બોમ્બ, બંદૂક અને હથિયારોથી રક્તરંજીત પ.બંગાળ

ચૂંટણીમાં હારના ડરથી બૂથ લૂંટવા, બૂથને આગ લગાડી દેવી, વિરોધી પક્ષના મતદારોને ડરાવવા-ધમકાવવા, ગેરરીતિ, આવું બધું મમતારાજમાં પશ્ચિમ બંગાળમાં સામાન્ય બાબત બની ગઈ છે.

    ૧૦-જુલાઇ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

west bengal
 
 
ચૂંટણી પહેલાં હુમલા, ચૂંટણી દરમિયાન હુમલા અને ચૂંટણી પછી હુમલા. બૌદ્ધિકો અને ક્રાંતિકારીઓની ભૂમિ પશ્ચિમ બંગાળના ભાજપા કાર્યકર્તાઓનું આ જાણે કમનસીબ બની ગયું છે. ચૂંટણીમાં હારના ડરથી બૂથ લૂંટવા, બૂથને આગ લગાડી દેવી, વિરોધી પક્ષના મતદારોને ડરાવવા-ધમકાવવા, ગેરરીતિ, આવું બધું મમતારાજમાં પશ્ચિમ બંગાળમાં સામાન્ય બાબત બની ગઈ છે. બંગાળના આ રાજનૈતિક રક્તચરિત્ર વિશે વિશેષ મુખપૃષ્ઠ વાર્તા
 
ટીએમસીનો બ્લોક ચેરમેન અયુબ હસન ગુંડો છે. તેણે મારી અનેક વીઘાં જમીન પર કબજો કરી લીધો છે. મારું ઘર, કપડાંની દુકાન બધું જ ઉજ્જડ કરી નાંખ્યું છે. આ વાત કરતાં કરતાં ભાજપ કાર્યાલયમાં તૃણમૂલ કોંગ્રેસના હુમલાખોરોથી બચવા આશરો લેનાર ભાજપના એક કાર્યકર્તા ચોધાર આંસુએ રડી પડે છે.
 
પશ્ચિમ બંગાળમાં લોકસભાની ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી ઠેર ઠેર ભાજપના કાર્યકર્તા અને ભાજપ સમર્પિત મતદારો વિરુદ્ધ ભયાનક હિંસા ફાટી નીકળી છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપ સમર્થિત લોકોને શોધી શોધી નિશાન બનાવી રહ્યા છે. તેમની સંપત્તિઓ લૂંટી રહ્યા છે. બહેન દીકરીઓ પર શારીરિક અત્યાચારો કરી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓનો ભય એટલો બધો છે કે, સેંકડો લોકોને પોતાનો જીવ બચાવવા ભાજપ કાર્યાલયમાં આશરો લેવો પડી રહ્યો છે. કલકત્તા ૬, મુરલીધર રોડ સ્થિત ભાજપ કાર્યાલય પર પણ ભાજપના આવા ૧૭૦થી વધુ કાર્યકર્તાઓએ આશરો લીધો છે. પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ ભાજપના કાર્યકર્તાઓ અને મતદાતાઓ પર ૫૦૦થી વધુ હુમલાની ઘટનાઓ બની છે અને ૧૧ લોકોની હત્યા થઈ છે. આવી જ પરિસ્થિતિ દક્ષિણ ૨૪ પરગણા સ્થિત ભાજપ કાર્યાલયની છે. ત્યાં પણ ૧૫૦થી વધુ ભાજપના કાર્યકર્તાઓ જીવ બચાવવા આશરો લઈ રહ્યા છે. તેઓ તેમના પરિવાર સહિત ૧૦ જૂનથી અહીં જ રહે છે. અહીં જ સૂવે છે અને અહીં જ જમે છે.
 
અહીં રહેતાં આવા જ એક ભાજપના કાર્યકર્તા કહે છે કે, ચૂંટણી પરિણામોમાં તૃણમૂલ કોંગ્રેસની સ્થિતિ મજબૂત બનતાં જ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહમાં આવી ગયા હતા અને અમારા ઘરો પર પથ્થરો ફેંકવા લાગ્યા હતા. અને અમને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા હતા. અમારી સામે જ સ્થાનિક કાર્યાલય ખેદાન-મેદાન કરી નાખવામાં આવ્યું અને અમને લોકોને બળજબરીપૂર્વક ઘરમાંથી બહાર હાંકી કાઢવામાં આવ્યા અને અમારાં ઘરોને તાળાં મારી દેવામાં આવ્યાં. અમને ધમકી આપવામાં આવી છે કે, જો જીવતા રહેવું હોય તો અહીં પાછા ન આવતા.
 
