તાજમહેલમાં કબરો પર ગંગાજળનો અભિષેક! વાત કેટલાંક ગંગાપ્રેમી મુસ્લિમોની…!

તો પ્રશ્ન હવે એ છે કે, આ દેશમાં આરિફ મોહમ્મદ ખાન કે ઝુબેર સોફિયા શિવલિંગ પર વિના વિરોધ જલાભિષેક કરી શકતા હોય તો તાજમહેલમાં જલાભિષેક કરવા બદલ આટલો બધો બિનજરૂરી શોરબકોર શા માટે?

    ૧૬-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

ganglajal
 
 
તાજેતરના શ્રાવણ મહિનામાં હિન્દુ મહાસભાના બે કાવડિયા વીરેશ અને શ્યામે તાજમહેલમાં આવેલી કબરો પર ગંગાજળનો અભિષેક કર્યો.. અને દેશના મીડિયાને મસાલો મળી ગયો. ધારદાર મથાળાં બનાવી મીડિયાકર્મીઓએ દેશની લઘુમતીની લાગણી દુભાવવા બદલ આ બંને કાવડિયાઓને ગુનેગારના કટઘરામાં ખડા કરી દીધા. તેમની જેટલી નિંદા થાય તેટલી કરી, પરંતુ આ ઘટનાની બીજી બાજુ જોઈશું તો કંઈક નવું જ સત્ય જાણવા મળશે. આ માટે ઇતિહાસની વિગતો જાણવી પડશે. ઇતિહાસની વિગતો જણાવે છે કે, ભારતમાં અનેક મુસ્લિમ બાદશાહો અને મુસ્લિમ વિદ્વાનો થઈ ગયા જેમને ગંગાજળ માટે અપાર શ્રદ્ધા, પ્રેમ, અને આદર હતાં. તો આ લેખમાં આપણે ગંગાપ્રેમી મુસ્લિમોની વાતો કરીએ.
 
(૧) સુલતાન મહંમદ તુઘલખ (મહંમદ બેગઢો) હંમેશા ગંગાજળ પીતો. તેમની રાજધાની દૂર દક્ષિણમાં દોલતાબાદમાં હતી પણ પીવા માટેનું ગંગાજળ છેક અલાહાબાદથી મંગાવતા. આ ગંગાજળ લાવવામાં ૪૦ દિવસ લાગતા, તેમ છતાં તેઓ ગંગાજળ જ પીવાનો આગ્રહ રાખતા. આ તથ્ય ઇબ્નબતૂતા નામના એક વિદેશી મુસ્લિમ પ્રવાસીએ પોતાની પ્રવાસપોથીમાં લખ્યું હતું. ગીબ્ઝ નામના એક અંગ્રેજ વિદ્વાને ઇબ્નબતૂતાના પ્રવાસવર્ણનોનો અનુવાદ કરેલો, જેમાં તેમણે તુઘલખના ગંગાજળ પ્રત્યેના પ્રેમની વાત નોંધેલી.
 
(૨) અકબર બાદશાહના નવ રત્નોમાં અબુલ ફઝલની ગણના હતી. અબુલ ફઝલે `આઇને અકબરી' નામનો ગ્રંંથ અકબર વિષે લખેલો. તેમાં તેમણે લખેલું હતું કે, બાદશાહ અકબરને ગંગાજળ પ્રત્યે અપાર શ્રદ્ધા હતી. અકબર પ્રતિદિન ગંગાજળ જ પીતા. પોતાને નિત્ય ગંગાજળ મળી રહે તે માટે ૨૦ સૈનિકોની એક અલગ ટુકડી રચી હતી. બાદશાહ પોતે દિલ્હી છોડી પંજાબમાં હોય ત્યારે તેઓ હરિદ્વારથી ગંગાજળ મંગાવતા.
 
