હા, અખંડ ભારત ( Akhand Bharat ) બનશે, આ રીતે બનશે!
કનખલના પૂર્ણાનંદ આશ્રમમાં યોજાયેલા એક કાર્યક્રમમાં રા.સ્વ.સંઘના વડા માન. મોહનજી ભાગવતે પોતાના પ્રવચનમાં કહેલું કે, આગામી ૧૫ વર્ષમાં અખંડ ભારત ( Akhand Bharat ) બની શકે છે. આ વિધાનની પ્રતિક્રિયાઓ જોઈએ.
માન. મોહનજી ભાગવતના આ વિધાનની અલગ અલગ પ્રતિક્રિયાઓ આવી. કેટલાકને ખૂબ આનંદ થયો, તો કેટલાકને ડર લાગ્યો કે, અખંડ ભારત બનશે તો અન્ય દેશોના ઘૂસણખોરો આ દેશમાં ઘૂસી આવશે અને ભારતમાં અનેક કાશ્મીરો સર્જાશે. કેટલાકને કુતૂહલ થયું તો કેટલાક બોલી ઊઠ્યા કે ‘અરે, આવું તો બનતું હશે. દુનિયાના નકશા હવે બદલી શકાય નહીં. આ તો Settled Fact છે. તેમાં ફેરફાર હોઈ ન શકે.’ પણ ઇતિહાસ કંઈક જુદું જ કહે છે. કલ્પના ન કરી હોય તેવી ઘટનાઓ બનતી ઇતિહાસે નોંધી છે.
‘પાકિસ્તાન’ નામનો શબ્દ સૌ પ્રથમ ૧૯૩૩માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણતા રહમત અલી નામના એક વિદ્યાર્થીએ આપ્યો હતો, પરંતુ તે પહેલાં કોઈ માનતું ન હતું કે, પાકિસ્તાન નામનો દેશ બનશે, છતાં બન્યો. નહેરુજી કહેતા હતા કે, પાકિસ્તાન કૌન સી ચિડિયા કા નામ હૈ? અને ગાંધીજી કહેતા હતા કે, પાકિસ્તાન મારી લાશ પર થશે. છતાં ગાંધીજી જીવિત રહ્યા અને પાકિસ્તાન બન્યું. ખુદ ઝીણાને જ વિશ્ર્વાસ ન હતો કે પાકિસ્તાન ખરેખર જ બનશે. પરંતુ ૧૫ જૂન, ૧૯૪૭ના રોજ જ્યારે કોંગ્રેસની કાર્યકારિણીએ અલગ દેશ પાકિસ્તાનનો ઠરાવ કર્યો તેના સમાચાર સાંભળી ઝીણાને આંચકો લાગેલો અને બોલી ઊઠેલા કે, Oh, my God ! નવનિર્મિત પાકિસ્તાનના કરાચી શહેરમાં પ્રવેશતી વખતે જ ઝીણાએ પોતાના પ્રાઈવેટ સેક્રેટરીને કહ્યું હતું કે, મારા જીવતેજીવ પાકિસ્તાન મળશે તેવી કલ્પના મેં કરી ન હતી. ઝીણાને જ વિશ્ર્વાસ ન હતો છતાં પાકિસ્તાન બન્યું. તેવી જ રીતે શું કોઈ માનતું હતું કે, પાકિસ્તાનના પણ ટુકડા થઈ જશે. તેમ છતાં પાકિસ્તાનના ૧૯૭૧માં ટુકડા થયા.
માટે જ ઇતિહાસ કહે છે કે, દુનિયામાં કશું જ Settled Fact નથી. દુનિયાના નકશા ભૂતકાળમાં બદલાયા છે, વર્તમાનમાં બદલાય છે અને ભવિષ્યમાં પણ બદલાશે. દુનિયામાં નવા દેશો બને છે, જૂના દેશો તૂટે છે અને તૂટેલા દેશો ફરી અખંડ બને છે.
કયા કયા નવા દેશો બન્યા તે જોઈએ. ૧૪ મે, ૧૯૪૮ના રોજ ૧૮૦૦ વર્ષ પછી ઇઝરાયેલ નામનો નવો દેશ બન્યો. ૧૯૪૭માં પાકિસ્તાન નામનો તદ્દન નવો દેશ બન્યો. ૧૯૬૩માં મલેશિયા નામનો સ્વતંત્ર દેશ બન્યો. ૧૯૭૧માં બાંગ્લાદેશ નામનો નવો દેશ બન્યો. ૧૯૯૨માં બોસ્નીયા નામનો અલગ દેશ અસ્તિત્વમાં આવ્યો અને ૨૦૧૧માં દક્ષિણ સુદાન નામનો નવો દેશ બન્યો.
દેશો તૂટે પણ છે
જેમ નવા દેશો બને છે તેમ જૂના દેશો અને સામ્રાજ્યો પણ તૂટે છે. સૌ પહેલાં રોમન સામ્રાજ્ય તૂટ્યું. તે પછી તુર્કી ઓટોમન સામ્રાજ્ય ૧૯૨૩માં તૂટ્યું. તે પછી બ્રિટિશ સામ્રાજ્ય તૂટ્યું અને ૨૦મી સદીના અંતમાં સોવિયેત રુસ તૂટ્યું અને ૧૫ દેશો સ્વતંત્ર થઈ ગયા. ફ્રાન્સ અને પોર્ટુગલ સામ્રાજ્યના પણ એ જ હાલ થયા. યુગોસ્લાવિયા તૂટ્યું, ચેકોસ્લોવેકિયા તૂટ્યું, જર્મની છ ટુકડાઓમાં વહેંચાઈ ગયું. વિયેતનામ અને કોરિયા તૂટ્યું અને ૧૯૭૧માં પાકિસ્તાન પણ તૂટ્યું.
દેશો જોડાય પણ છે
હવે જેમ દેશો તૂટે છે તેવી રીતે ખંડિત થયેલા દેશો ફરી અખંડ પણ બને છે. ૧૯૦૬માં બ્રિટિશરોએ બંગાળના ભાગલા કર્યા પણ ૧૯૧૩માં ફરી પૂર્વ બંગાળ અને પશ્ર્ચિમ બંગાળ જોડાયાં હતાં. જર્મનીના છ ટુકડા થયા હતા. છેલ્લે પૂર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની નામના બે ટુકડા તો રહ્યા. બર્લિન શહેરના પણ ટુકડા થયા, પણ ૧૯૯૦ના વર્ષમાં પૂર્વ જર્મની અને પશ્ર્ચિમ જર્મની જોડાયા અને જર્મની ફરી એક રાષ્ટ્ર બન્યું. તેવી જ રીતે ૧૯૯૦ના વર્ષમાં ઉત્તર યમન અને દક્ષિણ યમન ફરી એક થયાં. હવે જો ખંડિત થયેલા ઉપરોક્ત દેશો અખંડ બની શકતા હોય તો ભારત અખંડ કેમ ન બની શકે ?