કલકત્તાના બેલિયા ઘાટાના રહેવાસી ભાજપ કાર્યકર્તા રીટા રઝાકના પતિની ટીએમસી કાર્યકર્તાઓ દ્વારા હત્યા કરવામાં આવી છે. તેઓ નાકાડાલા હાઈસ્કૂલમાં બૂથ નં. ૧૭૦ના ભાજપના ચૂંટણી એજન્ટ હતા. તેઓ કહે છે કે, ટીએમસીના લોકો જ નહીં, પોલીસ પણ મમતાદીદીના ઇશારે અમારા પર હુમલા કરે છે. તે કહે છે કે, ટીએમસીના લોકોએ અમારા ઘર પર હુમલો કરી ઘરમાં રાખેલાં ઘરેણાં સાથે અનાજ પણ લૂંટી લીધું. તેઓ બે હાથ જોડી ભાજપના કાર્યકર્તાઓને બચાવી લેવાની વિનંતી કરે છે.
 
કોલકાતાના ભવાની પોરમાં સ્થિત ભાજપના કાર્યાલયને પણ તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તહસનહસ કરી નાંખી એને આગ ચાંપી દીધી હતી. અહીં ભાજપ સમર્થિત કાર્યકર્તા અને મતદારોની દુકાનો-સંપત્તિઓને શોધી શોધી લૂંટી લેવામાં આવી હતી અને આગને હવાલે કરી દેવામાં આવી હતી. અહીંના આવા જ એક રવિ સાહા નામના પીડિત કહે છે કે, તૃણમૂલ કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર ભાજપના કાર્યકર્તાઓને શોધી શોધી માર મારી રહ્યા હતા. અમે પોલીસ સ્ટેશને જઈએ ત્યાં ઊલટાનું અમારા પર જ કાર્યવાહી કરવાની ધમકીઓ આપી ભગાડી દેવામાં આવે છે.
 
પક્ષનાં ધ્વજ સાથે ટીએમસીનાં કાર્યકર્તાઓએ કહેર વર્તાવ્યો
 
ભાજપ કાર્યાલયમાં આશરો લઈ રહેલા અન્ય એક કાર્યકર્તા કહે છે કે, કેનિગપુરથી ટીએમસી ધારાસભ્ય શૌકત મૌલા સરેઆમ ભાજપના કાર્યકર્તા અને હિન્દુઓને ધમકાવે છે. તેના આદેશથી અમારાં ઘરોની વીજળી-પાણીનાં જોડાણ કાપી નાંખવામાં આવ્યાં છે. તે ઘરે ઘરે ફરીને ખુલ્લેઆમ અમને લોકોને જાનથી મારી નાંખવાની ધમકી આપે છે. સ્થાનિકોના મોબાઈલ પર અજાણ્યા નંબર પરથી જાનથી મારી નાખવાના ધમકીભર્યા કોલ્સ આવી રહ્યા છે. પરિણામે વસ્તીઓની વસ્તીઓ પોતાનો જીવ બચાવવા પલાયન કરવા મજબૂર બની છે.
 

west bengal 
 
બંગાળના ભાજપ અધ્યક્ષ સુકાન્ત મજુમદાર તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા આચરાયેલી હિંસાની ભયાનકતા વર્ણવતાં કહે છે કે, લોકસભાનાં ચૂંટણી પરિણામો બાદ નોર્થ ૨૪ પરગણામાં સેંકડોની સંખ્યામાં ટીએમસીના કાર્યકર્તાઓ પક્ષનો ધ્વજ લઈ રસ્તા પર ઊતરી આવ્યા હતા. તેઓએ અચાનક ભાજપા કાર્યકર્તાઓની સંપત્તિઓ પર હુમલા શરૂ કરી દીધા હતા. અને તેમના પરિવારજનો પર પણ હુમલા શરૂ કરી દીધા હતા. તૃણમૂલના કાર્યકર્તાઓએ બેફામ બની મહિલાઓને પણ નિશાન બનાવી હતી. અહીંના કૂચબિહારમાં ટીએમસીના કાર્યકર્તાઓએ અનુસૂચિત જાતિની એક મહિલા સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો અને જાહેરમાં તેનાં કપડાં પણ ફાડી નાંખવામાં આવ્યાં હતાં. આ અંગે જ્યારે પોલીસને ફરિયાદ કરવામાં આવી ત્યારે પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રાથમિક ફરિયાદ લેવાની પણ ના પાડી દીધી હતી.
 
