ખૂબ જ ગણતરીપૂર્વકની હોંશિયારીથી પોતાની ઓળખ `પૂર્વ મુસ્લિમ' તરીકે આપી રહ્યાં છે. ઉદાહરણ તરીકે જેમ કોઈ ન્યાયાધીશ નિવૃત્ત થાય તો તેને પૂર્વ ન્યાયાધીશ કહેવામાં આવે છે. (જો કે આ ઉદાહરણ બંધબેસતું નથી. કારણ કે એક વખતના ન્યાયાધીશ; પૂર્વ ન્યાયાધીશ તરીકેની પોતાની ઓળખ ગર્વ સાથે આપે છે, પરંતુ એક વખતનાં આ મુસ્લિમો, પૂર્વ (Ex) મુસ્લિમ તરીકેની ઓળખ નિઃશાસા સાથે આપે છે. આવાં ઈસ્લામ છોડનારાં માટે વિશ્વભરમાં એક નામ પ્રચલિત થયું છે- `એક્સ મુસ્લિમ' (`Ex Muslim'), જે હવે સર્વત્ર સ્થાપિત પણ થઈ ગયું છે.
 
`પ્યુ રિસર્ચ'નો રિપોર્ટ છે કે, દુનિયામાં સૌથી તેજીથી આગળ વધતી જનસંખ્યાવાળો સંપ્રદાય ઇસ્લામ છે. ૨૦૩૫ સુધીમાં એક મજહબ તરીકે સૌથી વધુ લોકો ઈસ્લામમાં માનવાવાળાં હશે. જનસંખ્યાની દ્રષ્ટિએ હાલ ઈસાઈઓ (ખ્રિસ્તી) સૌથી વધુ છે. અને મુસ્લિમો બીજા ક્રમે છે.
 
૨૦૩૫માં પહેલા ક્રમે મુસ્લિમ, પણ...
 
`પ્યુ રિસર્ચ' પોતાના રિપોર્ટમાં જે પણ કહેતું હોય, આ `એક્સ મુસ્લિમ'નો મુદ્દો આ રિપોર્ટને ખોટો પાડી શકે છે. છેલ્લા કેટલાક સમયથી ગણનાપાત્ર સંખ્યામાં મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યાં છે. ૨૦૦૭માં જર્મનીમાં `સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ એક્સ મુસ્લિમ'ની રચના થઈ, જે આજે યુરોપનું સૌથી મોટું પ્લેટફોર્મ છે. ૨૦૧૬માં નોર્વેમાં આવાં એક્સ મુસ્લિમોના જીવનમાં ઘટેલી ઘટનાઓ ઉપર એક ડોક્યુમેન્ટરી બનેલી- `ઈસ્લામ્સ નૉન બિલિવર્સ', જેમાં એક્સ મુસ્લિમોને કટ્ટર મુસ્લિમો દ્વારા મળતી ધમકીઓની વાત છે. એક્સ મુસ્લિમોના જીવનમાં સર્જાતા ડરના માહોલની અને ડગલે અને પગલે સહન કરવા પડેલા સંઘર્ષની મથામણ આ ફિલ્મમાં પહેલ-વહેલી દર્શાવવામાં આવેલી.
 
એક્સ મુસ્લિમ કમ્યુનિટી
 
શરૂમાં `એક્સ મુસ્લિમ' હોવું એ એક નવો વિચાર હતો. આ વિચાર એક વિચારધારામાં ફેરવાયો. ધીરે ધીરે આવા સમવિચારી મુસ્લિમો પરસ્પર મળતા ગયા; પરિણામે `એક્સ મુસ્લિમ'ના નામે, એક આગવી ઓળખ સાથેની એક નવી વૈશ્વિક કમ્યુનિટી બની, જે આજે વ્યાપકપણે ઉભરી રહી છે. આ કમ્યુનિટી; એ એક જાતનું `સપોર્ટ નેટવર્ક' છે, જેના કારણે આ વિચારને આગળ લઈ જવા માટે સોશિયલ મીડિયા પર કંટેન્ટ જનરેશન, કાયદાકીય માર્ગદર્શન, જાહેર મેળાવડાઓનું આયોજન સરળ બની રહ્યું છે.
 
મૌલવીઓ હિજાબ, જન્નત, જહન્નુમ, ૭૨ હૂર જેવી બાબતોએ જેવું સમજાવે તેની બહારનું કે તેના વિરુદ્ધનું વિચારવાનું ઇસ્લામમાં અમાન્ય અને પ્રતિબંધિત ગણાય છે, પરંતુ આ `એક્સ મુસ્લિમ' ઉપરોક્ત પ્રકારની બાબતો અંગે પોતાનો અલગ અભિપ્રાય ધરાવતાં હોય છે.
 