અખંડ ભારત કેવી રીતે બનશે ?
પણ જિજ્ઞાસુઓ તે જાણવા માગે છે કે, ભારત અખંડ ( Akhand Bharat ) બનશે તો કેવી રીતે બનશે ? ચિંતકો, જાણકારો અને રાજનીતિજ્ઞો આગાહીઓ કરતાં કહે છે કે, અખંડ ભારત બનતાં પહેલાં પાકિસ્તાન તૂટશે અને તેનો આરંભ પણ ૧૯૭૧ની સ્વતંત્ર બાંગ્લાદેશની રચનાથી થઈ ગયો છે. હવે પ્રશ્ર્ન એ છે કે, બાકી રહેલું પાકિસ્તાન કેવી રીતે તૂટશે ? પાકિસ્તાનના લોકોનો ભ્રમ કેવી રીતે તૂટશે અને ફરી ભારત પ્રત્યે નવો અને સ્વસ્થ દૃષ્ટિકોણ કેવી રીતે ઊભો થશે ?
અખંડ ભારત ( Akhand Bharat ) બનવા માટે અભ્યાસુઓ ત્રણ આધારો બતાવે છે. (૧) રાજનૈતિક આધાર (૨) આર્થિક આધાર અને (૩) સાંસ્કૃતિક આધાર.
સૌ પ્રથમ આપણે રાજનૈતિક ઘટનાઓના પરિણામે શેષ પાકિસ્તાન કેવી રીતે ખંડિત થશે તે જોઈએ.
ભાગલા સમયે ચાર પ્રાંતો ભેળવીને પશ્ર્ચિમ પાકિસ્તાન બન્યું હતું. (૧) સિંધ (૨) બલુચિસ્તાન અને (૩) પખ્તુનિસ્તાન અને (૪) પશ્ર્ચિમ પંજાબ. પશ્ર્ચિમ પંજાબ સિવાયના બાકીના ત્રણેય પ્રાંતોને પાકિસ્તાન સાથે જોડાયાની ભૂલનો પસ્તાવો શરૂ થઈ ગયો હતો, જે ધીમે ધીમે પાકિસ્તાનથી અલગ થવા માટેના આંદોલનો હવે આતંકી પ્રવૃત્તિમાં પરિણમ્યા છે. હવે આ પ્રાંતોની વર્તમાન સ્થિતિ જોઈએ.
(૧) સિંધ :
વર્તમાનમાં સિંધમાં બે આંદોલનો ચાલે છે. (૧) મૂળ વતની સિંધી પ્રજાનું અને (૨) ભારતથી આવેલા મુસલમાનોનું. પાકિસ્તાનની રચનાને આટલાં વર્ષો થયાં પછી પણ ભારતથી આવેલા મુસલમાનોને પાકિસ્તાને પોતાના તરીકે સ્વીકાર્યા નથી. પાકિસ્તાનમાં તેઓને મોહાઝીરો એટલે નિર્વાસિતો તરીકે ઓળખવામાં આવે છે. મોહાઝીરો માને છે કે, પાકિસ્તાન અમે બનાવ્યું છે તેથી ઝનૂનપૂર્વક તેઓ સિંધી પ્રજા પર જબરજસ્તી કરે છે. તેઓ સિંધી પ્રજા પર જબરજસ્તીથી ઉર્દૂ ભાષા થોપી રહ્યા છે. કરાચીને સિંધીવિહીન બનાવી રહ્યા છે. કરાચી અને તેની આસપાસના સિંધીઓને ગામડાંઓમાં ધકેલી રહ્યા છે. યુનિવર્સિટીઓ પર કબજો કરી રહ્યા છે. તેથી સિંધીઓને લાગે છે કે, તેમને પોતાના દેશમાં જ અન્યાય થઈ રહ્યો છે, જેના પરિણામે સિંધ પ્રાંતમાં ‘જિયે સિંધ’નું આંદોલન શરૂ થયું. શેખ અય્યાઝ નામના સિંધી પ્રોફેસરે ‘જિયે સિંધ’ ગીત લખ્યું. તેમાં કવિએ માત્ર જિયે સિંધ નહીં પણ જિયે સિંધની સાથે જિયે હિન્દ પણ લખ્યું. આ ગીત સિંધી લોકોના મનની વેદના પ્રગટ કરતું પ્રેરક ગીત બની ગયું. બીજી બાજુ ભારતથી આવેલા મોહાઝીરોને પણ લાગે છે કે, તેઓને પાકિસ્તાનમાં અન્યાય થાય છે. ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને આપેલી ફાંસી અને તેમની પુત્રી બેનઝીરની હત્યાને કારણે સિંધીઓ ખૂબ દુભાયા છે. બંને નેતાઓની હત્યામાં સિંધની પ્રજા પંજાબીઓનો હાથ જુએ છે. વધુમાં સિંધના કરાચીમાંથી રાજધાની ખસેડીને રાવલપિંડી અને પછી ઇસ્લામાબાદ લઈ જવાને કારણે સિંધને અન્યાય થતો લાગે છે. તાજેતરમાં જ પાકિસ્તાનના કાયદામંત્રી દ્વારા કરાચીમાં કલમ ૧૪૯ (૪) લાગુ કરી કરાચીને કેન્દ્રશાસિત કરવાનો પ્રયત્ન કર્યો તો બિલાવલ ભુટ્ટોએ આક્રોશપૂર્વક નિવેદન કરેલું કે, જો તમે અમારા પર જુલ્મ કરતા રહેશો તો અગાઉ બાંગ્લાદેશ બન્યું તેમ સિંધ પણ અલગ દેશ બની જશે. આવું જ આંદોલન ત્યાં મોહાઝીરો ચલાવી રહ્યા છે. આ આંદોલનના નેતા અલ્તાફે વિદેશમાં જઈ નિવેદન કર્યું કે, અમે મોહાઝીરો પાકિસ્તાન લઈને આવ્યા છીએ. જો અમારે પાકિસ્તાનમાંથી જવું પડશે તો અમે પાકિસ્તાન પાછું લઈને જઈશું. (અર્થાત્ ભારતમાં ભળી જઈશું.)