પશ્ચિમ બંગાળ ભાજપના નેતા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા સુવેન્દુ અધિકારી કહે છે કે, ૪ જૂનથી લોકસભાનાં ચૂંટણી પરિણામો જાહેર થતાની સાથે જ તૃણમૂલ કોંગ્રેસના ગુંડાઓ પાગલ બની ગયા છે. રાજ્યમાં પુનઃ એક વખત ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન સર્જાયેલ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મમતા સરકાર કેન્દ્રીય સશસ્ત્ર અર્ધલશ્કરી દળોની કાર્યવાહીમાં પણ અવરોધો લગાવી રહી છે. પરિણામે તૃણમૂલ કાર્યકર્તાઓને મોકળું મેદાન મળી ગયું છે.
 
પંચાયતથી પાર્લામેન્ટ સુધી હિંસાનો ઇતિહાસ
 
પશ્ચિમ બંગાળમાં રાજનૈતિક હિંસાનો ઇતિહાસ રહ્યો છે. ૨૦૨૧ની વિધાનસભાની ચૂંટણીઓ હોય કે ૨૦૨૩ની પંચાયતની ચૂંટણીઓ - પ્રત્યેક ચૂંટણીમાં સત્તાપ્રેરિત હુમલાઓ થયા છે. ૨૦૨૩માં થયેલી પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલી હિંસામાં ૪૨ જેટલાં લોકોની હત્યા કરી દેવામાં આવી હતી. તો ૨૦૨૧ની વિધાનસભાનાં ચૂંટણી પરિણામો બાદ પણ ભાજપના કાર્યકર્તાઓ અને ભાજપને સમર્થન આપનારા લોકો પર હુમલાઓ થયા હતા. જેમાં ૧૨ લોકોનાં મૃત્યુ થયાં હતાં. તૃણમૂલ કોંગ્રેસના હિંસક કાર્યકર્તાઓના ભયથી ગામડાંઓનાં ગામડાંઓ ખાલી થઈ ગયાં હતાં. અને મહિનાઓ સુધી ભાજપના કાર્યકર્તાઓને ત્રિપુરામાં શરણ લેવી પડી હતી. હવે તાજેતરની લોકસભા ચૂંટણીઓનાં પરિણામો બાદ મમતારાજમાં ફરી એક વખત ૨૦૧૧ અને ૨૦૨૧નું પુનરાવર્તન થઈ રહ્યું છેઅને હજ્જારોની સંખ્યામાં ભાજપના કાર્યકર્તા અને ભાજપનું સમર્થન કરતા નાગરિકો પોતાના જ દેશમાં શરણાર્થી બની છુપાઈ છુપાઈને જીવવા મજબૂર છે.
 
 

