વકફ બોર્ડ સંશોધન બિલ - એક અનિયંત્રિત સંસ્થા પર લગામ | Waqf Amendment Bill
વિપક્ષોની અનેક રાડારાડ અને ભ્રામક વિમર્શ વચ્ચે આખરે વકફ એક્ટમાં સુધારો કરતું બિલ ગત ૮ ઓગસ્ટના રોજ સંસદમાં રજૂ થઈ ગયું. સંસદમાં આ બિલ રજૂ થયા બાદ પુનઃ એક વખત વકફ બોર્ડ અને તેને લગતા કાયદા અને તેને મળેલી અસીમિત સત્તાના દુરુપયોગ મુદ્દે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે શું છે આ વકફ બોર્ડ અને તેના પર લગામ લગાવવી શા માટે જરૂરી હતી. તે અંગે વિશેષ છણાવટ.
શું છે વકફનો અર્થ?
ઇસ્લામમાં વકફનો સીધો અર્થ થાય સ્થાયી, અસ્થાયી મિલકતને મઝહબી કે પાક ઉદ્દેશ્ય માટે કાયમ માટે દાન કરી દેવી. આ સંપત્તિ સમર્પિત કોને કરવી? જવાબ છે- અલ્લાહને. એક વખત કોઈ સંપત્તિ વકફને અપાઈ તો પછી તેનો મઝહબી હેતુઓ સિવાય બીજી કોઈ પણ પ્રવૃત્તિ માટે ઉપયોગ થઈ શકે નહીં અને શરિયા (ઇસ્લામિક કાનૂન) અનુસાર એક વખત વકફ માટે દાન અપાયા બાદ તે કાયમ માટે વકફની સંપત્તિ થઈ જાય છે અને પરત ક્યારેય મેળવી શકાતી નથી.
વકફ પ્રક્રિયા હેઠળ જે તે માલિક પાસેથી સંપત્તિ હસ્તગત કરી લેવામાં આવે અને તેને અલ્લાહના નામે કરી દેવામાં આવે છે. જે ત્યાર પછી કાયમ માટે તે જ સ્થિતિમાં રહે છે અને મૂળ માલિક પાસે પરત જતી નથી. જે વ્યક્તિ સંપત્તિ આપે છે તેને વકીફ કહેવાય છે. સરળ ભાષામાં જેને દાતા કહેવાય એવો વ્યક્તિ. હવે આ સંપત્તિ અલ્લાહને સમર્પિત કરવામાં આવે છે, પણ તેના સંચાલન માટે કોઈની જરૂર પડે, જેથી વકીફ તેના માટે એક વ્યક્તિને નીમે છે, જે હોય છે મુતવ્વલ્લી. વકફ સંપત્તિના સંચાલન અને જાળવણીની જવાબદારી તેના શિરે હોય છે.
ભારતમાં વકફનો શું ઇતિહાસ?
ભારતમાં વકફના મૂળ ઈસ્લામિક શાસન દરમિયાનથી જોવા મળે છે. દિલ્હી સલ્તનતના શરૂઆતના વખતમાં સુલતાન મુઈજુદ્દીન સેમ ઘોરે (જે મુહમ્મદ ઘોરી નામે કુખ્યાત થયો અને જેણે ભારતમાં ઇસ્લામિક શાસન સ્થાપ્યું) મુલતાનની જામા મસ્જિદ માટે બે ગામો દાન કર્યાં હતાં અને તેનું સંચાલન શૈખુલ ઇસ્લામને સોંપ્યું હતું. પછીથી જેમ ભારતમાં દિલ્હી સલ્તનત અને પછી ઇસ્લામિક શાસનનાં મૂળિયાં મજબૂત થતાં ગયાં એમ વકફ સંપત્તિ પણ વધતી રહી.