(૨) બલુચિસ્તાન :
પાકિસ્તાનના જન્મ પહેલાંથી જ અહીં પાકિસ્તાનમાં જોડાવા અંગે ભારે અસંતોષ હતો તેથી પાકિસ્તાન ૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ બન્યું પણ બલુચિસ્તાને તો પાકિસ્તાનની આઝાદીના ત્રણ દિવસ પહેલાં જ એટલે ૧૧ ઓગસ્ટના દિને પોતાને આઝાદ ઘોષિત કરી દીધું હતું, કારણ કે બલુચિસ્તાનને પાકિસ્તાન સાથે જોડાવું ન હતું. આ ઘટનાથી ઉશ્કેરાઈને ઝીણાએ ૨૭ માર્ચ, ૧૯૪૮ના દિને બલુચિસ્તાનમાં સેના મોકલી બલુચ નેતા સમદખાંને ધમકી આપી કે, પાકિસ્તાનમાં ભળવાના દસ્તાવેજ પર સહી કરો, નહીં તો તમારા ખાનદાન સહિત તમને સાફ કરી નાખીશું. આથી સમદખાંએ મજબૂરીથી જોડાણ તો કર્યું પણ બલુચી પ્રજા પ્રતિવર્ષ ૧૧ ઓગસ્ટને પોતાના ‘સ્વાતંત્ર્ય દિન’ તરીકે ઉજવણી કરે છે, પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિને નહીં. બલુચિસ્તાનને સ્વતંત્ર કરવા બલુચિસ્તાન લીબરેશન આર્મી (BLA) અહીં ખૂબ સક્રિય છે. અત્યાર સુધીમાં અહીં ચાર મોટા બળવા થઈ ગયા - ૧૯૪૮, ૧૯૫૮, ૧૯૬૦ અને ૧૯૭૦. આમ બલુચિસ્તાન લિબરેશન આર્મી અત્યારે પણ પાકિસ્તાની સરકાર સામે મોટું સંકટ બનીને ઊભી છે. પાકિસ્તાની સરકાર બલુચિસ્તાનમાં અમાનુષી ત્રાસ વર્તાવી રહી છે. સમાચાર મુજબ અત્યાર સુધીમાં દસ હજાર બલુચીઓની હત્યા કરી દેવામાં આવી છે અને ચાલીસ હજાર જેટલા બલુચી યુવાનોને ગાયબ કરી દેવામાં આવ્યા છે. અબ્દુલ સમદખાં પછી લડતનાં સૂત્રો અકબર બુગતીએ સંભાળ્યા પણ પાકિસ્તાની સેનાએ ૨૦૦૬માં તેના પર મિસાઈલ હુમલો કરી અકબર બુગતી અને તેમના સાથીદારોને મોતને ઘાટ ઉતાર્યા. આમ છતાં આજે પણ બલુચિસ્તાનની શાળાઓમાં પાકિસ્તાની રાષ્ટ્રગીત ગવાતું નથી પણ બલુચિસ્તાનનું પોતાનું આગવું ગીત ગવાય છે. મહંમદ અલી ઝીણા બલુચિસ્તાનમાં જ્યાં જ્યાં રહ્યા હતા ત્યાં ઊભા કરાયેલાં તમામ સ્મારકોને બલુચીઓએ જમીનદોસ્ત કરી નાંખ્યાં છે. વર્તમાનમાં અકબર બુગતીના પૌત્ર બ્રહ્મદાગ બુગતી પાસે લડતનાં સૂત્રો છે. આ રીપબ્લિકન પાર્ટીના વડા બ્રહ્મદાગે ઓગસ્ટ-૨૦૧૬માં અપેક્ષા વ્યક્ત કરી હતી કે, ભારતે જે રીતે બાંગ્લાદેશને આઝાદ કર્યો તે રીતે બલુચિસ્તાનને આઝાદ કરવા મદદ કરે. ૧૫ ઓગસ્ટ, ૨૦૧૫ના સ્વાતંત્ર્યદિને વડાપ્રધાન મોદીએ બલુચિસ્તાનના અધિકારોની વાત પોતાના પ્રવચનમાં કરી તો બલુચિસ્તાનમાં ઠેર ઠેર ભારતના તિરંગા લહેરાવવામાં આવ્યા હતા. સાથે સાથે પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને બાળવામાં આવ્યા હતા. આમ બલુચિસ્તાન તૂટું તૂટું થઈ રહ્યું છે.
(૩) પખ્તુનિસ્તાન
સન ૧૯૨૮માં ખાન અબ્દુલ ગફારખાને અહીં પખ્તુનચેતના જગાડી હતી. અહીંની ભાષા પુશ્તુ છે જે સંસ્કૃતની નજીક છે. અહીંના પઠાણો ઉર્દૂને ધિક્કારે છે. સ્વતંત્રતાની ચળવળ વખતે અહીં મુસ્લિમ લીગનો એટલો બધો વિરોધ હતો કે, ૧૯૩૭માં થયેલી ચૂંટણીમાં મુસ્લિમ લીગને એક પણ બેઠક મળી ન હતી. સન ૧૯૪૬માં અહીંના પઠાણોએ અખંડ ભારત માટે મત આપ્યા હતા. સન ૧૯૪૭માં ભાગલા પડ્યા ત્યારે ખાન અબ્દુલ ગફારખાને આ પ્રાંતને પાકિસ્તાન સાથે જોડવાને બદલે ભારત સાથે જોડવાની ઇચ્છા વ્યક્ત કરતો પત્ર નહેરુજીને લખેલો. તેમણે લખ્યું હતું કે, નહેરુજી, આપ હમેં પાકિસ્તાની ભેડિયોં કો ક્યોઁ સોંપ રહે હો ? ગફારખાને ભાગલા વખતે જ આત્મનિર્ણયની માંગ કરી હતી, પણ નહેરુજી માન્યા નહીં. અબ્દુલ ગફારખાન આત્મકથા (હિન્દી પોકેટબૂક, જી.ટી. રોડ, શાહદરા, દિલ્હી-૩૨નું પ્રકાશન)માં તેમણે લખ્યું છે કે, ભારતમાં પહેલાં સિકંદર આવ્યો. પછી ચંગેઝખાન આવ્યો તે પછી અંગ્રેજો આવ્યા પણ અંગ્રેજોએ અમારાં ઘર લૂંટ્યાં નથી, જ્યારે પાકિસ્તાની સરકારે અમારાં પખ્તુનોનાં ઘર લૂંટી લીધાં. અમારા જલસા બંધ કરાવી દીધા, અમારા વર્તમાનપત્રો બંધ કરાવી દીધાં, પખ્તુન મહિલાઓનાં અપહરણ કર્યાં. જે સમયે ચારસદ્દામાં પઠાણ પુરુષો જુમ્માની નમાજ અદા કરવા માથા પર કુરાન મૂકી મસ્જિદમાં પ્રવેશી રહ્યા હતા તે સમયે પાકિસ્તાની સરકારે મશીનગનોથી તેમના પર ગોળીઓ ચલાવી હતી. આ બુઝુર્ગ નેતા ગફારખાનને પાકિસ્તાની સરકારે ચૌદ વર્ષ જેલમાં પૂરી દીધા હતા. આની વેદના આજે પણ ત્યાંના પઠાણોમાં છે.
