ભારત ઉપરાંત બીજા ૭૭ દેશોમાં ચૂંટણીઓ છે, શાસનપરિવર્તનના આ દોરમાં.. ભારત `રામરાજ્ય'નું મૉડલ રજૂ કરી શકે છે

શ્રી રામલલાની પુનર્પ્રાણપ્રતિષ્ઠાના સમારોહમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલકજી મા. ડૉ. મોહનજી ભાગવતે તો ત્યારે જ એ શ્રીરામદરબારરૂપી મંચ પરથી રાષ્ટ્રજોગ ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, આજે શ્રી રામલલાની સાથે ભારતનું `સ્વ" પરત ફર્યું છે. આખું ય ભારત ભાવવિભોર છે. `રામરાજ્ય" આવવાનું છે.

    ૦૮-જૂન-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ramrajya
 
 
 
આ વર્ષ ચૂંટણીઓનું વર્ષ છે. ભારત ઉપરાંત બીજા ૭૭ દેશોમાં ચુંટણીઓ છે. શાસન પરિવર્તનના આ દોરમાં શાસનનું આદર્શ `મૉડેલ' શું હોઈ શકે તે પ્રશ્ન ઉપર વૈશ્વિક ચર્ચા કરવાની આવશ્યકતા જણાઈ રહી છે. ભારત તેમાં નેતૃત્વ લઈ શકે તેમ છે.
ઉપરોક્ત મુદ્દે ભારતની ભૂમિકા સમજવા માટે વિદેશના સંદર્ભો લેવા પડે તે આપણી વિટંબણા છે. બહુ ઝીણું કાંતવાને બદલે સીધી ભાષામાં મોટી મોટી વાત કરીએ તો શેષ વિશ્વમાં મુખ્યતઃ બે તાકાતો છે. એક પશ્ચિમી તાકાત અને બીજી ઈસ્લામિક તાકાત છે. આ બંને પાસે પોતાના દેશોને માનવીય મૂલ્યોના વિકાસની દ્રષ્ટિએ ક્યાં લઈ જવા, તેની કોઈ તાર્કિક સ્પષ્ટ અવધારણા તેઓની પાસે નથી. નથી તેઓ પાસે એવું કોઈ રૉલ મૉડલ, નથી અનુભવ કે નથી એવી ઉચ્ચ સ્તરીય મૂલ્યકેન્દ્રિત સમાજજીવનની અનુભૂતિ પણ.
 
ડેનિયર ડેફો જેવા પશ્ચિમના સર્જકની કલ્પનામાં નિર્જન ટાપુ આવે ત્યારે ત્યાં રોબિન્સન ક્રૂઝો નામના કાલ્પનિક પાત્રને નિર્વસ્ત્ર બતાવવામાં પોતાની સર્જકશીલતાને ખર્ચી દે. જ્યારે ભારતમાં તો વસ્ત્રદાનનો મહિમા જ કંઈક વિશેષ છે. દ્રૌપદીનાં વસ્ત્રાહરણ વખતે ચીર પૂરવા સ્વયં શ્રીકૃષ્ણ દોડી આવે ત્યારે રચાતું ભાવવિશ્વ અનુપમ છે. શું ખાવું? શું પીવું? શું પહેરવું? વગેરે નર્યાં ભૌતિક સુખ અને સુવિધાઓ અને સમૃદ્ધિનાં ત્રાજવે બધું તોળાય, એવી ભૌતિકતા પશ્ચિમને ભારે પડી રહી છે. પશ્ચિમી યુવાધન મહાવિદ્યાલયોમાં `વૉક'ની વિનાશકતાનો શિકાર બની રહ્યું છે. ત્યાં રિલિજીયનમાં માનનારાં લોકો પણ બાઈબલથી વિપરીત વૈજ્ઞાનિક સત્યને હંમેશાંથી નકારતા આવ્યાં છે, તેમાં આજે પણ કોઈ ગણનાપાત્ર સુધારો નથી આવ્યો. બાઇબલથી વિરુદ્ધની વાત સાબિત કરનાર વૈજ્ઞાનિકોને જીવતા સળગાવી દેવાનાં, અમાનવીય યાતના આપવાનાં ઢગલો ઉદાહરણો પશ્ચિમમાં જોવા મળશે. ટાઈકો બ્રુનો, ગેલેલિયો જેવા વૈજ્ઞાનિકોનાં જીવનચરિત્રો વાંચીશું તો આ વધુ સ્પષ્ટ થશે. વિજ્ઞાને સાબિત કરી દીધું છે કે, પૃથ્વી ગોળ છે, પણ તેમના માટે હજુ ય રીલીજિયસ ધારણા અનુસાર જમીન સાવ સપાટ જ છે.
 
