ગત સપ્તાહે વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સંસદમાં આપેલા પોતાના ભાષણમાં સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવીને વિવાદ સર્જ્યો હતો. તેમણે કહ્યું હતું કે “जो लोग अपने आपको हिंदू कहते हैं वो 24 घंटे हिंसा-हिंसा-हिंसा..नफरत-नफरत-नफरत... करते हैं.” ઉપરાંત રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શંકરની તસવીર બતાવીને હિન્દુઓને અપમાનિત કરવાનો દુષ્પ્રયાસ પણ કર્યો હતો. ખરેખર તો, રાહુલે જે કહ્યું, તે પૂરેપૂરું સમજી વિચારીને ષડયંત્રપૂર્વક કરેલી વાત હતી. આ તેમણે પૂર્વઆયોજિત એજન્ડા મુજબ કહ્યું હતું. હકીકતમાં જોવા જઇએ તો વિદેશી તાકાત અને વૈશ્વિક યોજનાનો આ એક ભાગ છે, જે અંતર્ગત હંમેશા હિંદુ સમાજને નિર્બળ બનાવવા સાથે વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રા.સ્વ.સંઘના પ્રચારક અને પ્રજ્ઞાપ્રવાહના રાષ્ટીય સંયોજક જે. નંદકુમારજીએ પાંચજન્ય સાપ્તાહિકમાં આ સમગ્ર મુદ્દે વિશેષ છણાવટ કરતો લેખ લખ્યો છે. જેમાં હિન્દુત્વની વિશાળતા અને હિન્દુઓની સહિષ્ણુતા અંગે ઉદાહરણો ટાંકીને વાત કરી છે. હિન્દુત્વને વારંવાર બદનામ કરતા કોંગ્રેસીઓ અને ડાબેરીઓનાં ષડયંત્ર વિશે પણ આ લેખમાં છણાવટ કરવામાં આવી છે. આ વિશેષ લેખ અહીં પ્રસ્તુત છે.
કથિત ઉદારવાદી ડાબેરી બુદ્ધિજીવીઓ અને ઇસ્લામની તરફેણ કરનારા લોકોની યુતિએ હિંદુ ધર્મ અને હિંદુત્વ વચ્ચે અંતર વધારવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ દેશમાં તેમની રાજકીય તાકાત ઘટવાથી તેમના પ્રયાસો સફળ થતા નહોતા, પરંતુ તાજેતરમાં લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં અગાઉ કરતાં વધુ સીટો લાવવામાં સફળ થયા બાદ, ફરી દેશમાં આ પ્રકારના જોખમી નેરેટિવ ઊભા કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ખરેખર તો હિંદુ સમાજમાં ભ્રમ ફેલાવી અરાજકતાભરી સ્થિતિનું નિર્માણ કરી રાજકીય લણણી લણવામાં આવી રહી છે.
આ જૂની નેહરુવાદી પંથનિરપેક્ષતા છે, જેને હિંદુ તરીકે પ્રસ્તુત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દરેક સ્તરે તેનો વિરોધ કરવો જોઇએ. દરેક હિંદુએ હિંદુ સભ્યતા અને સંસ્કૃતિના હિતમાં પોતાનું કર્તવ્ય સમજી આ વિચારધારાનો વિરોધ કરવો જોઇએ.
રાહુલ ગાંધી દ્વારા ભાજપના નેતૃત્વને ઘેરવા માટે કરાયેલી આ ટિપ્પણીઓને ઘણા ટિપ્પણીકારોએ બાલિશ હરકત ગણાવી તેને રદિયો આપી દીધો. રાહુલ ગાંધીએ સંસદમાં ભગવાન શિવની તસવીરને ફરકાવી. (સારું છે કે, તેમણે અલ્લાહને બાકાત રાખ્યા, તેથી તેમનું મસ્તક આજે સહી સલામત છે). સ્મરણ રહે કે, સંસદમાં આ કાર્ય કોઇ ઉદ્દેશ્ય વગર કરવામાં આવ્યું નહોતું.