(૪) પંજાબ
આવા પાકિસ્તાન પર માત્ર ને માત્ર પંજાબનો દબદબો છે. પંજાબે આખા પાકિસ્તાન પર ભરડો લીધો છે તેવો ભાવ ત્યાંની પ્રજામાં છે. પાકિસ્તાનના લશ્કરમાં ૮૦ ટકા સૈનિકો માત્ર પંજાબી છે. સરકારી નોકરીઓમાં પણ મુખ્યત્વે પંજાબીઓને તક મળે છે. પાકિસ્તાનના ઉદ્યોગો અને વ્યાપારમાં પણ પંજાબીઓનું વર્ચસ્વ છે. પાક. ઓક્યુપાઇડ કાશ્મીરના મુસ્લિમો પણ ફરિયાદ કરે છે કે, પાકિસ્તાની સરકાર પંજાબીઓને POKમાં વસાવી અમારા પર વર્ચસ્વ જમાવવા પ્રયત્નશીલ છે. આઝાદી બાદ ૭૫ વર્ષના શાસનકાળમાં બનેલા ૧૨ વડાપ્રધાનોમાં પખ્તુનિસ્તાનનો એક, બલુચિસ્તાનનો એક, સિંધના ત્રણ વડાપ્રધાનો બન્યા છે. જ્યારે માત્ર પંજાબના સાત નેતાઓ વડાપ્રધાન બન્યા છે. માત્ર પંજાબને કારણે બાકીના ત્રણ પ્રાંતોમાં ઊભા થયેલા અસંતોષને કારણે પાકિસ્તાન તૂટી શકે છે. આ બાજુ POKના મુસ્લિમો કહે છે કે, અમે કાશ્મીરી છીએ. અમારે પાકિસ્તાનમાં ભળવું નથી. CNN ટીવી ચેનલ પર તેમને ભારત જિંદાબાદના નારા લગાવતા બતાવ્યા હતા. વધુમાં પાકિસ્તાન માત્ર સુન્ની સ્ટેટ બનવા તરફ જઈ રહ્યું છે તેથી ત્યાં વસતા શિયા, અહમદિયા, દાઉદી, ઇસ્માઇલી, ખોજા, સૂફી અને સુધારાવાદી મુસ્લિમો ભયભીત સ્થિતિમાં જીવી રહ્યા છે. હવે તેમને માત્ર ભારતમાં જ શાંતિપૂર્વકનું જીવન જીવવાની આશા દેખાઈ રહી છે.
૨૨ સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિને હ્યુસ્ટનમાં યોજાયેલા હાઉડી મોદીના કાર્યક્રમ પહેલાં પાકિસ્તાનના સિંધી, બલોચ અને પખ્તુન નેતાઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને પાકિસ્તાની સેનાની બર્બરતાનો ખ્યાલ આપી આઝાદીની માંગ દોહરાવી હતી. વધુમાં આ ત્રણેય સમુદાયોએ રેલી યોજી ૨૭ સપ્ટેમ્બર, ૨૦૧૯ના દિને ન્યૂયોર્કમાં UN મહાસભા આગળ વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મહંમદ અલી ઝીણા પાકિસ્તાનના રાષ્ટ્રપતિ બન્યા પછી માત્ર ૧૩ મહિના જ જીવ્યા હતા. પણ આ ૧૩ મહિનામાં જ તેમને ધ્યાનમાં આવી ગયું હતું કે, પાકિસ્તાનની રચના તેમની ભયંકર ભૂલ હતી. મૃત્યુપથારીએ પડેલા ઝીણા પોતાના અંગત વકીલ મિત્ર તથા ભારતના હાઈ કમિશનર શ્રી પ્રકાશજી આગળ નિરાશ વદને બોલ્યા હતા કે, Pakistan is greatest blunder in my life. સન ૧૯૫૪માં પૂર્વ બંગાળ (હાલના બાંગ્લાદેશ)ના તત્કાલીન મુખ્યમંત્રી ફઝલૂલ હક કલકત્તા આવ્યા હતા અને ત્યાંના મુખ્યમંત્રીને મા ત્યારે તેમણે ભારત વિભાજનથી થયેલાં દુષ્પરિણામોની ચર્ચા પણ કરી હતી. ભાગલાની નિરર્થક્તા તેમણે કબૂલી હતી. આને અખંડ ભારત તરફનું વિચારબિંદુ જ ગણી શકાય.
સન ૧૯૭૧માં પૂર્વી બંગાળ (હાલના બાંગ્લાદેશ) પર પાકિસ્તાને સૈનિકી કાર્યવાહી કરી હજારો બંગાળી મુસ્લિમ પુરુષો અને મહિલાઓને મોતને ઘાટ ઉતારી દીધાં ત્યારે હચમચી ઊઠેલા પૂર્વી બંગાળના નેતા મુજીબુર્રહેમાન બોલી ઊઠેલા કે, ‘લુચ્ચા પાકિસ્તાન સાથે રહેવાને બદલે હું ફરીથી ભારત સાથે ભળી જવાનું પસંદ કરીશ.’ અખંડ ભારતની દિશામાં આ સૂચક સંકેત હતો.
હવે આપણે અખંડ ભારત ( Akhand Bharat ) બનવા માટેનો આર્થિક આધાર જોઈએ.
