જનસેવાના જાગીરદાર સંતશ્રી પુનિત મહારાજ

મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી.

    ૨૭-જુલાઇ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

punit maharaj
 
 
સૌથી મોટી બહાદુરીનું કામ છે, વિજયવેળાએ અભિમાનથી દૂર રહેવું અને પરાજય વખતે હતાશાથી. આવાં તો અનેક સોનેરી સૂત્રો દ્વારા જીવન પરિવર્તિત કરનાર સંત પુનિત મહારાજે ચેતનાની મશાલ પ્રગટાવીને સમાજમાં આકંઠ અજવાળું ફેલાવ્યું. સહજ સરળ ઈશ્વરને લોકો સમક્ષ મૂકી આપ્યો! યોગી સાથે ઉપયોગીનું પણ એટલું જ સન્માન થવું જોઈએ. સાધુ સાથે સીધું જીવન પણ જરૂરી છે! શિષ્ટ અને સંયમ વિનાનું જીવન લગામ વગરના ઘોડા જેવું છે! ધર્મ એ જીવનની લગામ છે તો સેવા એ રૂડા મનુષ્ય દેહની લગાન છે.
 
પુનિત મહારાજનું મૂળ નામ બાલકૃષ્ણ. બાળપણથી જ પુત્ર બાલકૃષ્ણને રામાયણ, ભાગવત ઇત્યાદિ ધર્મગ્રંથોની કથા માતાએ સંભળાવી. ઘસાઈને ઊજળાં થવાની પ્રેરણા મોટિવેશનલ સ્પીકર કરતાં આસપાસના વાતાવરણમાંથી મળે છે! પુનિત મહારાજ અમદાવાદમાં આવ્યા. મોટા શહેરના સંઘર્ષો પણ મોટા હોય! પણ મેરુ તો ડગે પણ જેનાં મન ન ડગે એવા પુનિત મહારાજ જેટલા નીચે પડ્યા એટલા જ વધુ ઊંચે ગયા.
 
ખૂબ નાની વયે પિતાનું મૃત્યુ થયું એટલે ઝાઝી જવાબદારી આવી. એમણે મૅટ્રિક સુધીનો અભ્યાસ કર્યો. સરસ્વતીબહેન સાથે ૧૩ વર્ષે લગ્ન કર્યાં અને ૧૩ વર્ષના હતા ત્યારે સરસ્વતીમાની કૃપાથી શબ્દ સાથે સંધાન થયું. ૧૩નો આંક એમના માટે હંમેશા શુકનિયાળ રહ્યો. ગૃહસ્થાશ્રમની ગાડીનાં બે પૈડાં એટલે પતિપત્ની. આકારપ્રકારમાં બે ચક્રો એકસરખાં હોય તો જ ગાડી બરાબર ચાલે. નાનાંમોટાં કે વાંકાંચૂંકાં હોય તો ગાડી બરાબર ચાલે નહીં. અકસ્માત પણ થઈ જાય.
 
મહારાજ રાત્રે સાયકલ લઈને નીકળી જાય અને ગલીએ-ગલીથી ભોજન લઈ જરૂરિયાતમંદને પહોંચાડે. સરયૂ મંદિરથી સાઉથ આફ્રિકા સુધી આ સેવાની સુવાસ વિસ્તરી. ભાડાના મકાનમાં રહેતાં રહેતાં એમને જ્ઞાન થયું કે, આ શરીર પણ ભાડાનું મકાન છે. કાલે ખાલી કરી દેવું પડશે. જો સત્કર્મ નહીં કર્યાં હોય તો ઉપર જતાં ગેંગેંફેંફેં થઈ જવાશે અને ઈશ્વરને કશો જવાબ નહીં આપી શકીએ! ગૃહસ્થી ચલાવવા અનેક નોકરીઓ કરી. ભજનકીર્તન અને સેવા કરતાં કરતાં ઘરની જવાબદારી પણ નિભાવી.
 
કેટલોક સમય હાઈસ્કૂલમાં શિક્ષક તરીકેની ફરજ પણ બજાવી. વિદ્યાર્થીને અભ્યાસ સાથે સંસ્કૃતિથી વાકેફ કરતા રહ્યા. સાલસ સ્વભાવના કારણે વિદ્યાર્થીપ્રિય બની રહ્યા. અનેક ગ્રંથોના વાચનથી શબ્દ સાથે એમને લાગણી અને લગાવ થયો. ગર્જના દૈનિકમાં કારકુનથી પત્રકારત્વનું પગથિયું ચડ્યા. એકવાર એક પત્રકાર ન આવ્યો અને સમાચાર લખી આપ્યા અને એ બધાંને બહુ ગમ્યા. બસ પછી પત્રકાર બન્યા અને પછી તંત્રીપદ સુધી પહોંચ્યા. જે નિષ્ઠાથી ભજન ગાતા એ જ નિસ્બતથી કામ પણ કરતા હતા. સત્ય હોય એ જ લખે એવા બેબાક પત્રકાર. પુનિત સેવાશ્રમ, જનકલ્યાણ અને કરજણ તાલુકાના મોટી કોરલનો સેવાશ્રમ એમની સેવાસુગંધ છે. રાહતદરે દવાઓ આપીને તેમણે નિરાધારોની બહુ મોટી સેવા કરી. એ સમયે શિયાળામાં ફૂટપાથવાસીને કોઈ ધાબળા ઓઢાડી જાય તો સમજવું કે એ પુનિત મહારાજ હશે.
 
