કોંગ્રેસ સરકારે પોતાનાં રાજકીય હિતોને સાધવા અને ગભરાઈને પણ રા.સ્વ.સંઘ જેવી રચનાત્મક સંસ્થા પર સતત પાયાવિહોણા પ્રતિબંધ લગાવ્યા. સત્યના આધાર પર તે હટવા લાગ્યા. છેલ્લે સરકારી કર્મચારીઓને સંઘમાં જોડાવા પર કોંગ્રેસે ૧૯૬૬માં લગાવેલા પ્રતિબંધને પણ તાજેતરમાં કેન્દ્રની ૩.0 સરકારે હટાવી દીધો છે.
વાસ્તવિક્તા એ છે કે, રાષ્ટીય સ્વયંસેવક સંઘ છેલ્લા ૯૯ વર્ષથી સતત રાષ્ટના પુનઃનિર્માણ અને સમાજની સેવામાં કાર્યરત છે. રાષ્ટીય સુરક્ષા, એકતા અને અખંડિતતામાં યોગદાન અને કુદરતી આફતોના સમયે સમાજને સાથે રાખીને તેમાંથી સમાજને હેમખેમ બહાર લઈ આવવાના કારણે દેશના તમામ પ્રકારના નેતૃત્વએ સમયાંતરે સંઘની ભૂમિકાની પ્રશંસા કરી છે.
`અખંડ ભારત' માટે કટિબદ્ધ રા. સ્વ. સંઘથી વિપરીત કોંગ્રેસે સત્તાના મોહમાં દેશના ભાગલા કર્યા. એટલું જ નહીં કાશ્મીર માટે કલમ-૩૭૦ અને PoK મામલે અણધડ નિર્ણયો લીધા. સાંપ્રદાયિક કટ્ટરવાદને પવન આપ્યો, આવાં બધાં વિપરિત કામોનો અને નીતિઓનો વિરોધ કરી રહેલો સંઘ કોંગ્રેસની આંખમાં કણાની જેમ ખૂંચતો હતો. વળી જનસંઘની સ્થાપના થઇ ત્યારથી સંઘના કેટલાક સ્વયંસેવકો પણ તેમાં જોડાયેલ હતા. સંસદમાં પં. નહેરુજીએ જ્યારે કહેલું કે- `I will crush Jansangh', ત્યારે જનસંઘના શ્યામાપ્રસાદ મુખરજીએ કહેલું `I will crush your crushing mentality'. વિચારી શકીએ કે, પં. નહેરુજીને સંઘ અને જનસંઘ પ્રત્યે કેવો ભયંકર ડંખ હતો.
૧૯૪૮માં ગાંધીહત્યાનો જૂઠો આરોપ મૂકી સંઘ પર મૂકેલો, તે અંગેના જૂદા જૂદા ત્રણ કેસોમાં સુપ્રીમ કોર્ટે સંઘને નિર્દોષ જાહેર કરેલ. કોંગ્રેસનું કંઈ ઉપજ્યું નહિ ત્યારે ૧૯૬૬માં કર્મચારીઓ સંઘમાં ન જોડાઈ શકે તેવું ઠરાવેલું, તેને, પણ અનેક કેસોમાં કોર્ટે સરકારને ઠપકો આપેલો. ત્યારબાદ કોંગ્રેસે ૧૯૭૫ની કટોકટી વખતે સંઘને પ્રતિબંધિત કરેલ, જે કટોકટી ઉઠતાં વેંત જ ઉઠાવી લેવાયો. ૧૯૯૨માં બાબરી ધ્વંસના બહાને કોંગ્રેસે સંઘ પર પ્રતિબંધ મૂકેલો, જે કોર્ટે કરેલા હુકમ અનુસાર ઉઠાવવો પડેલો.
સ્વાધીનતા પછી ભારતમાં માત્ર ૨૮મા વર્ષે કુમળા લોકતંત્ર પર સરમુખત્યારી ખૂની પંજો ઉગામાયો, જ્યારે ૧૯૭૫માં કોંગ્રેસે કટોકટી લાદી. લોકશાહી પર કારમો કુઠારાઘાત થયો. લાગ્યું કે હવે લોકતંત્રનો અસ્ત થશે. દેશ પર આવી પડેલી આ અણધારી આફતમાંથી દેશને ઉગારવાનું કામ રા.સ્વ.સંઘે હાથ ધર્યું. સ્વાધીન ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો એ સત્યાગ્રહ, અનેકો અગ્રણી દેશભક્તોના સહયોગ-સંકલનમાં, રા.સ્વ.સંઘે ચલાવ્યો. ત્યારે ૧,૪૦,૦૦૦ જેટલા લોકોને કોંગ્રેસે જેલમાં ઠૂંસી દીધા, તેમાંથી એક લાખ જેટલા સંઘના કાર્યકર્તાઓ જેલોમાં હતા. જેલોમાં અમાનવીય અત્યાચારો આચરવામાં આવ્યા. પરંતુ સત્યનો વિજય થયો. ઇન્દિરા ગાંધીનું સરમુખત્યાર થવાનું, સદાયને માટે ભારતમાં પોતાનું એકચક્રી શાસનનું સ્વપ્ન રોળી નાખનાર કોંગ્રેસ રા.સ્વ.સંઘને કેવી રીતે સહન કરી શકવાની.
સંઘનું સ્મરણ સતત સૌને ગણવેશમાં અનુશાસનબદ્ધ સ્વયંસેવકોની દેશવ્યાપી હારમાળા નજરે ચડે. પહેલી નજરે ગણવેશથી સજ્જ સ્વયંસેવકોના અનુશાસનને જોઈને આજે પણ કોંગ્રેસ બહુ ગભરાય છે. જુઓને સંઘ વિરુદ્ધનો આ અન્યાયી પ્રતિબંધ ઉઠતાં, કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જે વિરોધ નોંધાવ્યો તેમાં તેઓને સતાવતો ગણવેશનો ડર જોઈને અનાયાસે હસવું આવી જાય તેવું છે. જે કોંગ્રેસના જ લોકોએ સંઘમાં આવીને સંઘને જોયો, અનુભવ્યો તેઓની સંઘ માટેની ગલત ધારણાઓ કાયમ માટે દૂર થઈ ગઈ. સંઘ તો આખા ય રાષ્ટ્રમાં `રાષ્ટ પ્રથમ'નો મહિમા પ્રસ્થાપિત કરવા મથી રહ્યો છે. કોંગ્રેસના લોકો કોંગ્રેસમાં રહીને પણ સંઘમાં જોડાઈ શકે છે, જો કે તેના માટે એક મોટી હિંમતની અને નિસ્વાર્થ માનસિકતાની જરૂર છે.