યુરોપના દેશોને પણ મોડું મોડું આ સત્ય સમજાઈ રહ્યું છે.
 
પાડોશી દેશ પાકિસ્તાને પોતાની એક મિસાઈલને નામ આપેલું `ઘોરી' અને બીજીને `ગઝની'. આવા લૂંટારા, બર્બર અને સ્ત્રીઓ પર અત્યાચાર આચરનારાઓને નવી પેઢી રોલ મૉડલ ગણવા લાગે, એ દેશનું ભવિષ્ય ભાખવાની કોઈ જ આવશ્યકતા ખરી? જો કે પાકિસ્તાન વિશ્વમાં એક ક્ષેત્રમાં સૌથી આગળ છે, એ ક્ષેત્ર એટલે- આતંકવાદ નિર્માણ કરવાનો મસમોટો પાકિસ્તાનવ્યાપી ઉદ્યોગ. વિશ્વ આખાને બાનમાં લઈને કટ્ટર ઈસ્લામિક (જેહાદી) લોકો ઈસ્લામના નામે જે આતંકવાદ આચરી રહ્યા છે, તેનો મઝહબના નામે (લઘુમતીના નામે) બચાવ કરનારી ભારતસ્થિત જમાત હવે ખુલ્લી પડી ગઈ છે. યુરોપના દેશોને પણ મોડું મોડું આ સત્ય સમજાઈ રહ્યું છે.
 
ભારત ભૂમિ વિશ્વને સર્વાધિક આકર્ષિત કરી રહી છે….
 
ઉપરોક્ત બંને વૈશ્વિક માનસિકતાઓ જોયા જાણ્યા અને વેઠ્યા પછી ભારત ભૂમિ વિશ્વને સર્વાધિક આકર્ષિત કરી રહી છે. તેની પાછળનાં અનેક કારણો છે, અનુરૂપ પરિવર્તનો જોઈએ તો ઉદા. કોઈ જ પ્રકારના અભિયાન કે આંદોલન વગર જીવનના `અંતિમ-સંસ્કાર' ગણાતા સંસ્કારમાં પણ લાકડાની જગ્યાએ ઈલેક્ટ્રીક-ભઠ્ઠીને સાવ સહજપણે સ્વીકારી લેતું પરિવર્તન છે. કુલ મળીને હિન્દુ માનસિકતા સ્વભાવથી જ પરિવર્તનશીલ છે. માનવીય મૂલ્યો અડીખમ રાખવાં, બાહ્ય સ્થિતિને અનુરૂપ યુગાનુકૂળ પરિવર્તનો સાધવાં, આ વિશેષતાને કારણે હિન્દુ સમાજ, હિન્દુ ધર્મ અને હિન્દુ સંસ્કૃતિ આજે ય એટલી જ મહાન છે. આ મહાનતા જળવાઈ રહે તેવી રીતે શાસન કરવું; તેનું નામ છે- `રામરાજ્ય'.
  
હવે `રામરાજ્ય' આવશે…
 
ભારતમાં ૨૨મી જાન્યુઆરી, ૨૦૨૪ના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામની અલૌકિક પ્રાણપ્રતિષ્ઠા સંપન્ન થઈ, સાથોસાથ દેશ આખામાં; હવે `રામરાજ્ય' આવશે તેવી જનઆકાંક્ષા પણ જન્મી. આ આકાંક્ષા જન્મી કારણ કે સૌએ સેવેલ `રામરાજ્ય'નું એ સ્વપ્ન સાકાર થશે તેવી પાકી પ્રતિતી સૌના અંતકરણોએ અનુભવી. શ્રીરામમંદિર પુનર્પ્રાણપ્રતિષ્ઠાનો આવડો મોટો અવસર પાર પડ્યો છતાં એક પણ કોમી છમકલું ન થવું તે `રામરાજ્ય'નું દ્યોતક છે.
આજે શ્રી રામલલાની સાથે ભારતનું `સ્વ' પરત ફર્યું છે.
શ્રી રામલલાની પુનર્પ્રાણપ્રતિષ્ઠાના સમારોહમાં રાષ્ટીય સ્વયંસેવક સંઘના પ. પૂ. સરસંઘચાલકજી મા. ડૉ. મોહનજી ભાગવતે તો ત્યારે જ એ શ્રીરામદરબારરૂપી મંચ પરથી રાષ્ટ્રજોગ ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે, આજે શ્રી રામલલાની સાથે ભારતનું `સ્વ' પરત ફર્યું છે. આખું ય ભારત ભાવવિભોર છે. `રામરાજ્ય' આવવાનું છે.
 