સમાજને તોડવાનો પ્રયાસ
હકીકતમાં આ બધું વિદેશી તાકાતની વૈશ્વિક યોજનાનો એક ભાગ છે, જે અંતર્ગત નિર્ધારિત આયોજન હેઠળ હિંદુ સમાજને નિર્બળ અને વિભાજિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ એ તાકાતો છે જે ઘસાયેલી- ચૂંથાયેલી, આર્ય- દ્રવિડની વાતો ઘડીને સમાજના ભાગલા કરવા માટે પ્રયત્નશીલ રહે છે. એ જ લોકો આ વખતે ફરી એક નવી પદ્ધતિ અપનાવી આ કામમાં લાગી ગયા છે. આ લોકોએ જ ઉત્તર ભારત અને દક્ષિણ ભારત વચ્ચે ભેદ ઊભો કરવા માટે ભગવાન શ્રીરામને ઉત્તર ભારતીય અને આક્રમણકારી ગણાવી મુરુગન સંમેલન (ભગવાન કાર્તિકેયને દક્ષિણ ભારતમાં મુરુગન કહેવામાં આવે છે) કરવાની યોજના બનાવી છે. થોડા સમય પહેલાં ડીએમકે નેતાએ કહ્યું હતું કે, `રામ કોણ છે? દક્ષિણમાં રામની કોઇ પ્રાસંગિકતા નથી.' આ પ્રકારની મનઘંડત વાતો ફેલાવીને તેઓ કાયમથી શૈવ અને વૈષ્ણવો વચ્ચે અંતર લાવવાના પ્રયાસો કરતા રહે છે. આવા જ જૂઠા વિમર્શને આગળ ધપાવવા માટે ગત વર્ષે કેરળમાં `કટિંગ સાઉથ સંમેલન' યોજવામાં આવ્યું હતું. આ સંમેલનને ડાબેરીઓ અને કોંગ્રેસના નેતાઓએ પણ સમર્થન આપ્યું.
તમિલનાડુના મુખ્યમંત્રી એમ. કે. સ્ટાલિનના દીકરા સનાતન ધર્મને નાબૂદ કરવાનું નિવેદન આપી પહેલાં જ પોતાનો ઉદ્દેશ, મંછા પ્રગટ કરી ચૂક્યા છે. આ જ હરોળમાં, નીચલા ગૃહમાં રાહુલ ગાંધીએ ભાજપનો ઘેરાવ કરવા જે પ્રકારના શબ્દોનો પ્રયોગ કર્યો, તે બીજું કંઇ નહીં પરંતુ હિંદુ ધર્મને બદનામ કરવા માટે ભ્રામક દૃષ્ટિકોણ અને ભ્રામક વિમર્શ ઉભો કરવાનો જ ભાગ છે. આ પ્રકારનાં નિવેદનોથી તેઓ હિંદુઓ વચ્ચે અંતર વધારવાના પ્રયાસ કરે છે. દેશભરમાં ઉભા થયેલા આ પ્રકારના વાતાવરણમાં આપણે આ પ્રકારના શબ્દોને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવા જરૂરી બને છે. કેટલાક વિદ્વાનોને `હિંદુ ધર્મ' આ શબ્દથી સમસ્યા છે, કારણ કે અહીં `ઇઝ્મ'નો અર્થ વિચારોનું એક બંધ પુસ્તક અથવા એક અંધવિશ્વાસુ પ્રણાલી છે. સ્વદેશી દર્શન અને પ્રણાલીને દર્શાવવા માટે હિંદુ ધર્મની જગ્યાએ હિંદુત્વ (હિંદુનેસ) અથવા હિંદુ ધર્મ શબ્દનો ઉપયોગ કરવો પસંદ કરે છે. હિંદુત્વએ કોઇ પંથ નથી, તે જીવન જીવવાની એક રીત છે એ તો મનુષ્યને ઈશ્વર તરફ લઇ જતો ધર્મ છે. સંસ્કૃતમાં, ધર્મ શબ્દની ઉત્પતિ ધૃ ધાતુથી થઇ છે, જેનો અર્થ છે ધારણ કરવું. આ તત્વ સમાજ, પરિવારને એકસાથે જોડી રાખે છે. અંગ્રેજીમાં એવો કોઇ શબ્દ નથી જે ધર્મને પૂરી રીતે વ્યાખ્યાયિત કરી શકે. આ મૂળ સ્વભાવગત વિચાર છે, જે ભારતીય માનસિકતાને સુસંગતતા પ્રદાન કરે છે.
