શું ફર્ક છે, બીજા દેશોની ચૂંટણીમાં અને ભારતની ચૂંટણીમાં?

તો આજે આપણે દુનિયાના સંપન્ન, સમર્થ અને સદા સર્વદા મૂલ્યોનો ઉપદેશ આપતા દેશોમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન જે તે દેશની આબરું અને મૂલ્યોના કેવા લીરેલીરા ઉડી ગયા હતા તેની વાતો આ લેખમાં કરીએ.

    ૦૮-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |

election india world
 
 
દુનિયાના લોકોને દહેશત હતી કે, શું ભારતમાં ચૂંટણીઓ શાંતિપૂર્વક અને હેમખેમ પૂરી થશે ખરી? કે પછી ચૂંટણીને કારણે ભારત વિશ્વમાં વગોવાઈ જશે? વાસ્તવમાં આવી શંકા થવી સ્વાભાવિક એટલા માટે હતી કે વિશ્વના અનેક જનતાંત્રિક દેશોમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન થયેલી ધાંધલી, ખૂનામરકી, તોફાનો અને આક્ષેપબાજીથી જે તે દેશોની પ્રતિષ્ઠાનાં ચિરહરણ થતાં આખા વિશ્વે જોયાં હતાં, તેથી જ ભારત વિશે પણ આવી જ અપેક્ષાઓ રાખીને વિશ્વના નિરિક્ષકો બેઠા હતા, પણ બન્યું કંઈક ઉલટું જ. તો આજે આપણે દુનિયાના સંપન્ન, સમર્થ અને સદા સર્વદા મૂલ્યોનો ઉપદેશ આપતા દેશોમાં યોજાયેલ ચૂંટણીઓ દરમિયાન જે તે દેશની આબરું અને મૂલ્યોના કેવા લીરેલીરા ઉડી ગયા હતા તેની વાતો આ લેખમાં કરીએ.
 
ચર્ચામાં સૌથી પહેલો દેશ લઈએ અમેરિકા. સન ૨૦૧૬માં યોજાયેલી ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ પ્રમુખપદની ચૂંટણીમાં વિજેતા બન્યા. સામાન્ય રીતે ચૂંટણીનાં પરિણામ આવ્યાં પછી જેની જીત થાય તેનો સ્વીકાર કરી લેવો તે સભ્ય સમાજનું લક્ષણ છે, પણ અમેરિકામાં જે પ્રકારે ટ્રમ્પવિરોધી શરમજનક પ્રતિક્રિયા વિપક્ષે કરી તેનાથી અમેરિકાની પ્રતિષ્ઠાના કાંકરા થઈ ગયા હતા. ટ્રમ્પની જીતના સમાચાર પ્રસારિત થતાં જ અમેરિકાના અનેક રાજ્યોમાં `Trump - Not My President'નાં બેનરો લઈ પ્રદર્શનો શરૂ થઈ ગયાં. વિરોધીઓએ ટ્રમ્પ ટાવર બંધ કરાવી દીધું, જેમાં પાંચ પ્રદર્શનકારીઓ ઘાયલ થયા. હોલીવૂડના અનેક એક્ટરો અને એક્ટ્રેસો ટ્રમ્પની જીતનો વિરોધ કરવા રસ્તા પણ આવી ગયાં. જગપ્રખ્યાત પોપ ગાયિકા લેડી ગાગા પોતે વિજેતા ટ્રમ્પનો વિરોધ કરવા બહાર આવી ગઈ. હેરી પોટરની ખ્યાતનામ લેખિકા જે. કે. રોલીંગે કહ્યું કે, આખા દેશે ટ્રમ્પનો વિરોધ કરવા એક સાથે ઊભા રહેવું જોઈએ. ક્યાંક ટ્રમ્પનાં પૂતળાં બાળવામાં આવ્યાં, તો ક્યાંક No Fasist in USA જેવાં સૂત્રો પોકારાયાં. વિશ્વમાં પ્રતિષ્ઠિત કલાકાર મેડોનાએ કહ્યું, અમેરિકામાં આ (ટ્રમ્પ) નવી આગ છે. કોમેડી એક્ટર બેન સ્ટિલરે ટવીટ કરી કે, ટ્રમ્પની જીત એ તો દુઃસ્વપ્ન છે.
 
