સત્યનો સૂર્ય સદાકાળ હોય છે | સત્યના આ પ્રસંગ વાચવા જેવા છે!

01 Jul 2024 14:02:00

truth prasang
 
 
सत्यस्य वचनं श्रेय: सत्यादपि हितंवदेत्।
यद्भूतहितमत्यन्तं एतत् सत्यं मतं मम्॥
 
મુનિનું આ કથન છેઃ સત્ય વચન બોલવું સૌથી સારું છે, પણ સત્ય કરતાં ય વધુ સારું છે સૌના હિતમાં હોય એવું બોલવું. જે વાત અસંખ્ય લોકોનું ભલું કરતી હોય તે સત્ય જ છે. ગુરુ દ્રોણ જ્યારે પાંડવોને અને કૌરવોને ભણાવતા હતા ત્યારે બીજા બધા બીજા પાઠ પર પહોંચી ગયા હતા અને યુધિષ્ઠિર એક જ પાઠ પર અટકેલા હતા. થોડા દિવસ આમ ચાલ્યું એટલે દ્રોણે પૂછ્યું કે, આમ જ એક પાઠ પર આટલા દિવસો કાઢીશ તો અભ્યાસમાં પાછળ રહી જઈશ.
 
યુધિષ્ઠિરે કહ્યું કે ભલે પાછળ રહી જાઉં, પણ આ પાઠ પાકો કર્યા સિવાય આગળ નહીં જ વધુ : એ પાઠ હતો સત્યનો. પછી જીવનમાં યુધિષ્ઠિર સત્યના પાઠને અનુસર્યા હતા.
 
બહુ જાણીતો કિસ્સો છે કે એક સાધુ પાસે એક મા જાય છે અને કહે છે કે આ બાળક ગોળ બહુ ખાય છે. એને ના પાડો તો. સાધુ કહે છે કે અઠવાડિયા બાદ આવો. મા અઠવાડિયા બાદ જાય છે ત્યારે સાધુ બાળકના માથે હાથ મૂકીને કહે છે કે બેટા ગોળ ન ખાતો હોં.
 
માએ કહ્યું કે, આ તો તમે એક અઠવાડિયા પહેલાં પણ કહી શક્યા હોત. ત્યારે ગુરુ કહે છે કે ત્યારે હું ગોળ ખાતો હતો. હું ખાતો હોઉં તો બીજાને શિખામણ કેમ આપું? એ શિખામણ ખોખલી હોત.
 
ગુરુએ કેટલી મોટી વાત કહી દીધી. ગાંધીજીની વાત પણ લોકો તરત સ્વીકારતા એનું કારણ એ હતું કે, એમના શબ્દોમાં સત્યની તાકાત હતી. અંગુલિમાલનું નામ સંભાળતાં જ ભલભલા કાંપતા હતા ત્યારે બુદ્ધ એની આંખમાં આંખ નાખીને વાત કરતા હતા, કેમ કે એમની પાછળ સત્યનો ઓરા હતો.
 
સત્યની તાકાત એ હોય છે કે, તમારા હાથે પગે ખીલા મારી દે તોય તમારા મોમાંથી બદદુઆ નથી નીકળતી. આ આકાશી ઊંચાઈ સત્યથી જ પ્રાપ્ત થાય છે. ઝેરનો પ્યાલો પણ જાણે શરબત હોય એમ પી જવામાં સત્યનું પીઠબળ જોઈએ. નાગને મફલર માફક વીંટીને ફરવા માટે અવધૂતી અવસ્થામાંથી પસાર થવું પડે છે.
 
કસોટી સત્યના માર્ગે ચાલો એની જ થાય છે. અસત્યને જલસા છે પણ એ ક્ષણિક હોય છે. સત્ય બોલવાનો ફાયદો એ છે કે, યાદ રાખવું ન પડે. ખોટું બોલતા હોય એની યાદશક્તિ સારી હોય છે. સત્ય કદી પક્ષપાતી ન હોય. સત્ય એ ઈશ્વરનું ગમતું સંતાન છે. એટલે જ સત્ય બોલનારા સાથે હંમેશા ઈશ્વર હોય છે. કેટલાક લોકોનાં સત્ય પણ અસત્ય જેવાં હોય છે. કડવું અસત્ય બોલવું ન જોઈએ પણ જ્યારે પાણી માથા પરથી પસાર થાય ત્યારે એ કરવું જ પડે છે. આજે સત્યના પક્ષે રહેનારા લોકો લઘુમતીમાં છે. સત્યને ખાતર માથા પડી ગયા હોય એવા ઇતિહાસમાં અનેક દાખલાઓ છે. જ્હોન એકહાર્ડ કહે છે કે, સત્ય એ એટલી ઉમદા વસ્તુ છે કે, જો ભગવાન એની તરફ પીઠ ફેરવી લે તો હું ઈશ્વરને છોડી દઉં પણ સત્યને વળગી રહું.
 
મહાભારતના કર્ણપર્વના ૬૯મા અધ્યાયમાં કૃષ્ણ અર્જુનને કહે છે કે, સત્ય કરતાં બીજું કશું ઉત્તમ નથી, પરંતુ સત્યનું યથાર્થ સ્વરૂપ જાણવું કઠિન છે. આ યથાર્થ સ્વરૂપ એટલે શું? ઘણીવાર લોકહિતાર્થે અસત્ય બોલવું જરૂરી હોય ત્યારે એ અસત્ય કહેવાતું નથી. આમ, સત્યને જડ રીતે વળગી ન રહેવાય. સત્યના મૂળમાં હિત સમાયેલું છે અને જગતનું હિત સત્યથી જ શક્ય બને છે. બૃહદારણ્યક ઉપનિષદની ભાવના વહેતી કરીએ કે, અસત્યોમાંહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા.
 
કન્ફ્યુશિયસ કહે છે કે, સત્ય જાણનારાઓ કરતાં સત્યને ચાહનારાઓ સવાયા હોય છે. તમે કોઈ પણ વસ્તુને મનથી જાણી શકો અને દિલથી ચાહી શકો. જાણવામાં અર્પણ છે અને ચાહવામાં સમર્પણ છે. સત્ય બોલવું એટલે ખીણની ધારે ધારે ચાલવું. એમાં સહેજ પણ છૂટછાટ લઈ ન શકો. સત્યમાં બે અને બે ચાર જ થાય, ન તો શૂન્ય કે ન તો બાવીસ. એમાં કોઈ ઘાલમેલ ન ચાલે. સોનાને કાટ ન લાગે એમ સત્યને પણ કદી કાટ ન લાગે.
 
 
 
Powered By Sangraha 9.0