૯૫ ટકા મુસ્લિમ વસતિવાળો અજરબૈજાન એક એવો મુસ્લિમ દેશ છે જ્યાં આજે પણ હિન્દુ ધર્મની પ્રાચીન પરંપરા જીવંત છે. અજરબૈજાનની રાજધાની બાકમાં એવું મંદિર છે જ્યાં સદીઓથી અખંડ જ્યોત પ્રગટી રહી છે. મંદિરની છત પર એક ત્રિશૂળ પણ સ્થાપિત થયેલું છે. મંદિરનો ઇતિહાસ ૩૦૦ વર્ષ પ્રાચીન માનવામાં આવે છે. હિન્દુઓ તેને મા દુર્ગાનું મંદિર માને છે. જોકે આ મંદિરમાં કોઈ પ્રતિમા નથી. પરંતુ મંદિરની વચ્ચોવચ્ચ પ્રગટી રહેલી અખંડ જ્યોતની પૂજા થાય છે.
મંદિરના શિલાલેખ
મીડિયાના અહેવાલો મુજબ સેંકડો વર્ષ પહેલાં ભારતીય વ્યવસાયીઓ આ રસ્તેથી જ વેપાર કરતા હતા. તેઓએ જ આ મંદિર બનાવ્યું હતું. ઇતિહાસકારો મુજબ હરિયાણાના કુરુક્ષેત્રમાં રહેતા બુદ્ધદેવ નામના એક વેપારીએ આ મંદિર બનાવ્યું હતું. અન્ય એક શિલાલેખ મુજબ ઉત્તમચંદ અને શોભરાજ નામના બે વેપારીઓએ આ મંદિરનિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. પારસીઓ પણ આ મંદિરને ફાયર ઓફ ટેમ્પલ ગણાવી તેના દર્શને આવે છે. ૨૦૧૮માં તત્કાલીન વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે પણ અજરબૈજાનની ત્રણ દિવસીય યાત્રા દરમિયાન આ મંદિરે જઈ દર્શન કર્યાં હતાં.