दैहिक दैविक भौतिक तापा राम राज नहिं काहुहि ब्यापा ।
सब नर करहिं परस्पर प्रीति चलहिं स्वधर्म निरत श्रुति नीति ॥
 
અર્થાત `રામરાજ્ય'માં કોઈપણ વ્યક્તિ દૈહિક, દૈવિક અને ભૌતિક તાપથી ત્રસ્ત નથી હોતી. તમામ મનુષ્ય પરસ્પર પ્રેમથી વર્તે છે અને વેદોમાં વર્ણવેલી નીતિની મર્યાદાઓનું પાલન કરવામાં તત્પર રહીને પોત-પોતાના ધર્મોનું પાલન કરે છે.
 
ગાંધીજીએ કલ્પેલા આવા જ `રામરાજ્ય'ને વિસારે પાડી દેવામાં આવેલું.
 
૧૮૫૭ના સ્વાતંત્ર સંગ્રામના પ્રેરણાકેન્દ્ર મેરઠથી પ્રારંભાયેલી પ્રધાનમંત્રીની પ્રચારયાત્રા કન્યાકુમારીમાં ધ્યાનયાત્રામાં પરિવર્તિત થઈ. પરત ફરતાં પ્લેનમાં વડાપ્રધાને પોતાની કન્યાકુમારીયાત્રાનું વર્ણન કરતી વખતે સ્વામી વિવેકાનંદ, સંત તિરુવલ્લુવર ઉપરાંત જે એક માત્ર નામનો ઉલ્લેખ કર્યો તે છે- રા. સ્વ. સંઘના પ્રચારક શ્રી એકનાથ રાનડે, જેઓએ સંઘની યોજનાથી કન્યાકુમારીમાં વિવેકાનંદ શીલાસ્મારકનું નિર્માણ કરેલું. આમ ચૂંટણીના સમરાંગણની વચ્ચે માત્ર તપસ્વીઓનું -સાધકોનું માહત્મ્ય મનમાં રમવું તે ભારતની પ્રકૃતિ માટે નવું નથી.
 
`રામરાજ્ય' એ વિચાર છે, વિભાવના છે….
 
મને ઈશ્વરે મોકલ્યો છે તેવું અનુભવતા શ્રી નરેન્દ્રભાઈના નેતૃત્વમાં નવી ૧૮મી લોકસભા એક એવી શાસનવ્યવસ્થા ઊભી કરવામાં સફળ નિવડે, જેના લીધે સૌનું `રામરાજ્ય'નું સ્વપ્ન સાકાર થાય. આવાં સ્વપ્નો સાકાર થવા જ સર્જાયાં હોય છે, કારણ કે સ્વપ્નદ્રષ્ટાઓના તપોબળની એક આગવી તાકાત હોય છે. જે સમય આવે પ્રગટ થતી હોય છે. `રામરાજ્ય' એ વિચાર છે, વિભાવના છે. વર્તમાન લોકસભાની ચૂંટણી પછી શ્રીરામના શાસનનું યુગાનુકૂળ રૂપ જોવાની આશા પૂર્ણ થશે તેવો એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે.
 
તો આવનારા `રામરાજ્ય'ને કોઈ રોકી નહીં શકે….
 
શ્રીરામનું કોઈ કાર્ય તાત્કાલિક નથી થતું. રાહ જોવાની કસોટીમાં સફળ થવાનું આપણા ભાગે છે. અયોધ્યાની પાવનભૂમિ ઉપર જન્મસ્થાને હાલ બાલ સ્વરૂપે બિરાજમાન શ્રીરામ મોટા થશે ત્યારે યજ્ઞમાં રત ઋષિઓ સુરક્ષિત બનશે. હા પણ તે માટે વિશ્વામિત્ર જેવા સમર્થ ઋષિનું હોવું જરૂરી બનશે. અહીંથી મંગલ શરૂઆત થશે `રામરાજ્ય'ની. વૈદિક જ્ઞાન-પરંપરાઓને યુગાનુકુળ સ્વરૂપે પુનર્જીવિત કરવાનું કાર્ય આશ્રમો, ગુરૂકુળો અને વિદ્યાપીઠો કરી શકે તેવી ક્રાંત યોજના ભારતમાં બને, સત્વરે અમલમાં આવે, તેનો ક્રમબદ્ધ સમ્યક્ વિચાર થાય. નવી શિક્ષણ નીતિ અંતર્ગત કયા નમૂનારૂપ વિદ્યાકેન્દ્રમાં શ્રીરામ શિક્ષણ લઈ શકે? આવી દૃષ્ટિ રાખવામાં આવે તો આવનારા `રામરાજ્ય'ને કોઈ રોકી નહીં શકે.
 