west bengal 
 
રાજ્યપ્રેરિત હિંસા લોકશાહી પર કાળી ટીલી
 
એક લોકશાહી દેશમાં લોકશાહીના સૌથી મોટા ઉત્સવ ચૂંટણીઓમાં કોઈ ચોક્કસ પક્ષ અને વર્ગના લોકોને નિશાન બનાવી લોકોમાં ભયનું વાતાવરણ ઊભું કર્યું તે ન માત્ર ચિંતાજનક છે, સાથે સાથે રાષ્ટીય શરમનો વિષય પણ છે. ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના નેતા મમતા બેનર્જી દ્વારા ચૂંટણી જાહેર થતાંની સાથે જ રાજ્યમાં તુષ્ટીકરણની રાજનીતિ કરવાનું શરૂ કરી દીધું હતું અને સમગ્ર રાજ્યમાં એક પ્રકારનું હિંસક અને અરાજક વાતાવરણ બનાવ્યું હતું. ચૂંટણીપ્રચાર દરમિયાન તેઓએ ભાજપ કાર્યકર્તાઓ હિન્દુ સંસ્થાઓ વિરુદ્ધ બેફામ ઉશ્કેરણીજનક વાણીવિલાસ કર્યો હતો. પરિણામે ચૂંટણી દરમિયાન પણ હિંસાની અનેક નાની મોટી ઘટનાઓ ઘટી હતી અને ચૂંટણી પરિણામો બાદ આ હિંસા ચરમ પર છે, જેમાં ૧૧ લોકોના જીવ ગયા છે અને એ સ્પષ્ટ થઈ ગયું છે કે, આ હિંસા તૃણમૂલ કોંગ્રેસનાં નેતાઓનાં ઇશારે થઈ રહી છે. હિંસા કેટલી હદે ગંભીર છે એનો અંદાજ એ પરથી લગાવી શકાય છે કે, ચૂંટણીપંચ પણ બંગાળમાં કેન્દ્રીય સુરક્ષા દળોની તહેનાતીની સમયમર્યાદા વધારવાનું સૂચન કરી રહી છે. આશ્ચર્ય એ વાતનું છે કે, પશ્ચિમ બંગાળમાં હાલ સુરક્ષા દળોની ૪૦૦ જેટલી કંપનીઓ તહેનાત છે. આમ છતાં ત્યાં આટલા મોટા પ્રમાણમાં હિંસા થઈ રહી છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે, તૃણમૂલ કોંગ્રેસના નેતા કેટલા આયોજનપૂર્વક હિંસાને અંજામ આપી રહ્યા છે. હાલની પરિસ્થિતિ જોતાં એવું લાગી રહ્યું છે કે, જો માતેલા સાંઢ બનેલા તૃણમૂલના હિંસક કાર્યકર્તાઓને રોકવામાં નહિ આવે તો તેઓ રાજ્યમાં ભાજપ સમર્થિત લોકોનું જીવવું હરામ કરી દેશે અને આ બાબત લોકશાહી માટે શરમજનક છે. પશ્ચિમ બંગાળમાં પંચાયતથી માંડી પાર્લામેન્ટ (સંસદ) દરેક ચૂંટણી વખતે એક ચોક્કસ પક્ષનું સમર્થન કરનારા લોકોને વિસ્થાપન અને હિંસાનો ભોગ બનવું પડે છે. અને છતાં મમતા સરકાર લાજવાને બદલે હિંસા માટે વિરોધપક્ષોને જવાબદાર ગણાવી પોતાના હાથ ખંખેરી નાંખે છે તે લજ્જાસ્પદ છે.
 
લોકશાહી સાથે સરેઆમ ખેલા...
 