ઇતિહાસ અને ભૂગોળે તો દેશને એક બનાવ્યો હતો પણ તેના બનાવટી ભાગલા પાડવામાં આવ્યા, તેનાથી ત્રણેય ભૂભાગોની આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ. વિશેષ કરીને પાકિસ્તાન અને બાંગ્લાદેશની અર્થવ્યવસ્થા ઉપર ઘણી પ્રતિકૂળ અસરો પડી તેનાં ઉદાહરણો જોઈએ.
(૧) ભાગલા પડવાથી બાંગ્લાદેશમાં ચોખાની અછત વર્તાવા લાગી તો પાકિસ્તાનમાં ઘઉંનું ઉત્પાદન વધી ગયું, કારણ કે ઘઉં ભારતમાં આવતા બંધ થઈ ગયા.
(૨) અખંડ ભારતમાં કાચા શણનો ૭૦ ટકા પાક બાંગ્લાદેશમાં પેદા થાય છે, પણ તેની ખપત ભારતમાં જ થાય છે. હવે ભાગલા પડવાથી મુશ્કેલી ઊભી થઈ.
(૩) શણ પૂર્વ બંગાળમાં પેદા થાય છે, પણ શણનાં બધાં કારખાનાં ભારતમાં પશ્ર્ચિમ બંગાળમાં છે.
(૪) કપાસ, ઊન અને ચામડાંનો કાચો માલ પાકિસ્તાનના હાથમાં છે, પરંતુ તેની Finish Product તૈયાર કરવાના ઉદ્યોગો ભારતમાં છે.
(૫) ભાગલા વખતે અખંડ ભારતની ૩૯૪ કાપડની મિલોમાંથી માત્ર ૧૪ મિલો જ પાકિસ્તાનમાં રહી.
(૬) બિહાર અને પ. બંગાળમાં લોખંડ અને કોલસો ભરપૂર માત્રામાં છે તો બાંગ્લાદેશમાં આ વસ્તુની ભારે અછત છે. તે માટે બાંગ્લાદેશને દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને અન્ય દેશોમાંથી ખૂબ મોંઘા ભાવે ખરીદી કરવી પડે છે.
(૭) બાંગ્લાદેશમાં ચૂનો અને પ્રાકૃતિક ગેસના ભંડારો છે તો ભારત આ વસ્તુઓનો સૌથી નજીકનો અને મોટો ગ્રાહક છે. જો અખંડ ભારત બને તો ?
(૮) ભારતનું વિભાજન થતાં ત્રણેય દેશોને સંરક્ષણનો ખર્ચ ખૂબ વધ્યો. ડિફેન્સ સ્ટડીના આંતરરાષ્ટ્રીય સંસ્થાને સન ૧૯૭૦ના દાયકામાં તેણે આપેલા અહેવાલમાં કહ્યું હતું કે, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે મળતી સરહદો પર ભારતને આટલો મોટો ખર્ચ કરવો પડતો ન હોત તો ભારતના સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનમાં ૩ ટકાથી ૪ ટકાનો વધારો થાત. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં GDPનો વધારો ભારત કરતાંય વધુ થાત, પરંતુ જો અખંડ ભારત બને તો !
(૯) પાકિસ્તાન અને બાંગ્લાદેશના વેપારી વર્ગને ધંધા-વ્યવસાયનો અનુભવ છે પણ ઉદ્યોગો ચલાવવાનો અનુભવ સાવ ઓછો છે. તેનાથી ઊલટું ભારતના વેપારી વર્ગ પાસે ઉદ્યમશીલતા, ટેક્નિકલ માહિતી, કૌશલ્ય અને વિશાળ મુદ્રા બજાર છે. તેની પાસે વિશેષજ્ઞોની મોટી સંખ્યા અને સંશોધન ઔદ્યોગિક સંસ્થાનો છે.
(૧૦) ભાગલા પછી પણ ભારત અઢળક ખનિજોનો દેશ બની રહ્યો છે. જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશને પોતાની મોટાભાગની જરૂરિયાતો માટે બીજા દેશો તરફ જોવું પડે છે.
(૧૧) નદીઓ ભારતમાંથી નીકળી બાંગ્લાદેશમાં જાય છે, તેથી જો આસામમાં પૂર આવે તો નુકસાન બાંગ્લાદેશને થાય છે. તેવી જ રીતે ભારતના પંજાબમાં પૂર આવે તો નુકસાન પાકિસ્તાનને થાય છે. જો અખંડ ભારત હોય તો પૂરને નિયંત્રિત કરી શકાય.
(૧૨) એકવાર ત્રણેય દેશોના લશ્કરી વડાની સંયુક્ત મીટિંગ ઈટાલીમાં થઈ હતી. તેમાં કહેવાયું કે, પાકિસ્તાનની આવકના ૮૧ ટકા ખર્ચ લશ્કર તથા દેવાની રકમ ચૂકવવામાં વપરાય છે. ત્રણેય દેશો વચ્ચેના તનાવને કારણે લશ્કરી ખર્ચ થાય છે. જો અખંડ ભારત બને તો લશ્કરી ખર્ચ ઘટે અને તેની રકમ વિકાસકાર્યો પાછળ ખર્ચી શકાય.
(૧૩) અખંડ ભારત વિચાર પાછળ એક સંવેદનાસભર મુદ્દો એ છે કે, ભારતમાંથી પાકિસ્તાન ગયેલા મુસ્લિમોના પૂર્વજોની કબરો ભારતમાં છે, ઉપરાંત તેમના સગાંસંબંધીઓ પણ ભારતમાં છે. આમ તે બધાંનો ભારત સાથે લોહીનો સંબંધ છે. (સંદર્ભ : ટ્રેઝિક સ્ટોરી ઓફ પાર્ટિશન - હો.વે. શેષાદ્રી) આ રીતે વિચારીએ તો અખંડ ભારત બનવામાં આપણું સહિયારું હિત છે જ; તેની ના પાડી શકાય તેમ નથી.
હવે અખંડ ભારત ( Akhand Bharat ) માટેનો સાંસ્કૃતિક આધાર જોઈએ.