અંગ્રેજોએ પણ વકફને ગણાવ્યું હતું ગેરકાયદેસર
પછીથી બ્રિટિશ રાજ આવ્યું, પરંતુ વકફ સંપત્તિઓના વધારામાં કોઈ ફેર પડ્યો નહીં. જોકે, ૧૯મી સદીના અંતમાં લંડનની પ્રિવી કાઉન્સિલમાં ભારતમાં વકફ નાબૂદ કરવાની માંગ સાથે એક કેસ પહોંચ્યો હતો. આ કેસ જેમણે સાંભળ્યો એ બ્રિટિશ ન્યાયાધીશોએ વકફને ગેરકાયદેસર ઠેરવીને હાનિકારક ગણાવ્યું હતું. પણ તેમનો આદેશ ભારતમાં ક્યારેય સ્વીકારાયો નહીં અને ઉપરથી ૧૯૧૩માં વકફ વેલિડેટિંગ એક્ટ લાવવામાં આવ્યો. ત્યાર પછી ક્યારેય વકફ પર નિયંત્રણ લગાવવાના પ્રયાસો થયા નથી. કોંગ્રેસે આવીને તેની શક્તિઓ વધારવાનું જ કામ કર્યું છે.
વાચકોને જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, આજની તારીખે ભારતમાં સશસ્ત્ર સેનાઓ અને રેલવે બાદ વકફ એવી બોડી છે, જેની પાસે સૌથી વધુ સંપત્તિ છે. વકફ મૅનેજમેન્ટ સિસ્ટમના અધિકારિક ડેટા અનુસાર, ભારતમાં કુલ આઠ લાખ ૫૪ હજાર જેટલી વકફ સંપત્તિઓ છે અને દેશભરમાં કુલ નવ લાખ એકરથી વધુ જમીનમાં ફેલાયેલી છે. ૨૦૦૯માં આ આંકડો ચાર લાખ એકર હતો, જે હવે બમણો થઈ ગયો છે. ભારતમાં જે રાજ્યોમાં વકફ સંપત્તિ વધુ માત્રામાં છે તે રાજ્યોની વાત કરીએ તો, હાલ ઉત્તરપ્રદેશમાં સૌથી વધુ ૨.૨૫ લાખથી વધારે વકફ સંપતિ છે. પશ્ચિમ બંગાળમાં ૮૦,૦૦૦, પંજાબ ૭૦,૦૦૦, કર્ણાટક ૬૧,૦૦૦, કેરળ ૫૨,૦૦૦, તેલંગાણા ૪૩,૦૦૦, ગુજરાત ૩૯,૦૦૦, મધ્યપ્રદેશ ૩૩,૦૦૦, જમ્મુકાશ્મીર ૩૨,૦૦૦ એકર છે.
એક પ્રશ્ન એ પણ થાય કે આખરે ગુજરાતમાં વક્ફ બોર્ડની કેટલી સંપત્તિ છે? ત્યારે તમને જણાવી દઈએ કે જે માહિતી ઉપલબ્ધ છે તે મુજબ ગુજરાતમાં તેની સંપત્તિની સંખ્યા ૪૫ હજાર કરતા વધારે છે. જેમાં સ્થાવર સંપત્તિ જ ૩૯,૦૦૦કરતા વધુ છે. જ્યારે બાકી જંગમ છે. આ મિલકતની જો કિંમત આંકીએ તો કરોડોમાં જાય. વક્ફ બોર્ડની આ સંપત્તિમાં માત્ર કબ્રસ્તાન, મદરેસા, મસ્જિદ જેવી સંપત્તિઓ જ નહીં પરંતુ રહેઠાણ, ખેતીની જમીનો, દુકાનો તળાવો, પ્લોટ વગેરે પણ સામેલ છે. ગુજરાતમાં વક્ફ બોર્ડની કુલ સંપત્તિ જોઈએ તો ૩૯,૯૪૦ છે જેમાંથી સૌથી વધુ અમદાવાદમાં ૧૫૪૨૫ સંપત્તિ, ત્યારબાદ સુરતમાં ૮૪૫૩, પછી ભરુચ ૪૧૬૩ મિલકત ધરાવે છે. જમીનની વાત કરીએ તો સૌથી વધુ ખેતી લાયક જમીન ૯૧૮ વક્ફ બોર્ડ ભરૂચ જિલ્લામાં ધરાવે છે.