પશ્ચિમ બંગાળની મમતા સરકાર દેશમાં એકમાત્ર એવો સત્તાધારી પક્ષ બની ગયો છે જેને દેશના બંધારણ, ન્યાયતંત્ર અને લોકશાહી પ્રક્રિયા સાથે સરેઆમ ખેલાં કરી રહી છે. મમતા સરકાર મનફાવે ત્યારે કેન્દ્રીય એજન્સીઓને રાજ્યમાં આવતાં રોકે છે. તેના નેતાઓ મનફાવે તેની જમીન, સંપત્તિ અને ત્યાં સુધી કે મહિલાઓને પણ હડપી લે છે. સમગ્ર દેશમાં સંદેશખાલીકાંડને લઈ ભારે હોહા થઈ છતાં શું થયું? મમતા સરકારને આ ઘટનાથી લેશમાત્ર ફરક પડ્યો નથી. હકીકતમાં ભ્રષ્ટાચારથી માંડી મનમરજી અને તાનાશાહી શાસન ચલાવવું એ મમતા સરકારની આદત બની ગઈ છે. ૨૦૨૧માં વિધાનસભાની ચૂંટણીઓ બાદ થયેલી હિંસાને ધ્યાનમાં લઈ કલકત્તા હાઈકોર્ટે સીબીઆઈને તે હિંસાની તપાસ કરવાના આદેશ આપ્યા હતા. અને તપાસ દરમિયાન તૃણમૂલ કોંગ્રેસના અનેક નેતાઓનાં નામ આવ્યાં હતાં પરંતુ સીબીઆઈ પણ તૃણમૂલ કોંગ્રેસનાં અરાજક તત્ત્વોના દુઃસાહસનું દમન કરી શકી નહિ. તેનું પરિણામ ૨૦૨૩માં ત્યાંના પંચાયતની ચૂંટણીઓમાં થયેલી હિંસા છે. જેમાં ૪૦થી વધુ લોકોના મૃત્યુ થયાં હતાં. અને આ પરંપરા તાજેતરની લોકસભાની ચૂંટણીઓ અને તેના પરિણામ બાદ પણ ચાલુ રહી છે. અત્યાર સુધી તૃણમૂલ કોંગ્રેસ પ્રેરિત હિંસામાં અનેક લોકોના જીવ ગયા છે. સેંકડો લોકોની તમામ સંપત્તિ લૂંટી લેવામાં આવી છે. હિંસા અંગે કલકત્તા ઉચ્ચ ન્યાયાલયે પણ ભારે નારાજગી વ્યક્ત કરતાં ત્યાં સુધી કહી દીધું છે કે, જો રાજ્ય સરકાર રાજ્યમાં ચાલતી હિંસા પર લગામ નહિ લગાવે તો કેન્દ્રીય સુરક્ષા દળોને આગામી પાંચ વર્ષ સુધી રાજ્યમાં તહેનાત રાખવાનો આદેશ આપવો પડશે, પરંતુ બંગાળમાં ઉચ્ચ ન્યાયાલયની આ આકરી ઝાટકણી બાદ પણ પશ્ચિમ બંગાળની મમતા સરકારને કોઈ જ ફરક પડવાનો નથી, કારણ કે ૨૦૨૧નાં ચૂંટણી પરિણામો બાદ ફાટી નીકળેલી હિંસા બાદ પણ ન્યાયાલયે આવી જ ટિપ્પણી કરી હતી. તે વખતે પણ મમતા સરકાર ન્યાયાલયના આદેશને ઘોળીને પી ગઈ હતી. આગળ જણાવ્યું તેમ ચાલાક અને સત્તાના મદમાં બેફામ મમતા સરકાર હિંસામાં પોતાના પક્ષનો હાથ હોવાનું સ્વીકારવા જ તૈયાર નથી. ઊલટાનું હિંસા માટે વિરોધ પક્ષને જવાબદાર ઠેરવી પીડિત લોકો વિરુદ્ધ જ કાર્યવાહી કરાવે છે. ત્યારે જ્યાં સુધી પશ્ચિમ બંંગાળ સરકાર પર કેન્દ્ર સરકાર દ્વારા સીધી કાર્યવાહી કરવામાં નહિ આવે ત્યાં સુધી રાજ્યની પરિસ્થિતિમાં કોઈપણ પ્રકારનો સુધારો આવવાનો નથી એ નક્કી છે.
 
કાનૂન અને સુરક્ષા વ્યવસ્થા સાથે વારંવાર ખેલા
 
મમતાદીદી મતબેંકની રાજનીતિ માટે અને સુરક્ષા-વ્યવસ્થાની પણ વારંવાર ધજ્જિયાં ઉડાવે છે. તેમના માટે ન તો દેશની એકતા, અખંડિતતા કે ન તો આંતરિક સુરક્ષાના મુદ્દા મહત્ત્વનાં છે. મહત્ત્વનું છે તો માત્ર અને માત્ર મુસ્લિમ તુષ્ટિકરણ અને આ માટે તેઓ ગમે તે હદે જઈ શકે છે. મોહરમ દરમિયાન દુર્ગાવિસર્જન પર રોક જેવા અનેક તાનાશાહી ફતવાઓ; આનાં ઉદાહરણ છે. કાનૂન સાથે જેટલો ખેલા પશ્ચિમ બંગાળમાં થયો છે તેટલો કદાચ જ દેશના અન્ય કોઈ રાજ્યમાં થયો હશે. ચૂંટણી દરમિયાન અને બાદમાં જેટલી હિંસા પશ્ચિમ બંગાળમાં થાય છે તેટલી હિંસા દેશના અન્ય કોઈ જ રાજ્યમાં થતી નથી. બંગાળની લોકશાહી હાલ તાનાશાહીની માનસિકતામાંથી પસાર થઈ રહી છે. બંગાળની પરિસ્થિતિ જોતાં એ વાત કહેવામાં જરાય વધારે પડતું નથી કે, રાજનૈતિક મતબેંક માટે અને પોતાની સત્તા ટકાવી રાખવા માટે મમતા બંધારણ અને સુરક્ષા-વ્યવસ્થા સાથે ખેલા કરવાની આ રમત આગળ પણ ચાલુ જ રાખશે.
 
