વિમર્શ । હિન્દુત્વ એ વિશ્વકલ્યાણક પ્રવાહ, જેની નિયતિમાં છે – નિરંતરતા…

હજારો વર્ષોનો સમય પસાર થતાં યજ્ઞમાં કર્મકાંડ જોડાયાં, વધ્યાં, જેથી મૂળ દર્શન ઢંકાતું ગયું, ક્યાંક ઉપેક્ષિત થયું તો ક્યાંક લોપ પણ પામ્યું. પુનઃ આધ્યાત્મિક ચિંતન શરૂ થયું. અને ઔપનિષદિક કાળનું એક નવું ચરણ શરૂ થયું.

    ૦૩-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Hindutva vishe
 
 
ચાણક્યના અર્થશાસ્ત્રમાં હિન્દુત્વ
 
આચાર્ય ચાણક્ય મગધ રાજ્ય માટે આર્થિક નીતિ લખી રહ્યા હતા. તેમનો ઉદ્દેશ્ય શું હોઈ શકે? `મગધનું કલ્યાણ'! ના, આ ઉત્તર ખોટો છે. તેઓ લખી રહ્યા હતા, ત્યારે તેઓએ સ્પષ્ટ કરેલું કે, મગધના અર્થશાસ્ત્રમાં પૃથ્વીના પાલનનો ઉદ્દેશ્ય હોય તો જ તે અર્થશાસ્ત્ર સાચું. જ્યાં પોતાનો પરસેવો પાડીને પેદા કરેલા પૈસા પણ પરમાર્થમાં કેવી રીતે લગાડવા, તેને કેન્દ્રમાં રાખીને અર્થશાસ્ત્ર બનતું હોય ત્યાં જ માત્ર એ શક્ય છે કે, રાજા વૃષભદેવ ને રાજા જનક જેવા મહાયોગીઓ શાસનની ધુરા સંભાળતા હોય. ભારતનું નિર્માણ જ વિશ્વકલ્યાણ માટેનું છે, આ ભારતની નિયતિ છે. આપણી ધબકતી રાષ્ટ્રીયતાના શ્વાસમાં વૈશ્વિકતા છે. આ જ આપણી સાંસ્કૃતિક વિરાસત છે. આ સંસ્કૃતિનો જે આત્મા છે, તે આપણું હિન્દુ-દર્શન છે, જે વિશ્વ સમગ્રના ભલાનું વિચારતું હોઈ આપણે કહી શકીએ કે, `હિન્દુ-દર્શન' એ સાચા અર્થમાં `વૈશ્વિક દર્શન' છે.
 
 
આ હિન્દુ-દર્શને વિશ્વની માનવતાના ચરણે ભેટરૂપે ધર્યાં..
 
 
# બે અમૂલ્ય મૌલિક સિદ્ધાંતો
૧, ઈશ્વર સર્વવ્યાપી છે
૨, બધાંની અંદર રહેલો ઈશ્વરનો અંશ સમાન છે. અને
 
 
# બે અમૂલ્ય સંકલ્પનાઓ
૧, `સર્વમાંગલ્ય'નો વૈશ્વિક સંકલ્પ
૨, સર્વજન-સમન્વયાત્મિકા-પ્રજ્ઞા
 
(ઉપરોક્ત ચારેય વિશે ગત અંકમાં વિગતવાર વાત થઈ છે.)
 
 
આ ઉપરાંત હિન્દુ-દર્શને વિશ્વ ઐક્યની બે વિભાવનાઓ પણ વિશ્વની માનવતાના ચરણે ધરી.
 