એક્સ મુસ્લિમોની આ સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. એક્સ મુસ્લિમો પોતાની વાત સોશિયલ મીડિયા પર મૂકી રહ્યાં છે. તેઓને ઈસ્લામની જે વાતો અતાર્કિક લાગે છે, તેની સામે તેઓ સાર્વજનિક વિરોધ પ્રગટ કરી રહ્યાં છે. તેના કારણે મુલ્લા-મૌલવીઓ રોષે ભરાય છે. મુલ્લા-મૌલવીઓ વધુ કટ્ટર બનીને બચાવની ભૂમિકામાં જે વાતો રોષપૂર્વક રજૂ કરે છે, તેનાથી તો એક્સ મુસ્લિમ વધુ ખુશ થાય છે, કારણ કે મુલ્લા-મૌલવીઓની રોષપૂર્વક કરાયેલી વાતોને તર્કપૂર્વક વખોડી દેવી અને જૂઠી સાબિત કરવી, એક્સ મુસ્લિમ માટે એકદમ સરળ બની જતું હોય છે.
 
સોશીયલ મીડિયા થકી ઉભરતું આંદોલન
 
ભારતમાં એક્સ મુસ્લિમોનો સાચો આંકડો તો મળતો નથી, પણ એક્સ મુસ્લિમ સાહિલ, સમીર, ઈમરોજ, જફર હેરેટીક, સચવાલા અને આઝાદ ગ્રાઉન્ડ જેવાં નામોથી એક્સ મુસ્લિમો યુટ્યુબ ચેનલના માધ્યમથી પોતાની વાત કહેતાં હોય છે. મોટાભાગનાં યુટ્યુબર પોતાની ઓળખ અને પોતાનો ચહેરો છૂપાવીને કામ કરતાં હોય છે. ધીરે ધીરે આ પ્રવૃત્તિ એક મક્કમ આંદોલનનું સ્વરૂપ ધારણ કરી રહી છે.
 
મુસ્લિમ બહુલ દેશોમાં ઈસ્લામ છોડનારને ગંભીર સજા ભોગવવી પડે છે, તેથી ત્યાં એક્સ મુસ્લિમ તરીકે લોકો બહાર આવતાં નથી, પરંતુ પોતાની રહેણીકરણી થકી તેઓ પોતે એક્સ મુસ્લિમ તરીકેનું જીવન જીવી રહ્યાં છે, જે જોઈને નજીકનાં લોકો એક્સ મુસ્લિમ બનવા પ્રેરાઈ રહ્યાં છે, જેમ કે લેબનોનમાં ૩૩% લોકોએ પોતાનાં ઘરોમાં કે પોતાના કમ્ફર્ટ ઝોનમાં ઈસ્લામની રહેણીકરણી છોડી દીધી છે. મુસ્લિમબહુલ દેશોનાં લોકો પોતાનો દેશ છોડીને જ્યાં જાય છે, તે પૈકીના મોટી માત્રામાં એક્સ મુસ્લિમ તરીકે કાર્યરત બને છે. ઇરાકનો સલવાન મોમિકા, એવું નામ છે, જેણે ૨૦૧૮માં ઇરાક છોડીને, યુરોપ જઈને એક્સ મુસ્લિમ બનીને ઈસ્લામનો લગાતાર વિરોધ કર્યો, જે હાલમાં નોર્વેમાં છે.
 
મુસ્લિમો ઇસ્લામ છોડી રહ્યાં છે કારણ કે...
 
ભારતમાં એક્સ મુસ્લિમ પૈકીનાં મોટાભાગનાં લોકો સારું ભણેલાં-ગણેલાં બુદ્ધિજીવીઓ છે. તેઓ તર્ક કરે છે કે, ઇસ્લામમાં સાયન્સ ઉપર ભાર મૂકવામાં નથી આવ્યો, સંગીત અને નૃત્ય ઉપર પણ મનાઈ છે, પૈતૃક વારસામાંથી મહિલાઓને પુરુષો કરતાં અડધો હિસ્સા જ મળે છે, LGBTQIA લોકોને પણ ઇસ્લામમાં અપનાવવામાં આવતાં નથી વગેરે વગેરે.. ઇસ્લામ છોડવાવાળાં કેરળનાં બે પુત્રીઓની માતા એવાં ૪૮ વર્ષનાં નૂરજહાંએ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, હિજાબ પહેરવાની મજબૂરી, મહિલાઓ સાથે ભેદભાવ અને મઝહબના નામે કટ્ટરતા, આ પ્રકારના મુદ્દે તેમનો ઇસ્લામથી મોહભંગ થઈ ગયો છે.
 