હિંદુ ધર્મની સાર્વભૌમત્વ દૃષ્ટિ
હિંદુત્વ કે હિંદુ ધર્મ ઇશ્વર સુધી લઇ જતા નથી, પરંતુ પરમ સત્તા સાથે એકત્વ પ્રાપ્તિનો માર્ગ ચીંધે છે. એટલે જ ધર્મમાં કહેવામાં આવ્યું છે કે, ‘शिवो भूत्वा, शिवम्यजेत्’અર્થાત્ શિવ બનો, ફરી શિવની પૂજા કરો. ઇશ્વર અને મનુષ્ય વચ્ચે કોઇ દ્વૈત નથી. આ જ હિંદુની સાર્વભૌમિક દ્રષ્ટિ છે, સાર્વભૌમિક દર્શન છે. હિંદુત્વ કોઇપણ દ્વેષ કે દુર્ભાવના વગર, ભારતીય ભૌતિકવાદના પૂર્વ ચિંતક ચાર્વાક કે લોકાયત વિદ્યાલયોના દાર્શનિક તર્કોને સમાયોજિત કરી શકે છે, તેમજ સ્વીકારી પણ શકે છે. પરંતુ વિશ્વને આસ્થાવાન અને નાસ્તિક તેમ અલગ વિભાજિત કરનારા તત્વજ્ઞાન અને સિદ્ધાંતને પોતાનામાં સમાવી શકતા નથી.
ડૉ. રાધાકૃષ્ણને કહ્યું છે કે, ધર્મ એ છે, જે સમાજને એકસૂત્રમાં બાંધી રાખે છે. સમાજમાં પારસ્પરિક સંઘર્ષ ઉભો કરનારો, વિવિધ ભાગોમાં વિભાજિત કરનારો અધર્મ છે. ધર્મ સર્વોચ્ચ પ્રાપ્તિ છે. આપણાં જીવનનાં નાનાં- મોટાં દરેક કાર્યને સર્વોચ્ચતાના ભાવ સાથે કરવું, તે સિવાય બીજું કાંઇ નથી. જો તમે આ કરવામાં સક્ષમ છો, તો તમે ધર્મનું પાલન કરી શકો છો. પરંતુ તમે અન્ય રુચિમાં મગ્ન હોવ અને તમે અન્ય ક્ષેત્રોમાં તમારા મનને ચોંટાડવાનો પ્રયાસ કરતા રહો, તો તમારી દ્રષ્ટિએ ભલે તમે ખુદને આસ્તિક ગણાવશો, પરંતુ સાચા અર્થમાં આસ્તિક બની શકશો નહીં. જે વ્યક્તિ હૃદયથી ઇશ્વર પ્રત્યે સાચી શ્રદ્ધા ધરાવે છે, તે હંમેશા ધર્મને વળગીને રહી શકે છે. હિંદુ ધર્મ સાધકને વિચાર અને પસંદગી કરવાની સ્વતંત્રતા બક્ષે છે, અહીં વ્યક્તિ પ્રશ્ન કરવા, સ્વીકાર કરવા અને તેનો ઇનકાર કરવા સ્વતંત્ર છે. સ્વામી શિવાનંદ કહે છે, હિંદુ ધર્મ મનુષ્યના તર્કસંગત મગજને સ્વતંત્રતા આપે છે. તે ક્યારેય પણ માનવીય તર્કની સ્વતંત્રતા, વિચાર, ભાવના અને ઇચ્છાની સ્વતંત્રતા પર અયોગ્ય પ્રતિબંધની માંગણી મૂકતો નથી. હિંદુ ધર્મ સ્વતંત્રતા આપનારો ધર્મ છે, શ્રદ્ધા અને પૂજાના મામલે વ્યાપક સ્વતંત્રતા આપે છે. ઇશ્વરની પ્રકૃત્તિ, આત્મા,પૂજાની રીત, સૃષ્ટિ અને જીવનના લક્ષ્ય જેવા મામલે માનવીય તર્ક અને પૂર્ણ સ્વતંત્રતાની મંજૂરી આપે છે. તે કોઇને વિશેષ અનુષ્ઠાન કે પૂજાના પ્રકારોને સ્વીકાર કરવા માટે જકડી રાખતો નથી. તે દરેક વ્યક્તિને ચિંતન કરવા, તપાસ કરવા, પૂછપરછ કરવા, વિચાર કરવા માટે અનુમતિ આપે છે.