`એક પૃથ્વી - એક જન'વાળું ઐક્ય
 
ભવિષ્યમાં કેટલાક લોકો `ઈશ્વર સર્વવ્યાપી છે', તેવું માનવાની ના પાડે અથવા ઈશ્વરનું તો અસ્તિત્વ જ નથી, તેવું પણ માનવા લાગે તો વિચારોની મૂળભૂત એકસૂત્રતા તો ઠીક, પરંતુ ભાવાત્મક `એકાત્મતા' પણ વિખરાવા લાગે. તો પછી બીજી એવી કઈ ઓળખ છે, જે સૌને એક તાંતણે જોડી રાખે? ભવિષ્યમાં આવો પ્રશ્ન ઉપસ્થિત થવાની સંભાવના જોઈને માનવજાતના કલ્યાણ અર્થે વૈદિક ઋષિઓએ એક સહજ સત્યનો આવિષ્કાર કર્યો કે, કોઈ પણ માણસનો સંબંધ ધરતી સાથે તો રહેવાનો જ. એનાં વાયુ-પાણી, ધન-ધાન્ય, ફળ-ફળાદિ, નિવાસ-પ્રવાસ, ધંધા-રોજગાર વગેરે બધું તો ધરતી વિના સંભવ જ નથી. વાસ્તવમાં ભૂમિ જ સૌની પાલક છે, પોષક છે. અને ઋષિઓએ આ ભૂમિ જ સૌની માતા છે, તેના પ્રત્યેનો સામૂહિક કૃતજ્ઞતાનો ભાવ તેઓને અનુભૂત થયો. અને કોરી માનવતા; નવા સ્વરૂપે.. કૃતજ્ઞતાના ભાવથી ભીનાશયુક્ત અને માતૃત્વની મીઠાશથી યુક્ત પરિપૂર્ણ માનવતા બનીને ઊભરી. આ વિશ્વને એક દિવ્ય મંત્ર મળ્યો- माता भूमि: पुत्रोहं पृथिव्या:। (અથર્વવેદ-૧૨.૧.૧૨) અર્થાત્ સંપૂર્ણ પૃથ્વી મારી માતા છે, હું પૃથ્વીનો પુત્ર છું.
 
આમ, ન માત્ર ભારતવાસી બલ્કે સૌ પૃથ્વીવાસીઓની મા પૃથ્વી છે, એવી એક વૈશ્વિક વિભાવના હિન્દુ-દર્શને વિશ્વને ચરણે ભેટ ધરી. જન્મ ભલે કોઈ દેશ, ગામ, નગર, પર્વત, વનમાં થયો હોય, પરંતુ માતા તો સૌની પૃથ્વી જ! આ પવિત્ર ભૂમિના વિભાજનને ઋષિઓએ નકાર્યું. કેટલી વ્યાપક દૃષ્ટિ! તમામ નાની સંકુચિત ઓળખો એક મોટી ઓળખમાં વિલીન થઈ ગઈ. માતાની કૂખેથી લઈને પૃથ્વીના વિરાટ સુધી માતૃત્વ વિસ્તર્યું અને `પૃથ્વીસૂક્ત' નામે સુંદર સ્તવન, વેદોમાં રચાયું. `ધરતીમાતા', એવા નવબ્રહ્મનો અનહદ નાદ ગુંજી ઊઠ્યો. પૃથ્વીના પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ જાગ્યો. સમગ્ર માનવજાત એક પરિવાર, આ વિભાવનાને ઋષિઓએ કેટલું સુંદર નામ આપ્યું! ! पुण्याह्वाचन! ભારતે G-20 થકી `One Earth - One Family - One Future'વાળો ઋષિઓનો એ વૈદિક સંદેશ પુનઃ વિશ્વ ફલકે ગુંજતો કર્યો.
 
`એક જન - એક વિરાટ'વાળું ઐક્ય
 
જ્યારે `સૌની માતા - ધરતી માતા'વાળી વિશ્વઐક્યની દાર્શનિક વિભાવના વિકસી. ત્યારે સાથે સાથે વિશ્વના જન-જનને જોડતા પરમ તત્ત્વને મૂર્ત સ્વરૂપે ઢાળવામાં આવ્યું. તેને વિરાટ પુરુષ કહ્યો. सहस्रशीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात । (પુરુષસૂક્ત, યજુર્વેદ-૩૧.૧). આ વિરાટ પુરુષનાં હજારો માથાં છે, હજારો આંખો છે, હજારો પગ છે, એમાં મારું એક માથું, આંખ અને પગ પણ સામેલ છે. આમ વિશ્વ પરનો પ્રત્યેક વ્યક્તિ એ વિરાટ પુરુષનું જ અંગ છે. સૌને પોતાનામાં અને પોતાને સૌમાં જોતી, વૈશ્વિક એકાત્મતાની આ વિભાવના કેટલી ઉચ્ચ છે?
 