સર્વોચ્ચ ન્યાયાલયનાં વકીલ અશ્વિની ઉપાધ્યાય કહે છે કે, સમગ્ર અરબ-ઇસ્લામિક જગતમાં એક પણ દરગાહ નથી, પરંતુ ભારતમાં વકફ બોર્ડ ઠેર-ઠેર દરગાહો બાંધી દઈ જમીનો કબજે કરી રહ્યું છે. પાકુ કબ્રસ્તાન બનાવવાને પણ ગેર ઇસ્લામિક માનવામાં આવે છે. છતાં વકફ બોર્ડ પાકી કબરો બાંધી જમીનો કબજાવી રહી છે. આજની તારીખમાં વકફ બોર્ડ પાસે જેટલી સંપત્તિ છે તે માલદીવ્સ, સિંગાપુર, બહેરિન, હોંગકોંગ, ડેનમાર્ક, ફિનલેન્ડ, મોરેશિયસ, લક્ઝમ્બર્ગ, સાઇપ્રસ સહિત વિશ્વના ૫૦ દેશો કરતાં પણ ભારતમાં વકફ બોર્ડ પાસે વધારે જમીન છે. ભારતમાં વકફ બોર્ડની સંપત્તિ જેટલા વિસ્તારમાં ફેલાયેલી છે તેટટલું તો સમગ્ર પાકિસ્તાનનું ક્ષેત્રફળ પણ નથી. પાકિસ્તાનનું કુલ ક્ષેત્રફળ ૮,૮૧,૯૧૩ વર્ગ કિ.મી. છે જ્યારે ભારતમાં વકફ બોર્ડ પાસે ૯ લાખ ગર્ગ કિ.મી. કરતાં પણ વધારે જમીન છે. એટલે કે પાકિસ્તાન બન્યા બાદ પણ તેના કરતાં મોટું પાકિસ્તાન વકફ બોર્ડે ભારતમાં બનાવી રાખ્યું છે.
કોંગ્રેસના રાજમાં વકફ વકર્યું
વર્ષ ૧૯૫૪માં જવાહરલાલ નહેરુની સરકારે એક કાયદો બનાવ્યો, જેને નામ અપાયું વકફ બોર્ડ એક્ટ ઑફ ૧૯૫૪ અને વકફના કેન્દ્રીયકરણનું કામ શરૂ થયું. કાયદા હેઠળ એક સેન્ટ્રલ વકફ કાઉન્સિલની રચના કરવામાં આવી, જેના હેઠળ અલગ-અલગ રાજ્યોનાં વકફ બોર્ડ આવે છે. આ તમામ બોર્ડની સ્થાપના વકફ એક્ટ, ૧૯૫૪ના સેક્શન ૯(૧) હેઠળ કરવામાં આવી છે. તમામ વકફ બોર્ડ ઉપર કાઉન્સિલ આવે છે, જે એક સ્ટેચ્યુચરી બોડી (કાયદા માન્ય) છે.
ત્યાર પછી મોટે ભાગે કોંગ્રેસની જ સરકારો રહી, પણ વકફ પર નિયંત્રણની વાત ક્યાંય આવી નહીં. એટલું પૂરતું ન હતું ત્યાં ૧૯૯૫માં તત્કાલીન કોંગ્રેસ સરકાર એક નવો કાયદો લાવી, જેનાથી ૧૯૫૪નો કાયદો રદ કરીને નવો વકફ એક્ટ લાગુ કરવામાં આવ્યો. આ એક્ટના કારણે વકફને એવી અમાપ શક્તિઓ પ્રાપ્ત થઈ, જેની અસરો આજે પણ જોવા મળી રહી છે.
૨૨ નવેમ્બર, ૧૯૯૫ના રોજ સરકારે આ વકફ એક્ટ લાગુ કર્યો હતો, જે આજે પણ લાગુ છે. સમય પ્રમાણે તેમાં સંશોધનો થતાં રહ્યાં છે, પણ આ સંશોધનોના કારણે વકફ બોર્ડને સત સત્તામાં વધારો જ થતો રહ્યો, લગામ લાગી નથી. આ નવા કાયદાથી વકફ કાઉન્સિલ અને રાજ્યના વકફ બોર્ડને વધુ શક્તિઓ આપવામાં આવી. હવે આ કાયદાના અમુક ખંડ જોઈએ.
