ફૅક ન્યૂઝનું ઘોડાપૂર - ગુજરાતમાં આજીવિકા ઘટી ગઈ? આ ફૅક ન્યૂઝ કોણ ફેલાવી રહ્યું છે!

ગુજરાતી પત્રકારોએ ચલાવેલા સમાચારમાં કહેવાયું હતું કે, ૧૮ પદો જ ખાલી હતાં. તેના માટે દસ હજાર લોકો ઊમટી પડ્યા હતા. જોકે બાદમાં ૧૦ હજારનો આંકડો સુધારી ૧,૮૦૦ કરાયો. વેબસાઇટમાં આ થઈ શકે છે, યૂટ્યૂબમાં પણ એડિટ કરીને મથાળું કે વિડિયો વર્ણન સુધારી શકાય છે. એટલે ૧,૮૦૦ આંકડો તો કરી દેવાયો. પરંતુ

    ૦૩-ઓગસ્ટ-૨૦૨૪   
કુલ દૃશ્યો |

Total unemployment rate gujarat
 
 
સત્ય શું છે? વાંચો સંપૂર્ણ અહેવાલ
 
અંકલેશ્વરમાં ૧૧ જુલાઈએ નોકરી માટે ૪૪ પદ માટે ૯૭૦ લોકો ઉમટી પડ્યા, રેલિંગ તૂટી પડી અને સમગ્ર દેશમાં ફેક ન્યૂઝનો વાયરો ફેલાયો કે, મોદીના ગુજરાત મૉડલમાં બેરોજગારી વધી ગઈ છે. સત્ય શું હતું? ફૅક ન્યૂઝ પેડલરથી સાવધાન રહેવાની આવશ્યકતા છે.
 
તાજેતરમાં (૧૧ જુલાઈ, ૨૦૨૪) વિવિધ મીડિયાએ સમાચાર ચલાવ્યા કે ગુજરાતમાં આજીવિકાહીનતા કેટલી વધી ગઈ છે, જુઓ! અંકલેશ્વરમાં નોકરી માટે ૧૦ જગ્યા માટે દસ હજાર લોકો ઉમટી પડ્યા. ભીડ એટલી વધી ગઈ કે, રેલિંગ તૂટી પડી અને લોકો ઈજાગ્રસ્ત થયા. ગુજરાતમાં ૨૯ વર્ષથી ભાજપનું શાસન છે. અને કેટલાક કૉંગ્રેસી પત્રકારોએ નવા પત્રકારોના મગજમાં એવું ઠોકી બેસાડ્યું છે કે દરેક વાતમાં સરકારને ઢસડી લાવવી, સરકારને કુખ્યાત કરવી એ જ પત્રકારત્વ છે. એટલે જાણેઅજાણે નવા પત્રકારો અને યૂટ્યૂબરો પણ ગુજરાતમાં બેરોજગારી વધી ગઈ છે તેવા સમાચાર સાથે વિડિયો બનાવીને ચલાવવા લાગ્યા.
 