સર્વાધિક અગત્યના ક્ષેત્ર તરીકે શિક્ષણનું તો આ એક ઉદાહરણ છે. બધાં જ ક્ષેત્રોમાં ભારતીય મૂલ્યોને કેન્દ્રમાં રાખીને ધરમૂળમાંથી પરિવર્તનો કરવાની અનિવાર્યતા સૌ અનુભવી કરી રહ્યાં છે. લોકોનાં સ્વપ્નો ટકી રહે તેવું બળ પૂરું પડતું રહે તે અગત્યનું છે.
 
ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેવાનું છે….
 
IMF (ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ)ના રિપોર્ટ અનુસાર કુલ વૈશ્વિક દેવું ૨૩૫ ટ્રિલિયન ડોલરની સપાટી વટાવી ગયું છે, જે વિશ્વની કુલ GDPના ૨૩૮%ની આસપાસ થવા જાય છે. વૈશ્વિક અર્થતંત્ર સપડાયેલું છે, પરંતુ ભારતનું ચિત્ર અલગ છે. ભારત વૈશ્વિક અર્થસત્તા તરીકે ઉભરી રહ્યું છે. વર્તમાન વિપરીત ભૂરાજકીય ઉથલપાથલની સ્થિતિમાં ખોરવાયેલ પૂરવઠા સાંકળની સમસ્યા વચ્ચે પણ આપણી રિઝર્વ બેંકે દૃઢ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેવાનું છે.
નોકરીના સ્વપ્નથી શરૂ થયેલું જીવન પેન્શન મળે, એટલામાં પૂર્ણ થઈ ગયું તેવી ઘર કરી ગયેલી માનસિકતામાં ધરમૂળથી બદલાવની આવશ્યક્તા છે. સમાજના સર્વસામાન્ય વ્યક્તિને પોતાના પગ ઉપર વ્યવસાય શરૂ કરવાથી લઈ સમાજકલ્યાણ માટે પ્રવૃત્ત થવા સુધીની માનસિકતા ધરાવતો કરવો તે `રામરાજ્ય'ની દિશામાં અગત્યનું પગલું છે.
 
આ વખતે કુલ ૩૧.૨ કરોડ મહિલાઓએ વિક્રમી મતદાન કર્યુ
 
જ્યારે આપણે `રામરાજ્ય'ની વાત કરી રહ્યા છે ત્યારે રામરાજ્યને અનુરૂપ મૂલવણીઓ કરવાની પ્રવૃત્તિ વિકસાવવી પડશે. દા. ત. આ લોકસભાનાં પરિણામો જે મતોના કારણે પ્રાપ્ત થયાં તે (કુલ ૯૬.૮૮ કરોડ મતદારો પૈકી..) ૬૪.૨ કરોડ (જે કુલ મતદારોના ૬૬.૨૬% છે)ને કારણે છે. બાકીના ૩૩. ૭૪% મતદારો નું શું? શું તેઓની લોકતંત્ર માટે કોઈ ફરજ બનતી નથી??? ગ્રીક ભાષામાં `ઇડિયટ' એટલે એવો માણસ જે મત આપવા જતો નથી. મતદાતા તરીકે ધીરે ધીરે મહિલાઓની સહભાગીતા વધી રહી છે તે શુભ લક્ષણ છે. આ વખતે કુલ ૩૧.૨ કરોડ મહિલાઓએ વિક્રમી મતદાન કર્યુ છે.
 
ભાજપને ધારી બેઠકો પ્રાપ્ત થઈ નથી, છતાં આ લખાઈ રહ્યું છે, ત્યાં સુધી `એનડીએ'એ બહુમત પ્રાપ્ત કરી લીધો છે. લોકતંત્રની એ પણ વિશેષતા રહી છે કે, કસોટી ખાતર પણ એ શ્રીરામને વનવાસ આપી શકતી નથી. `રામરાજ્ય' આવતાં પહેલાં શ્રીરામના એટલે કે ધર્મના અનુયાયીઓને કસોટીમાંથી પાર ઉતરવું, એ રામકાલીન પરંપરા રહી છે. આ ચૂંટણીમાં શ્રીરામના એટલે કે ધર્મના અનુયાયીઓ પાર ઉતર્યા છે. તેઓ આ રીતે `રામરાજ્ય'ની દિશામાં બધી કસોટીમાંથી પાર ઉતરે તેવી રાષ્ટ્રદેવનાં ચરણોમાં પ્રાર્થના.
 
 

ભાનુ ન. ચૌહાણ

"L.D. Eng. College" માંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે "CEPT University, Amadavad"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગ'માં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. હાલ તેઓ "સાધના" સાપ્તાહિકમાં સ્તંભલેખક છે.