વકફ એક્ટના સેક્શન ૪ હેઠળ વકફ સરવે કમિશનરને સિવિલ કોર્ટ જેટલી જ સત્તા આપવામાં આવી છે. એટલું જ નહીં, જે સરવે હાથ ધરવામાં આવે તેનો ખર્ચ પણ સરકારે ભોગવવાનો રહે છે. એટલે કે જો કોઇ હિંદુ સંપત્તિને વકફ બોર્ડ પોતાની સંપત્તિ જાહેર કરે અને તેનો સરવે કરવામાં આવે તો તેનો ખર્ચ પણ સરકાર જ ભોગવશે, એટલે કે ટેક્સપેયરના પૈસા જશે. સેક્શન ૪૦ અનુસાર, વકફ બોર્ડને એ નક્કી કરવાની સત્તા મળે છે કે, તમારી જમીન વકફની છે કે કેમ. જો કોઇ સંપત્તિ પર વકફ દાવો માંડે તો ત્યારબાદ સંપત્તિના માલિકે પુરવાર કરવું પડે છે કે જે-તે સંપત્તિ તેની માલિકીની છે. સેક્શન ૫૪ હેઠળ વકફ કોઇને અતિક્રમણકારી પણ ઘોષિત કરી શકે છે. કાયદા અનુસાર, જો ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસરને લાગે કે, વકફ સંપત્તિ પર કોઈ અતિક્રમણ કરવામાં આવ્યું છે તો તેઓ ફરિયાદ પર કે સ્વતઃ સંજ્ઞાન લઈને જે તે વ્યક્તિને નોટિસ પાઠવી શકે છે, જેણે પછી કારણ દર્શાવવું પડે છે. તપાસ બાદ જો સામે આવે કે સંપત્તિ વકફ સંપત્તિ છે અને તેની ઉપર અતિક્રમણ કરવામાં આવ્યું છે તો અધિકારી ટ્રિબ્યુનલમાં રજૂઆત કરીને જગ્યા ખાલી કરાવવા સુધીની કાર્યવાહી કરાવી શકે છે.
ટ્રિબ્યુનલને સિવિલ કોર્ટ જેટલી જ સત્તા
સરળ શબ્દોમાં કહીએ તો વકફ પોતાની રીતે નક્કી કરે છે કે જે તે સંપત્તિ વકફ સંપત્તિ છે કે નહીં, ત્યારબાદ અતિક્રમણ કરનારને નોટિસ મોકલે છે, મામલો વકફ ટ્રિબ્યુનલમાં જાય છે અને જો ટ્રિબ્યુનલને રજૂઆત પર સંતોષ થયો તો જગ્યા ખાલી કરવાનો આદેશ પણ છૂટી શકે છે. વધુ ગંભીર બાબત એ છે કે કાયદાના સેક્શન 85 હેઠળ વકફ કે વકફ સંપત્તિને લગતા વિવાદો માત્ર વકફ ટ્રિબ્યુનલ દ્વારા જ નક્કી કરવામાં આવે છે, જેને સિવિલ કોર્ટ જેટલી સત્તા હોય છે અને કોડ ઑફ સિવિલ પ્રોસીજર હેઠળ તેને એ તમામ સત્તા અને અધિકારો પ્રાપ્ત છે, જે એક સિવિલ કોર્ટને હોય છે. વળી, ટ્રિબ્યુનલમાં નિર્ણય કરનાર તરીકે મુસ્લિમને જ નિયુક્ત કરવાનો નિયમ છે. આ ટ્રિબ્યુનલના આદેશ બંને પક્ષોએ માન્ય રાખવા જ પડે છે અને તેને દેશની કોઇ પણ સિવિલ કોર્ટમાં પડકારી શકાતા નથી. ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટે પણ એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે, વકફ સંપત્તિને લગતા મામલા ટ્રિબ્યુનલ જ નક્કી કરશે, દેશની કોર્ટ તેમાં કશું કરી શકે તેમ નથી.