હિંદુત્વ એક દર્શન
હિંદુત્વએ કોઇ વિશેષ ધર્મગ્રંથ કે માર્ગને પ્રાથમિકતા આપતું નથી. એટલું જ નહીં, અનેક લોકો દ્વારા પૂજનીય એવા વેદો પણ તેના અંતિમ પ્રમાણ નથી. હિંદુ વેદોના અધિકાર પર પણ સવાલ ઉઠાવવા માટે સ્વતંત્ર છે. આદિ શંકરાચાર્ય શંકર ભાષ્યમાં કહ્યું છે કે,
शेतो अग्नि अप्रकाशो वा इथि ब्रुवन श्रुति शतमपि न प्रमाणमुपैथि।
અર્થાત્ :
જો કોઇ વેદમાં કહેવામાં આવે કે આગ ઠંડી છે અને પ્રકાશનું ઉત્સર્જન કરતી નથી, તો હું તેનો અસ્વીકાર કરીશ.
કેટલાક ઉદાહરણોમાં ભગવદ્ગીતા પણ વેદોના અધિકાર પર પ્રશ્નો ઉભા કરે છે. હિંદુત્વએ વ્યક્તિગત અનુભવને પ્રાધાન્ય આપે છે. તે સત્યના એકમાત્ર સ્વામીરૂપે વ્યક્તિઓના દાવાઓનો અસ્વીકાર કરે છે. ઉપનિષદ, વેદ માત્ર આધ્યાત્મિક માર્ગદર્શક છે. પ્રત્યેક પુરુષ અને મહિલા પોતાનો માર્ગ પસંદ કરવા સ્વતંત્ર છે. વિદ્વાન અને અશિક્ષિત બંનેને પોતાના અનુભવોના માધ્યમથી પોતાના રસ્તે ચાલવાનો સમાન અધિકાર છે. હિંદુ ધર્મમાં કોઇપણ એ દાવો કરી શકતો નથી કે, તેની પાસે આધ્યાત્મિક સત્ય અને ઇશ્વર સુધી પહોંચવાનો એકમાત્ર માર્ગ છે. એક પ્રણાલી અથવા એક સંદેશ અનેકમાંથી માત્ર એક જ હોઇ શકે. આથી, જ આપણે કહી શકીએ કે, હિંદુત્વ એ કેવળ વિશ્વાસ કે શ્રદ્ધા નથી, પરંતુ તત્ત્વજ્ઞાન છે. ભગવાન શ્રીકૃષ્ણએ ભગવદ્ ગીતામાં સુંદર રીતે આ સમજાવ્યું છે
ये यथा माँ प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् ।
मम वर्त्मानुवर्तन्ते मनुष्याः पार्थ सर्वशः ॥
અર્થાત્ :
હે અર્જુન, જે ભક્ત મને જે પ્રકારે ભજે છે, હું પણ એને એ જ પ્રકારે ભજું છું. કારણ કે, તમામ મનુષ્યો બધા પ્રકારે મારા જ માર્ગનું અનુસરણ કરે છે.