આંચકાજનક ચૂંટણી પરિણામો
 
લોકસભાની ચૂંટણીઓમાં જે રાજ્યોનાં ચૂંટણી પરિણામોએ સમગ્ર દેશને ચોંકાવ્યા છે, તેમાંનું સૌ પ્રથમ રાજ્ય છે- પશ્ચિમ બંગાળ. પશ્ચિમ બંગાળનાં ચૂંટણી પરિણામો એટલા માટે પણ આશ્ચર્યજનક છે કારણ કે, ત્યાં તૃણમૂલ કોંગ્રેસને લઈ જનતામાં ભારે રોષ હતો. મમતા સરકારના અનેક મંત્રીઓ અને ધારાસભ્યો પર ગંભીર આરોપો લાગેલા હતા. સંદેશખાલીમાં મહિલાઓ પર થયેલા અત્યાચાર દેશભરમાં ચર્ચાનો વિષય બની ગયા હતા. રાજનૈતિક વિશ્લેષકો ખોંખારીને કહી રહ્યા હતા કે, સંદેશખાલી મમતા સરકાર માટે નંદીગ્રામ સાબિત થશે. ખુદ મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જી પણ ઈડીની અડફેટે ચડ્યા હતા. મમતા બેનર્જીની નીતિ-રીતિઓને કારણે મમતા બેનર્જીની છબી ધરાર સનાતન વિરોધીની બની હતી. તૃણમૂલ કોંગ્રેસ પર હિંસક અને અરાજક પક્ષ હોવાના પણ આરોપો લાગ્યા હતા. આમ છતાં મમતા બેનર્જીના પક્ષને સફળતા મળવી એ તમામ રાજનૈતિક વિશ્લેષકો માટે આંચકાજનક હતું.
 

west bengal
પશ્ચિમ બંગાળમાં હિંસક રાજનીતિનો ઇતિહાસ રહ્યો છે
 
 
પશ્ચિમ બંગાળમાં હિંસા અને રાજનીતિ એકબીજાના પૂરક છે. જ્યારે પણ પશ્ચિમ બંગાળમાં રાજનીતિની વાત થાય છે ત્યારે ત્યાંની રાજનૈતિક હિંસાને પણ જરૂરથી યાદ કરવામાં આવે છે. આમ તો દેશના લગભગ દરેક રાજ્યમાં ચૂંટણી દરમિયાન હિંસાની નાની મોટી ઘટનાઓ બને છે, પરંતુ પશ્ચિમ બંગાળમાં હિંસા અને હત્યાઓ જાણે કે રાજનીતિનો એક ભાગ બની ગયું છે. ચૂંટણીઓ ન હોય ત્યારે પણ વિરોધપક્ષના નેતાઓની હત્યાઓ અને હુમલાઓ બનતા જ રહે છે.
 
સ્વાધીનતા બાદ બંગાળે અનેક રાજનૈતિક નેતૃત્વવાળી સરકારો જોઈ. દાયકાઓ સુધી અહીં કોંગ્રેસનું શાસન હતું. ત્રણ દાયકાઓથી પણ વધુ સમય કોમ્યુનિસ્ટ પક્ષોએ રાજ કર્યું. ત્યારબાદ હવે મમતા દીદીના નેતૃત્વમાં તૃણમૂલ કોંગ્રેસ અહીં સત્તામાં છે. આ તમામ સરકારોમાં એક બાબત સામાન્ય હતી અને તે એ છે કે, તમામ રાજનૈતિક દળોના કાર્યકર્તાઓ વચ્ચે વિશેષ કરીને, ગ્રામીણ વિસ્તારોમાં હિંસક અથડામણો ચાલતી જ આવે છે. પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસાની શરૂઆત ૧૯૬૦થી ૧૯૭૦ના દાયકામાં નકસલ આંદોલન સાથે થઈ અને આ નકસલી હિંસા ધીરેધીરે રાજનૈતિક હિંસામાં બદલાઈ ગઈ. એક અનુમાન મુજબ છેલ્લા પાંચ દાયકામાં પશ્ચિમ બંગાળમાં રાજનીતિક હિંસામાં લગભગ ૩૦ હજારથી વધારે લોકોનો ભોગ લેવાઈ ચૂક્યો છે. ૨૦૧૧માં મમતા બેનર્જીના નેતૃત્વમાં થયેલા નંદીગ્રામ અને સિંગુર આંદોલન બાદ ૩૪ વર્ષની લેફ્ટ સરકારનું પતન થયું ત્યારે લોકોને લાગ્યું હતું કે, હવે પશ્ચિમ બંગાળ પર વર્ષોથી ચાલી આવતા રાજનીતિક રક્તચરિત્ર પર લગામ લાગશે, પરંતુ થયું તેનાથી સાવ ઊલટું મતબેંક અને સત્તા ટકાવવાની લાલચમાં મમતા બેનર્જીએ તો કોંગ્રેસ અને લેફ્ટ જેવી પૂર્વસરકારોને પણ સારી કહેવડાવી છે.
 