પોતે અગાઉ મુસ્લિમ હતાં, તેવી ઓળખ છતી થાય તેવું `એક્સ મુસ્લિમ'નું ટાઈટલ રાખીને તેઓ પોતાની હિંમત પ્રસ્તુત કરી રહ્યાં છે. ભારત, અમેરિકા, બ્રિટન જેવા દેશો ઉપરાંત મુસ્લિમબહુલ દેશોમાં `એક્સ મુસ્લિમ મુવમેન્ટ' જોર પકડી રહી છે, જેમાં પ્રમાણમાં મહિલાઓની સંખ્યા વધુ છે. દર વર્ષે ફ્રાન્સમાં ૧૫,૦૦૦ અને અમેરિકામાં એક લાખ મુસ્લિમો ઈસ્લામ છોડી રહ્યાં છે. કટ્ટરવાદીઓના ડરના કારણે હજુ `એક્સ મુસ્લિમ' ખુલ્લમ-ખુલ્લા બહાર આવી રહ્યાં નથી. એવાં અસંખ્ય મુસ્લિમ સ્ત્રી-પુરુષો છે, જે હિંમતપૂર્વક પોતે એક્સ મુસ્લિમ છે તેવું ભલે ન કહી રહ્યાં હોય, પરંતુ મનથી એક્સ મુસ્લિમ બની ગયાં છે.
 
`એક્સ મુસ્લિમ ઓફ કેરલ (EMU)'નાં મહાસચિવ સાફિયા પીએમ અને તેમનું સંગઠન કોઈ જાતના ડર વગર ડંકાની ચોટ પર ચહેરો છૂપાવ્યા વિના પોતાની વાત બેધડક કરી રહ્યાં છે. અધિકારોના મુદ્દે ઇસ્લામ મહિલાઓ સાથે ભેદભાવ કરે છે, તેવો સ્પષ્ટ મુદ્દો લઈને સાફિયા એક્સ મુસ્લિમ બન્યાં છે. તેઓને એક ભાઈ છે, જે આનુવાંશિક બિમારીનો ભોગ બનેલ હોઈ તેની સેવા તેઓ કરી રહ્યાં છે. તેમને આશંકા છે કે, તેમના ભાઈને કંઈક થઈ ગયું તો શરિયા અનુસાર તેમના પિતાની મિલકત પૈકીનો તેમના ભાઈને મળનાર બે તૃતીયાંશ (૨/૩) હિસ્સો તેમના પિતાના ભાઈઓ (કાકા)ના હાથોમાં જતો રહેશે. વળી શરિયા અનુસાર પિતાની મિલકતનો એક તૃતીયાંશ (૧/૩) હિસ્સો જ માત્ર તેમને મળી શકે છે, તેથી તેઓ સુપ્રીમ કોર્ટે એવી દાદ માંગવા ગયાં છે કે, જ્યારે તેઓ પોતે ઈસ્લામ જ છોડી ચૂક્યાં છે, એટલું જ નહિ તેઓના પિતા પણ ઈસ્લામમાં નહોતા માનતા, તેથી તેઓને શરિયા કાનૂન મુજબની ફરજ પાડવામાં ન આવે. તેઓના પિતાની મિલકતના ભાગલા સેક્યુલર કાયદા હેઠળ એટલે કે ભારતીય ઉત્તરાધિકાર અધિનિયમ- ૧૯૨૫ અનુસાર પાડવામાં આવે, નહિ કે મુસ્લિમ પર્સનલ લૉ (શરિયત) એપ્લિકેશન એક્ટ- ૧૯૩૭ અનુસાર.
 
હવે જોવાનું એ રહે છે કે...
 
૧, ચીફ જસ્ટીસ ડીવાય ચંદ્રચૂડની ત્રણ સદસ્યોવાળી સુપ્રીમ બેન્ચ શું નિર્ણય પર આવે છે? (અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, મુસ્લિમ પર્સનલ લૉ- ૧૯૩૭ અનુસાર પુત્રીઓની જેમ પત્ની સાથે પણ ભેદભાવ રાખવામાં આવેલો છે.)
 
૨, પોતાનો મઝહબ છોડ્યા પછી પણ મઝહબી કાનૂનોની જકડમાંથી ન્યાયાલય મુક્ત કરી શકે છે કે કેમ?
 
ન્યાયાલયો ભેદભાવશૂન્ય નિર્ણય કરી શકે કે ન પણ કરી શકે, કારણ કે તે હંમેશાં કાયદાથી બંધાયેલાં છે. શાહબાનોના કેસમાં જે ભેદભાવશૂન્ય ન્યાય; ન્યાયાલયે તોળ્યો તેનું પાલન ન્યાયાલય ન કરાવી શક્યું, કારણ કે ન્યાયાલય કાયદાથી બંધાયેલ છે. હા, પણ ન્યાયાલયને જે મર્યાદાઓ છે તે સમાજને નથી. સમય આવ્યે સમાજ પોતે જ પોતાનો ન્યાય કરી લેતો હોય છે. `એક્સ મુસ્લિમ મુવમેન્ટ' સાચા અર્થમાં સામાજિક જાગૃતિની મૂવમેન્ટ બની શકશે?
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.