બર્નીયર નામનો એક વિદેશી પ્રવાસી મુઘલકાળ દરમ્યાન ભારતમાં આવેલો. તે પોતાના યાત્રાવર્ણનમાં લખે છે કે, બાદશાહ સહિત અનેક મુસ્લિમ દરબારીઓ પણ ગંગાજળ પીતા. બાદશાહ શાહજહાં પોતાના પ્રવાસમાં હોય ત્યારે ઊંટો મારફતે ગંગાજળ તેમના માટે પહોંચાડવાની વ્યવસ્થા થતી. વિદેશી પ્રવાસી બર્નીયર લખે છે કે, બાદશાહ ઔરંગઝેબ પણ પોતાના ભોજન સમયે ગંગાજળ પીતા. બીજા એક ફ્રાન્સીસી યાત્રિક ટેવર્નિયરે પણ મુઘલ બાદશાહો અને નવાબો ગંગાજળનો જ ઉપયોગ કરતા તે વાત નોંધેલી છે. ઇતિહાસકાર ગુલામ હૈદરે પણ પોતાના પુસ્તક `રિયાજુલ સલાતીન'માં લખ્યું છે કે હિન્દુઓની જેમ મુસ્લિમો પણ ગંગાજળ પ્રત્યે આસ્થા રાખતા અને ગંગાજળનો ઉપયોગ કરતા.
 
વિદેશોમાં વસતા અનેક લોકો માટે ગંગાજળ આસ્થાનું કેન્દ્ર બની ગયેલું છે. અગ્નિ એશિયાના અનેક દેશના લોકો ગંગાજળ માટે તલસે છે. તેના થોડા પ્રસંગો જોઈએ.
 
મોરેશિયસના વડાપ્રધાન શિવસાગર રામગુલામ ભારત આવ્યા હતા ત્યારે પરત ફરતી વખતે ગંગાજળ લઈ જવાનું ભૂલ્યા ન હતા. રોમાંચ ઉપજાવે તેવી ઘટના તો ત્યારે બની હતી જ્યારે થોડાં વર્ષો પૂર્વે ઇન્ડોનેશિયા (કે જ્યાં ૯૦% લોકો ઇસ્લામ પાળે છે) ત્યાંની એક યુનિવર્સિટીના કુલપતિ ભારત આવેલા. આ કુલપતિના સન્માન સમારંભમાં રા.સ્વ.સંઘના વરિષ્ઠ પ્રચારક મા. શ્રી બાપુરાવ મોઘે પણ ઉપસ્થિત હતા. કુલપતિજીએ પોતાના વક્તવ્યમાં કહેલું કે, `ભારત આવતી વખતે મારાં પત્નીએ મને કહેલું કે, ભારતમાં તમારા અનેક કાર્યક્રમો હશે, પણ તે બધા વચ્ચે ત્યાંથી ગંગાજળ લઈ આવવાનું જરા પણ ભૂલતા નહીં.' આ ગંગાજળ લઈ આવવાનો આટલો બધો આગ્રહ રાખનાર કુલપતિનાં પત્ની એક મુસ્લિમ મહિલા હતાં.
 
વિશ્વપ્રસિદ્ધ વૈજ્ઞાનિકોએ અનેક પરિક્ષણો કરી જાહેર કર્યું છે કે, ગંગાજળમાં એવા પાંચ પ્રકારનાં દ્રવ્યો જોવા મળે છે, જે ગંગાજળને વિશ્વની કોઈ પણ નદીના જળથી અલગ પાડે છે, અને તેને વિશિષ્ટ બનાવે છે.
 
બ્રિટિશ સમયમાં વૈજ્ઞાનિક હોકિન્સે ગંગાજળની શુદ્ધતા સાબિત કરવા વૈજ્ઞાનિક પ્રયોગ કરેલા.
 
સૌ પ્રથમ તેમણે એક ગંદા નાળાનું પાણી તપાસ્યું, જેમાં મરડાનાં અસંખ્ય રોગાણુ હતા. તે પછી તેમણે આ ગંદા પાણીના પાત્રમાં ગંગાજળ ભેળવ્યું. અને થોડીવારમાં આ પાણીને ફરી તપાસ્યું તો આશ્ચર્ય સાથે જોવા મળ્યું કે, ગંદા પાણીના તમામ રોગાણુનો નાશ થયો હતો. અને પાણી પીવાલાયક બન્યું હતું.
 