આપણે યાદ રાખીએ કે, આ ખંડિત ભારત પહેલાં એક ભારતીય સાંસ્કૃતિક રાષ્ટ્ર હતું. અફઘાનિસ્તાનથી માંડી બ્રહ્મદેશ સુધીના ભૂખંડની સંસ્કૃતિ એક હતી. મહાભારતની ગાંધારી કંદહારની હતી તો રામાયણની કૈકયી પણ આ જ પ્રદેશની રાજકુમારી હતી. વેદોની સિંધુ નદી, બલુચિસ્તાનની હિંગળાજ માતાની પીઠિકા, માંહેં-જો-દડોની નગરી, પ્રસિદ્ધ વ્યાકરણશાસ્ત્રી પાણિનીનું જન્મસ્થાન, ભગવાન બુદ્ધની બામિયાન ગુફાઓ, ભગવાન ઝુલેલાલનું સિંધ, તક્ષશિલા વિદ્યાપીઠ, શ્રીરામના પુત્ર લવની લાહોરનગરી, માતા સીતાનું જન્મસ્થાન નેપાળનું જનકપુર, ભગવાન બુદ્ધનું જન્મસ્થાન નેપાળનું લુમ્બિની, ગુરુ નાનકનું જન્મસ્થાન નનકાના, બાંગ્લાદેશમાં માતા ઢાકેશ્ર્વરીનું મંદિર, ત્રિવિષ્ટયપ્રદેશ (તિબેટ), શ્રીલંકામાં માતા સીતાની અશોકવાટિકા, અનેક સનાતની અને બૌદ્ધ મંદિરો ધરાવતો બ્રહ્મદેશ આ ભૂખંડનું પ્રાણતત્ત્વ છે. દુર્ભાગ્યે આ ભૂખંડ ઇસ્લામિક આક્રમણો પછી ક્ષતવિક્ષત થયો પણ તેનો આત્મા હજુ પણ જીવિત છે, માટે આ સાંસ્કૃતિક વારસાના આધારે અખંડ ભારતનું ઉત્થાન શક્ય છે.
સ્વયં પાકિસ્તાનને પણ પોતાનો સાંસ્કૃતિક આધાર ગોતવો પડ્યો અને તે માટે ત્યાંની સરકારે થોડાં વર્ષો પહેલાં પાકિસ્તાનનો ૫૦૦૦ વર્ષનો ઇતિહાસ પુરાતત્ત્વ સલાહકાર આઈ.ઈ.એમ. વ્હીલર પાસે લખાવ્યો. પાકિસ્તાનના ૫૦૦૦ વર્ષના સાંસ્કૃતિક ઇતિહાસમાં વ્હીલરે માંહેં-જો-દડો, હડપ્પાની સભ્યતા, ઋગ્વેદ, ગૌતમ બુદ્ધ, મા દુર્ગા, પૂર્વ બંગાળનું પુદ્દારનગર, ઐતરેય આરણ્યક અને ઐતરેય બ્રાહ્મણનો ઉલ્લેખ કર્યો. થોડાં વર્ષો પહેલાં મહાન વૈયાકરણી પાણિનીની ૨૦૦૦મી જન્મજયંતી પાકિસ્તાનમાં ધામધૂમથી ઊજવાઈ.
વિયેતનામમાં નિયુક્ત પાકિસ્તાનના રાજદૂત કમર અબ્બાસ ખોખરે પાકિસ્તાનની તક્ષશિલા વિદ્યાપીઠને પ્રાચીન પાકિસ્તાનનો હિસ્સો ગર્વથી બતાવ્યો. વધુમાં તેમણે ૧૫ ડિસેમ્બર, ૨૦૨૦ના રોજ તક્ષશિલાનો ફોટો શેઅર કરી લખ્યું કે, આ યુનિવર્સિટી પ્રાચીન પાકિસ્તાનમાં આજથી ૨૭૦૦ સાલ પહેલાં ઇસ્લામાબાદ પાસે મોજૂદ હતી. તેમની આ ટ્વીટનો ઉત્તર આપતાં એક યુઝરે એક ચોટદાર કોમેન્ટ લખી કે, ૨૭૦૦ વર્ષ પહેલાં અહીં ન તો ઇસ્લામ હતો, ન ઇસ્લામાબાદ કે ન તો પાકિસ્તાન હતું. (હતું માત્ર અખંડ ભારત)
સન ૨૦૦૭માં પાકિસ્તાનની સ્વાતઘાટીમાં તાલીબાનોએ ૨૧ ફૂટ ઊંચી ભગવાન બુદ્ધની પ્રતિમા ડાયનેમાઈટથી તોડી નાખી. પરવેશ શાહીન નામનો એક સ્થાનિક યુવાન કે જે બૌદ્ધ ધર્મનો અભ્યાસુ હતો, તેણે ઇટાલીની આર્થિક મદદથી પાંચ જ વર્ષમાં ૨૦ કરોડની મદદથી આ ખંડિત પ્રતિમાને સન ૨૦૧૮માં ફરી સમારકામ કરી સ્મિત વેરતી કરી દીધી. તે વખતે પરવેશ શાહીને કહ્યું હતું કે, જ્યારે બુદ્ધની પ્રતિમા તોડવામાં આવી ત્યારે મને એવું લાગ્યું હતું કે, પાકિસ્તાની તાલિબાનોએ મારા પિતાની હત્યા કરી નાંખી છે. તેમણે મારી સંસ્કૃતિ અને મારા ઇતિહાસ પર હુમલો કર્યો હતો. એક પાકિસ્તાની યુવકના હૃદયમાં આપણા સાંસ્કૃતિક વારસાનો તણખો જોઈ પત્રકારો પણ દંગ રહી ગયા હતા. (સંદેશ, ૧૩ જુલાઈ, ૨૦૧૮)
સૈફ તાહીર નામના પત્રકારે તક્ષશિલાની મુલાકાત લઈ પાકિસ્તાનની પત્રિકા ‘ડોન’ દૈનિકમાં લેખ લખેલો જેનું શીર્ષક હતું, Why is great philosopher Kautilya not a part of Pakistan historical consciousness ? તેમણે પ્રશ્ર્ન પૂો કે શા માટે તેમની ઉપેક્ષા થાય છે ? આ વિદ્યાપીઠમાં અર્થશાસ્ત્રના સર્જક કૌટિલ્ય, વ્યાકરણજ્ઞાતા પાણિની, વૈદ્ય જીવક, પંચતંત્રના સર્જક વિષ્ણુ શર્મા અહીંના આચાર્યો હતા. અહીં સમજવા જેવી વાત એ છે કે અત્યાર સુધી પાકિસ્તાની બુદ્ધિજીવીઓ ઉપરના તમામ હિન્દુ વિદ્વાનોને કાફિરો કહેતા હતા. હવે આ જ બુદ્ધિજીવીઓ તેમને પાકિસ્તાનની મહામૂલી મૂડી ગણવા તૈયાર થતા દેખાય છે તે અખંડ ભારત તરફ જવાનો સંકેત જ સમજવો.