આથી જ, આપણે દૃઢતાથી કહી શકીએ કે, કોઇ પણ વિશ્વાસ પ્રણાલી કોઇ વિચાર કે આસ્થા, જે સ્વતંત્રતાને નકારે છે, તે હિંદુત્વનો ભાગ હોઇ શકે જ નહીં. ભારતના પુનર્જન્મ માટે શ્રી અરવિંદે સૂચવ્યું હતું કે, જીવનમાં સત્ય આચરણની બહાલી માટે હિંદુ ધર્મનાં મૂલ્યોને આપણી શૈક્ષણિક પ્રણાલીમાં સામેલ કરવાં જોઇએ. થોડાં વર્ષો પહેલા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ પ્રચારક માનનીય રંગા હરિજી સાથે વાતચીત દરમિયાન કેરળના પૂર્વ મુખ્ય સચિવ સ્વર્ગીય ડૉ. ડી. બાબૂ પૉલ, જે એક સીરિયાઇ ઇસાઇ છે, તેમણે જણાવ્યું હતું કે, હિંદુઓને હિંદુ ધર્મને લઇ વધુ ને વધુ આસ્થાવાન બનાવવા એ માનવતા માટે વરદાન બની રહેશે. હિંદુત્વમાં દાર્શનિક મૂળને અલગ રાખીને પરસ્પર વિરોધી વિચારો અને વિશ્વાસ પ્રણાલીઓનો પણ સમાવેશ કરવાની અને આત્મસાત્ કરવાની ઉલ્લેખનીય શક્તિ છે. તેમાં નવા વિચારો પ્રત્યે નફરત નથી. ઊલટું, તે નવા લોકોની વિચારધારાને ગ્રહણ કરે છે, ભલે ને તેનો ઉદ્ભવ ગમે ત્યાંથી થયો હોય.
आ नो भद्राः क्रतवो यन्तु विश्वतः
અર્થાત્ :
તમામ બાજુએથી સારા વિચારો આપણી પાસે આવે. તેણે નવા વિચારોનું સ્વાગત કર્યું અને તેની સાથે પ્રયોગ કર્યો, આ રીતે પોતાના પાયાને વધુ મજબૂત કર્યા. આ ગ્રંથોમાં ચકાસણીની ભાવના, વસ્તુઓ વિશેની સત્યની પરખ કરવા માટે સતત ઝબકતું ઝનૂન એ નહીંવત્ છે. હિંદુ ધર્મે સત્યની શોધમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવ્યો છે, આથી જ તેનો વિજ્ઞાન સાથે ક્યારેય ટકરાવ થયો નથી. આપણા ઋષિઓએ રહસ્યમય તેમજ તર્કસંગત જ્ઞાનને ક્યારેય અલગ તારવ્યું નથી. તેમણે સત્યને જાણવા અને અનુભવવા માટે યોગ જેવી પદ્ધતિઓને વિકસાવી. હિંદુઓનો વિશ્વ દ્રષ્ટિકોણ અદ્વૈત દર્શનથી આકાર લેતો રહે છે. તે કહે છે કે, બ્રહ્માંડ એક પદાર્થથી બન્યો છે, જેનું સ્વરૂ પ સતત બદલાતું રહે છે. આપણે બ્રહ્માંડનો એક ભાગ છીએ અને આપણું જીવન બ્રહ્માંડની સાથે નિરંતરતામાં છે. હિંદુ ધર્મ અનુસાર, બ્રહ્માંડ ભગવાનનું શરીર છે, તમામ નિર્જીવ અને જીવિત પ્રાણી તેનો એક ભાગ છે.
अखण्ड मंडलाकारं व्याप्तं येन चराचरं ।
तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नम: ।।
અર્થાત્ :
ઇશ્વર જે સંપૂર્ણ છે, જે અવિભાજ્ય છે, તે દરેક જગ્યાએ હયાત છે, સજીવ અને નિર્જીવ બંને જગતમાં વ્યાપ્ત છે. ગુરુ, જેણે ભગવાનના ચરણકમળને જોયા છે, તેને હું નમન કરું છું. આથી જ, એક હિંદુ પાસે સંબંધપરક નિરંતરતાને સંતુલનમાં રાખવા માટે એક મજબૂત નૈતિક પ્રતિબદ્ધતા છે, કારણ કે પ્રકૃતિને નુકસાન પહોંચાડવાનો અર્થ છે, પોતાની જાતને નુકસાન પહોંચાડવું.
હિંદુત્વ અને લોકતંત્ર
એકવાર રા.સ્વ.સંઘના તત્કાલીન સરસંઘચાલક શ્રી રાજેન્દ્રસિંહને એક વિદેશી સંવાદદાતાએ પૂછ્યું કે, `તેઓ આ લોકતંત્રને કેવી રીતે જુએ છે? જે વિશ્વને પશ્ચિમી સંસ્કૃતિ દ્વારા અપાયેલો એક ઉપહાર છે.' ભાવપૂર્ણ હસતાં તેમણે ઉત્તર આપ્યો કે, `પાકિસ્તાને પણ તે જ સમયે લોકશાહી અપનાવી, તેના પછી બાંગ્લાદેશે પણ.. તમે બંને દેશોમાં લોકશાહીનાં સ્વરૂપોને જોઇ શકો છો.'
લોકશાહીનો વિચાર એ ભારત માટે કંઇ અલગ નથી. ઋગ્વેદ અને અથર્વવેદમાં સભા અને સમિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઋગ્વેદ આપણને સમજાવે છે કે, રાજાની સ્થિતિ પૂર્ણ હોતી નથી. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ગણરાજ્યોના વિભિન્ન રૂપો અને નિર્ણય લેવા માટે નાગરિકની ભૂમિકા પર ચર્ચા કરવામાં આવી છે. બૌદ્ધકાળ દરમિયાન અનેક રાજ્યો પોતાના રાજાની પસંદગી લોકશાહી ઢબે કરતા હોવાનું જાણવા મળે છે. ઇતિહાસ દર્શાવે છે કે વૈશાલીના રાજા વિશાલને પ્રજાએ ચૂંટ્યા હતા. જ્યારે મહાત્મા ગાંધીએ ગ્રામ ગણરાજ્યની સ્થાપના વિશે વાત કરી, તો તેમનું એકમાત્ર લક્ષ્ય હતું કે, આપણાં પૂર્વજો દ્વારા વિકસિત લોકતંત્રના પ્રાચીન પરંતુ મજબૂત સિદ્ધાંતો પર આધારિત સામાજિક રાજકીય સંરચનાઓનો પુનરુદ્ધાર કરવામાં આવે.
હિંદુત્વ વર્સીસ નેહરુવાદી સેક્યુલરિઝમ
નેહરુવાદી સેક્યુલરિઝમના રૂપે પ્રચાર કરનારા તેમજ પોતાના ફાયદા માટે ભારતની રાજનીતિને સૌથી વધુ નુકસાન પહોંચાડનારા દરેક વિચારનો આપણે અસ્વીકાર કરીએ છીએ. આ વિચારબીજે એક જાતિને અન્ય જાતિ અને એક સમુદાયને અન્ય સમુદાય વિરુદ્ધ ઊભો કર્યો છે તેમજ કથિત અલ્પસંખ્યક સમુદાયોને રાષ્ટ્રીય મુખ્ય પ્રવાહમાં એકાકાર થતા અટકાવ્યા છે.
નેહરુવાદી પંથનિરપેક્ષતાની ઉત્પતિની વ્યાખ્યા કરતાં વરિષ્ઠ પત્રકાર માધવ નલપત લખે છે, એવું પ્રતીત થાય છે કે નેહરુ વિભાજનની વિભીષિકાને લઈ એટલા ભયભીત હતા કે, તેમણે સ્પષ્ટ રૂપે નિર્ણય લીધો કે, ક્યાંક ધર્મના આધારે ફરી ક્યારેય આ પરિસ્થિતિ ઉદ્ભવે નહીં. આ માટેની રીત છે - અલ્પસંખ્યકોને અલગ કરવા.