આની અસર એ થઈ કે રાષ્ટ્રીય સ્તરે પણ આ સમાચાર ચાલ્યા. ઇન્ડિયા ટૂડે ગ્રૂપના સૌરભ દ્વિવેદી સંચાલિત લલ્લનટૉપને ગુજરાતમાં ઘણા પત્રકારો આદર્શ માને છે અને આવા લોકોને સૌરભ દ્વિવેદી લલ્લનટૉપના યૂટ્યૂબ પર ડીબેટમાં ચમકાવે પણ છે. લલ્લનટૉપે આ સમાચારનું યુટ્યૂબ પર શીર્ષક મૂક્યું છે- બેરોજગારી કા મૉડલ ગુજરાત મેં નૌકરી કે લિએ એસી ભીડ જૂટી, રેલિંગ તૂટી, વાઇરલ વિડિયો દેખ ચોંક જાએંગે. નવભારત ટાઇમ્સની વેબસાઇટ પર સમાચારનું હેડિંગ હતું ગુજરાત કી એક કંપની મેં ઇન્ટરવ્યૂ કે લિએ આઈ બેરોજગારો કી ફૌજ, ભીડ દેખકર કહેંગે નૌકરી કે લિએ જાન દોગે ક્યા? દૈનિક ભાસ્કરે હિન્દીમાં તેની વેબસાઇટ પર આવું હેડિંગ મૂક્યું છે (અને સાચી માહિતી આવ્યા પછી સુધાર્યું પણ નથી) ગુજરાત મેં ૧૦ વેકૈંસી કે લિએ ૧૮૦૦ લોગ પહોંચે ધક્કા-મુક્કી મેં સ્ટીલ કી રેલિંગ તૂટી, કાંગ્રેસ બોલી યે નરેન્દ્ર મોદી કા ગુજરાત મૉડલ. ઉત્તર પ્રદેશના કૉંગ્રેસના ધારાસભ્ય અજયકુમાર લલ્લુએ ફેસબુક પર આવા શીર્ષક સાથે આ વિડિયો મૂક્યો- ગુજરાત મૉડલ મેં બેરોજગારી કા આલમ દેખિયે. અંકલેશ્વર કે એક હૉટલ મેં એક પ્રાઇવેટ કંપની મેં ઇન્ટરવ્યૂ દેને કે લિએ આયે બેરોજગાર યુવાઓં કા સંઘર્ષ.
 
પરંતુ સત્ય શું હતું? ઇન્ડિયા ટીવીના ગુજરાત ખાતેના પત્રકાર નિર્ણય કપૂરે ટ્વિટર પર આની સ્પષ્ટતા કરી. આ ખોટા સમાચારની શરૂઆત કરનાર ગુજરાતી પત્રકારોએ ચલાવેલા સમાચારમાં કહેવાયું હતું કે, ૧૮ પદો જ ખાલી હતાં. તેના માટે દસ હજાર લોકો ઊમટી પડ્યા હતા. જોકે બાદમાં ૧૦ હજારનો આંકડો સુધારી ૧,૮૦૦ કરાયો. વેબસાઇટમાં આ થઈ શકે છે, યૂટ્યૂબમાં પણ એડિટ કરીને મથાળું કે વિડિયો વર્ણન સુધારી શકાય છે. એટલે ૧,૮૦૦ આંકડો તો કરી દેવાયો. પરંતુ ખરી વાત એ હતી કે ૪૪ પદો ખાલી હતાં. અને જે કંપનીની વાત હતી તે સરકારી કંપની નહોતી. થર્મેક્સ લિમિટેડ કંપની હતી. એટલે કોઈ ખાનગી કંપનીમાં મોટા પદ પર કે વધુ સારા પગાર માટે ભરતી નીકળી હોય અને વૉક-ઇન (એટલે કે પ્રત્યક્ષ આવીને ઇન્ટરવ્યૂ આપો) ઇન્ટરવ્યૂ હોય તો લોકો તો ઉમટવાના જ છે. નિર્ણય કપૂર સાથે આ લેખકે વાતચીત કરી તો તેમણે કહ્યું કે થર્મેક્સ કંપનીમાં નોકરી મેળવવા ત્યાં આવેલા યુવકો આજીવિકાવિહીન નહોતા. તેમને સારી નોકરી હતી પરંતુ સમાચારમાં કહેવાયું શું? બેરોજગારો છે.
 
બીજું જૂઠાણું એ પણ ચલાવ્યું કે ૧,૮૦૦ અભ્યર્થીઓ હતા (શરૂઆતમાં તો દસ હજારનો આંકડો હતો). નિર્ણય કપૂરે સત્ય જાણ્યું તે મુજબ, કુલ ૯૭૦ અભ્યર્થીઓ હતા. તેમાંથી ૯૬૯ અભ્યર્થીઓ અનુભવી હતા અને તેઓ અન્ય કંપનીઓમાં કાર્યરત છે. એટલે કે તેમની પાસે આજીવિકા હતી.
 