યુરોપના દેશોમાં પણ યુવાનો તેમના ખ્રિસ્તી વારસા પૂર્વેના રોમન હીરોને પોતાના નાયક માનતા થયા છે. યુરોપની યુનિવર્સીટીઓમાં ભણતા ગોરા વિદ્યાર્થીઓ હવે માગણી કરી રહ્યા છે કે, Now we want to know the history before Christ.
અગાઉ નેપાળ પણ હિન્દુ રાષ્ટ્ર હતું, પણ તાજેતરમાં નેપાળમાં જે આંદોલન ચાલી રહ્યું છે તે રસપ્રદ છે. નેપાળમાં પુનઃ હિન્દુ રાજ્ય બનાવવાની માંગ શરૂ થઈ છે. નેપાળમાં માત્ર હિન્દુઓ જ નહીં ત્યાં વસતા મુસ્લિમો પણ નેપાળને હિન્દુ રાજ્ય બનાવવાની માંગ કરી રહ્યા છે. રાપ્તી મુસ્લિમ સોસાયટીના ચેરમેન અજમલ અલીએ આ અભિયાનનું સમર્થન કરતાં કહ્યું કે, અમે સંવિધાનની અંતર્ગત હિન્દુ સ્ટેટ અંતર્ગત વધારે સુરક્ષિત છે. નેપાળના નેપાળગંજના મુસ્લિમ નેતા બાબુ પઠાણે હિમાલયન ટાઇમ્સને કહ્યું કે, અમે નેપાળને હિન્દુ સ્ટેટ તરીકે જોવા માગીએ છીએ, કારણ કે હિન્દુ સ્ટેટ અમને બધાને સુરક્ષા અને સલામતીની ખાતરી આપે છે.
સન ૧૯૯૩માં સાર્ક પરિષદની મીટીંગમાં સમાપન કરતાં શ્રીલંકાના તત્કાલીન વડાપ્રધાન પ્રેમદાસા પ્રારંભમાં સિંહાલી ભાષામાં બોલ્યા, પછી અંગ્રેજીમાં બોલ્યા અને પછી બંગાળી ભાષામાં બોલ્યા કે, બંગાળના એક રાજકુમારે શ્રીલંકામાં આવીને વસવાટ કરેલો. અમે તેમની પ્રજા છીએ. માટે શ્રીલંકાનું મૂળ બંગાળમાં છે. આપણે સૌ સાર્કના રાષ્ટ્રો એક જ કૂળનાં છીએ. પરિણામે આપણે જો વિકાસ કરવો હશે તો એક જ રહેવું પડશે. આમ કહી તેમણે એક સાંસ્કૃતિક ભારત તરફ માર્મિક ઇશારો કરી ભારતની છત્રછાયા નીચે સૌના વિકાસની આવશ્યકતા તરફ ભાર મૂક્યો હતો.
અખંડ ભારત બનાવવા માટે એક વિશેષ પરિસ્થિતિ પણ ભારતીય ભૂખંડમાં ઊભી થઈ છે. વિસ્તારવાદી ચીન હવે પડોશના નાના નાના દેશોને હડપવા પ્રયત્નો કરી રહ્યું છે. તેણે તિબેટ હડપ કર્યું. ૧૯૬૨માં લદ્દાખનો ૩૭ હજાર વર્ગ કિ.મી. જેટલો ભૂભાગ કબજે કર્યો. POK સ્થિત ગિલગિટ ઇલાકાનો પાંચ હજાર વર્ગ કિ.મી. ભૂભાગ પાકિસ્તાન દ્વારા ચીનને મો. નેપાળની સરહદ પર ચીન અતિક્રમણ કરી રહ્યું છે. હોંગકોંગ અને તાઈવાનને ગળી જવાની પેરવી કરી રહ્યું છે. શ્રીલંકાને આર્થિક મદદ કરી ત્યાંની ભૂમિ પર અડ્ડો જમાવી રહ્યું છે. પાકિસ્તાનમાં સિલ્કરૂટના નામે ત્યાંની ભૂમિ પર પ્રભાવ જમાવી રહ્યું છે.
મ્યાંમારના સૈનિક અધિકારીઓને પોતાની પાંખમાં લઈ રહ્યું છે તો બાંગ્લાદેશને ધમકાવી રહ્યું છે. હવે આ તમામ દેશો ચીનનો પ્રતિકાર કરી પોતાનું સંરક્ષણ કરી શકે તેવાં શક્તિકેન્દ્રની શોધમાં છે. હવે તેમની દૃષ્ટિ માત્ર ભારત પર છે. ભારતની સશક્ત છત્રછાયા હેઠળ એક સંઘ રાજ્ય બની રહેવાની તેમની પ્રબળ ઇચ્છા બની રહી છે. જેનું પરિણામ અખંડ ભારત હોઈ શકે. અલબત્ત, અખંડ ભારતનો આધાર ડર કે લાલચ બને તે કદાપિ ઇચ્છનીય નથી. છતાં, વિસ્તારવાદી ચીન તરફથી ઊભા થયેલા પડકારને નકારી શકાય તેમ પણ નથી.
