ભારતના ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે 23 ઑગષ્ટે અમદાવાદ ખાતે 8મા આંતરરાષ્ટ્રીય ધર્મ-ધમ્મ સંમેલનનો શુભારંભ કરાવ્યો હતો. જે ૨૩-૨૫ ઓગસ્ટ ૨૦૨૪ સુધી ચાલશે. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સમાં 13 દેશોના 300 વિદ્વાનો બૌદ્ધધર્મ અંગે વક્તવ્ય આપશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રામ જન્મભૂમિના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવગીરીજી મહારાજ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યાં હતા. ત્રીદિવસીય સંમેલનમાં 17 દેશોના મહાનુભાવો અને ભારતના વિદ્વાનો ધાર્મિક ગ્રંથો, વેદો પુરાણો સહિત બૌદ્ધ ધર્મ વિશે કરશે ચિંતન - શ્રીલંકા, ભૂતાન, નેપાળના મંત્રીશ્રીઓ સહિત વિવિધ દેશોની ધાર્મિક સંસ્થોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા
આ સંમેલનના શુભારંભ પ્રસંગે ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડે જણાવ્યું હતું કે, ધર્મ-ધમ્મના વ્યાપક દ્રષ્ટિકોણ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતું આ સંમેલન ખાસ છે. હિંદુ અને બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન જ્ઞાનમાં રહેલા ધર્મના વિચારો હજારો વર્ષોથી હતા, એટલા જ આજે પણ સુસંગત છે.
ધર્મ અને ધમ્મના ઉપદેશો નૈતિક જીવનની શોધમાં સમાજોને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. સિદ્ધાંતોની કાલાતીત સુસંગતતા આ બાબતને સ્પષ્ટ કરે છે. તેમણે એશિયા અને બહારની સંસ્કૃતિઓના સાંસ્કૃતિક, સામાજિક અને આધ્યાત્મિક પરિદ્રશ્યને આકાર આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. ભારતની વૈદિક પરંપરાથી માંડીને સમગ્ર ખંડમાં ફેલાયેલી બૌદ્ધ ફિલસૂફી સુધી ધર્મ અને ધમ્મની વિભાવનાઓએ એકીકરણનો દોર પૂરો પાડ્યો છે, એમ તેમણે ઉમેર્યું હતું.
આદર્શ ધર્મ વિશે વધુ વાત કરતાં ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, ધર્મની આસ્થા ટકાવી રાખવા માટે ધર્મનું યોગ્ય આચરણ જરૂરી છે. આપણી નવી પેઢી અને યુવાનો ધર્મ વિશે વધુ સ્પષ્ટ રીતે જાણે અને ધર્મ અને સમાજ પ્રત્યે પોતાની ફરજો સમજે તે જરૂરી છે. આમ કરવાથી આપણે વધુ સારી રીતે ધર્મનું પાલન કરનારા સમાજનું નિર્માણ કરી શકીશું અને ધર્મ સામેના પડકારોને દૂર કરી શકીશું.
ઉપરાષ્ટ્રપતિશ્રીએ જણાવ્યું હતું કે, સમકાલીન પરિદ્રશ્યમાં લોકોની સેવા કરવી એ પરમ ધર્મ છે. અખંડિતતા, પારદર્શિતા અને ન્યાયપૂર્વક લોકોની સેવા કરવી એ પવિત્ર ફરજ ક્યારેક ચૂકાઈ જતી હોય છે. પ્રામાણિકતા જાળવી રાખવી એ ધર્મનો સાર છે. નૈતિક જવાબદારીઓથી વિચલિત થવું એ ગંભીર ચિંતાનો વિષય છે, કારણ કે તે લોકોના વિશ્વાસને નબળો પાડે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
ધર્મ અને કર્મ પ્રત્યે ફરજોની નિષ્ફળતા એ અધર્મનું પ્રતિબિંબ છે તેમ જણાવીને તેમણે સૌ ઉપસ્થિતોને માનવતાના સારાપણા માટે બંધારણીય ધર્મનું પાલન કરવા અને કરાવવા અનુરોધ કર્યો હતો.
સાથે જ, ઉપરાષ્ટ્રપતિશ્રીએ ભારતીય સંસ્કૃતિ, ઇતિહાસ સહિત ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતા વિશે સમજાવતાં બંધારણના વિવિધ ચિત્રો, મહાભારત અને ભગવદ્ ગીતાના સિદ્ધાંતો તથા બંધારણમાં આપવામાં આવેલા મૂળભૂત અધિકારો અને રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ કર્યો હતો.