વકફ કાયદાના દુરુપયોગનાં ઉદાહરણો
આજે દેશમાં ૩૦ વકફ બોર્ડ છે, જેણે અત્યાર સુધી મિલકતો અને મંદિરોની જમીન પર અતિક્રમણ કર્યું છે. તમિલનાડુમાં વકફ બોર્ડે તાજેતરમાં એક આખા ગામની માલિકીનો દાવો કર્યો છે, જેનાથી ગ્રામજનો ચોંકી ગયા છે. ગામમાં ૧૫૦૦ વર્ષ જૂના મંદિર પર પણ વકફ બોર્ડ દાવો કરી રહ્યું છે.
હરિયાણાના યમુનાનગર જિલ્લાના જથલાના ગામમાં વકફ દ્વારા સત્તાના જોરે ગુરુદ્વારા (શીખમંદિર) ધરાવતી જમીન વકફમાં ટ્રાન્સફર કરવામાં આવી. આ જમીન પર કોઈ મુસ્લિમ વસાહત કે મસ્જિદ હોવાનો કોઈ ઇતિહાસ નથી.
નવેમ્બર ૨૦૨૧માં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મુખ્ય મથકને વકફ મિલકત તરીકે જાહેર કરી તેના પર પણ દાવો કરવામાં આવ્યો હતો. દલીલ એવી હતી કે શાહજહાંના શાસનકાળ દરમિયાન બાદશાહ દ્વારા તેની પુત્રીને વકફ મિલકત તરીકે આ મિલકત દાનમાં આપવામાં આવી હતી, તેથી દાવો આજે લગભગ ૪૦૦ વર્ષ પછી પણ વાજબી હોઈ શકે છે.
૨૦૧૮માં સુન્ની વકફ બોર્ડે સુપ્રીમ કોર્ટે સમક્ષ રજૂઆત કરી હતી કે તાજમહેલ સર્વશક્તિમાનની માલિકીનો છે. વ્યવહારિક હેતુઓ માટે એને સુન્ની વકફ બોર્ડની મિલકત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવે. જ્યારે સર્વોચ્ચ અદાલત દ્વારા શાહજહાંના હસ્તાક્ષરિત દસ્તાવેજ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે આ સંસ્થાએ દાવો કર્યો હતો કે સ્મારક સર્વશક્તિમાનનું છે અને તેની પાસે કોઈ હસ્તાક્ષરિત દસ્તાવેજો નથી, પરંતુ બોર્ડને મિલકતનો અધિકાર મળવો જોઈએ.
ગુજરાતાં તો કૃષ્ણનગરી દ્વારિકાના એક આખે આખા ટાપુને જ વકફની સત્તિ ગણાવી તેના પર દાવો કરવામાં આવ્યો હતો.
મધ્યપ્રદેશ ઉચ્ચન્યાયાલયના ન્યાયાધિશ ગુરુપાલસિંહ અહુલુવાલિયાએ વકફ બોર્ડની મનમાની મુદ્દે વકફ બોર્ડનો ઉઘડો લેતા કહ્યું હતું કે, કોઈ કાલે ઊઠીને મારા ઘરને પણ વકફ સંપત્તિ ઘોષિત કરી દેશે તો શું મારે તે ઘરને ખાલી કરી દેવાનું. આ કોર્ટને વકફની સંપત્તિ ઘોષિત કરી દે તો કોર્ટને તેમને હવાલે કરી દેવાની, તાજમહેલ, લાલકિલ્લા પર પણ વકફ બોર્ડ દાવો માંડે તો તે પણ તેમને સોંપી દેવાનાં. આમ, એક-એક સંપત્તિ પર દાવા કરવા કરતાં એક સમાટો આખા દેશને જ વકફની સંપત્તિ ઘોષિત કરી દો.
આ બિલથી શું બદલાશે?