રસાયણ વૈજ્ઞાનિક એન. એન. ગોડબોલેએ ગંગાજળની વિશેષતાનાં કારણ પારખવા માટે એક લાંબું રાસાયણિક સંશોધન પણ કરેલું. તેમના પ્રયોગો દરમ્યાન ગંગાજળમાં કંઈક વિશેષ પ્રકારના પ્રોટેક્ટિવ કાર્બાઈડ જોવા મળેલા, જેને કારણે ગંગાજળ સદા શુદ્ધ અને કીટાણુરહિત રહી શકતું.
 
બ્રિટિશરો ભારતથી લંડન પાછા જતા ત્યારે ત્રણ મહિના ચાલે તેટલી સ્ટીમરની લાંબી યાત્રા દરમ્યાન પીવા માટે ગંગાજળ જ સાથે લઈ જતા, કારણ કે ગંગાજળ સદાય શુદ્ધ જ રહેતું. જ્યારે લંડનથી કલકત્તા પાછા ફરતી વખતે લંડનની ટેમ્સ નદીનું પાણી ભરીને લઈ જતા તો ભારત પહોંચતાં પહેલાં તેમાં અસંખ્ય જીવાણુઓ જોવા મળતા. અલબત્ત આ બધી વૈજ્ઞાનિક બાબતો છે. પણ મનોવૈજ્ઞાનિક ઘટનાઓ પણ જોઈ લઈએ.
 
ભારતના શરણાઈવાદક ઉસ્તાદ બિસ્મિલ્લાખાને ફિલ્મ `ગુંજ ઊઠી શહનાઈ' ફિલ્મમાં શ્રોતાઓને મુગ્ધ કરી દે તેવું શરણાઈવાદન કર્યું ત્યારે તેઓ તેમની શરણાઈવાદનની અદ્ભુત કલાથી જગપ્રસિદ્ધ બની ગયેલા. તેમને ભારત સરકારે ભારતરત્નનો ઇલકાબ આપી બહુમાન પણ કરેલું. આવા શરણાઈવાદકને વિદેશમાં શરણાઈવાદકો તૈયાર કરવા અમેરિકામાં સ્થાયી થઈ જવા માટે કેટલાક ભારતીય આયોજકોએ તેમની આગળ પ્રસ્તાવ મૂકેલો. તે વખતે ઉસ્તાદ બિસ્મિલ્લાખાં કાશી વિશ્વનાથ મંદિરના અધિકૃત શરણાઈવાદક હતા. તેમને કાશીનગરી ભગવાન કાશીવિશ્વનાથ અને ત્યાં વહેતી ગંગાનદી માટે અપાર પ્રેમ હતો. તેઓ કોઈપણ સંજોગોમાં કાશી છોડવા તૈયાર ન હતા. તેથી ખાં સાહેબે વિનમ્રતાપૂર્વક વિદેશ જવાના પ્રસ્તાવની ના પાડી. ત્યારે આયોજકોએ કહ્યું, `ખાં સાહેબ, અમે વિદેશમાં પણ કાશીનગરીનું દૃશ્ય, કાશી વિશ્વનાથનું મંદિર અને કાશી વિશ્વનાથ ભગવાનની મૂર્તિ સાથેનો સેટ બનાવી દઈશું. માટે આપ ત્યાં ચાલો.' ત્યારે ખાં સાહેબે હસીને કહ્યું, `મહેરબાન, કાશીનો સેટ તો બનાવશો પણ મારી ગંગામૈયા ત્યાં ક્યાંથી લાવશો?' અને આયોજકો તેમનો ગંગાપ્રેમ જોઈને નિરુત્તર થઈ ચાલ્યા ગયેલા.
 