થર્મેક્સ કંપનીએ જે જાહેરખબર બહાર પાડી હતી તે મુજબ જે અભ્યર્થીઓ આવ્યા હતા તે આ મુજબ છે - 
 
૧. ૦-૨ વર્ષના અનુભવવાળા ૪૭ અભ્યર્થી હતા.
૨. ૨-૪ વર્ષના અનુભવવાળા ૧૭૫ અભ્યર્થી હતા.
૩. ૪-૬ વર્ષના અનુભવવાળા ૩૦૧ અભ્યર્થી હતા.
૪. ૬-૮ વર્ષના અનુભવવાળા ૧૮૯ અભ્યર્થી હતા.
૫. ૮-૧૦ વર્ષના અનુભવવાળા ૧૪૨ અભ્યર્થી હતા.
 
નિર્ણય કપૂરે કહ્યું કે, કોઈ રાજકીય પક્ષ જાણ્યા પછી પણ ખોટા સમાચાર હરીફ પક્ષનું નીચું દેખાડવા ફેલાવી શકે તે સમજી શકાય છે, પરંતુ હવે એવું થઈ ગયું છે કે કેટલાક પત્રકારો જ આવા સમાચાર સમજ્યા-કારવ્યા વગર ફેલાવે છે.
 
નિર્ણયજીની વાત સાચી છે. એક જણ સમાચાર ફેલાવે એટલે બીજા મીડિયાના તંત્રી પૂછે કે, આ સમાચાર આપણી પાસે કેમ નથી? એટલે અંકલેશ્વર કે ભરૂચવાળા પત્રકારે પણ એ જ દૃષ્ટિકોણથી સમાચાર મોકલવા પડે. સરકાર વિરોધી સમાચાર વધુ ચાલે તેવી એક માન્યતા છે. તેમાંય ૨૦૨૪ની ચૂંટણીમાં રવીશકુમાર, પુણ્ય પ્રસૂન વાજપેયી, ધ્રૂવ રાઠી વગેરેના યૂટ્યૂબના સબસ્ક્રાઇબર, વ્યૂ, લાઇક, કૉમેન્ટ વધી ગઈ એટલે લોકોના મગજમાં આ વાત ઘર કરી ગઈ છે. પરંતુ તેમાંય સત્ય એ છે કે, એ જોવું જોઈએ કે, લાઇક, કૉમેન્ટ કરનારા કયા દેશના છે, કયા પક્ષના છે. આ લોકોને વિદેશમાંથી બૉટ લાઇક મળી રહી છે. એવી શંકા છે કે તેની પાછળ જ્યૉર્જ સૉરોસ જેવા લેફ્ટ-લિબરલો જે દરેક દેશમાં પોતાના વિચારોવાળી સરકાર ઇચ્છે છે તેમનું અને તેમના જેવા લોકો-કંપનીઓનું ફંડિંગ છે. પરંતુ આનાથી છેવટે અસર પહોંચે છે આ લોકોની વિશ્વસનીયતા પર.
 
પુણ્ય પ્રસૂન વાજપેયીના યુટ્યૂબ વિડિયોનાં હેડિંગ જુઓ
 
ચાર જૂને પરિણામના દિવસે હેડિંગ કાંગ્રેસ હેડક્વાર્ટર સે લાઇવ... નયે પ્રધાનમંત્રી કી ચલ રહી તૈયારી. (આ વિડિયોના એક મહિના પછી પુણ્ય પ્રસૂનને પૂછવું જોઈએ કે ક્યાં ગયા તમારા નવા વડા પ્રધાન?)
 
શપથગ્રહણ સમારંભના દિવસે તેના એક યૂટ્યૂબ વિડિયોનું હેડિંગ હતું અબ શુરૂ હોગા અસલી ખેલ. કિતને દિન ટિકેગી સરકાર?
 