એક બાજુ ભારતના ઋષિએ આપેલ વૈશ્વિકતાની ઉપરોક્ત બંને દાર્શનિક વિભાવનાઓ છે, જેનું લક્ષ્ય વિશ્વને એકાત્મ-દૃષ્ટિ આપવાનું છે, તો બીજી બાજુ, પશ્ચિમે રચેલા Globalisationની ચક્કી છે, જેમાં વિકસતા કે અવિકસિત દેશો પિસાઈ રહ્યા છે. આ દેશોના શોષણ થકી ઉત્પન્ન થતી મૂડીથી વિકસેલા દેશો વધુ ને વધુ તગડા બની વધુ તાકાતથી શોષણની પ્રક્રિયા વધુ ને વધુ તેજ કરી રહ્યા છે, જેનાં સાધનો છે- વિશ્વ વ્યાપાર સંગઠન (WTO), આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષ (IMF), જેને પગલે આખું ય વિશ્વ Global Warming, Global Recession, Global Terrorism અને Global Corona જેવાં માઠાં પરિણામોનું શિકાર બન્યું છે.
 
ભારતે આપેલો વૈશ્વિક એકાત્મભાવ હિન્દુ-દર્શનની વિશુદ્ધ આધ્યાત્મિકતામાંથી નિર્માણ પામેલો છે, જ્યારે પશ્ચિમનું Globalisation બજાર (Market) અને વ્યાપાર (Business)ની ભૂખમાંથી પેદા થયેલું છે. ભારતના પ્રયત્નો નિઃસ્વાર્થ છે, વિશ્વકલ્યાણના છે, જ્યારે પશ્ચિમના પ્રયત્નો નફા(પ્રોફિટ)ના નામે નર્યા શોષણના છે, પૂર્ણરૂપે સ્વાર્થકેન્દ્રિત છે.
 
શ્રી રવીન્દ્રનાથ ઠાકુરે પશ્ચિમી મનોવૃત્તિ અંગે કહેલું કે, અગાઉ તે સંગઠિત થઈને બીજાઓને પરાધીન બનાવીને શોષણ કરતા હતા અને આજે એ લોકો સંગઠિત થઈને કોઈપણ પ્રકારે લાભ મેળવવા માટે ઘૂમી રહ્યા છે.
 
હિન્દુ-દર્શનમાં સમાવિષ્ટ મૌલિક સિદ્ધાંતો, સંકલ્પનાઓ અને વિભાવનાઓ લઈને હિન્દુસ્થાનની એક લાંબી યાત્રા લગાતાર ચાલી રહી છે.
 
આ યાત્રાના પ્રથમ ચરણમાં ઋષિઓએ આપેલ ઉક્ત વિચારો નીચે સુધી પહોંચે તેના માધ્યમ તરીકે અગ્નિને યોગ્ય ગણ્યો. ઋષિઓ અગ્નિની સાક્ષીએ મંત્રનું ઉચ્ચારણ કરતા રહ્યા. અગ્નિની સાક્ષીએ સદ્વિચારોને નીચે સુધી લઈ જવાનો પ્રયત્ન કરતા રહ્યા. અગ્નિની સાક્ષીએ તેઓએ પોતાના જીવનને તપસ્વી અને સાધક બનાવીને જન-જનને ભૌતિકવાદથી મુક્ત રાખવામાં અને સતત પરિશ્રમથી યુક્ત બનાવવામાં તેઓ સફળ રહ્યા. જગતમાં જે કંઈ પણ છે તે મારું નથી પરમેશ્વરનું છે, એવા અગ્નિની સાક્ષીએ લેવાતા સંકલ્પોથી સુદૃઢ રાષ્ટ્ર તેજસ્વી બન્યું. તેઓએ જ્ઞાનમય, સુખમય અને ત્યાગમય જીવન ઊભું કરવા પોતાના શરીરના કણ-કણને અને જીવનની ક્ષણ-ક્ષણને અખિલ વિશ્વની માનવતાના હિતમાં ખર્ચી દીધી.
 