હવે નવા વકફ એક્ટમાં વકફ એક્ટ ૧૯૯૫ની આ જ કલમ ૪૦ હટાવવાનો પ્રસ્તાવ છે. આ કલમ હેઠળ, બોર્ડ પાસે કોઈ મિલકત વકફ મિલકત છે કે કેમ તે નક્કી કરવાની સત્તા હતી. આ બિલ કેન્દ્રીય પોર્ટલ અને ડેટાબેઝ દ્વારા વકફ મિલકતોની નોંધણીનો પ્રસ્તાવ મૂકે છે. નવા કાયદાના અમલના છ મહિનાની અંદર મિલકતોની વિગતો કેન્દ્રીય પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. આ બિલમાં નવી કલમ 3A, 3B અને 3C સામેલ કરવાની જોગવાઈ છે. આ વિભાગો વકફની અમુક શરતો, પોર્ટલ અને ડેટાબેઝ પર વકફની વિગતો ફાઇલ કરવા અને વકફની ખોટી ઘોષણા સાથે સંબંધિત છે. વકફની ખોટી ઘોષણા રોકવા માટે બિલમાં જોગવાઈ છે. હવે કોઈ પણ મિલકતને વકફ મિલકત તરીકે રજિસ્ટર્ડ કરતાં પહેલાં તમામ સંબંધિતોને યોગ્ય માહિતી આપવાની રહેશે.
મુસ્લિમ મહિલાઓનું પ્રતિનિધિત્વ
આ બિલમાં કેન્દ્રીય વકફ કાઉન્સિલ અને રાજ્ય વકફ બોર્ડમાં ઓછામાં ઓછી બે મહિલાઓ હોવાનો પ્રસ્તાવ છે. આ બિલ બોહરા અને આગાખાની સમુદાયો માટે અલગ ઔકાફ બોર્ડ (ઔકાફ એ વકફનું બહુવચન છે)ની સ્થાપના માટે જોગવાઈ કરે છે. ફેરફાર હેઠળ, મુસ્લિમ સમુદાયોમાં શિયા, સુન્ની, બોહરા, આગાખાની અને અન્ય પછાત વર્ગોને પ્રતિનિધિત્વ આપવાનું કહેવામાં આવ્યું છે.
અગાઉ વકફ બોર્ડમાં કોઈ પણ બિનમુસ્લિમને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે નિયુક્ત કરી શકાતો ન હતો. હવે બિલના ક્લોઝ ૧૫માં સેક્શન ૨૩માં સુધારો કરવાનો પ્રસ્તાવ છે. કલમ ૨૩ CEOની નિમણૂક, તેમના કાર્યકાળ અને સેવાની અન્ય શરતો સાથે સંબંધિત છે. એવી જોગવાઈ કરવામાં આવી છે કે સીઈઓ રાજ્ય સરકારના જોઈન્ટ સેક્રેટરીના રેન્કથી નીચે નહીં હોય અને તેમની કોઈપણ ધર્મની જરૂરિયાત પણ દૂર કરવામાં આવશે.
નવા બિલ મુજબ, યુનિયન કાઉન્સિલમાં હવે એક કેન્દ્રીય મંત્રી, ત્રણ સાંસદો, મુસ્લિમ સંગઠનોના ત્રણ પ્રતિનિધિઓ અને ત્રણ મુસ્લિમ કાયદા નિષ્ણાતોનો સમાવેશ થશે. તેમાં સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના બે ભૂતપૂર્વ ન્યાયાધીશો, ચાર રાષ્ટ્રીય ખ્યાતનામ વ્યક્તિઓ અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ પણ સામેલ હશે.
કલેક્ટર મધ્યસ્થી તરીકેની ભૂમિકા ભજવશે
કલેક્ટરની મધ્યસ્થી તરીકેની ભૂમિકાને લઈને નવા બિલમાં મહત્ત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવે કોઈ મિલકત વકફની છે કે સરકારી છે તે નક્કી કરવાનો અધિકાર જિલ્લા કલેક્ટરને રહેશે. કલમ 3C જણાવે છે કે આ અધિનિયમના અમલમાં આવ્યા પહેલાં અથવા પછી વકફ મિલકત તરીકે માન્યતા પ્રાપ્ત અથવા જાહેર કરાયેલ કોઈપણ સરકારી મિલકતને વકફ મિલકત તરીકે ગણવામાં આવશે નહીં. જો આવી કોઈ મિલકત સરકારી મિલકત છે કે કેમ તે અંગે કોઈ પ્રશ્ન ઊભો થાય તો તેને સ્થાનિક કલેક્ટરનો સંદર્ભ આપવામાં આવશે. કલેક્ટર તપાસ કરીને નક્કી કરશે કે, મિલકત સરકારી મિલકત છે કે નહીં. તે પોતાનો રિપોર્ટ રાજ્ય સરકારને સુપરત કરશે. એક પેટા કલમ પણ ઉમેરવામાં આવી છે કે, જ્યાં સુધી કલેક્ટર તેમનો અહેવાલ રજૂ ન કરે ત્યાં સુધી આવી મિલકતને વકફ મિલકત તરીકે ગણવામાં આવશે નહીં. વર્તમાન કાયદા અનુસાર આ નિર્ણય વકફ ટ્રિબ્યુનલ દ્વારા લેવામાં આવે છે. કલમ 3C હેઠળ, વિવાદિત જમીન પર સરકારનું અનિવાર્યપણે નિયંત્રણ હશે, જે અગાઉ વકફ બોર્ડ પાસે હતું. વકફ મિલકતોના સર્વેની સત્તા જિલ્લા કલેક્ટર અથવા ડેપ્યુટી કલેક્ટર પાસે રહેશે.
