આધુનિક મેનેજમેન્ટ સંહિતા...ભગવદ્ ગીતા પર એક નજર...

ભગવદ્ ગીતા એક કેરિયર નિર્માણનો કે કારકિર્દી ઘડવાનો કીમિયો બતાવનાર ગ્રંથ નથી પણ વ્યક્તિનિર્માણનો ગ્રંથ છે. તમારે સૌથી ઊંચું ધ્યેય રાખવાનું છે,...

    ૦૩-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

 Bhagavad Gita
 
આધુનિક મેનેજમેન્ટ વિજ્ઞાનના જેમને ભીષ્મપિતામહ કહેવામાં આવે છે તેવા પિટર ડ્રકરનું એક વાક્ય મને હંમેશા આકર્ષતું રહ્યું છે, એમનું એક અદ્ભુત વાક્ય સ્મરણમાં આવે છે;
 
Management is not just about techniques and skills; it is about wisdom, judgement and character..
 
જોઈએ છીએ કે આજકાલ ચારે બાજુ ખૂબ જ ઝડપથી ૯૦ મિનિટના સેમિનારમાં કે ત્રણ દિવસના વર્કશોપમાં વ્યક્તિઓને ખૂબ મહાન થઈ જવું હોય છે. સોશિયલ મીડિયાના આ જમાનામાં તમને એવી લોભામણી જાહેરાતો જોવા મળે જ્યાં તમે અચાનક મહાન થઈ શકો અથવા સફળ થઈ શકો અથવા દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ થઈ શકો. જ્યાં સુધી `થઈ શકો' એવા ક્રિયાપદનો પ્રશ્ન છે, મારે નમ્રતાપૂર્વક કહેવું જોઈએ કે, આજના યુગનું આ તદ્દન આધુનિક ભાષાકીય પ્રદૂષણ છે.
 
શોર્ટકટમાં બધું મળી જશે અથવા મળે છે એવી ભ્રમણા ફેલાવવાની એક જગજાળ ફેલાઈ રહી છે. ત્યારે ભગવદ્ ગીતા તમને સમજાવે છે કે, જીવનમાં જે સત્ય છુપાયેલું છે તે એ છે કે, દરેક વ્યક્તિમાં સૌથી શ્રેષ્ઠ થવાની ક્ષમતા છુપાયેલી છે, અને મેનેજમેન્ટ વિજ્ઞાનમાં એ જ તાકાત રહેલી છે કે, એ વ્યક્તિને એની ક્ષમતા જેટલા મહાન થવાની તક આપે છે. પણ આ મેનેજમેન્ટના વિજ્ઞાનને જો પૂર્ણપણે સમજીએ નહીં તો શક્ય છે કે, આપણે જેમ અગાઉ કહ્યું એમ ટેકનીક અને સ્કીલના આટાપાટામાં ગુંચવાઈ જઈએ. આજના બિઝનેસ મેનેજમેન્ટમાં આવાં સૂત્રો સાંભળવા મળે છે, નફાને મહત્તમ બનાવો, આપણું ધ્યેય માત્ર પૈસા કમાવાનું છે, આપણું ધ્યેય માત્ર સફળ થવાનું છે. અહીં જરા રોકાવા જેવું છે, અહીં મારે ભગવદ્ ગીતા વિશે વાત કરવી છે.
 
ગીતા પણ શ્રેષ્ઠતાની ઉપાસના કરવાનું ચોક્કસ કહે છે, પણ કોઈ પણ વાત શોર્ટકટથી સિદ્ધ થઈ જાય એવું નથી. જે લોકો શ્રેષ્ઠ છે એ અચાનક નથી બન્યા, એ કોઈ ડિગ્રીને કારણે પણ નથી બન્યા. એમના શિક્ષણે ચોક્કસ એમના ઘડતરમાં બહુ મોટો ભાગ ભજવ્યો છે, એ પણ સાચું કે, અનુભવે પણ એમને કશુંક શીખવાડ્યું છે. એટલે રાતોરાત સફળ થઈ જવું એવું એમના જીવનમાંથી જોવા નથી મળતું, પણ એમના જીવનનો અથવા એમની કારકિર્દીનો સૌથી મોટો આયામ છે, એ એક સાધના છે. આપણે એ જ મુદ્દો તપાસી રહ્યા છીએ કે, ભગવદ ગીતા પ્રમાણે કર્મ એ માત્ર ફળ માટે નહીં, માત્ર સફળતા માટે પણ નહીં, પરંતુ પોતાની ક્ષમતા દ્વારા પોતે વ્યક્તિ કોઈ અગોચર વૈશ્વિક શક્તિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે એવી નમ્રતા સાથે સફળતાની જગ્યાએ સાર્થકતાની ઉપાસના કરે છે, તે મેનેજમેન્ટ સંહિતા છે. અને ભગવદ્ ગીતા એ આ મેનેજમેન્ટ સંહિતાનો પાયાનો ગ્રંથ છે.
 
