ભારતમાં પાંચ ગામ જ્યાં લોકો માત્ર સંસ્કૃતમાં વાત કરે છે

24 Aug 2024 16:56:52

sanskrit

વિશ્વ સંસ્કૃત સપ્તાહ વિશેષ ।  વૈશ્વિક સ્તરે સંસ્કૃત ભાષાના પ્રચાર-પ્રસાર માટેનું મોટું પગલું

 
ભારત સરકારના પ્રયત્નોથી ૨૦૧૯થી UNESCOએ શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસથી `વિશ્વ સંસ્કૃત દિવસ' ઉજવવાની સ્વીકૃતિ આપી છે. `સંસ્કૃત ભારતી' - સંસ્કૃતના પ્રચાર પ્રસાર અને આ દિવસની ઉજવણી અર્થે દેશવ્યાપી વિશેષ પ્રયત્ન કરી રહી છે. તે નિમિત્તે દેવભાષા સંસ્કૃતનાં મહાત્મ્ય વિશે જાણીએ...
 
 

ભારતમાં પાંચ ગામ જ્યાં લોકો માત્ર સંસ્કૃતમાં વાત કરે છે । Indian villages where sanskrit is spoken

 
***
 
૧. મુતૂર, કર્ણાટક
 
કર્ણાટકના બેંગ્લોરથી ૩૦૦ કિમી દૂર તુંગ નદી પાસે આવેલા મુતૂર ગામમાં રહેતા તમામ ૫૦૦ પરિવાર સંસ્કૃત ભાષા બોલે છે. ગામના નાના બાળકો પણ ખેતરમાં શેરીઓમાં રમતા નાના બાળકોને સંસ્કૃત બોલતા જોઇએ ત્યારે જાણે કે કોઈ જુદી જ દુનિયામાં આવી ગયા હોવાનો અનુભવ થાય છે. ગામમાં બહારથી કોઇ વ્યક્તિ આવે ત્યારે `ત્વં કૃત આગચ્છતિ' એટલે કે `ક્યાંથી આવો છો' એમ બોલે છે. ગામલોકો સવારે ઊઠીને એકબીજાને ગુડ મોર્નિંગના સ્થાને `નમો નમઃ' બોલે છે. સંસ્કૃત ભાષા એવી વણાઈ ગઈ છે કે, તેમને બીજી ભાષા બોલવી ગમતી પણ નથી.
 
દરેક લોકો પોતાના ઘરે `વેલકમ' નહીં પરંતુ `અતિથિ દેવો ભવઃ' લખે છે. આ ગામના લોકો એક બીજાથી ઝગડતા નથી. કોઇ વ્યસન કરતું નથી કે અપશબ્દો પણ બોલતા નથી. મુતૂર ગામના અનેક સંસ્કૃતભાષી યુવાનો આઇટી એન્જિનિયર બન્યા છે, એટલું જ નહીં મેડિકલ ક્ષેત્રમાં પણ નામના મેળવી છે. સંસ્કૃતમાં વૈદિક ગણિતનો મહાવરો થતો હોવાથી ગણિત ગણવા માટે કેલ્ક્યુલેટરની પણ જરૂર પડતી નથી. મુતૂર ગામમાં અનેક વિદેશીઓ સંસ્કૃત ભાષા શીખવા માટે આવે છે. આ ગામના બધા જ યુવાનો ધોરણ ૧ થી શરૂ કરીને ૮માં ધોરણ સુધી ફરજિયાત સંસ્કૃત ભાષા શીખે છે.
 
૧૯૮૦ના દશકમાં મુતૂર ગામના લોકો કન્નડ ભાષા બોલતા હતા, પરંતુ બાજુમાં આવેલા પેજાવર મઠના પૂજારીએ ગામના લોકોને સંસ્કૃત બોલવાની પ્રેરણા આપી હતી. આ ગામમાં સંકેથી નામનો બ્રાહ્મણ સમુદાય રહે છે, જે સદીઓ પહેલાં કેરલથી મુતૂર આવીને વસ્યો હતો. તેઓ કન્નડ, તમિલ,મલયાલમ અને તેલુગુને મળતી આવતી ભાષા પણ જાણે છે, પરંતુ તેને લિપિ નથી. નવાઇની વાત તો એ છે કે, માત્ર સંકેથી સમુદાય જ નહીં, બધી જ જ્ઞાતિઓના-સમૂહોના લોકો સંસ્કૃત બોલે છે. મુતૂર ગામના લોકો માને છે કે, યુરોપના દરેક દેશના લોકો પોતાની પ્રાચીન ભાષા બોલે તો આપણે પણ આપણી સંસ્કૃત ભાષા બોલવી જોઇએ.
 