નવા બિલથી કેન્દ્રને કોઈપણ વકફના ઓડિટના નિર્દેશનની સત્તા પણ મળશે. આ ઓડિટ ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ દ્વારા નિયુક્ત ઓડિટર દ્વારા અથવા કેન્દ્ર સરકાર દ્વારા આ હેતુ માટે નામાંકિત અધિકારી દ્વારા કરવામાં આવશે.
દાન કરવાના અધિકારની વ્યાખ્યા
નવા બિલમાં એવી દરખાસ્ત કરવામાં આવી છે કે માત્ર મુસ્લિમો જ તેમની જંગમ અથવા અન્ય સંપત્તિ વકફ કાઉન્સિલ અથવા બોર્ડને દાન કરી શકે છે. આ સિવાય આ નિર્ણય કાનૂની માલિક જ લઈ શકે છે. નવા બિલમાં સરકારે સૂચવ્યું છે કે, વકફ બોર્ડને મળનારી રકમનો ઉપયોગ વિધવાઓ, છૂટાછેડા લીધેલી મહિલાઓ અને અનાથોના કલ્યાણ માટે કરવામાં આવે.
વકફ બોર્ડની મનમાની નિયંત્રિત કરશે આ કાયદો : રજત શર્મા
નવા વકફ બિલને તાત્કાલિક ધોરણે લાગુ કરવાની તરફેણ કરતા જાણીતા પત્રકાર રજત શર્મા કહે છે કે, કોંગ્રેસ દ્વારા ૨૦૧૩માં વકફ એક્ટમાં જે બદલાવ કર્યા, પરિણામે વકફ બોર્ડને છૂટો દોર મળ્યો તેનું પરિણામ એ આવ્યું છે કે, વકફ સંપત્તિઓની સંખ્યા ૪,૭૯,૦૦૦થી વધીને ૮,૫૦,૦૦૦થી પણ વધી ગઈ છે. આવું કેમનું થયું? ગત વર્ષે ગુજરાતમાં સરકારે દ્વારકામાં સમુદ્ર કિનારે સરકારી જમીનો પર દબાણો હટાવવા માટે બુલડોઝર ચલાવવામાં આવ્યું તે સમયે જામનગર અને દ્વારકામાં કુલ ૧૪૨ જેટલી સંપત્તિઓ વકફના નામે નોંધાયેલી હતી. આમાંની એક મજાર ભામા નામના ખેડૂતની જમીન પર બનેલી હતી. એ જમીનને પણ વકફ બોર્ડના નામે રજિસ્ટર્ડ કરી દેવામાં આવી હતી. પરિણામે કાયદાકીય રીતે તેની સામે કાર્યવાહી ન થઈ શકે. માટે તે મજાર બચી ગઈ. ત્યારબાદ દેશભરમા આ પ્રકારની ચાલાકી કરાઈ રહી છે. પાછલા બે વર્ષોમાં જ ૩૪૧ નવી સંપત્તિઓ વકફબોર્ડમાં નોંધણી કરાઈ ચૂકી છે. અને ૫૦૦થી વધારે સંપત્તિઓની અરજી પેન્ડગમાં છે. આવી જ રીતે લખનૌમાં અન્નપૂર્ણા મંદિર ૧૯૬૨થી રેવન્યુ રેકોર્ડમાં મંદિર તરીકે નોંધાયેલ છે. પરંતુ ૨૦૧૬માં તેને વકફની સંપત્તિ જાહેર કરી દેવાઈ હતી. આવા એક નહિ હજ્જારો કેસ છે. માટે વકફની આ પ્રકારની મનમાની રોકવા માટે આ કાયદામાં બદલાવની જરૂર છે. અને વહેલામાં વહેલી તકે સુધારેલો કાયદો અમલી બને તે પણ જરૂરી છે.