આમ એક છત્રછાયા (Umbrella) હેઠળ એકત્રિત થવાના પ્રયોગો વિશ્ર્વમાં થયા છે. સાર્ક પરિષદ તેનું ઉદાહરણ છે જ પણ કૉમનવેલ્થનો બ્રિટિશરોનો પ્રયોગ પણ આ પ્રકારનો હતો. યુનાઈટેડ કગડમ (UK) પણ એવું રાષ્ટ્રજૂથ છે, જેમાં ઇંગ્લેન્ડના શક્તિકેન્દ્ર હેઠળ વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્થ આયર્લેન્ડ જોડાયેલા છે. USSR પણ આવું જ એક સંગઠન બન્યું હતું, જેમાં રશિયાની છત્રછાયા હેઠળ યુક્રેન, તુર્કમેનિયા, કઝાકિસ્તાન, અઝરબૈઝાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિસ્તાન અને તઝાકિસ્તાન જોડાયા હતા. આ બધા પ્રયોગોમાં કોઈ એક દેશનો નાગરિક ઘૂસણખોર બની બીજા દેશનો નાગરિક બની શકતો નથી. અખંડ ભારત પણ આ વ્યવસ્થા સાથેનું સંઘરાજ્ય બને જેમાં શક્તિસંપન્ન ભારતની છત્રછાયા હેઠળ ખંડિત થયેલા ભારતના ભૂભાગ જોડાયેલા હશે. પ્રાચીન ભારતમાં ચક્રવર્તી અને સામ્રાજ્ય એમ બે પ્રકારની રાજ્ય-વ્યવસ્થા હતી. ચક્રવર્તી રાજ્ય ત્યાં હોય છે, જ્યાં એક સંસ્કૃતિ હોય છે. સમ્રાટ ચંદ્રગુપ્તના સમયમાં ચક્રવર્તી રાજ્ય સ્થપાયું હતું. સામ્રાજ્યને અંગ્રેજીમાં Empire કહે છે. રોમન સામ્રાજ્ય, તુર્કી સામ્રાજ્ય, બ્રિટિશ સામ્રાજ્ય આ પ્રકારનાં વિસ્તારવાદી સામ્રાજ્યો હતાં, જેનો પાયો સંસ્કૃતિ નહીં પણ સત્તા છે. યાદ રાખીએ કે, અખંડ ભારત સાંસ્કૃતિક પાયા પર બનશે.
કૃત્રિમ રીતે વિભાજિત થયેલા ભૂખંડને ફરીથી જોડવાથી સૌનો ઉત્કર્ષ થશે તેવી એક લાગણી વિનોબાજીએ એકવાર વ્યક્ત કરેલી. એકવાર ફ્રાન્સના રાજદૂત ભારતમાં વિનોબાજીને મળવા આવેલા. વાર્તાલાપ દરમિયાન રાજદૂતે વિનોબાજીને પૂછ્યું, આપને કાશ્મીર કોયડાનો ઉકેલ શું લાગે છે ? તેના ઉત્તરમાં વિનોબાજીએ એક કોરા કાગળ પર ત્રિકોણ દોર્યો અને ત્રિકોણના ત્રણ ખૂણે A, B, C લખ્યું અને કહ્યું કે જો આ ત્રિકોણ સધાય તો કોકડું ઉકલે. પેલા રાજદૂતને આ ન સમજાયું ત્યારે વિનોબાજીએ કહ્યું. ત્રિકોણનો A એટલે અફઘાનિસ્તાન, B એટલે બર્મા અને C એટલે સિલોન. આ ત્રણ દેશો વચ્ચેનો ત્રિકોણીય ભૂભાગ ભારતીય રાજ્યસંઘ બને તો પ્રશ્ર્ન ઊકલી જાય. આ નાનકડા પ્રસંગ દ્વારા વિનોબાજીએ અખંડ ભારત તરફ જ સંકેત કર્યો હતો.
અખંડ ભારત બાબતે પંડિત દીનદયાલજી અને લોહિયાજી
પંડિત દીનદયાલ ઉપાધ્યાય અને ડૉ. રામ મનોહર લોહિયાને અખંડ ભારતમાં શ્રદ્ધા હતી. આ બંને મહાનુભાવોએ આ બાબતમાં ગંભીર ચર્ચા કરેલી જેના ફળસ્વરૂપે બંને મહાનુભાવોએ એપ્રિલ ૧૯૬૪માં સંયુક્ત નિવેદન દ્વારા ભારત - પાકિસ્તાન મહાસંઘની આવશ્યક્તા ઉપર ભાર મુકતાં કહ્યું હતું કે, હમારા સ્પષ્ટ મત હૈ કિ હિન્દ તથા પાકિસ્તાન કા યહ વિભાજન પૂર્ણતઃ કૃત્રિમ હૈ. એક દૂસરે સે સંબંધિત પ્રશ્ર્નો કા અધૂરા સમાધાન ઢૂંઢતે તથા એક એક પ્રશ્ર્ન કા અલગ અલગ વિચાર કરને કી દોનોં દેશોં કી સરકારોં કી નીતિ કે કારણ હી આજ દોનો દેશોં કે સંબંધ બિગડતે હૈં. ઇસ પ્રણાલી કો ત્યાગ કર સભી સમસ્યાઓં કા સમ્યક્ દૃષ્ટિ તથા ખૂલે હૃદય સે વિચાર કરના ચાહિયે. એસા કરને સે ભારત ઔર પાકિસ્તાન કે બીચ આજમાઈ જાનેવાલી વિવાદ પૂર્ણ સમસ્યાઓકા નિરાકરણ હોગા, ઔર વર્ષાનુવર્ષ દોનોં મેં ચલી આ રહી સદ્ભાવના કા ફિર સે નિર્માણ હોગા. ઉસી મેં સે કિસી ન કિસી સ્વરૂપ કા હિન્દ-પાક મહાસંઘ રાજ્ય સ્થાપિત હોને કી પ્રક્રિયા આરંભ હો જાયેગી.
ઉપસંહાર
અંતમાં અખંડ ભારત ત્યારે બનશે...
(૧) જ્યારે ઇઝરાયલના યદીઓની માફક અખંડ ભારતનું સ્વપ્ન પ્રત્યેક ભારતીય નાગરિકનું સ્વપ્ન બને. યદીઓએ ૧૮૦૦ વર્ષ સુધી ઇઝરાયલ રાષ્ટ્રનો તણખો મનમાં પ્રજ્જવલિત રાખ્યો હતો, ત્યારે જ યદીઓનો સ્વતંત્ર દેશ સાકાર બન્યો હતો. (૨) અખંડ ભારત ત્યારે બનશે જ્યારે ભારત દેશ અતિ સમર્થ, શક્તિસંપન્ન અને સર્વસમાવેશી બનશે. (૩) અખંડ ભારત ત્યારે બનશે જ્યારે આ ભૂખંડની પ્રજા આંતરિક મતભેદો ભૂલી સંગઠિત સ્વરૂપે રાષ્ટ્રદેવની આરાધના કરી ચારિત્ર્યવાન બનશે.
અલબત્ત મહર્ષિ અરવિંદની ભારત અખંડ બનશેની આર્ષવાણી તો આપણી સાથે આશીર્વાદ સ્વરૂપે છે જ.
હા, અખંડ ભારત બનશે જ.
અખંડ ભારતની ( Akhand Bharat ) દિશામાં પગલાં મંડાઈ ચૂક્યાં છે.
જય અખંડ ભારત