તો દેશ માફ કરી દેશે...??? જો કોંગ્રેસ માફી માંગશે...

છેલ્લી ચૂંટણીમાં ગાજેલો `સંવિધાન-બચાવો"નો નારો પોકારનારાઓના પૂર્વજોએ અપરિવર્તનશીલ કહેવાતા આમુખ (Preamble) સાથે કટોકટી વખતે કરેલી સંપૂર્ણ ગેરબંધારણીય છેડછાડ (શ્રદ્ધેય બાબાસાહેબ આંબેડકરજીના દ્રોહ) અંગે નવી પેઢી જાણે. બહેનશ્રી કૂમી કપૂરના `The Emergency"નું ભાષાંતરિત પુસ્તક `ધી ઇમરજન્સી" (સત્ત્વ પ્રકાશન) નવી પેઢી વાંચે.

    ૨૫-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |


emergency
 
વર્તમાન વર્ષની ૨૫મી જૂને કટોકટી (Emergency)ને એટલે કે લોકતંત્રની વરસીને ૫૦મું વર્ષ બેઠું. દેશ એવાં તો કેવાં સંકટો(?)માં આવી પડેલો કે, વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ અડધી રાતે રાષ્ટ્રપતિ ફખરૂદ્દીન અલીને જગાડીને વટહુકમ પર સહી લઈને સૂતા દેશ પર કટોકટી ઠોકી બેસાડી? જેને બહાલી મળી ૨૬ જૂને સવારે ૬ વાગ્યાની કેબિનેટ બેઠકમાં. સ્વતંત્રતા પછીની સાવ ૨૭-૨૮ વર્ષની લોકશાહીએ નહેરુગાંધી-પરિવારનું કે નહેરુ-ગાંધીની એકચક્રી સલ્તનતનું કંઈ કહેતાં કંઈ જ બગાડ્યું નહોતું. ઇન્દિરાજીના આત્માએ કટોકટીરૂપી હિટલરના ખૂંખાર ખોળિયામાં ખરેખરો ખતરનાક પ્રવેશ કર્યો. આ અગાઉ માત્ર રાક્ષસો માટે જ એવું સાંભળેલું કે, જન્મતાંવેંત જુવાન થઈ જાય, જુઓને તરત જ, તે જ દિવસે જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ, અટલબિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણી જેવા દિગ્ગજ વિપક્ષી નેતાઓની આડેધડ ધરપકડો થઈ સાથે સાથે ચંદ્રશેખર, રામધન જેવા અસંતુષ્ટ કોંગ્રેસીઓની પણ ધડાધડ ધરપકડોનો કટોકટીના કલેવરમાં તાનાશાહી આતંક બેફામ ફાટી નીકળ્યો. રાહુલજીના દાદીમાના દૈત્યદમનનો આકરો દોર શરૂ થયો.
 
છેલ્લી ચૂંટણીમાં ગાજેલો `સંવિધાન-બચાવો'નો નારો પોકારનારાઓના પૂર્વજોએ અપરિવર્તનશીલ કહેવાતા આમુખ (Preamble) સાથે કટોકટી વખતે કરેલી સંપૂર્ણ ગેરબંધારણીય છેડછાડ (શ્રદ્ધેય બાબાસાહેબ આંબેડકરજીના દ્રોહ) અંગે નવી પેઢી જાણે. બહેનશ્રી કૂમી કપૂરના `The Emergency'નું ભાષાંતરિત પુસ્તક `ધી ઇમરજન્સી' (સત્ત્વ પ્રકાશન) નવી પેઢી વાંચે. સુજ્ઞવિવેચકોએ વાંચેલું છે, તેઓના ઉદ્ગારો આ રહ્યા..
 
# `જુલ્મગારો ગયા છે પણ એમનાં થાણાં અને એમના DNA ધરાવતા વારસો તો છે જ ...કૉલેજો અને યુનિવર્સિટીઓમાં પાઠ્યપુસ્તક તરીકે મૂકવું જોઈએ' - જશવંત રાવલ (તંત્રી, `નયા પડકાર')
 
# `બિનજરૂરી માહિતીઓના ખડકલા વિનાનું આ પુસ્તક વાંચવા માત્ર દસમું પાસ જેટલું ગુજરાતી પણ આવડતું હશે તો પણ ચાલે' - લલિત લાડ - `મન્નુ શેખચલ્લી' (હાસ્યસાહિત્યકાર, કટારલેખક, `દિવ્ય ભાસ્કર')
 
# `આ પુસ્તક એટલી તો પ્રવાહી શૈલીમાં અનુવાદ પામ્યું છે કે એક હકીકત આધારિત નવલકથા વાંચતા હોઈએ એવી અનુભૂતિ પાને પાને થતી રહે છે.' - ગુણવંત શાહ (પ્રખર વિચારક * લોકપ્રિય નિબંધકાર * વક્તા * કટારલેખક, `દિવ્યભાસ્કર')
 
# `આ પુસ્તકને મારી પણ વિતક કથા ગણી શકો છો.' - નગેન્દ્ર વિજય (યુગપ્રવર્તક પત્રકાર-તંત્રી * લેજેન્ડ્રી લેખક * તંત્રી-પ્રકાશક, `સફારી')
 
# `જો આપણે સેંકડો વર્ષો જૂનો ઇતિહાસ યુવાનોને જણાવવા આતુર હોઈએ તો પાંચ દાયકા પહેલાં એક રાજકીય સરમુખત્યારે કઈ રીતે દેશને બાનમાં લીધો એ વિશે નવી પેઢીને પહેલાં જણાવવું જોઈએ.' - વિક્રમ વકીલ (સિનિયર પત્રકાર * કટાર લેખક, `મુંબઈ સમાચાર')
 
# `..ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી આઝાદ ભારતના ઇતિહાસની એવી કલંકરૂપ ઘટના છે, જેની જાણ દેશની દરેક પેઢીને રહેવી જોઈએ.' - ઉર્વીશ કોઠારી (સિનિયર પત્રકાર * તંત્રી, `સાર્થક જલસો')
 
ઉપરોક્ત અભિપ્રાય ઉદ્ધરણો ઉક્ત પુસ્તકમાંથી સાભાર..
આ અભિપ્રાયો કોંગ્રેસ ક્યારે સ્વીકારશે?
 
કોંગ્રેસે લાદેલો અને દેશે વેઠેલો કટોકટીનો આ ભાર, જે સમજશે તેઓનો જનહિતમાં આભાર.
 
તા.ક. :
 
શ્રી નરેન્દ્રભાઈ મોદી લિખિત `સંઘર્ષમાં ગુજરાત' પણ કટોકટીને સમજવામાં ખાસ્સું સહાયક રહેશે.
 

The Emergency 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.