એકલાં ઔવેસી પાસે જ વકફની ૩ હજાર કરોડની સંપત્તિ : જાવેદ અહેમદ
વિરોધ પક્ષો દ્વારા નવા વકફ બિલને લઈ બિલ મુસ્લિમ વિરોધ હોવાના અપપ્રચારને માત્ર રાજનીતિ ગણાવી વકફ વેલ્ફેર ફોરમના ચેરમેન જાવેદ અહેમદ કહે છે કે, વકફ સંકટમાં પરિવર્તન એ પાંથિક છેડછાડ નથી. આની પાછળનો સરકારનો ઇરાદો નેક છે, કારણ કે AIMIM પાસે જ વકફની ૩ હજાર કરોડથી વધારેની સંપત્તિઓ છે. આ સિવાય પણ ઘણા નેતાઓ અને પાંથિક સંસ્થાઓએ વકફની સંપત્તિ લીઝ પર લઈ રાખી છે. સામાન્ય ભાડાપેટે લીધેલી આ સંપત્તિ વર્ષોથી તેમના કબજામાં છે. પરિણામે તેનો ફાયદો જરૂરિયાતમંદો સુધી પહોંચી રહ્યો નથી, વકફ એક્ટનું સંશોધન કાર્ય શરૂ થયું તો આવી ઘણી બધી બાબતો સામે આવી છે, હજુ પણ આવશે.
સેક્યુલર દેશમાં આવો મઝહબી કાયદો કેવી રીતે?
આમ તો ભારતના બંધારણમાં સેક્યુલર સ્ટેટ શબ્દ ઉમેરવામાં આવ્યો છે, પણ હકીકત એ છે કે, દેશમાં આવો કાયદો માત્ર એક જ મઝહબ માટે છે. ન હિંદુઓ, ન શીખો, ન ખ્રિસ્તીઓ કે ન સૌથી ઓછા લઘુમતીઓ પારસીઓ માટે આવો કાયદો બનાવવામાં આવ્યો છે. વક્રતા એ પણ છે કે વર્ષ ૧૯૯૧માં એક પ્લેસીસ ઑફ વર્શિપ એક્ટ બનાવાયો હતો, જેમાં જોગવાઈ છે કે, ૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ધાર્મિક-મઝહબી સ્થળોનાં જે ચરિત્ર હોય તે જાળવી રાખવામાં આવે અને તેમાં ફેરફાર કરી શકાય નહીં. બીજી તરફ, ચાર જ વર્ષ પછી વકફ બોર્ડ એક્ટને મજબૂત બનાવી દેવાયો, જેમાં બોર્ડ કોઇ પણ સંપત્તિને મઝહબી ઘોષિત કરી શકે છે.
નોંધવાનું એ પણ રહે કે સેક્યુલર ભારતમાં આ વકફ એક્ટ લાગુ છે, પણ તૂર્કી, સીરિયા, લિબિયા, સુદાન જેવા ઇસ્લામી દેશોમાં આવો કોઇ કાયદો કે જોગવાઇ નથી. ન ત્યાં વકફ બોર્ડ છે કે ન વકફ એક્ટ છે. પરંતુ અહીં તુષ્ટીકરણ અને વૉટબેન્કના રાજકારણના કારણે આવી પ્રવૃત્તિઓને કાયદાકીય રક્ષણ મળી રહ્યું છે. જોકે, કેન્દ્ર સરકાર દ્વારા વકફ સંશોધન બિલ અને તેને મળી રહેલા સમર્થન બાદ ભારતની આ બેલગામ પાંથિક સંસ્થા પર લગામ લાગવાની આશા જરૂરથી બંધાઈ છે.