આચાર્ય રાજ્યપાલ દેવવ્રતજીએ આઠમા ધર્મ-ધમ્મ સંમેલનમાં જણાવ્યું હતું કે, ઉપનિષદોમાં કહ્યું છે, 'યથા બ્રહ્માંડેથી તથા પિંડે'– અર્થાત, જે નિયમ બ્રહ્માંડમાં કામ કરે છે, તે જ નિયમ આપણા શરીરમાં પણ કામ કરે છે. ભારતીય બ્રહ્માંડ વિજ્ઞાન આધ્યાત્મિક ચેતનાથી પ્રેરિત છે, અને આ ચેતનાનો મૂળ આધાર આપણા મનમાં છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુ.એન.ઓ.)ના અધિનિયમમાં લખ્યું છે કે, જે યુદ્ધો મેદાનમાં લડાય છે, તે પહેલાં માનવના મનમાં લડાય છે. આ એ મૂળ સિદ્ધાંત છે, જેને ભારતીય દાર્શનિકોએ ઓળખ્યો છે કે, માનવમાં સૌથી મોટી ચેતનાનો આધાર તેનું મન છે.
રાજ્યપાલશ્રી એ કહ્યું કે, 'ધર્મ' અને 'ધમ્મ' એક જ છે. ધમ્મ પાલી ભાષાનો શબ્દ છે. બંનેનો અર્થ એક જ છે. ધર્મનો મૂળ આધાર વેદ છે. ધર્મ એ છે, જેને ધારણ કરવાથી ધારણ કરનાર સુખી થાય અને જે તેની સાથે સંપર્કમાં આવે તે પણ સુખી થાય. માનવ જીવનને સરળ, દયાળુ, કરુણામય અને સહિષ્ણુ બનાવવું એ ધર્મનો મૂળભૂત સિદ્ધાંત છે.આ જ વિચાર આપણા ઉપનિષદોમાં, રામાયણમાં, મહાભારતમાં અને અન્ય ધાર્મિક ગ્રંથોમાં મળે છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, ધ્યાન અને સમાધિ દ્વારા આત્માની સાધના કરવામાં આવે છે, જેમાં બે મુખ્ય સિદ્ધાંતો છે, અહિંસા અને સત્ય. અન્ય સિદ્ધાંત છે અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. મહાત્મા બુદ્ધે આ વિચારોને સમગ્ર વિશ્વમાં ફેલાવવાનું મહાન કાર્ય કર્યુ છે. અહિંસા, અપરિગ્રહ, સત્ય અને સંયમના આ સિદ્ધાંતો વિશ્વને શાંતિના માર્ગ પર લઈ જઈ રહ્યા છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, વેદોમાં કહેવામાં આવ્યું છે કે, ધરતી પર સુખ-શાંતિ કેવી રીતે પેદા થઈ શકે છે, અને આપણાં એકબીજાં સાથેના વ્યવહારો કેવી રીતે હોવા જોઈએ. વેદોના મંત્રોમાં આ સંદેશ આપવામાં આવ્યો છે કે, વિશ્વના લોકો સાથે મળીને સંવાદ કરે, ચિંતન કરે, એકબીજાના સુખમાં સુખી અને દુઃખમાં દુઃખી થાય, અને એકબીજાને પ્રેમ કરે.
તેમણે કહ્યું કે, આ જ ભાવથી મહાત્મા બુદ્ધે સમગ્ર વિશ્વમાં એકતા, પ્રેમ અને ભાઈચારાનો સંદેશ આપ્યો છે. આજે આ સંદેશ સમગ્ર વિશ્વ માટે શાંતિ અને ભાઈચારાનું પ્રતિક બની ગયો છે. આવો, આપણે સૌ મળીને આપણા ઋષિ-મુનિઓ અને મહાત્મા બુદ્ધના આ દિવ્ય વિચારોને જન-જન સુધી પહોંચાડીએ અને વિશ્વને શાંતિનો સંદેશ આપીએ.
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે કોન્ફરન્સને સંબોધિત કરતા, સૌપ્રથમ વિશ્વભરના ભિક્ષુક, આચાર્યો અને વિદ્વાનોનું અધ્યાત્મ અને ઐતિહાસિકતાની પૌરાણિક ભૂમિ ગુજરાતમાં લાગણીસભર સ્વાગત કર્યું. તેમણે આ કોન્ફરન્સ માટે ગુજરાતની ધરતીની પસંદગીને યોગ્ય ગણાવી કહ્યું કે, દેશના વિકાસમાં રોલમોડલ તરીકે ઉભરી આવનાર ગુજરાત ધર્મ અને ધમ્મનો સાચો સંગમ છે. અહીં વલ્લભીપુર, દેવની મોરી, આણંદપુર તથા સૌરાષ્ટ્રના ખંભાલિડા ખાતે આવેલા બૌદ્ધ સ્તૂપ, વિહાર અને ગુફાઓ બૌદ્ધ સંસ્કૃતિના પ્રાચીન વારસાથી સમૃદ્ધ છે.
