થોડા વર્ષો પહેલા તમે વિચારી પણ ન શકો તેવા વિષયો – વિચારોને લઈને સત્યઘટનાઓ આધારિત ફિલ્મો હવે બની રહી છે. આ પ્રકારની ફિલ્મોમાં ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મને આપાર સફળતા મળી છે. ‘ધ કેરાલા સ્ટોરી’ પણ ખૂબ સારી ચાલી છે અને હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. તેનું નામ છે ‘એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા’
એમ.કે . શિવાક્ષ દ્વારા નિર્દેશિત અને બી.જે. પુરોહિત દ્વારા નિર્મિત ફિલ્મ ‘એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા’૨૨ વર્ષ પહેલા કારસેવકો સામે રચાયેલા ષડયંત્રની યાદ અપાવે છે. ૧૯ જુલાઈએ આ ફિલ્મ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે. ફિલ્મને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. 22 વર્ષ પહેલા ગુજરાતના ગોધરામાં થયેલ સાબરમતી ટ્રેન દુર્ઘટના અકસ્માત હતો કે સુનિયોજિત ષડ્યંત્ર તે જાણવું હોય, સત્ય અને તથ્યના આધારે સમજવું જોય તો ગુજરાતના દરેક લોકોએ આ ફિલ્મ એકવાર અચૂક જોવા જેવી છે.
મોટા પડદા પર સત્ય જોવું હોય તો આ ફિલ્મ જોવા જેવી છે!
ગોધરામાં થયેલ સાબરમતી ટ્રેન દુર્ઘટના આ ફિલ્મ દ્વારા આપણે મોટા પડદા પર જોઈ શકીશું. ઓમ ત્રિનેત્ર ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી આ ફિલ્મનું નિર્દેશન એમ.કે. શિવાક્ષે કર્યું છે. બી.જે પુરોહિત દ્વારા નિર્મિત આ ફિલ્મમાં રણવીર શૌરી ઉપરાંત અક્ષિતા નામદેવ, મનોજ જોશી, હિતુ કનોડિયા, ગુલશન પાંડે અને ડેનિશા ઘુમરાએ કામ કર્યુ છે. આ ફિલ્મ ગોધરા કાંડની તપાસ માટે રચાયેલા નાણાવટી-મહેતા કમિશનના રિપોર્ટ પર આધારિત છે. ગોધરા કાંડનું સત્ય શું હતું અને ગોધરામાં ટ્રેનમાં લાગેલી આગ પાછળની કહાની શું હતી તે જાણવી હોય તો આ ફિલ્મ જોવા જેવી છે!
રમખાણો યાદ છે પણ ગોધરા કાંડ નહી!
આજે બધાને ૨૦૦૨ના રમખાણો યાદ છે પણ ગોધરા કાંડ યાદ નથી. ૫૯ કારસેવકોને જીવતા સળગાવી દેવાના ષડયંત્ર વિશે આજે કોઇ વાત કરતું નથી ત્યારે આ ફિલ્મ આ સંદર્ભે તથ્ય સાથે રજૂઆત કરે છે. સાબરમતી એક્સપ્રેસના S6 ડબ્બામાં આગ લગાડવાની ઘટના પર આ ફિલ્મ બની છે. ગોધરા કાંડ તરીકે ઓળખાતી આ ઘટનામાં 59 કારસેવકોએ જીવ ગુમાવ્યા હતા. ગુજરાતમાં 27 ફેબ્રુઆરી, 2002ના રોજ ગોધરાથી અમદાવાદ જતી સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાવવામાં હતી, જેમાં 59 કારસેવકોએ જીવ ગુમાવ્યા હતા.
ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે જે જાહેરમાં નથી
'એક્સિ ડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા'ની મેકિંગ સ્ટોરી ડિરેક્ટર એમ.કે. શિવાક્ષ મીડિયાને કહે છે કે 'અમારી આખી ટીમે પાંચ-છ વર્ષથી ફિલ્મ 'એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા'ના વિષય પર કામ કર્યુ છે. પહેલા ગોધરામાં ટ્રેન સળગવાની ઘટના અને પછી ગુજરાત રમખાણો. આ બંને માટે નાણાવટી મહેતા તપાસ પંચની રચના કરવામાં આવી હતી, જેનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટે આપ્યો હતો. મૂળભૂત રીતે આ આખી ફિલ્મ નાણાવટી અને મહેતા કમિશન આધારિત કોર્ટરૂમ ડ્રામા છે. ફિલ્મનો ફ્લેશબેક રમખાણોના વિસ્તારમાં આવે છે અને પૂછે છે કે તે કેવી રીતે થયું? તે ક્યાંથી ઉદ્ભવ્યું? તેનો માસ્ટરમાઇન્ડ કોણ હતો? તેનું આયોજન કોણે કર્યું? તેના રેકોર્ડિંગ વિઝ્યુઅલ ચાલે છે. ફિલ્મમાં ઘણી એવી વસ્તુઓ છે જે જાહેરમાં નથી, પરંતુ અમારી પાસે તેના પુરાવા છે.
અનેક સવાલોના જવાબ આપે છે આ ફિલ્મ
રમખાણો શાના કારણે થયા તેની પાછળનું સત્ય શોધવા માટે ફિલ્મ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરે છે. શું તે કાવતરું હતું, અથવા ક્રોધાવેશના કારણે કરવામાં આવેલ કૃત્ય? તે જ સવાલોના જવાબ ફિલ્મમાં મળે છે. ફિલ્મના નિર્માતા બી.જે પુરોહિત ફિલ્મ વિશે કહે છે કે, "આ ઘટનાના સૌથી મોટા સાક્ષી ગુજરાતના લોકો છે જે સત્ય લોકો સમક્ષ નથી આવ્યું તે આ ફિલ્મ થકી દર્શવવાની અમારી કોશિશ છે. ”
દર્શકો નક્કી કરે શું સાચુ હતું અને શું ખોટું – હિતુ કનોડિયા
અભિનેતા હિતુ કનોડિયાએ કહ્યું કે, "ફિલ્મના સ્ક્રીનિંગ વખતે દર્શકો રડ્યા હતા. અમને બધાને લાગે છે કે આ ફિલ્મની સૌથી મોટી સફળતા છે." ગોધરામાં સાબરમતી ટ્રેનના 59 નિર્દોષ લોકોની હત્યા પર માત્ર રાજકારણ જ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ દ્વારા જનતાને સત્ય જોવા મળશે. ફિલ્મ “એક્સિડેન્ટ ઓર કોન્સ્પિરસી ગોધરા” એક એવી ફિલ્મ છે જે ભયાનક ટ્રેન હુમલાની ઊંડાણપૂર્વક તપાસ કરે છે, જે ક્યારેય ન્યાય ન મળ્યો હોય તેવા દુ:ખદ ભૂતકાળ વિશે વિચારવા માટે દર્શકોને મજબૂર કરે છે.
પત્રકારો સાથે વાત કરતા હિતુ કનોડિયાએ જણાવ્યું કે પ્રામાણિકતાથી સત્ય ઉજાગર કરનારી ફિલ્મ બનાવવી હતી અને આ માટે અમે એક નાનકડો પ્રયાસ કર્યો છે. આ કાલ્પનિક નહી પણ સત્ય આધારિત ફિલ્મ છે. આ ફિલ્મ ગોધરાના લોકોએ, ઘટના ઘટી ત્યારે ત્યા પ્રત્યક્ષ હાજર રહેનારા લોકો અને પીડિતોના પરિવારોએ જોઇ છે, તેમનું કહેવું છે કે તે સમયે જે બન્યું હતું તે જ તમે દર્શાવ્યું છે. આ ફિલ્મ સત્યના આધારે કોઇનો પણ પક્ષ લીધા વગર અમે બનાવી છે. શું ખોટું હતું અને શું સાચું છે તે નક્કી દર્શકો કરશે.
આ રહ્યું ટ્રેલર...