જ્યારે હું ભગવદ્ગીતાને મેનેજમેન્ટ સંહિતા કહું છું ત્યારે મારા મનમાં કેટલાક આધુનિક ખ્યાલો ઊભરી આવે છે. આ નવી દુનિયાને ઓળખાવતા આ ખ્યાલો કેટલીક વ્યાખ્યાઓને જડમૂળથી પરિવર્તિત કરે છે. દાખલા તરીકે ભગવદ્ ગીતા કેટલીક વ્યાખ્યાઓ બદલી નાખે છે. યજ્ઞ એટલે આપણા મનમાં એક યજ્ઞકુંડ હોય, સમિધ હોય, અગ્નિ હોય અને એક હોતા હોય અથવા અધ્વર્યુ કે યાજ્ઞિક હોય. પણ કૃષ્ણ કહે છે કે જ્ઞાન પણ યજ્ઞ છે અને જપ પણ યજ્ઞ છે, એટલે આ ગ્રંથ જુદી જુદી વ્યાખ્યાઓ નવેસરથી કરવાની પ્રેરણા આપે છે અથવા પોતે જ કરીને આપે છે.
 

 Bhagavad Gita 
 
ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે આધુનિક ચિંતક ડેનિયલ પિંક એ પ્રખ્યાત થયા એમની થીયરી The puzzle of motivationથી એમનું કહેવું છે કે, જે રૂઢ થયેલો સિદ્ધાંત છે કે બદલો આપો અથવા ઇનામ આપો તો એ મોટિવેશન બની શકે. પણ ડેન કહે છે કે, આ તો બહારના આવરણને એટલે કે વ્યક્તિત્વના સૌથી બહારના ભાગને અસર કરે છે, જ્યારે સૌથી અંદર એટલે કે જે વ્યક્તિત્વનું અંદરનું કોમળ પાસું છે એ તો સ્વતંત્રતા, હેતુ, સ્પષ્ટતા અને ક્ષમતાવર્ધક વલણથી જ બદલાય છે. જ્યારે વ્યક્તિને પોતાને જ નિર્ણય કરવાનો હોય, નિર્ણય કરવાની સ્વતંત્રતા આપવામાં આવતી હોય ત્યારે એનું મોટિવેશન એકદમ જુદું અને ઊર્ધ્વ કક્ષાનું હોય છે, જેમ કે ભગવદ્ ગીતામાં બધું કહ્યા પછી ભગવાન એમ કહેતા હોય છે કે મારે જે કહેવાનું હતું તે મેં કહ્યું. હવે તને યોગ્ય લાગે એમ કર. ડેનિયલ પિંક આ સિદ્ધાંતને તદ્દન આધુનિક મોટિવેશનનો સિદ્ધાંત ભણાવે છે અને એટલા માટે હું કહું છું કે, ભગવદ્ ગીતા મનુષ્યને અંદરથી મજબૂત બનાવે છે.
 
ભગવદ્ ગીતા એક કેરિયર નિર્માણનો કે કારકિર્દી ઘડવાનો કીમિયો બતાવનાર ગ્રંથ નથી પણ વ્યક્તિનિર્માણનો ગ્રંથ છે. તમારે સૌથી ઊંચું ધ્યેય રાખવાનું છે, સૌથી શક્તિશાળી અને સનાતન તત્ત્વની ઉપસ્થિતિનો અનુભવ કરાવે એવી માનસિકતા તૈયાર કરવાની તાલીમ ભગવદ્ ગીતા આપે છે. જેને આધુનિક ચિંતક ડેનિયલ પિંક intrinsic motivation કહે છે, તેવું ઊર્મિઘડતર કરવા માટે ભગવદ્ ગીતા સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો અને ભક્તનાં લક્ષણો જણાવે છે. આ માર્ગે સમ્યક જ્ઞાન, અનાસકત કર્મ અને સમજણપૂર્વકની ભક્તિથી મેનેજમેન્ટના માર્ગે વિચારણા કરવામાં આવે તો આધુનિક યુગની કેટલીક સમસ્યાઓને આપણે મૂળભૂત રીતે હલ કરી શકીએ એમ છીએ.

ભાગ્યેશ જહા

ગુજરાતી રાજ્ય સરકારના વહીવટી વિભાગમાં એક સમયે સૌથી વરિષ્ઠ અધિકારી એવા ભાગ્યેશ જહા એક ઉત્તમ કવિ અને નિબંધકાર છે. તેમનું સંસ્કૃત ભાષા અંગેની સમજ અને જ્ઞાન પણ સરાહનીય છે.તે એક સમયે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.