મુખ્યમંત્રીશ્રીએ ગર્વભેર જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરમાં ઉત્ખનન દરમિયાન મળેલા અવશેષોથી બૌદ્ધ ધર્મની ઐતિહાસિક ઉપસ્થિતિનો પુરાવો મળ્યો છે. આ બહુમૂલ્ય વરસાનું જતન કરવા માટે વડાપ્રધાનશ્રીએ વિકાસ અને વિરાસતનો મંત્ર આપ્યો છે. વડાપ્રધાનશ્રીના બૌદ્ધ ઇન્ટરનેશનલ સર્કિટનો વિકાસ અને ભારતને વિશ્વમિત્ર બનાવવાના બંને લક્ષ્યો પરિપૂર્ણ કરવાની દિશામાં આ કોન્ફરન્સ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, આપણી ધાર્મિક પરંપરાઓના બ્રહ્માંડ સાથેના સંબંધ તેની ખરી સુંદરતા છે. બ્રહ્માંડના વિજ્ઞાનની પરંપરા પણ આપણી પ્રાચીન સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. ગતવર્ષની 23 ઓગસ્ટના રોજ ચંદ્ર પર ચંદ્રયાનના સફળ લેન્ડિંગને અભૂતપૂર્વ સિદ્ધિ ગણાવતા તેમણે ઉપસ્થિત સહુને પ્રથમ નેશનલ સ્પેસ ડેની શુભકામનાઓ પાઠવી. આ અવસરે ગુજરાતમાં યોજાયેલી કોન્ફરન્સ પ્રાચીન ધર્મ અને વિજ્ઞાનને ઉજાગર કરવાનું માધ્યમ બની રહેશે તેવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, સમગ્ર બ્રહ્માંડને એક પરિવાર માનતી વસુધૈવ કુટુંબકમની ભારતની સંસ્કૃતિનો પરિચય તાજેતરમાં વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં યોજાયેલી જી20 સમિટમાં સમગ્ર વિશ્વને થયો. ભગવાન બુદ્ધ અને બૌદ્ધ દર્શન ભારત અને એશિયાઈ દેશો વચ્ચેનો મજબૂત સેતુ છે. જેના માધ્યમથી આ દેશો સંસ્કૃતિના તાંતણે જોડાયેલા છે. વન અર્થ, વન ફેમેલીની સંકલ્પનાને સાકાર કરતા વિદેશમાં શાખા ખોલનારી પહેલી પબ્લિક યુનિવર્સિટી તરીકે ગુજરાત યુનિવર્સિટીએ સિદ્ધિ મેળવી છે. આ શાખાથી યુગાન્ડામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ અને સમગ્ર પૂર્વ આફ્રિકાને શ્રેષ્ઠ શિક્ષણની સેવાઓ ઉપલબ્ધ થશે તેવો વિશ્વાસ કરતા તેમણે યુગાન્ડાના રાજદૂતને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે રામજન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી ગોવિંદ દેવ ગીરીજી મહારાજે સ્વાગત પ્રવચન કરતા જણાવ્યું હતું કે, આપણો વેદોક્ત સનાતન ધર્મ અને બૌદ્ધ ઘમ્મ સમગ્ર પૃથ્વી પર માનવતા ફેલાવી રહ્યા છે. દુનિયાભરમાં શાંતિ પ્રસરાવવા માટે આપણા ધર્મ અને ધમ્મ શાસ્ત્રોમાં દર્શાવાયેલા વિવિધ માર્ગો અને ઉપાયો વિષયક પ્રબુદ્ધ ચર્ચા કરવા માટે આ કોન્ફરન્સથી વિશેષ મંચ નથી.
કોન્ફરન્સની પ્રારંભિક ક્ષણોમાં સર્વધર્મ પ્રાર્થના કરવામાં આવી હતી. ગુજરાત યુનિવર્સિટી અને ઇન્ડિયા ફાઉન્ડેશનના સયુંકત ઉપક્રમે આયોજિત આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં વિવધ સત્રોનું આયોજન કરાયું છે. જેમાં વેદ-પુરાણમાં છુપાયેલા બ્રહ્માંડના રહસ્યો અને બૌદ્ધ ધર્મ સહિતના વિષય પર ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરીને પ્રકૃતિ જતનનો સંદેશ પાઠવ્યો હતો.
કોન્ફરન્સમાં શ્રીલંકાના પ્રવાસન મંત્રીશ્રી વિદુરા વિક્રમનાયકા, ભૂતાનના ગૃહમંત્રીશ્રી ત્શેરિંગ તથા નેપાળના પ્રવાસનમંત્રીશ્રી બદ્રી પ્રસાદ પાંડેય, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રીમતિ નીરજા ગુપ્તા, શ્રીલંકાની મહાબોધી સોસાયટી, રૂસ, મ્યાનમાર સહિતના દેશોના બૌદ્ધ ધર્મના મહાનુભાવો તથા વિવિધ દેશોની ધાર્મિક સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે.