બાંગ્લાદેશ હિંસા માનવાધિકારવાદીઓનાં મોઢાંમાં મગ - હિન્દુ-બૌદ્ધ પરિવારોની રક્ષા કોના ભરોસે?

બાંગ્લાદેશ જેવું ભારતમાં પણ બની શકે છે, તેવું સલમાન ખુર્શીદ કહે ત્યારે તેને હળવાશથી લેવાની ભૂલ કરવાનો આ સમય નથી.

    ૧૭-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

bangladesh hindu news
 
 
થોડા મહિનાઓ પહેલા લોકતાંત્રિક રીતે મજબૂત જનમત સાથે ચૂંટાયેલ બાંગ્લાદેશની હસીના સરકારનું પાંચ ઑગસ્ટે પતન થયું. અપદસ્થ પ્રધાનમંત્રી શેખ હસીનાના કહેવા મુજબ મ્યાનમારના કિનારેથી આઠ કિલોમીટર દૂર આવેલ દારૂચિની (સેન્ટ માર્ટિન) ટાપુ અમેરિકાને નહીં આપવાના કારણે અમેરિકાએ પોત પ્રકાશ્યું, જેને લીધે બાંગ્લાદેશ આજે અંધાધૂંધી અને અરાજકતામાં સપડાયું છે. ત્યાંના લઘુમતી સમાજ એવા હિન્દુ-બૌદ્ધો પર કાળો કેર વર્તી રહ્યો છે.
 
બાંગ્લાદેશના બેંક-ગવર્નર અને ન્યાયાધીશને પણ ધમકીઓ મળતાં તેઓ પોતાના હોદ્દા છોડી ચૂક્યા છે, તેને પગલે ડરના માર્યા સંખ્યાબંધ અધિકારીઓ પણ પોતાનો હોદ્દો છોડી રહ્યા છે. હવે ત્યાંનું ન્યાયાલય કે સરકારી તંત્ર પણ ડરી ગયું હોય ત્યારે, ત્યાં લઘુમતી હિન્દુ-બૌદ્ધ પરિવારોને ન્યાય કે સુરક્ષા કોણ અપાવી શકશે?
 
ગાઝા પટ્ટીની હિંસાની સામે રાડારાડ કરી મૂકનારા રાજકીય પક્ષો, લીબરલો, ફિલ્મી હીરો-હિરોઈનો અને તથાકથિત માનવતાવાદીઓની માનવતામાંથી બાંગ્લાદેશના લઘુમતી હિન્દુઓ પ્રત્યેની માનવતાને જ સમૂળ રદ્દ (ડીલીટ) કરી દેવામાં આવી છે. છાશવારે તેઓ દ્વારા થતા દેખાવો-સરઘસો-રેલીઓ, વિરોધપ્રદર્શનો, માનવસાંકળો વગેરે વગેરે પ્રત્યે.. અને સોશિયલ મીડિયા પ્રત્યે.. પોતાની `All Eyes' મીંચી લીધી છે. આવા લોકો કોણ છે? એનો અંદાજ આવી શકે છે; સરદાર આરપી સિંહે `એક્સ' પર લખેલ વાત પરથી. તેઓ લખે છે કે, રાહુલ ગાંધીએ પોતાની; લંડનમાં બીએનપીના તારિક રહેમાન સાથેની બેઠક વિશે સ્પષ્ટ કરવું જોઈએ. શું તેમણે બાંગ્લાદેશમાં તખ્તાપલટ અને હિન્દુઓના નરસંહારને આગળ વધારવાનો આદેશ આપ્યો હતો? આ જાણકારી બાંગ્લાદેશમાં બેઠેલા બ્લિટ્ઝના સંપાદક સલાઉદ્દીન ચૌધરીએ જાહેર કરેલી છે.
 
બાંગ્લાદેશના કુલ ૬૪ જિલ્લાઓમાંથી ૨ જિલ્લાઓનાં હજારો હિન્દુ-બૌદ્ધ પરિવારો સેંકડો હિંસાની ઘટનાઓનાં ભોગ બન્યાં. ઘરો-દુકાનો-મંદિરો ઉપર હુમલા કરવામાં આવ્યા છે. સંખ્યાબંધ હિન્દુઓ ઘરબાર છોડીને ભારત આવવા શરણાર્થી તરીકે ભારત-બાંગ્લાદેશ સરહદ (બોર્ડર) ઉપર દોડી આવ્યાં છે.
 
આ અત્યાચારો-હુમલાઓની વિરુદ્ધમાં દુનિયાભરમાંથી વિરોધનો સૂર ઉઠ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના પ્રવક્તાએ તાત્કાલિક અસરથી હિંસા રોકી દેવા માટે જણાવ્યું છે. અમેરિકાના સંસદ સભ્યોએ આ મુદ્દે અમેરિકન સરકારને હસ્તક્ષેપ કરવા માટે આગ્રહ કર્યો છે. ભારત, કેનેડા, યુરોપ, નેધરલેન્ડ વગેરે સંખ્યાબંધ દેશો દ્વારા ક્યાંક પ્રદર્શનો કે ક્યાંક જાહેરાત કરીને વિરોધના સ્વરને બુલંદ કરવામાં આવી રહ્યો છે.
 
બાંગ્લાદેશના હિન્દુઓને પણ હિંમત ભેગી કરીને પોતાને સુરક્ષા આપવામાં આવે, તેવી માગણી સાથે રાજધાની ઢાકામાં મોટી સંખ્યામાં રસ્તા ઉપર ઉતરી આવવું પડ્યું છે.
 
ઑગસ્ટ, ૧૯૪૭ના વિભાજન વખતે શરૂ થયેલો માનવસંહાર; હજુ જૂદાં જૂદાં સ્વરૂપે ચાલું છે. વિભાજનનો નિર્ણય લેનારા સત્તાલાલચુઓના રાજકીય વારસો લાજવાના બદલે ગાજી રહ્યા છે. બાંગ્લાદેશ જેવું ભારતમાં પણ બની શકે છે, તેવું સલમાન ખુર્શીદ કહે ત્યારે તેને હળવાશથી લેવાની ભૂલ કરવાનો આ સમય નથી. ખાઈએ એનું ખોદવાની જિન્હાની માનસિકતા જિન્હા વખતે જે માત્રામાં હતી, તેના કરતાં વધું માત્રામાં આજે ફુલી-ફાલી છે, તેનું આકલન કરીને કટ્ટરવાદીઓના અને તેમના આકાઓના મનસૂબાઓથી કેવાં કેવાં કારસ્તાનો રચાઈ શકે, તેનો અણસાર પામીને જનમન અને તંત્ર સાબદું રહે. અહર્નિશ જાગૃતિનો કોઇ જ વિકલ્પ નથી.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.