Hindutva vishe 
 
હજારો વર્ષોનો સમય પસાર થતાં યજ્ઞમાં કર્મકાંડ જોડાયાં, વધ્યાં, જેથી મૂળ દર્શન ઢંકાતું ગયું, ક્યાંક ઉપેક્ષિત થયું તો ક્યાંક લોપ પણ પામ્યું. પુનઃ આધ્યાત્મિક ચિંતન શરૂ થયું. અને ઔપનિષદિક કાળનું એક નવું ચરણ શરૂ થયું. દોષરૂપ કર્મકાંડથી સંપૂર્ણ છેડો ફાડીને વૈદિક જ્ઞાનનું સંકલન શરૂ થયું. ઉપનિષદો રચાયાં. ઉપ એટલે નજીક, નિ એટલે સારી રીતે અને ષદ એટલે બેસવું. ગુરુઓની પાસે સારી રીતે બેસતાં શિષ્યોને જ્ઞાનનો જે ભંડાર મળ્યો તે ઉપનિષદ. આ સમયને આપણે હિન્દુ-દર્શનની યાત્રાનું બીજું ચરણ કહી શકીએ.
 
કાળની ગતિનું નામ જ પરિવર્તન છે. આગળ જતાં ઉપનિષદો તત્ત્વચિંતકો-વિદ્વાનો-તપસ્વીઓ-સાધકો પૂરતાં સીમિત થયાં. કાળક્રમે ઉપનિષદોનું લોકબોલીમાં રૂપાંતરિત નહીં થવાના કારણે જનસામાન્ય અને ઉપનિષદો વચ્ચે અંતર પડ્યું, ક્યાંક ખાઈ પણ ઊભી થઈ. આ સ્થિતિમાં બેકાબૂ કર્મકાંડ પુનઃ છવાઈ ગયો. હતપ્રભ વિદ્વતજનોના મૂળ વિચારો પણ અસ્થિર બન્યા. આવા સમયે ભગવાન બુદ્ધ અને મહાવીરના દિવ્ય અવતરણથી પુનઃ સમાજ સંચારિત થયો. બલિપ્રથાનો ઘોર વિરોધ થયો. કર્મકાંડોની નિરર્થકતા સૌના ધ્યાનમાં આવી. અહિંસા, સાધના, તપ, સત્ય, ત્યાગનો મહિમા ફરી પ્રસ્થાપિત થયો. હિન્દુ-દર્શન બુદ્ધ અને મહાવીરના વિચારોથી સર્વવ્યાપ્ત થવા લાગ્યું. આપણાં મૂળ મૂલ્યો- કરુણા, મમતા, પ્રેમ અને ભ્રાતૃત્વના કારણે બોદ્ધમત વિશ્વવ્યાપી બન્યો. બૌદ્ધમત; વિશ્વનો પ્રથમ સંઘબદ્ધ મત બની રહ્યો. આ હતું હિન્દુ-દર્શનનું ત્રીજું ચરણ.
 
સમયની ગતિ ન્યારી છે. આદ્ય શંકરાચાર્ય અને તેઓના શિષ્યોના પ્રભાવથી હિન્દુ-દર્શનના ચોથા ચરણનો પ્રારંભ થયો. આદ્ય શંકરાચાર્યજીએ હિન્દુ-દર્શનના મૂળ મૌલિક સ્વરૂપને પુનઃ ઉજાગર કર્યું. ચાર મઠો થકી રાષ્ટ્રનું ભૌગોલિક ઐક્ય સશક્ત બન્યું. ચાંડાલને પોતાના ગુરુપદે સ્થાપ્યા. સામાજિક ભેદ-કુરૂઢિઓનો સ્વાભાવિક નાશ થયો.
 
આ મહાન હિન્દુ-દર્શનને સામાન્ય વ્યક્તિ સુધી પહોંચાડવા માટે કોઈકને કોઈક પદ્ધતિઓ જે તે સમયે રહી, તેમાં સમય સમય ઉપર પરિવર્તનનો પણ થતાં રહ્યાં. હિન્દુ-દર્શનની એક અનન્ય છતાં સર્વસાધારણ વાત એ રહી કે, ચાહે તથાગત બુદ્ધે કે ભગવાન મહાવીરે, શંકરાચાર્યજીએ કે ગુરૂ નાનકદેવે કે હજારો વ્યક્તિવિશેષોએ; જાણે કંઈક નવું આપ્યું, એવું જે તે તાત્કાલિક સમયે સૌને લાગ્યું, પરંતુ સચ્ચાઈ એ હતી કે, જે નવું લાગતું હતું તે મૂળ મૌલિક દર્શનનું સમયાનુકૂલ પરિસ્થિતિ પ્રમાણેનું પરિષ્કૃત સ્વરૂપ હતું. અને તેથી દરેક વખતે સમાજ સતત પરસ્પર જોડાતો જ રહ્યો.
 