મમતારાજમાં તો પંચાયતની ચૂંટણીઓ હોય કે વિધાનસભા કે લોકસભાની ચૂંટણીઓ, હિંસા, આગજની અને હત્યાઓ સિવાય પૂર્ણ થતી જ નથી.
 
પરિવારો સાથે કાર્યાલયમાં રહેવા મજબૂર છે અમારા કાર્યકર્તા - રવિશંકર પ્રસાદ
 
લોકસભાની ચૂંટણી દરમિયાન અને ચૂંટણી પછી ભાજપના કાર્યકરો વિરુદ્ધ થયેલી હિંસાની તપાસ માટે પક્ષે એક સમિતિની રચના કરી છે. સમિતિમાં સામેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ, ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેવ સાથે પશ્ચિમ બંગાળના હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પીડિતોના હાલચાલ જાણ્યા હતા. મુલાકાત બાદ રવિશંકર પ્રસાદે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા અચરાયેલ ભયાનક હિંસાચારનો ચિતાર આપ્યો હતો. રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે, દરેક જગ્યાએ એક જ વાત સામે આવી છે. જો તમે ભાજપ માટે કામ કરો છો તો તમને ફટકારવામાં આવશે. તમે તમારા ગામમાં પણ નહિ જઈ શકો. તમારી પત્ની અને માતા-પિતા બાળકો સાથે ગમે તે થઈ શકે છે.
  
 
શું આ જ મમતા બેનર્જીની સરકાર છે? તૃણમૂલના કાર્યકર્તાઓ દ્વારા મહિલાઓને પણ બક્ષવામાં આવી નથી. ટીએમસીના ગુંડાઓએ કૂચબિહારમાં દલિત યુવતી સાથે બર્બરતા આચરી છે. પીડિતો રડી રહ્યા છે. પોલીસ તેમની ભાળ લઈ રહી નથી. મમતા બેનર્જીને શરમ આવવી જોઈએ. જો પીડિતોને જ હેરાન કરવાની આ પ્રવૃત્તિ બંધ નહીં થાય તો તેને રાષ્ટીય સ્તરે ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવશે.
 
મમતાએ હંમેશાં આઇડેન્ટિટી પોલિટિક્સને પ્રોત્સાહન આપ્યું છે - પ્રા. વિશ્વનાથ ચક્રવર્તી
 
બંગાળની રાજનીતિની ખૂબ જ નજીકથી નજર રાખનાર પ્રાધ્યાપક વિશ્વનાથ ચક્રવર્તી કહે છે કે, એક સમય હતો જ્યારે બંગાળની મતબેંક પર કોમ્યુનિસ્ટોનો કબજો હતો ત્યારે મમતા બેનર્જીએ પ્રથમ મતુઆ સમુદાયને લઈ આઇડેન્ટિટી પોલિટિક્સ શરૂ કર્યું, તેઓ બંગાળમાં બાંગ્લાદેશી ઘુસણખોરીનો મુદ્દો પણ બેબાકપણે ઉઠાવતાં પરંતુ નંદીગ્રામ પ્રકરણ બાદ મુસ્લિમ મતબેંકનું ભરપૂર સમર્થન મળતાં તેમની રાજનીતિ મુસ્લિમ કેન્દ્રિત બની. તેના કાઉન્ટરમાં ભાજપે હિન્દુત્વની રાજનીતિને પોતાનો જનાધાર વર્ષ-દર વર્ષ મજબૂત કર્યો છે. ત્યારે હવે જે હિંસા થાય છે તેમાં હિન્દુ-મુસ્લિમનો એંગલ પણ મુખ્ય ભાગ ભજવે છે.
 