હવે એક પ્રખ્યાત ઉર્દૂ કવિ અકબર ઇલાહાબાદીનો ગંગાપ્રેેમ પણ જોઈએ. ગઝલના શોખીનોએ `હંગામા હૈ ક્યૂઁ બરપા...' ગઝલ પાકિસ્તાની ગઝલ ગાયક ગુલામ અલી ખાંના કંઠે સાંભળી હશે. આ અને આવી અનેક ગઝલો, શેર, શાયરીઓ અને નઝમોના રચનાર અલ્હાબાદના વતની અને એક સમયના સેશન્સ કોર્ટના મેજિસ્ટ્રેટ અકબર ઇલાહાબાદીને ગંગા માટે ભારે લગાવ હતો. જ્યારે હિન્દુ અને મુસ્લિમોને સામસામે લાવી સંઘર્ષની પરિસ્થિતિ ઊભી કરવાના પ્રયત્નો કુટિલ અંગ્રેજો કરી રહ્યા હતા ત્યારે શાયર અકબર ઇલાહાબાદીએ એક શેર પ્રસિદ્ધ કરેલો. જેના શબ્દો આ પ્રમાણે હતા:
 
`લડે ક્યોં હિન્દુઓંસે હમ, યહીં કે અન્નસે પનપે હૈં,
હમારી ભી દુઆએં હૈ કિ ગંગાજીકી બઢત હો.'
 
આ શેર દ્વારા તેમણે પોતાનો ગંગાપ્રેમ અને દેશપ્રેમ વ્યક્ત કરેલો.
 
હવે આપણે ગંગા માટે સંઘર્ષ કરનાર એક સજ્જન વિશે પણ જાણીએ. થોડાં વર્ષો પહેલાં ગંગા-જમુનાને એક જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો અપાય તે માટે ઉત્તરાખંડના એક સજ્જન સંઘર્ષ કરી રહ્યા હતા. ઉત્તરાખંડની તે સમયની સરકાર આ બાબતમાં રસ લેતી ન હતી. તેથી આ સજ્જને ઉત્તરાખંડની હાઈકોર્ટમાં બંને પવિત્ર નદીઓને સંપૂર્ણ પ્રતિષ્ઠા મળે અને બંને નદીઓને જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો મળે તે માટે ઉત્તરાખંડની હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. આ માટે તેમણે સતત ત્રણ વર્ષ સુધી સ્વખર્ચે સંઘર્ષ કર્યો અને અંતે ૨૦૧૪માં ઉત્તરાખંડની હાઈકોર્ટે ગંગા-જમુનાને જીવંત વ્યક્તિ તરીકેનો દરજ્જો જાહેર કર્યો. આ ચુકાદો રાજીવ શર્મા અને આલોક સિંહની બેન્ચે આપ્યો. પણ ગંગા-જમુના માટે લગાતાર સંઘર્ષ કરનાર સજ્જનનું નામ આપને ખબર છે? ગંગા-જમુના માટે સંઘર્ષ કરનાર આ સજ્જનનું નામ છે શ્રીમાન મોહંમદ સલીમ કે જેઓ હરિદ્વારના વતની છે. હવે પ્રશ્ન થાય છે કે ગંગા-જમુના જેવી પવિત્ર નદીઓ માટે સંઘર્ષ કરનાર મોહંમદ સલીમને શું કાફિર જાહેર કરવામાં આવશે?
 
ઘણા સમય પહેલાં એક હૃદયસ્પર્શી ઘટના મેં વર્તમાનપત્રમાં વાંચેલી, જેને આજે આ લેખમાં ટાંકવાનું મન થાય છે. ઘટના આ પ્રમાણે ઘટેલી. ઉત્તરપ્રદેશના એક ગામની એક શેરીમાં એક વૃદ્ધા પોતાનો અંતિમ શ્વાસ લઈ રહી હતી. આ વૃદ્ધાની તીવ્ર લાગણી હતી કે મૃત્યુ સમયે તેના મુખમાં ગંગાજળ પડે. વૃદ્ધાના અંતિમ શ્વાસ ચાલી રહ્યા હતા ત્યારે ફળિયામાં કોઈના ઘેર ગંગાજળ મળે તે લાવવા દોડધામ શરૂ થઈ ગઈ પણ સંજોગોવશાત્ ફળિયાના એક પણ ઘરમાંથી ગંગાજળ ન મળ્યું.
 