અમદાવાદની તારઑફિસમાં નોકરી કરી એટલે ટૂંકી પછેડીમાંય લાંબી શીખ કહેવાની કલા આવડી ગઈ. ભજનમાં પણ ઓછા શબ્દોમાં વધુ વાત કહેવાની હોય! શાળાના અભ્યાસ દરમિયાન કવિતાનાં બીજ રોપાયાં. રોજનું એક કાવ્ય લખતા. એક સમય એવો આવ્યો કે, ધારે ત્યારે આંતરચેતનાના સથવારે સત્ત્વશીલ કાવ્ય સર્જતા હતા. જીવનપર્યંત ૪૦૦૦ જેટલાં ભજનો સર્જ્યાં હતાં. શૈવ પરંપરા સાથે જોડાયેલા પણ કૃષ્ણ-રામ તરફ વિશેષ લગાવ રહ્યો. રામનામનું રસાયણ અને કૃષ્ણનું કામણ ભવરોગને હરનાર બની રહ્યું. એમની આખ્યાનની પ્રસ્તુતિ કાબિલે દાદ હતી. એમની ઉત્તમ ગાયકીથી એમાં ઓર નિખાર આવતો ગયો. ગુજરાતના ગામડે ગામડે ભજનમંડળી લઈને ફર્યા પણ એનો એક રૂપિયો પણ લીધો નહીં. ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખવામાં એમનું બહુમૂલ્ય પ્રદાન રહ્યું છે. એમના પુત્ર પણ ભજનિક થયા અને જનક મહારાજ નામે લોકપ્રિય બન્યા.
 
પુનિત મહારાજે લખેલ નવધાભક્તિના ૧થી ૧૧ ભાગ હોય કે પુનિત ભાગવત જેવો વિસ્તૃત ગ્રંથ હોય, દરેકમાં એમની સર્જનાત્મકતા દેખાય છે. તુલસીદાસ, નરસિંહ મહેતા,ચૈતન્ય મહાપ્રભુ, તુકારામ વગેરેના જીવન ઉપર આધારિત અદ્ભુત આખ્યાનો લખ્યાં. વિવિધ વિષય પરના ૬૦થી વધુ પુસ્તકો એમણે લખ્યાં છે. જે લોકભોગ્ય અને લોકોપયોગી બન્યાં.
 

હરદ્વાર ગોસ્વામી

હરદ્વાર ગોસ્વામીની ‘ગુજરાત સમાચાર'માં દર બુધવારે પ્રગટ થતી ‘તર-બ-તર’ કૉલમ ખૂબ પ્રસિદ્ધ છે. તેઓએ અમેરિકા, U.S., કેન્યા, આફ્રિકા, ભૂતાન, ચીન, દોહા, કતાર, દુબઈ, નેપાળ ઇત્યાદિ દેશોની સાહિત્યિક યાત્રા કરી છે. માત્ર 15 વર્ષની વયે સુપ્રસિદ્ધ સામયિક ‘કવિલોક'માં છાંદસ રચના પ્રગટ થઈ હતી. કૉલેજકાળથી મુશાયરાના મંચ ગજાવવાનું શરૂ કર્યું હતું. M.A., M.Phil., Ph.D. સુધીનો અભ્યાસ કર્યો અને યુનિવર્સિટી ફર્સ્ટ [ગોલ્ડ મેડાલિસ્ટ) હોવા છતાં નોકરી નહીં કરીને ફ્રિલાન્સ રાઇટર તરીકે કાર્યરત છે. 5000થી વધુ કાર્યક્રમો કરી ચૂક્યા છે. અમેરિકામાં યોજાયેલ ત્રિદિવસીય ‘વર્લ્ડ ગુજરાતી કૉન્ફરન્સ'માં દસ હજાર ગુજરાતીઓ સમક્ષ ‘નોખો અનોખો ગુજરાતી' વિષય પર વક્તવ્ય આપ્યું હતું. 100થી વધુ સિરિયલ, ફિલ્મનું લેખન અને ગીતો લખ્યાં છે. એમણે લખેલું ટ્રાન્સમીડિયા નોમીની પ્રૉફેશનલ કૉમેડી પ્લે ‘મિસિસનો મિસકોલ’ના 100 જેટલા શો થયા છે. F.Y.B.A.માં હતા ત્યારે નાટકનો પ્રતિષ્ઠિત ઍવૉર્ડ બટુભાઈ ઉમરવાડિયા પુરસ્કાર શ્રી હસમુખ બારાડીના હસ્તે અમદાવાદ મુકામે પ્રાપ્ત થયો હતો. નાનીવયે ગુજરાત સરકારનો પ્રતિષ્ઠિત યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ થયો હતો. દિલ્હી સાહિત્ય અકાદમી અને યંગ ટૅલેન્ટેડ પોએટ (ન્યૂ જર્સી, U.S.), AMCનો બેસ્ટ ઍન્કર ઍવૉર્ડ, સંસ્કાર ભારતી ઍવૉર્ડ, સરસ્વતી સન્માન, બેસ્ટ કૉલમ રાઇટર ઍવૉર્ડ ઇત્યાદિ ઍવૉર્ડ પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભારત સરકારના કલ્ચરલ ઍમ્બેસેડર તરીકે વિદેશ પ્રવાસ પણ કરી ચૂક્યા છે. તેઓ આકાશવાણી અને દૂરદર્શનના ‘A’ ગ્રેડના આર્ટિસ્ટ છે. તેમનાં 10થી વધુ પુસ્તકો પ્રગટ થઈ ચૂક્યાં છે.