જેટલી ઓછી પોલીસ, મમતાને ચૂંટણીમાં તેટલો જ ફાયદો - નઝરુલ ઇસ્લામ
 
પશ્ચિમ બંગાળના પૂર્વ આઇપીએસ અધિકારી નઝરુલ ઇસ્લામ કહે છે કે, રાજ્યમં ચૂંટણીઓ શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તેના માટે જરૂરી છે, રાજ્યમાં પૂરતી સંખ્યામાં પોલીસદળનું તહેનાત થવું. અને સત્તાધારી પક્ષ એ જ નથી ઇચ્છતી. અગાઉના પક્ષો પણ આવું જ કરતા ત્યારે જરૂરી છે કે, રાજ્યમાં લૉ એન્ડ ઓર્ડરને મજબૂત કરવામાં આવે, કારણ કે મમતા સારી રીતે જાણે છે કે, ચૂંટણી દરમિયાન રાજ્યમાં જેટલી ઓછી પોલીસ ફોર્સ હશે, તેમના પક્ષને તેટલો જ વધુ ફાયદો થશે.
 
હવે એકમાત્ર આશા-સત્તાપરિવર્તન
 
બંગાળમાં લેફ્ટનાં ૩૪ વર્ષ અને મમતા બેનર્જીનાં ૧૩ વર્ષના કાર્યકાળમાં પશ્ચિમ બંગાળની જનતા સતત રાજનૈતિક હિંસાના ખપ્પરમાં હોમાતી રહી છે ત્યારે તમામ લોકોની નજર હવે કોઈ ત્રીજા મજબૂત વિકલ્પ પર છે. આ વિકલ્પ ૨૦૨૬ની વિધાનસભાની ચૂંટણીઓમાં જનતાની પાસે બધાંને અપનાવ્યા પછી એક જ વિકલ્પ બચે છે- ભારતીય જનતા પાર્ટી. કારણ કે હાલ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનો મજબૂત વિકલ્પ માત્ર ભાજપ જ પૂરો પાડી શકે તેમ છે. અને આ વાત તૃણમૂલ કોંગ્રેસ અને મમતા બેનર્જી સારી રીતે જાણે છે. માટે જ તેઓ કોઈપણ ભોગે એ મજબૂત વિકલ્પને ઊગતો જ ડામી દેવા માગે છે. પ્રત્યેક ચૂંટણી દરમિયાન માત્ર ને માત્ર ભાજપ અને તેનું સમર્થન કરતી મતબેંકની વિરોધી હિંસા આની સાબિતી છે, ત્યારે પશ્ચિમ બંગાળની જનતાએ આવનાર સમયમાં પરિવર્તન માટે આવા અનેક હિંસક હુમલાઓનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. અને ભાજપે પણ પશ્ચિમ બંગાળની જનતાને સંરક્ષણ પૂરું પાડવા માટે છેવટ સુધીનાં પગલાં લેવાં પડે તો લેવાં. તે માટે પાછી પાની કરવી જોઈએ નહીં. દાયકાઓ બાદ પશ્ચિમ બંગાળની જનતામાં કોઈ પક્ષે શાંતિ અને સુશાસનની આશા જગાવી છે, જેના માટે સત્તા સમર્થિત અનેક અત્યાચારો સહન કરી રહી છે ત્યારે જોવાનું એ રહ્યું કે, પશ્ચિમ બંગાળની રાજકીય પરિસ્થિતિ કેવો વળાંક લે છે. આશા રાખીએ કે, જે શાંતિ અને વિકાસ પશ્ચિમ બંગાળની જનતા દાયકાઓથી વંચિત રહી છે. તે જ શાંતિ અને વિકાસના સુશાસનનું સ્વપ્ન ૨૦૨૬માં પૂર્ણ થાય.
 
 

સંજય ગોસાઈ

સંજય ગોસાઇ સાધનામાં છેલ્લા ૧૦ વર્ષથી પત્રકાર તરીકે કામ કરે છે. તેમણે ગૂજરાત વિદ્યાપીઠમાંથી જર્નાલિઝમની માસ્ટર ડિગ્રી મેળવી છે. હાલ તેઓ સાધનાનાં સંપાદક મંડળમાં છે…