નવો લાગતો એક પણ વિચાર, અગાઉના વિચારના વિરોધમાં નહોતો ઊભો થયો, પરંતુ નવી પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે નવ રૂપાંતરિત કરાયેલો હતો. પ્રત્યેક પડાવ પર મૂળ દર્શન પ્રાણતત્ત્વરૂપે યથાવત્ રહ્યું હતું. ઉપનિષદો વેદોની વિરુદ્ધમાં ન હતા. ભગવાન બુદ્ધ અને મહાવીર ઉપનિષદોની વિરુદ્ધમાં નહોતા. શંકરાચાર્યજી ભગવાન બુદ્ધ અને મહાવીરની વિરુદ્ધમાં નહોતા. રામાનુજાચાર્ય પછીનું ભક્તિ આંદોલન શંકરાચાર્યજીનું વિરોધી ન હતું. આ હિન્દુત્વ છે, જે ક્યારેક વૈદિક તો ક્યારેક અવૈદિક રૂપમાં, ક્યારેક શૈવ તો ક્યારેક વૈષ્ણવ રૂપમાં, ક્યારેક જૈન તો ક્યારેક બૌદ્ધ રૂપમાં, ક્યારેક શીખ તો ક્યારેક આર્યસમાજના રૂપમાં, જેવી આવશ્યકતા ઊભી થઈ ત્યારે તેને અનુરૂપ પોતાનું સ્વરૂપ ધારણ કરતું રહ્યું. વિપરીત પરિસ્થિતિઓમાંથી રાષ્ટ્રને, સમાજને પાર ઉતાર્યો અને તે પરિસ્થિતિમાં જે પડકારો ઉત્પન્ન થયા તેના ઉપર વિજય પ્રાપ્ત કર્યો.
 
બાહ્ય રૂપથી પરિવર્તનશીલ બનીને સમય સંજોગોને પાર કરતો રહેલો; આ એ આધ્યાત્મિક એકાત્મ પ્રવાહ છે, જેમાં મૂળ હિન્દુ-દર્શન પ્રાણતત્ત્વરૂપે યથાવત્ (અપરિવર્તનશીલ) રહ્યું. આ એકાત્મ પ્રવાહ ક્યારેય અટક્યો નથી. વિરામ-વિશ્રાંતિનો સમય પણ આવ્યો નથી. હિન્દુત્વના આ ચિર પુરાતન પ્રવાહની નિરંતરતા અનંત છે, કારણ કે એ નિત્ય નૂતન છે.
 

શ્રી ભાનુભાઈ ચૌહાણ

ભાનુભાઈ ચૌહાણ ‘સાધના’ સાપ્તાહિકના તંત્રીશ્રી તથા ટ્રસ્ટ્રીશ્રી છે. તેમણે "એલ.ડી. એન્જિનિયરિંગ" કોલેજમાંથી બી.ઈ.(સિવિલ) નો અભ્યાસ કર્યો છે તથા "સેપ્ટ યુનિવર્સિટી - અમદાવાદ"માંથી અર્બન એન્ડ રીજીયોનલ પ્લાનિંગમાં એમ. ટેક. કર્યુ છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ડાયરેક્ટર તરીકે પણ તેમણે જવાબદારી નિભાવી છે. રા.સ્વ.સંઘમાં તેઓ કર્ણાવતી મહાનગરના સહ કાર્યવાહ તથા ગુજરાત પ્રાંતના કાર્યકારીણી સદસ્ય છે. તેમણે કર્ણાવતી કો. ઓપ. બેંક તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં ડિરેક્ટરનું દાયિત્વ સંભાળ્યું છે. તેઓ વિચારક અને લેખક છે. સાધનામાં "અવલોકન" અને "વિચારવિમર્શ" શીર્ષક હેઠળ વિવિધ વિચારપ્રેરક લેખો તેઓ નિયમિત લખે છે.