નેહરુએ સુનિશ્ચિત કર્યુ કે, પર્સનલ લૉ જેવા મુદ્દાઓના અપવાદ રૂપે લઘુમતીને અમુક અધિકારો આપવામાં આવ્યા, બહુમતી માટે વિશેષ અધિકારોનો વિચાર કરવામાં આવ્યો નહીં. નેહરુવાદી સેક્યુલારિઝમનો જન્મ અસુરક્ષા, અપ્રામાણિકતા અને નિર્બળતામાંથી થયો. તેનો મુખ્ય ઉદ્દેશ હિંદુઓને વિભાજિત કરી અને લઘુમતીઓને એક કરવાનો છે. ઉપરાંત તેનો અન્ય હેતુ એ છે કે, ઈમાનદારીરહિત એકતાની બનાવટી ભાવનાને પ્રોત્સાહિત કરવી, જેનો ઉપયોગ તેમનાં દ્વારા વૈચારિક સ્વાતંત્ર્ય પર તરાપ મારી અને કામગીરીમાં થતી પ્રગતિને હતોત્સાહિત કરવા માટે કરવામાં આવે.
મહર્ષિ અરવિંદ જૂઠી એકતાના જોખમો પ્રત્યે સતર્ક રહેવાનું જણાવતાં કહે છે કે, એક મૃત અને નિર્જીવ એકતાનો વ્યાપ એ રાષ્ટ્રીય પતનનો સાચો સૂચકાંક છે, જ્યારે એક જીવિત એકતાનો વ્યાપ એ રાષ્ટ્રીય મહાનતાનો સૂચકાંક છે. રસપ્રદ વાત એ છે કે, નેહરુવાદી સેક્યુલરિઝમની સૌથી વધુ પ્રાસંગિક અને તીવ્ર ટીકા બીજા કોઈએ નહીં પરંતુ પ્રધાનમંત્રીના કેબિનેટ સહયોગી ક.મા.મુનશીએ કરી હતી. તેમનું કહેવું હતું કે, સેક્યુલરિઝમની આડશમાં આ ધર્મવિરોધી તાકાતો જ છે, જે કથિત સેક્યુલરો અને સામ્યવાદ દ્વારા ઊભી કરવામાં આવી છે. તે બહુમતી સમુદાયની ધાર્મિક ધર્મપરાયણતા અને તેમની ભક્તિની નિંદા કરે છે. તેના નામ પર સત્તાધારી રાજનેતા એક વિચિત્ર વલણ અપનાવી રહ્યા છે, જે આ વલણ દ્વારા તેઓ લઘુમતી સમુદાયોના મજહબી અને સામાજિક સંવેદનાનો સ્વીકાર કરશે, પરંતુ બહુમતી સમુદાયમાં રહેલી, આ પ્રકારની સંવેદનાઓને સાંપ્રદાયિક અને રૂઢિગત ગણાવવા માટે પણ તૈયાર છે. અને છતાં સેક્યુલરિઝમ શબ્દનો દુરુપયોગ જો આ રીતે જ ચાલુ રહેશે તો પારંપરિક સહિષ્ણુતાની નદીને સુકાતાં વાર નહીં લાગે. ક.મા.મુનશી દ્વારા વ્યક્ત કરવામાં આવેલી આ આશંકાઓ તે સમયે કરતાં વધુ અત્યારે પ્રાસંગિક લાગે છે.
એસ.એન. બાલગંગાધરે `રીકૉન્સેપ્ચુઅલાઇઝિંગ ઇંડિયા સ્ટડીઝ'માં લખ્યું છે કે, `આ પ્રકારની પંથનિરપેક્ષતા હિંસાને જન્મ આપે છે.' આમે ય, આપણે જોઇ ચૂક્યા છીએ કે, નેહરુવાદી સેક્યુલરિઝમના સમર્થકો પંથનિરપેક્ષતાની વાતો કરીને રામજન્મભૂમિ મામલે જૂઠાણાં અને ષડયંત્રોનો ટેકો લઇ રહ્યા છે.