૨. ગણોરા, રાજસ્થાન
 
આ ગામ રાજસ્થાનના બાંસવાડા જિલ્લામાં આવેલું છે. સંસ્કૃતની વાત કરીએ તો અહીં વિપરીત પવન ફૂંકાઈ રહ્યો છે, કારણ કે લગભગ ૨૦ વર્ષ પહેલાં સુધી અહીંના લોકો તેમની પ્રાદેશિક ભાષામાં જ વાત કરતા હતા. ધીમે ધીમે સંસ્કૃત પ્રચલિત થવા લાગી. આવું ત્યારે થયું જ્યારે અહીંની શાળાઓ અને કૉલેજોના અભ્યાસક્રમમાં સંસ્કૃતનો સમાવેશ કરવામાં આવ્યો. પછી બાળકોની સાથે પુખ્ત વયના લોકો પણ સંસ્કૃતમાં રસ લેવા લાગ્યા.
 
૩. ઝીરી, મધ્યપ્રદેશ
 
ઝીરી મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાથી લગભગ ૪૫ કિલોમીટર દૂર છે. અહીંની વસ્તી લગભગ ૧૦૦૦ છે અને અહીંની દીવાલો સંસ્કૃતમાં લખેલી જાહેરાતો અને શ્લોકોથી શણગારેલી છે. જૂની પેઢી આગામી પેઢીને સંસ્કૃત શીખવે છે. લગ્નમાં સ્ત્રીઓ જે લગ્નગીતો ગાય છે તે પણ સંસ્કૃતમાં છે. આ સંસ્કૃતમય વાતાવરણે ઝીરીને મધ્યપ્રદેશની મુલાકાતે આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનાવ્યું છે.
 
૪. સાસના, ઓડિશા
 
આ ગામની વસ્તી ૩૦૦ આસપાસ છે. તેમાંના મોટા ભાગના બ્રાહ્મણો છે. સંસ્કૃત શીખવાની અહીં પણ પરંપરા છે. આવી લોકપ્રિય પરંપરા, જેની અસર આજુબાજુનાં ગામડાઓ પર પણ પડે છે. ત્યાં કવિ કાલિદાસના નામનું મંદિર છે.
 
૫. હોસા હલ્લી, કર્ણાટક
 
આ કર્ણાટકનું એક ગામ છે. તેનું નામ છે હોસાહલ્લી. આમ તો ભાષા કન્નડ છે. તેમ છતાં, આ રાજ્યનું એક એવું ખાસ ગામ છે, જ્યાં દરેક વ્યક્તિ સંસ્કૃત બોલે છે. આ ગામની શાળામાં લગભગ પાંચ હજાર લોકોને સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવે છે. તેમનો ઉદ્દેશ્ય આ અમૂલ્ય ભાષાને લુપ્ત થવાથી બચાવવાનો છે.
 
 
***
 
ભારતમાં પણ `સંસ્કૃત ભારતી' સંસ્કૃત ભાષાને લોકભોગ્ય-વ્યાવહારિક ભાષા બનાવવા માટે સંસ્કૃત સંભાષણ વર્ગો, સંસ્કૃત પ્રબોધન વર્ગો, પત્રાચાર દ્વારા સંસ્કૃત, સંસ્કૃત બાલકેન્દ્ર, ગીતા શિક્ષણ કેન્દ્ર, સંસ્કૃત લઘુ ચલચિત્ર સ્પર્ધા, સંસ્કૃત ગૌરવ પરીક્ષા, સંસ્કૃત પ્રદર્શિની, સંસ્કૃત સાપ્તાહિક-માસિક મિલનના માધ્યમથી સંસ્કૃત-સેવા માટે પ્રયાસરત છે.
 
સંસ્કૃત વિશ્વની સૌથી જૂની ભાષા છે. અને ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાનો અભિન્ન હિસ્સો છે. સંસ્કૃત ભાષા એ માત્ર ભારતીય સાહિત્ય અને ધર્મને જ પ્રભાવિત નથી કર્યા, પરંતુ વિજ્ઞાન, ગણિત, ચિકિત્સા અને કલાનાં વિવિધ ક્ષેત્રોમાં પણ તેનું મહત્વનું યોગદાન છે. હાલ માત્ર કર્મકાંડની ભાષા તરીકે ઓળખાતી સંસ્કૃત ભાષા વાસ્તવમાં જ્ઞાન અને વિજ્ઞાનની ભાષા છે. કોમ્પ્યુટર પ્રોગ્રામીંગમાં સૌથી શ્રેષ્ઠ રીતે બંધ બેસે તેવી વૈજ્ઞાનિક ભાષા છે. એ સત્યનો આપણે સ્વીકાર કરીશું તો જ સાચા અર્થમાં સંસ્કૃત અનુરાગી બનીને સંસ્કૃત દિવસ અને સંસ્કૃત સપ્તાહની ઉજવણી કરી શકીશું.
 
जयतु संस्कृतम् । जयतु भारतम् ।
 
***
 
 - ડૉ. વસંતભાઈ જોષી
(લેખકશ્રી જી. બી. શાહ કોમર્સ કોલેજ, અમદાવાદના પ્રિન્સિપાલ
તથા `સંસ્કૃત ભારતી'ના પ્રાંત કાર્યકારણી સદસ્ય છે.)
Powered By Sangraha 9.0