ઓસ્કાર વિજેતા જેનીફર લોરેન્સે લખ્યું કે, ટ્રમ્પ પ્રમુખ બનવાના હોય તો અમેરિકાનો અંત નજીક સમજો. પ્રખ્યાત એક્ટર રોબર્ટ નીરોએ વિધાન કર્યું કે, મારું ચાલે તો ટ્રમ્પના ચહેરા પર એક મુક્કો મારી દઉં. ઓબામા બોલી ઉઠ્યા કે, ટ્રમ્પ રાષ્ટપતિ બનવા માટે Unfit છે. વ્હાઇટહાઉસ આગળ વિરોધીઓએ અમેરિકાનો રાષ્ટધ્વજ ઊંધો ફરકાવી રાષ્ટધ્વજનું જ અપમાન કર્યું, તો ટ્રમ્પ જેવી ટોપી પહેરવા બદલ કેવિન નામના ૧૨ વર્ષના એક કિશોરની સ્કૂલબસમાં જ પીટાઈ કરવામાં આવી. ટ્રમ્પની શપથવિધિમાં જઈ રહેલા લોકો ઉપર પ્રદર્શનકારીઓએ ઇંડાંનો વરસાદ વરસાવ્યો. ભલા માણસ, ચૂંટણી સમયે ગમે તેટલો વિરોધ કરી શકાય, પણ ચૂંટણી બાદ જે વિજેતા બને તેનો સ્વીકાર કરવાનો જ હોય તે સરળ વાત પણ અમેરિકનો સમજી શક્યા ન હતા તે શરમજનક ગણાય.
 

election india world 
 
હવે અમેરિકામાં જ ૨૦૨૧માં યોજાયેલી પ્રમુખની ચૂંટણીની વાત કરીએ. ૭ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ મત ગણતરીમાં પીછેહઠ થતાં ટ્રમ્પે આક્ષેપ કરેલો કે ડેમોક્રેટોએ મારા મત ચોર્યા હતા. ડેમોક્રેટિક પાર્ટીના બાયડન સામે પરાજય ભાળી ગયેલા ટ્રમ્પે જ્યોર્જિયા સ્ટેટમાં થઈ રહેલી મત ગણતરી દરમિયાન નિયમ વિરુદ્ધ દખલ કરીને જ્યોર્જિયા સ્ટેટના `સેક્રેટરી ઓફ ધ સ્ટેટ'ને ૧૧૦૦૦ જેટલા મતો વધારી આપવા માટે ટેલિફોન કરેલો જેની વાતચીત રેકોર્ડ પણ થયેલી. પોતાની હાર થતાં ટ્રમ્પના સમર્થકોએ ચૂંટણી રદ કરવાની માંગ કરી. તે પછી ટ્રમ્પના સમર્થકોએ કેપિટલ હીલ બિલ્ડગ કે જે ત્યાંની સંસદ તરીકે ઓળખાય છે તેના પર ટ્રમ્પના ઇશારે ઘેરો ઘાલ્યો. બિલ્ડગની બહાર ટ્રમ્પે ઉશ્કેરણી જનક ભાષણ કર્યું. જેથી ટ્રમ્પના સમર્થકો સંસદમાં ઘૂસી ગયા અને તોડફોડ કરી તેથી સંસદીય સમિતિને ટ્રમ્પ અને તેમના સાથીઓ પર ચૂંટણી ખોરવી નાખવાના ષડયંત્રના મુદ્દે રાજદ્રોહનો આરોપ મૂકવો પડેલો. સૌથી શરમજનક બાબત તો એ હતી કે, ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં પંદર દિવસ લાગી ગયા. આમ દુનિયામાં નંબર ૧ ગણાતા દેશની ચૂંટણીની શરમકથાથી અમેરિકાની સ્વાતંત્ર્ય દેવીનું મસ્તક પણ શરમથી ઝૂકી પડ્યું હશે.
 
બ્રાઝિલની ચૂંટણીમાં ગુંડાગર્દી
 
ગત વર્ષે એટલે કે ૨૦૨૩માં બ્રાઝિલમાં યોજાયેલ ચૂંટણીમાં રાષ્ટપતિ બોલ્સોનારો હારી ગયા. અને વિપક્ષના ઉમેદવાર લૂલા-દ-સિલ્વા ચૂંટણી જીતી ગયા. અહીં પણ ચૂંટણીમાં આવેલા પરિણામોને સ્વીકારવાને બદલે બોલ્સોનારોના ઈશારે તેમના સમર્થકો તોફાને ચઢ્યા. ૮ જાન્યુઆરી, ૨૦૨૩ના દિને બોલ્સોનારોના ટેકેદારોએ ત્યાંની પવિત્ર ગણાતી સુપ્રીમ કોર્ટ, રાષ્ટપતિ ભવન અને સંસદભવન સહિત અનેક ઇમારતો પર હુમલા કર્યા અને તોડફોડ કરી. બોલ્સોનારોના સમર્થકોએ બ્રાઝિલિયન ફૂટબોલ ખેલાડીઓ પહેરે છે તેવાં પીળા રંગનાં ટી-શર્ટ પહેરી પોલીસોને ધક્કા મારી સરકારી ઈમારતોમાં ઘુસી તોડફોડ કરી અને ચૂંટણીનાં પરિણામો સ્વીકારવાનો ઈનકાર કરી દીધેલો તેથી અનેક દિવસો સુધી ચૂંટાયેલા રાષ્ટપતિ પોતાનો કાર્યભાર સ્વીકારી શકેલા નહીં. તેની નોંધ દુનિયાના લોકતંત્ર ચાહકોને દુઃખી મને લેવી પડેલી.
 

election india world 
 
પાકિસ્તાનમાં ઇલેક્શન ફ્રોડ
 
હવે આપણે આપણા પાડોશી દેશોમાં થયેલી ચૂંટણીઓનો ચિતાર મેળવીએ. ફેબ્રુઆરી, ૨૦૨૪માં પાકિસ્તાનમાં યોજાયેલી ચૂંટણી ગોટાળાઓથી ભરેલી હતી, જેનાથી પાકિસ્તાનનું કહેવાતું લોકતંત્ર ખરાબ રીતે વગોવાઈ ગયેલું. પાકિસ્તાન તહરિકે ઇન્સાફ (PTI) પાર્ટીના નેતા ઇમરાન ખાનને જેલ ભેગા કરવામાં આવેલા. ઇમરાન ખાનની પાર્ટી પર પ્રતિબંધ મૂકવામાં આવેલો, તેથી ઇમરાન ખાનની પાર્ટી તરફથી કોઈ ઉમેદવાર ચૂંટણીમાં ઉમેદવારી પત્રક ભરી શક્યા ન હતા. ઉમેદવાર બનવા માંગતા લોકોને અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાં પડેલાં. ઇમરાન ખાનની પાર્ટીના પ્રતિક પર પણ પ્રતિબંધ મુકેલો હોવાથી તેમના ચૂંટણી ચિન્હ્નો ઉપયોગ કરી શકાય તેમ પણ ન હતું. ઇમરાન ખાનને કોઈ ચૂંટણી સભામાં ભાષણ કરવાની છૂટ ન અપાઈ. મત ગણતરીના પ્રારંભમાં ઇમરાન ખાનના ઉમેદવારો આગળ જણાતા હતા અને નવાઝ શરીફની પાર્ટી PML - N લડખડાતી નજરે પડતી હતી.
 
આવે સમયે પાકિસ્તાનના કુખ્યાત લશ્કરી અધિકારીઓએ મામલો હાથમાં લીધો. મત ગણતરીમાં ગોલમાલ શરૂ થઈ. મત ગણતરી કરનાર અધિકારીઓને પણ ચોક્કસ ઉમેદવારોને જીતાડવાની સૂચના અપાઈ. જેનો વિડિયો પછીથી પ્રસિદ્ધ થયેલો. અંતે શાહબાજની પાર્ટી તડજોડ કરી સત્તામાં આવી. ઇમરાન ખાને ચૂંટણીને Biggest robbary on Public Mandate કહી વધુમાં કહ્યું કે, He and his Party were subjected to gross human rights violation and was being victimised. અમેરિકા, બ્રિટન, યુરોપિયન યુનિયનના તથા ઇન્ટરનેશનલ કોમ્યુનિટીના નિરીક્ષકોએ પાકિસ્તાનમાં યોજાયેલ ચૂંટણીમાં કરાયેલ રેગીંગ તરફ ચિંતા વ્યક્ત કરી હતી અને પાકિસ્તાની મીડિયાએ ચૂંટણીને Election Frod કહ્યું હતું.
ચૂંટણીને કારણે બાંગ્લાદેશ બન્યો
 
બાંગ્લાદેશ એટલે કે એક સમયના પૂર્વ પાકિસ્તાનમાં ૧૯૭૦માં થયેલી રાષ્ટીય એસેમ્બલીની ચૂંટણી તો એટલી ખતરનાક નીવડેલી કે, જેનાં પરિણામો જાહેર થયા પછી ખુદ પાકિસ્તાન દેશના જ બે ટૂકડા થઈ ગયેલા અને બાંગ્લાદેશ નામનો તદ્દન નવો જ દેશ અસ્તિત્વમાં આવ્યો. ૧ ડિસેમ્બરે જાહેર થયેલા ચૂંટણી પરિણામોમાં પૂર્વ પાકિસ્તાનના લોકપ્રિય નેતા શેખ મુઝીબુર્રહમાનની આવામી લીગને ૧૬૯ બેઠકોમાંથી ૧૬૭ બેઠકો પર બમ્પર જીત પ્રાપ્ત થતાં સત્તા મુજીબના હાથમાં જવાના ડરે પાકિસ્તાને ૫૦ હજાર સૈનિકો પૂર્વ પાકિસ્તાન (આજના બાંગ્લાદેશ)માં ઉતાર્યા અને જનરલ ટિક્કાખાને `ઓપરેશન ચંગેજખાન' શરૂ કર્યું. જેમાં ટિક્કાખાનના બર્બર સૈનિકોએ ૧૦ લાખ જેટલા બંગાળી મુસ્લિમ-હિન્દુઓની કતલ કરી દીધી. સંખ્યાબંધ મહિલાઓ પર બળાત્કારો થયા. શેખ મુઝીબુર્રહમાનને જેલમાં ઠાંસી દેવામાં આવ્યા અને બે કરોડ જેટલા બંગાળી હિન્દુ-મુસ્લિમોને શરણાર્થી તરીકે ભારતમાં ધકેલી દેવામાં આવ્યા. ન છુટકે ભારતને યુદ્ધમાં ઉતરવું પડ્યું અને પરાજિત થયેલા પાકિસ્તાનના બે ટૂકડા થયા અને બાંગ્લાદેશ નામનો દેશ નક્શા પર ઉપસી આવ્યો.
 

election india world 
 
ચૂંટણી જીતાઈ પણ સત્તા ન મળી
 
હવે આપણે આપણા પડોસી દેશ મ્યામારની વાત કરીએ. ૧૯૪૭માં ભારતની સાથે મ્યામાર (બ્રહ્મદેશ) પણ સ્વતંત્ર દેશ બન્યો. પણ ત્યાં પ્રજા અને સેના વચ્ચે સત્તાની ખેંચતાણ ચાલુ જ રહી. ૧૯૯૦માં ત્યાં જનરલ ઇલેક્શન કરાવવામાં આવ્યું જેમાં નેશનલ લીગ ડેમોક્રસી નામના પક્ષને ૮૦ ટકા બેઠકો મળી પણ મીલીટરીના વડા જનરલ નેવીને ચૂંટાયેલા લોકોને સત્તા આપવાની ધરાર ના પાડી દીધી. સેનાએ તો ચૂંટણી જ રદ કરી દીધી. ઉપરાંત ત્યાંની લોકપ્રિય નેતા આંગ-સૂ-કીને હાઉસ એરેસ્ટ કરી દીધાં. આંગ-સૂ-કીને તેમના ૨૧ વર્ષના નિવાસકાળ દરમિયાન ૧૫ વર્ષ સુધી હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યાં. તેમને ૨૦૧૦માં મુક્ત કરવામાં આવ્યાં. હવે ૨૦૧૫માં ચૂંટણી યોજાઈ જેમાં આંગ-સૂ-કી-ના પક્ષને ૮૬ ટકા બેઠકો મળી છતાં મીલીટરી શાસકોએ સૂ-કીને પ્રેસિડેન્ટ થતાં અટકાવ્યાં અને તેમના પર અનેક આરોપો મુકી હાઉસ એરેસ્ટ કરવામાં આવ્યાં. આમ ત્યાંની ચૂંટણી ફારસ બની ગઈ. વર્તમાનમાં ૭૮ વર્ષનાં નોબલ પીસ પ્રાઇઝ વિનર આંગ-સૂ-કી મ્યામારની લોકશાહી અને ચૂંટણી માટે દુનિયાભરના દેશો સમક્ષ મદદની માંગ કરી રહ્યાં છે.
 
હવે આપણા દેશની વાત કરીએ. ૧૯ એપ્રિલથી ૧ જૂન ૨૦૨૪ એટલે કે દોઢ મહિના જેટલા લાંબા સમયગાળામાં ભારતમાં થતી ચૂંટણી જોવા દુનિયાભરના ઢગલાબંધ ઓબ્ઝર્વરો, જર્નાલિસ્ટો અને ચુનાવ વિશ્લેષકો આપણા દેશમાં ઉતરી પડ્યા હતા. તેમના મનમાં શંકા હતી કે, દુનિયાના દેશોમાં ચૂંટણીના જેવા હાલ હવાલ થયા હતા તેવા જ હાલ ભારતના પણ થશે. અલબત્ત તેમની આશંકા પાયા વગરની છે તેવું માનવાની જરૂર નથી. કારણ કે ચૂંટણીનો સમયગાળો દોઢ માસનો હતો. ભારતમાં કુલ મતદારો ૯૭ કરોડ છે, કુલ મતદાન કેન્દ્રો ૧૦ લાખ ૫૦ હજાર છે. આને દુનિયાની સૌથી મોટી ગંજાવર ચૂંટણી વ્યવસ્થા કહી શકાય. વધુમાં ભારત તેમના માટે હંમેશાં અભ્યાસનો વિષય રહ્યો છે. ૧૯૪૭માં ભારત સ્વતંત્ર દેશ બન્યો ત્યારે દુનિયાના અભ્યાસુઓ ચિંતા અને કૂતુહલ ધરાવતા હતા કે, આવડો મોટો દેશ કે જેમાં વિવિધ ભાષાઓ, વિવિધ દેવો, વિવિધ પ્રદેશો, વિવિધ ખાનપાન અને પહેરવેશ, વિવિધ રાજકીય પક્ષો, વિવિધ રિતરિવાજો અને માન્યતાઓ, વિવિધ જાતિઓ અને જ્ઞાતિઓ છે ત્યાં લોકશાહી સચવાશે ખરી? કે પછી આપખુદશાહી ભારતનો ભરડો લેશે?
 
શું ભારતમાં શાંતિપૂર્ણ અને લોકશાહી ઢબે ચૂંટણીપર્વ પૂરું થશે? પરંતુ જ્યારે આપણા દેશનું ચૂંટણીપર્વ થોડાક કમનસીબ બનાવોને બાદ કરીએ તો યશસ્વી રીતે પૂર્ણ થયું છે તેમ ચોક્કસપણે કહી શકાય અને ભારત વિશે ભ્રામક ખ્યાલો ધરાવતા ચૂંટણી વિવેચકો ચોક્કસપણે તેમની ધારણાઓમાં ખોટા પડ્યા છે. તેમ પણ કહી શકાય, પરંતુ તેમના માટે જે બાબત કોયડારૂપ છે તેનો ઉત્તર એ છે કે, ભારતના લોકોને લોકતંત્ર અને તેની પ્રણાલીઓમાં અપાર શ્રદ્ધા છે. લોકતંત્ર ભારતના લોકોના લોહીમાં અને સંસ્કારમાં વણાયેલું છે. આઝાદી પૂર્વે ભારતમાં અનેક રાજાઓએ રાજ્ય કર્યું ત્યારે પણ ભારતમાં રાજશક્તિ ઉપર ધર્મશક્તિના પ્રભાવને હંમેશા માન્ય કરાયો છે. સાચુ કહીએ તો ભારતની પ્રજાના પિંડમાં જ આધ્યાત્મિક્તા રહેલી છે અને તે આધ્યાત્મિક્તાના બળે જ ભારતના લોકોમાં સમજ અને સંયમ દેખાઈ રહ્યાં છે. પ્રજામાં રહેલા સાત્વિકપણાના કારણે જ અહીં લોકશાહી સફળ થતી દેખાય છે. હવે દુનિયાને સમજાશે કે ભારતનું ચૂંટણીપર્વ કયા કારણોથી યશસ્વી રીતે પૂર્ણ થયું છે.
 
અસ્તુ...
 
(લેખકશ્રી સાધના સાપ્તાહિકના ટ્રસ્ટી છે.)

સુરેશ ગાંધી

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.