ઉપચુનાવ મેં ભાજપા હુઈ સાફ. મોદી કાલ કા અંત શુરૂ.
 
પુણ્ય પ્રસૂન વાજપેયીએ એક વિડિયો તો ડૉ. હેડગેવારના જન્મસ્થાનવાળા ઘરમાં જઈને કર્યો અને કહ્યું કે આરએસએસ અત્યારે કોઈ વિચારધારા દેવામાં અસમર્થ છે અને સત્તા જે કહે છે તે જ વિચારધારા છે. ન તો આ માટે તેણે કોઈ સંઘ અધિકારીને પૂછ્યું ન તો સંઘના જાણકારને.
 
૨૨ જુલાઈએ પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (પીઆઈબી)એ જાહેર કરેલા આંકડા મુજબ, ગુજરાતમાં આજીવિકાહીનતાનો દર ૧.૭ જ છે જ્યારે ગરીબોની બેલી કહેવાતી સામ્યવાદીઓ અને કૉંગ્રેસની સરકારો જ્યાં ૭૭ વર્ષથી છે તેવા કેરળમાં ૭ અને આઆપ સરકારના શાસનવાળા પંજાબમાં ૬ ટકા છે. ડીએમકે શાસિત તમિળનાડુમાં ૪.૩ છે.
 
૨૦૨૦માં કોરોના વખતે ગુજરાતથી શ્રમિકોએ જે રીતે પગપાળા કે બસ દ્વારા પોતાની માતૃભૂમિગમન કર્યું તે વખતે પણ સ્પષ્ટ થયું હતું કે, ગુજરાત પોતાના જ નહીં, અન્ય રાજ્યોના લોકોને પણ આજીવિકા પૂરી પાડે છે. પરંતુ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાત મૉડલને દેશમાં દર્શાવી ચૂંટણી જીત્યા ત્યારથી ગુજરાત મૉડલને ખરાબ ચિતરવાનો એક સુવ્યવસ્થિત પ્રયાસ છે. પરંતુ તેમાં જ્યારે કહેવાતા પત્રકારો હાથો બને તે દુઃખદાયક પણ છે અને નીંદનીય પણ છે.
 
ગુજરાતમાં છેલ્લાં વીસ વર્ષથી વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં જ યોજાય છે. તેના માટે ચૂંટણી પંચની તૈયારી એપ્રિલથી શરૂ થાય છે. પરંતુ ગત ચૂંટણી વખતે એપ્રિલમાં ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી એટલે કે વાત વહેતી થઈ ગુજરાતમાં ચૂંટણી વહેલી આવી રહી છે. આ લખનારે રાજકીય વિશ્લેષક તરીકે ટીવી ચર્ચામાં કહ્યું પણ ખરું કે એવું કોઈ કારણ નથી દેખાતું કે વહેલી ચૂંટણી આપવી પડે.
 
૨૦૨૪ની ચૂંટણી જાહેર થઈ ત્યારથી જ કેટલીક ચેનલોએ ગરમીની બૂમરાણ મચાવવાનું શરૂ કર્યું. અને મતદાનના દિવસે ભારે ગરમી રહેશે તેવી આગાહી મોટી જગ્યામાં છાપી. ટીવીમાં પણ ચલાવાયું. સાત મેએ મતદાનના દિવસે પણ સમાચારપત્રમાં છપાયું કે ગરમી હશે, પરંતુ મતદાન કરવા અવશ્ય જાજો. તે દિવસે અમદાવાદમાં ગરમી ૩૭ ડિગ્રી હતી. જે રૂમ ટેમ્પરેચર કરતાં બે ડિગ્રી વધુ હતી. અનુમાન મુજબ ૪૦ કે ૪૫ ડિગ્રી નહોતી.
 
તે દિવસે એવું થયું પણ ખરું. ગરમીના ભયથી સવારમાં લોકો મતદાન કરવા નીકળી પડ્યા. પરંતુ લાંબી લાઇનના કારણે જે લોકો મતદાન કરવા ન નીકળી શક્યા તે પછી પાછા ન ગયા. જોકે ભવિષ્યમાં ચૂંટણી પંચે પણ ગરમીના બદલે વસંત કે હેમંત એટલે કે માર્ચ-નવેમ્બર-ડિસેમ્બરમાં ચૂંટણી રાખવી જોઈએ.
 
બીજો નેરેટિવ એવો ચલાવાયો કે, મતદાન ઓછું થયું છે તેથી ભાજપને ફટકો પડશે. પોતાના સંવાદદાતા (જેણે પણ સમાચાર આપવાની લ્હાયમાં અટકળે મતદાનનો આંકડો આપ્યો હોય કે ચૂંટણી પંચે પણ તે વખતે કાચો આંકડો આપ્યો હોઈ શકે)ના મતદાનના આંકડા પરથી અનુમાન કરાવા લાગ્યું.
 
આમાં ઘણી વાર એ વિચાર નથી કરાતો કે પાંચ વર્ષ પહેલાં ચૂંટણીના મતદાનના આંકડાને માપદંડ ન ગણાય કારણ કે પાંચ વર્ષમાં જનસંખ્યા વધી ગઈ હોય છે. તેથી પાંચ વર્ષ પહેલાં ગુજરાતમાં ૪.૨૫ કરોડ મતદારો હતા તો ૨૦૨૨માં ૪.૯૦ કરોડ મતદારો હતા. પાંચ વર્ષ પહેલાં ૬૦ ટકા મતદાન થાય તો ૨.૫૫ કરોડ મતદારોએ મતદાન કર્યું હોય. પરંતુ ૨૦૨૨માં પણ ૬૦ ટકા મતદાન થાય તો ૨.૫૫ કરોડ નહીં, ૨.૯૪ કરોડ મતદારોએ મતદાન કર્યું હોય. એટલે કે મતદાન કરનારાઓની સંખ્યા તો વધી જ છે. એટલે મતદારો નિરાશ છે અને ભાજપ હારશે તેવું ગણિત ફિટ બેસે નહીં. પરંતુ દસ જણા જ્યારે કહે કે તમે ખભે બકરું નહીં, કૂતરું ઉપાડ્યું છે ત્યારે ઘણી વાર લોકો ભ્રમિત થઈ જતા હોય છે. આ દસ જણા જ્યારે પત્રકારના સ્વાંગમાં હોય ત્યારે તેનાથી મોટી વિડંબના કોઈ નથી.
 

જયવંત પંડ્યા

લેખક ગુજરાતના પ્રસિદ્ધ કોલમ લેખક છે. સાધના સાપ્તાહિકમાં તેઓ “સાંપ્રત” નામની કોલમ લખે છે. મુંબઈ સમાચાર, સંજોગ ન્યુઝ, અભિયાન સામયિક, ગુજરાત ગાર્ડિયન, ન્યુઝ ઓફ ગુજરાત જેવા અનેક નામી અખબાર, સામયિકમાં તેવો નિયમિત પણે પોતાના વિચારો શબ્દો થકી પ્રગટ કરે છે, તેઓ અભિયાન સામયિકના ડેપ્યુટિ એડિટર તથા સંદેશ અને ગુજરાત સમાચાર જેવા ગુજરાતના અગ્રગણ્ય અખબારોમાં ડેસ્ક હેડ તરીકે રહી ચૂક્યા છે. હાલ તેઓ ફ્રીલાન્સ પત્રકાર છે, તેઓ અનેક સ્થાનિક અને રાષ્ટ્રીય ન્યુઝ ચેનલ્સમાં નિયમિત રીતે પેનલિસ્ટ તરીકે પોતાનું વિશ્લેષણ રજૂ કરતા રહે છે…