ભારતની સાચી નિયત
હિંદુત્વમાં સમય પ્રમાણે પોતાને સુધારવાની અને નવા આવિષ્કાર કરવાની જબરદસ્ત ક્ષમતા રહેલી છે. આપણને આપણાં ઇતિહાસ તરફ ગર્વ છે, પણ આપણું ધ્યાન ભવિષ્ય તરફ છે. આપણી માતૃભૂમિને પરમ ગૌરવ પ્રાપ્ત કરાવવા આપણને ભારતીય વિચારો અને તત્વજ્ઞાનની જરૂર છે, વિદેશી સંકલ્પ કે સમાધાનની નહીં.
હિન્દુઓ સાવધાન !
પાંચજન્યના સંપાદકશ્રી હિતેશ શંકર આ અંગે પોતાના તંત્રીલેખમાં કેટલાંક ઉદાહરણો ટાંકીને હિન્દુ સમાજને સાવધાન કરે છે. તે જોઈને પછી આપણે વિરમીશું. તેઓ લખે છે કે, `મનોહર મલગાંવકરના પુસ્તક `ધ મેન કિલ્ડ ગાંધી'માં ઉલ્લેખ છે કે, એલ. બી. ભોપટકર સાથે વાતચીતમાં તત્કાલીન કાયદામંત્રી ડૉ. ભીમરાવ આંબેડકરે ખુદ જણાવ્યું હતું કે, કોઈ જ પુરાવાઓ ન હોવા છતાં પણ નહેરુ કોઈપણ રીતે સાવરકરને ગાંધી હત્યાકાંડ સાથે સાંકળવા માંગતા હતા.
વર્તમાનમાં જુઠ્ઠાણાં, નફરત અને જીદની એ જ પરિવારવાદી રાજનીતિ એક વધુ ફલાંગ આગળ વધી ગઈ છે. હિન્દુઓને લાંછિત કરવાની જીદ હવે હદ વટાવી ગઈ છે. પહેલાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જે લોકો મંદિર જાય છે તે મહિલાઓની છેડતી કરે છે અને હવે તેઓ કહી રહ્યા છે કે, જે પોતાને હિન્દુ કહે છે, તે હિંસા હિંસાની વાતો કરે છે. રાહુલ ગાંધીનું આ નિવેદન હિન્દુ પ્રત્યેના પ્રેમને કારણે નહિ; હિન્દુઓ પ્રત્યેના દ્વેષને કારણે છે. આજે કોંગ્રેસ સમગ્ર હિન્દુ સમાજને નિશાને લેવા ગાળિયો કસી રહી છે. ત્યારે નિશાન પર એક વ્યક્તિ સાવરકરજી હતા અને આજે આ રાષ્ટનો વિચાર હિન્દુત્વ નિશાન પર છે.
ભારતીય રાજનીતિમાં હિન્દુત્વ પર કોંગ્રેસના હુમલા કોઈ નવી વાત નથી. ઇસ્લામિક કટ્ટરવાદ સામે આંખો મીંચી રાખનાર આ જ કોંગ્રેસે હિન્દુઓને હિંસક અને આતંકવાદી સાબિત કરવાના પ્રયાસો કર્યા હતા. હિન્દુ આતંકવાદ, ભગવો આતંકવાદ શબ્દ પણ આ જ કોંગ્રેસી કારખાનાની દેણ છે. કોંગ્રેસ દ્વારા હિન્દુત્વ પર હુમલા અને રાહુલ ગાંધીના નિવેદનો તત્કાલીન ઘટના માત્ર નથી. બલ્કે સતત અભિયાન છે. અને આ છેક નહેરૂકાળથી ચાલતું આવ્યું છે. ત્યારે સમગ્ર હિન્દુ સમાજે આ ષડયંત્રને સમજી સાવધાન રહેવાની જરૂર છે.'
- જે. નંદકુમાર (રાષ્ટ્રીય સંયોજક - પ્રજ્ઞા પ્રવાહ)