ફળિયામાં ચાલતી બૂમાબૂમ સાંભળી ફળિયાના એક ખૂણાના ઘરમાં રહેતા કૌસરબાનુ બહાર આવી બોલ્યાં, `અરે ! ગંગાજળ તો મારી પાસે છે. જ્યારે હું મારા પિયર અલ્હાબાદ જાઉં છું ત્યારે ગંગાજળ ચોક્કસ લેતી આવું છું. અને આ મુસ્લિમ બાનુએ આપેલું ગંગાજળ મુખમાં પડતાં વૃદ્ધાએ અંતિમ શ્વાસ લીધો.'
 
એક મુસ્લિમ બાનુએ આપેલા ગંગાજળથી હિન્દુ વૃદ્ધાના આત્માને શાંતિ મળી તો પેલા કાવડિયાઓએ છાંટેલા ગંગાજળથી કબરમાં સૂતેલા આત્માઓને શાંતિ મળી જ હશે તે કહેવાની આવશ્યક્તા ખરી? તો આવી સાવ સમજી શકાય તેવી ઘટના માટે `હંગામા હૈ ક્યૂઁ બરપા?'
 
# આરિફ મોહમ્મદ ખાને બહેરાઈચના પ્રસિદ્ધ વિશ્વનાથ મહાદેવના મંદિરમાં પૂજા કરી શિવલિંગ પર દૂધનો અભિષેક કર્યો ત્યારે હિન્દુઓએ કોઈ વિરોધ કર્યો ન હતો.
 
# ક્રિકેટર ઝહીર ખાને અને તેની પત્નીએ ૨૦૨૧માં ઝારખંડના છિન્નમસ્તિકે દેવીની પૂજા કરી, મન્નત પૂરી કરી ત્યારે કોઈ હોબાળો થયો ન હતો.
 
# ૨૦૨૨ના શ્રાવણ માસમાં રાજસ્થાનની રામગઢની મહિલા વિધાયિકા ઝુબેર સાફિયા કે જેના દાદા ચૌધરી અબ્દુલ હુસૈન ફ્રીડમ ફાઈટર હતા અને પિતા આર્મીના મેજર હતા, તેમણે એક હિન્દુ મંદિરમાં શિવલિંગ પર જલાભિષેક કર્યો ત્યારે કોઈ હંગામો ઊભો થયો ન હતો.
 
તો પ્રશ્ન હવે એ છે કે, આ દેશમાં આરિફ મોહમ્મદ ખાન કે ઝુબેર સોફિયા શિવલિંગ પર વિના વિરોધ જલાભિષેક કરી શકતા હોય તો તાજમહેલમાં જલાભિષેક કરવા બદલ આટલો બધો બિનજરૂરી શોરબકોર શા માટે? આટલો બધો હંગામો શા માટે?
 
***

શ્રી સુરેશભાઈ ગાંધી

  • શ્રી સુરેશભાઈ ગાંધી વર્ષ ૨૦૦૮થી સાધનાના ટ્રસ્ટી તરીકે જવાબદારી નિભાવે છે.
  • મૂળ વતન વડાલી, જિલ્લો - સાબરકાંઠા, ૨૦૦૨થી કર્ણાવતીમાં નિવાસ.
  • જન્મ તારીખ - ૨૬-૦૬-૧૯૪૨
  • ૧૯૬૯થી સંઘના સ્વયંસેવક છે.
  • અભ્યાસ - એમ.એ, બી.એડ, ડીટીસી.
  • નિવૃત આચાર્ય - ૨૦૦૦
સંઘમાં જિલ્લા કાર્યવાહ, વિભાગ કાર્યવાહ અને છેલ્લે પ્રાંત બૌધિક પ્રમુખની જવાબદારી નીભાવી. ઉપરાંત તેઓ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ મહામંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ પદે પણ રહી ચૂક્યા છે.